પાલતું કુતરો અને જંગલી કુતરો
પાલતું કુતરો અને જંગલી કુતરો


એકવાર એક પાલતું કુતરો તેનો માર્ગ ભૂલી જંગલમાં ભટકી ગયો. જંગલમાં તેનો ભેટો એક જંગલી કુતરા સાથે થયો. જંગલી કુતરાએ તેને જોઈને પૂછ્યું, “અરે વાહ! તું તો બહું તાજોમાજો દેખાય છે. હું તો આખો દિ’ જંગલમાં રખડું છું તોય પુરતું ખાવાનું મળતું નથી.”
જંગલી કુતરાની વાત સાંભળી પાલતું કુતરો બોલ્યો, “અરે! ભાઈ હું જે ઘરમાં રહું છું તે ઘરનાં સહુ સભ્યો ખૂબજ ભલા છે. તેઓ મને બહુ વહાલ કરે છે. દરરોજ સારું સારું ખાવા માટે આપે છે. તેમનું એ ઋણ ચુકવવામાં હું તેમના ઘરમાં કોઇપણ અજાણ્યા ઈસમને પ્રવેશવા દેતો નથી.”
જંગલી કુતરો બોલ્યો, “અરે વાહ! તારું કામ તો બહુ સરળ છે. શું તું મને પણ તારી સાથે લઇ જવાની કૃપા કરીશ ?”
પાળેલો કુતરાએ સહમતી આપી.
બન્ને કુતરાઓ શહર ભણી ચાલવા લાગ્યા. ઓચિંતી જંગલી કુતરાની નજર પાળેલા કુતરાના ગળા પર જતા તેણે પૂછ્યું, “ભાઈ, તારા ગળામાં આ ચમકતી વસ્તુ શું છે ?”
પાળતું કુતરાએ કહ્યું “દોસ્ત! હું આવતાજતા લોકો પર નજર રાખી શકું એટલે એ પરિવારના સભ્યો આ પટ્ટાને એક સાંકળ સાથે જોડી મને તેમના ઘરની બહાર બાંધી રાખે છે.”
પાલતું કુતરાની વાત સાંભળી જંગલી કુતરાના પગ શહેર તરફ જતા થંભી ગયા. એણે કહ્યું “ના ભાઈ... ના...! ગુલામીના મિષ્ઠાન કરતાં આઝાદીનો સુકો રોટલો ભલો. મારે તારી સાથે નથી આવવું.” આમ બોલી જંગલી કુતરાએ જંગલ તરફ દોટ લગાવી.