પાંચ રૂપિયા
પાંચ રૂપિયા


હું મારી પત્ની દીપા જોડે બગીચામાં બેસી અલકમલકની વાતો કરી રહ્યો હતો. મંદ મંદ પવનની લહેરખીને લીધે સર્વત્ર પ્રસરી રહેલી તાજા ફૂલોની મહેક અમારા દિલોદિમાગને અનેરી તાજગી આપી રહી હતી. અમે પતિપત્ની વાતોએ વળગ્યા હતા ત્યાં અમારી સામે એક ભિખારી આવીને ઉભો રહ્યો. વયોવૃદ્ધ એ ભિખારીએ ફાટેલી ધોતી પહેરેલી હતી. તેને જોતાજ મારો હાથ આપમેળે ખિસ્સા ફંફોળવા લાગ્યો. આખરે ઘણી તપાસ કર્યા બાદ મારા ખિસ્સામાંથી છુટ્ટા બે રૂપિયા નીકળ્યા. મેં નિરાશાથી દીપાને પૂછ્યું, “તારી પાસે છુટ્ટા પાંચ રૂપિયા હશે ?”
દીપાએ તેની પર્સમાંથી પાંચ રૂપિયાનો સિક્કો કાઢી મને આપતા મેં તે પાંચ રૂપિયાનો સિક્કો ભિખારીના કટોરામાં મુક્યો. ભિખારીના ગયા બાદ દીપાએ મને પૂછ્યું, “એક વાત પૂછું ?”
મેં કહ્યું, “શું?”
તેણે કહ્યું, “હું કાયમ જોઉં છું કે જયારે પણ કોઈ વયોવૃદ્ધ ગરીબ તમારી પાસે આવે છે ત્યારે તમે તેને અચૂક પાંચ રૂપિયા આપો છો. તમારી પાસે બે રૂપિયા છુટ્ટા હતા છતાં તમે તેને પાંચ રૂપિયા આપવાનોજ આગ્રહ રાખ્યો. આવું કેમ ?”
મેં ભૂતકાળની એક ઘટનાને વાગોળતા કહ્યું, “દીપા, વર્ષો પહેલા હું અમદાવાદ ગયો હતો ત્યારે ત્યાંના પરિસરને જોવા અને જાણવા વહેલી સવારેજ હું હોટેલમાંથી બહાર નીકળી એક બસમાં જઈને બેઠો હતો. મારો વિચાર સાંજ સુધીમાં અમદાવાદ વિષે જેટલું જાણી શકાય એટલું જાણી લેવાનો હતો. બસમાં હું જે સીટ પર બેઠો હતો બરાબર તેની બાજુની ખાલી સીટ પર એક ગરીબ ભિખારી આવીને બેઠો તેણે પોતાના હાથમાંનો કટોરો થેલામાં મૂકી તે થેલો સીટ નીચે મુક્યો. એ ભિખારીનું આમ મારી બાજુમાં આવીને બેસવું મને જરાયે ગમ્યું નહોતું. મેં આસપાસ નજર દોડાવી પરંતુ મને બસમાં બીજી કોઈ ખાલી સીટ દેખાઈ નહીં. મેં તીરછી નજરે એ ભિખારી તરફ જોયું તો તેણે એક ફાટેલી ધોતી પહેરી હતી. તેના શરીરમાંથી વિચિત્ર પ્રકારની દુર્ગધ આવી રહી હતી.
આમપણ મારે હવે આગલે સ્ટેશને જ ઉતરવાનું હતું તેથી હું મને કમને મારી સીટ પર બેસી રહ્યો. મનોમન એ ભિખારીને હું ગાળો ભાંડીજ રહ્યો હતો ત્યાં કંડકટર મારી પાસે આવીને ઉભો રહ્યો. મને ક્યાં ઉતરવાનું છે તે જાણી એ બોલ્યો, “ટિકિટના પાંચ રૂપિયા આપો.”
કંડકટરને પાંચ રૂપિયા આપવા મેં ખિસ્સામાં હાથ નાખતા જ મારા ધ્યાનમાં આવ્યું કે હું મારું પાકીટ તો હોટેલમાંજ ભૂલી ગયો હતો ! મારી પાસે એ.ટી.એમ કાર્ડ હતું પરંતુ એ અહીં બસમાં ચાલી શકે તેમ નહોતું ! હું બરાબરનો મૂંઝાઈ ગયો. આજે માત્ર પાંચ રૂપિયાને કારણે સહુ મુસાફરો સામે મારી આબરૂના ધજાગરા થવાના હતા. મુસીબતની ઘડીએ માણસ જાતનું વર્તન વિચિત્ર હોય છે ! કદાચ વડોદરાનું કોઈ ઓળખીતું દેખાઈ જાય એ આશાએ હું અમદાવાદની એ બસમાં નજર ફેરવી રહ્યો !
કંડકટરે ઉતાવળમાં કહ્યું, “સાહેબ, પાંચ રૂપિયા જલદી આપો.”
મેં નિરાશાથી કંડકટર તરફ જોયું. હું તેને વિનંતી કરવા જઈ જ રહ્યો હતો ત્યાં મારી બાજુમાં બેઠેલ એ વૃદ્ધ ભિખારી બોલ્યો, “શું થયું સાહેબ છુટ્ટા પાંચ રૂપિયા નથી ?”
મને ભિખારીની દખલ જરાયે ગમી નહીં. મેં અણગમાથી કહ્યું, “હું મારું પાકીટ મારી હોટેલમાંજ ભૂલી ગયો છું.”
ભિખારીએ કંડકટરને કહ્યું, “સાહેબ, મારી ટિકિટ કાઢો... આમના પાંચ રૂપિયા હું તમને આપું છું.”
આ સાંભળી મને મારી જાત પ્રત્યે ધ્રુણા થઇ. મારું માથું શરમથી ઝુકી ગયું. મેં ધીમેકથી એ ભિખારીને કહ્યું, “તમે કેમ તકલીફ લઇ રહ્યા છો ?”
ભિખારીએ કહ્યું, “સાહેબ, મુસીબતમાં માણસજ માણસના કામમાં આવે ને.”
મેં કંઇક વિચારીને કહ્યું, “તમે ક્યાં રહો છો ? તમે સરનામું કહો. હું ત્યાં આવીને તમને તમારા પાંચ રૂપિયા આપી દઈશ.”
ભિખારીએ કંડકટર પાસેથી ટિકિટ લેતા કહ્યું, “રહેવા દો સાહેબ... ચાલ્યા કરે...”
મારી વાત ધ્યાનથી સાંભળી રહેલી દીપાએ પૂછ્યું, “પછી શું થયું?”
મેં કહ્યું, “આગલું સ્ટેશન આવતા હું એ ભિખારીનો આભાર માની બસમાંથી નીચે ઉતરી ગયો અને સહુથી પહેલું કામ એ.ટી.એમ મશીન શોધી તેમાંથી રૂપિયા કઢાવી લેવાનું કર્યું. ત્યારબાદ મેં એ ભિખારીને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ મને એ ક્યાંય મળ્યો નહીં. હું રાતે અમદાવાદથી વડોદરા આવવા નીકળ્યો પરંતુ એ આખો દિવસ એ અજાણ્યો ભિખારી મારી યાદોમાં મારી સાથેને સાથે રહ્યો. મારી નજર દરેક જગ્યાએ તેને શોધતી રહી.”
હું થોડુંક અટકીને આગળ બોલ્યો, “દીપા, ભલભલા માણસને દુનિયાદારી શીખવાડે છે મુસાફરી ! આજેપણ કોઈક વૃદ્ધને ધોતી પહેરી આમ ભીખ માંગતા જોઉં છું ત્યારે મને એ બસમાંનો દયાળુ ભિખારી યાદ આવી જતા અનાયાસે તેનું ઋણ અદા કરવાના ઈરાદે મારો હાથ ગજવામાં જતો રહે છે તેને આપવા પાંચ રૂપિયા.”