N.k. Trivedi

Tragedy Inspirational

4  

N.k. Trivedi

Tragedy Inspirational

ઓળખાણ

ઓળખાણ

5 mins
435


સંતુ નાના ગામમાં મોટી થઈ હતી રૂઢિચુસ્ત ગામ અને માન્યતા એવી કે દીકરીઓને ભણાવાય નહીં, દીકરીને ભણીને શું કામ છે એટલે સંતુને ભણવાનો મોકો મળ્યો નહોતો. જ્યારે ગગજી ચાર ચોપડી ભણી બાપા સાથે ખેતીમાં કામે લાગી ગયો હતો. ખેતી બહુ મોટી નહોતી એટલે ભાગ્યા રાખવા પોસાય એમ નહોતો એટલે બાપાને મદદ કરવા અભ્યાસ છોડી ખેતી કરવા લાગ્યો હતો. સંતુને ભણી શકી નહોતી તેનો અફસોસ હતો એટલે ગોપુને ખૂબ ભણાવી મોટો ઓફિસર બનાવની ઈચ્છા હતી.

"સાંભળો છો." "હા, બોલ." "આપણે ગોપુને ખૂબ ભણાવવો છે. હું ન ભણી શકી, તમે પણ ચાર ચોપડી ભણ્યા, આપણું તો ગાડું જેમ તેમ ગબડી ગયું પણ ગોપુને મારે ખેતી નથી કરાવવી." "અરે, ગાંડી આપણી એટલી હેસિયત ક્યાં છે. મારી ઈચ્છા તો તેને મારી સાથે ખેતીમાં કામે લગાડવાની છે એટલે એક મજૂરનાં પૈસા બચી જાય." "ના, હો, મારે તો ભણાવવો છે. આપણે વધારે કામ કરીશુંં. હું પણ તમને મદદ કરીશ. મને કચ્છી ભરત સારું આવડે છે અને બધાને પસંદ પડે છે એટલે એ કામ કરી હું તમને મદદ કરી ગોપુનો ભણવાનો ખર્ચ કાઢી લેશુંં. થોડી કરકસર કરીશુંં. મારે તો આગળ ભણવા માટે શહેરમાં મોકલવો છે." "જેવી તારી ઈચ્છા."

સંતુ અને ગગજી ખૂબ મહેનત કરવા લાગ્યા ને ગોપુને અભ્યાસમાં અને શહેરમાં રહેવાની કોઈ આર્થિક તકલીફ ન પડે એટલે પોતાની જરૂરિયાત ઓછી કરી કરકસરથી રહેતા હતા. શરૂ શરૂમાં ગોપુ વેકેશનમાં, રજામાં ઘરે આવતો જેથી ખર્ચમાં બચાવ થાય અને ગગજીને ખેતીમાં મદદ પણ કરતો.

ઘણા સમયથી ગોપુ આવ્યો નહોતો અને કાઈ ખબર પણ નહોતા. સંતુને ચિંતા થવા લાગી. "તમે ગોપુ પાસે આંટો મારી આવોને મને ચિંતા થાય છે. હું તમને ગોપુને ભાવતો નાસ્તો બનાવી આપું." "મારે અહીં ઘણું કામ છે ગોપુ અભ્યાસને લીધે નહીં આવ્યો હોય." "ભલે તમે ગમે તે કહો મારુ મન નથી માનતું તમે જાવતો સારું." "ભલે તારું મન કહે તેમ હું ગોપુ પાસે જઈ આવું." સંતુએ ગોપુને ભાવતો નાસ્તો બનાવ્યો ગગજીને તાકીદ કરીકે ગોપુને નાસ્તો તમારા હાથે ખવરાવજો અને પૂછજો તારી "માં" એ કેવો નાસ્તો બનાવ્યો છે ?"

ગગજી ગોપુને મળવા શહેર જવા નીકળી ગયો. સંતુ ઘરમાં એકલી પડીને ભાવિ સપનામાં સરી પડી કે મારો ગોપુ મોટો ઓફિસર બની જશે પછી હું આ ખેતીનું કામ નહીં કરું અને ગગજીને પણ નહીં કરવા દઉં, સુખનાં દાડા આવે એટલે સુખ ભોગવી લેવાનું મહેનત, મજૂરીમાં પોણી જિંદગી ખર્ચી નાખી છે. પછી તો ગોપુ માટે મોટા મોટા ઘરનાં માગા આવશે પણ હું એમ જલ્દી મારા ગોપુ માટે કન્યાની પસંદગી નહીં કરું, કન્યા પણ ગોપુ સાથે શોભે એવી હોવી જોઈએ.....આમ સંતુ, ગગજી આવ્યો ત્યાં સુધી સપનામાં વિહરતી રહી, રાચતી રહી.

ગગજી પાસે ગોપુએ આપેલું સરનામું હતું એટલે હોસ્ટેલને શોધતા બહુ વાર ન લાગી. ઓફિસમાં ગોપુનો રૂમ નંબર પુછી ગગજી રૂમ પાસે પહોંચી અંદર ડોકિયું કર્યું, ગોપુ પાંચ--સાત મિત્રો પાસે બેઠો હતો ગગજીને જોઈને કહ્યું "બહાર બેસો હમણાં આવું છું." ગગજી રૂમ બહાર બાંકડા ઉપર બેઠો. "ગોપુ કોણ આવ્યું છે ?" "મારા ગામનાં મારા બાપનાં ઓળખીતા છે." "શું કામ આવ્યા છે ?" "ખબર નથી ?" "ગોપુ તારા બાપાતો નથી ને ?" "ના રે ના." "તો તારા બાપાએ આવા લઘરવઘર ગામડિયાને શુંં કામ તને મળવા મોકલ્યો ?" ગગજી એ આ વાત સાંભળી અને સમજી ગયો કે ગોપુને મારી ઓળખાણ બાપા તરીકે નહીં પણ ગામનાં બાપાનાં ઓળખીતા તરીકે આપી છે. ખૂબ ગુસ્સો આવ્યો, અંદર જઈને બે ધોલ મારીને કહેવાનું મન થતું કે હું તારા બાપનો ઓળખીતો ગામડિયો નહીં ખુદ તારો બાપ છું, પછી વિચાર્યું કે ખુદ જો દીકરો જ ઓળખાણ આપવા માંગતો ન હોય તો બીજા ક્યાંથી ઓળખશે. અમારા સંસ્કારમાં ક્યાં કચાશ રહી ગઈ, ગગજીનું મન ખાટુ થઈ ગયું હતું.

ગગજી ગોપુને મળ્યા વગર ઊભો થયો અને સડેડાટ દોડી બસ સ્ટેન્ડે પહોંચી ગામ જતી બસમાં બેસી ગયો. બસમાં વિચારતો હતો કે સંતુને શું જવાબ આપીશ, નાસ્તા વિશે, ગોપુ વિશે, અને અભ્યાસ વિશે પૂછશે તો ? ગડમથલ અને વિચારમાં ગામ ક્યારે આવી ગયું ખબર ન પડી.

ગામનાં પાદર ઉતરી લીમડાનાં થડે બેસી વિચારતો હતો ત્યાં મહાદેવનાં મંદિરનાં ઘંટનો અવાજ સંભળાયો, વિચાર્યું, ચાલ મહાદેવને પૂછું કે અમારી ગોપુ માટેની તપસ્યાનું આવું ફળ કેમ મળ્યું ? અમારી શું ભૂલ થઈ ? સંતુનાં સપનાનાં વાવેતરમાં કાંટા કેમ ઉગ્યા ? મહાદેવને ફરિયાદ કરી પગથિયાં ઉતરતા ઉતરતા ગગજીની નજર લાઈનમાં બેઠેલા ભિક્ષુકો ઉપર પડી અને તેને સંતુ એ ગોપુ માટે આપેલા નાસ્તાનું શુંં કરવું એ રસ્તો સુજી ગયો. ગગજીએ બધો નાસ્તો ભિક્ષુકોમાં વહેંચી દીધો. ભિક્ષુકોને સંતુએ ગોપુ માટે બનાવેલો નાસ્તો ખાતા જોઈને મન તૃપ્ત થઈ ગયું.

"આવી ગયા ? કેમ છે મારા ગોપુ ને ? નાસ્તો ભાવ્યો ને ? ગોપુને નાસ્તો ભાવ્યો જ હોય, "માં" નાં હાથનો નાસ્તો કોને ન ભાવે. તબિયત સારી છે ને ?" "અરે ! અરે ! મને શ્વાસ તો લેવા દે. ગગજીએ સંતુને નિરાંત થાય એવી વાત કરી પણ સાચી વાત ન કરી. ગગજી સંતુનો ભ્રમ અને ગોપુ ઉપરનો વિશ્વાસ તોડવા નહોતો માંગતો બસ આમજ "બાંધી મુઠ્ઠી લાખની" રાખવા માંગતો હતો.

સંતુએ આજે જીદ કરી મારે ગોપુને મળવા જવું જ છે, ઘણા દિવસથી આવ્યો કે મળ્યો નથી. ગગજી મૂંઝાણો હવે શુંં કરવું ! સંતુ માટેની ગોપુ જે ઓળખાણ આપશે એ સંતુ સહન નહીં કરી શકે અને શહેરથી ગામ લાવવી ભારે પડશે. ગગજીએ સંતુને સમજાવવા બહુ પ્રયત્ન કર્યા પણ સંતુ એકની બે ન થઈ અંતે ગગજીએ સંતુને સાચી હકીકત કહી દેવાનું નક્કી કયું.

ગગજીએ સંતુને પાસે બેસાડી, "જો સંતુ તું ગોપુને મળવા જવાની જિદ છોડી દે. આપણો ગોપુ શહેરની ભીડમાં ખોવાય ગયો છે. એ તને અને મને નહીં ઓળખે." ગગજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. "કેમ એમ બોલો છો ? મને માંડીને વાત કરો." ગગજીએ બધી વાત કરી સંતુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. "મારી જિદે તમારી જિંદગીનો આનંદ લૂંટી લીધો. તમારી પાસે એકલું કામ જ કરાવ્યું. મને માફ કરી દયો." "અરે ! તું શુંં કામ માફી માંગે છે. સપનું તો આપણા બંનેનું હતું, ન પૂરું થયું, બધા સપના પૂરા થાય જ એવું થોડું છે. તું ને હું ક્યાં જુદા છીએ. હજી મારા બાવડામાં બળ છે. આપણે બે સાથે જીવીશુંં ને મરીશુંં." સંતુ દોડીને ગગજીની બાહોમાં સમાઈ ગઈ, ગગજીએ મન મૂકીને સંતુને રડવા દીધી જેથી તેનું મન હળવું થઈ જાય.....પણ દીકરાએ આપેલ ઓળખાણમાં અટવાયેલો ગગજી મન હળવું કરવા ક્યાં જાય.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy