ઓમ ફટ્
ઓમ ફટ્




સવાર થતાં તો ગામ આખામાં વાત ફેલાઇ ગઇ.
અમાસની અંધારી રાત ઓઢીને મા રાધિકા અચાનક અંતર્ધ્યાન થઇ ગયાં. કેટલાયનાં દિલ તૂટી ગયાં પણ અંબામંદિરનો ભગત જગદંબા સામે હાથ જોડીને મનોમન માફી માગતો હતો.
" હે મા , માફી દઇ દેજે. પણ મારા સીધાસાદા ભોળા ગામવાળાને કાલની આવેલી આ મા રાધિકાએ થોડી વિજ્ઞાનની યુક્તિની મદદથી બહુ લુંટ્યા. હું સમજાવી સમજાવીને હાર્યો.
કેટલાય નિર્દોષ લોકોના ઘર તંત્રમંત્રથી અમીર થવાની લાલચમાં બરબાદ કરી નાખ્યાં.
કાલે એના જ કપટનો એના પર પ્રયોગ કર્યો. એક જાસાચિઠ્ઠિ મોકલાવી.
તારી આ પાખંડલીલા હવે હું નહી ચલાવું. હું શયતાન અને મારા નામે તેં ઘણા ધતિંગ ચલાવ્યાં. આજની રાત તારી સફેદઝગ સાડી પર જો કંકુનાં છાંટણાં દેખાય તો બીજી સવારે ગામ છોડી દેવામાં જ તારી ભલાઇ છે એટલું સમજી લેજે નહીંતર તારું ધનોતપનોત કાઢી નાખીશ. ઓમ ફટ્."
રાતના અંધકારમાં ભગત મા રાધિકાના આલિશાન આશ્રમમાં પહોંચી ગયો.
સફેદ સાડી પરના લાલ છાંટા જોયા.. ને પોતાની જાત પર હસ્યો...
" તું માતાજી તો હું પિતાજી.."