ઓક્સફર્ડ ટુ અડાદરા
ઓક્સફર્ડ ટુ અડાદરા


વર્ષ ૨૦૧૨, રાષ્ટ્રપતિભવનનો એ હોલ આમંત્રિત મહેમાનોથી ભરેલો હતો. સોનેરી અને રૂપેરી પ્રકાશે, બ્રાઉન ફર્નીચર પોલીશથી ચમકતું હતું, ભવ્ય્તીભવ્ય માહોલ સર્જાયો હતો, બે ભાગમાં વહેંચાયેલો એ હોલ કોઈ દરબારની અનુભૂતિ કરાવતો હતો, જ્યાં આગળના ભાગે પદ્મ પુરસ્કાર મેળવનાર પ્રતિભાઓ, દેશના વડાઓ અને ઉચ્ચ હોદ્દે શોભતા સરકારી અમલદારો હતા અને પાછળ એમના પદ્મ પુરસ્કાર મેળવવાના હતા એમના પરિવારજનો અને અન્ય મહેમાનો હતા. રાજદરબારની જેમ દરેક મહેમાનને વીઆઇપી ટ્રીટમેન્ટ મળતી હતી અને એમાં પણ આગળની હરોળમાં બિરાજેલ મહેમાનોને ખાસ. સહુ કોઈ કદાચ નવા જ અને મોંઘા ખરીદેલા કપડામાં સજ્જ હતાં. અને કેમ ન હોય? દેશનું સર્વશ્રેષ્ઠ બહુમાન જો મળવાનું હોય તો કોણ ખુશ ન હોય! શરૂઆતમાં પુરસ્કાર સમારોહની સમજણ અપાઈ, પછી દરેકને ખાસ બતાવ્યું કે નામ બોલાય તો કેવી રીતે રાષ્ટ્રપતિ પાસે જવું, ઉભા રહેવું, ચાલવું, પુરસ્કાર કેવી રીતે લેવો અને ક્યાંથી પરત થવું, વગેરે વગેરે.. સમારોહ શરુ થયો, એક પછી એક નામ બોલાતા ગયા અને એમાં એક નામ બોલાયું તે "શ્રી મિલન મજુમદાર- શિક્ષણ અને જનકલ્યાણ હેતુ પદ્મ પુરસ્કાર".
વર્ષ ૧૯૯૫, ઓક્સફર્ડ યુનીવર્સીટીમાંથી ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ પરિવારનો એકેનો એક વારસદાર, એમબીએ કરીને ભારત પરત થયો, ખાનદાનના ઉદ્યોગમાં એણે પ્રવેશવાનું હતું અને એ પહેલા એણે થોડો સમય પરિવાર પાસે માંગ્યો જેથી એ પોતાના જુના મિત્રો સાથે સમય પસાર કરી શકે. આ અરસામાં એની મુલાકાત એના સૌથી જુના મિત્ર રતન સાથે થઇ. રત્ન, મજુમદાર હાઉસના મહેલ જેવા બંગલામાં કામ કરતા માળીનો દીકરો અને મિલનનો સૌથી પહેલો અને બાળપણનો મિત્ર. વાત કરતા ખબર પડી કે રતન હાલ મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના અંતરિયાળ ગામ અડાદરામાં સ્કુલ ચલાવે છે. મિલનને આ વાત સંભાળીને જ ખુબ નવાઈ લાગી, કારણકે મિલન જાણતો હતો કે રતન પહેલેથી જ એના કરતા ખુબ હોંશિયાર હતો, વળી પાછો એન્જીનીયર પણ. સંપર્કમાં હતા ત્યાં સુધી, મિલન જાણતો હતો કે આ રતન ખુબ ઉપર જશે. પછી એ તો લંડન ચાલ્યો ગયો અને સંપર્ક છૂટી ગયો, આજે ત્રણ વર્ષે મળ્યો ત્યારે અડાદરા???
વાત કરતા ખબર પડી કે, રતન એન્જીનીઅર થયો અને એક દિવસ એના ગામ અડાદરા ગયો ત્યારે એણે જોયું કે અહી લોકો અભણ છે, ભણતા પણ નથી, ગામમાં સ્કુલ છે તો ટીચર નથી. ટીચર છે તે ભણાવતા નથી અને કદાચ ભણાવી શકે એવી ગુણવત્તાવાળા પણ નથી. બહુ ઊંડાણથી આ વાતને ધ્યાન પર લીધી તો સમસ્યા ત્યાં હતી કે અહી લોકો ગરીબ છે એટલે મોંઘુ શિક્ષણ પોસાય એમ નથી, ગામની સ્કુલમાં સરકારી શિક્ષકો માત્ર નામના છે અને એટલે જ શિક્ષણ મોંઘી સ્કૂલોની કક્ષાનું ક્યારેય હોતું નથી. ત્યારે એને સવાલ થયો કે શું શિક્ષણ માટે પૈસો જરૂરી છે? રૂપિયા નક્કી કરશે શિક્ષણની ગુણવત્તા? આર્થિક સ્થિતિ અને શિક્ષણનો મેળ હોવો જોઈએ? શિક્ષણ એ જરૂરીઆત છે કે બીઝનેસ? છ મહિના મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યું એણે પણ કોણ જાણે, એનું મન સતત આ સવાલોથી જ ઘેરાયેલું રહેતું અને અંતે એ અડાદરા ચાલ્યો ગયો. યોજનાઓ બનાવી અને એણે પોતાની એક સ્કુલ શરુ કરી, જ્યાં મફત શિક્ષણ હતું અને એ પણ ગુણવત્તાવાળું.
મિલન આ વાતથી પ્રભાવિત થઇ ગયો અને એની સાથે પહોંચ્યો અડાદરા, એણે જોયું કે રતન સમાજ માટે કંઈક સારું કરે છે. એ વાતથી એણે પ્રેરણા મળી અને એણે પોતાની યોજના બનાવી. શિક્ષણ વિભાગ, જન કલ્યાણ વિભાગ, એનજીઓ, ઉદ્યોગ પતિઓ અને એજ્યુકેશનલ ફાઉન્ડેશન ચલાવનારા ઘણાને સંપર્કમાં લીધા, અને શરુ કર્યું એક જોઈન વેન્ચર જે દૂર અંતરિયાળ ગામોમાં આર્થિક બાબતોથી દૂર સહુને સમાન શિક્ષણની વ્યવસ્થા કરી આપતું હતું. પાંચ વર્ષમાં આ યોજનાથી જે લાભ થયો એ સરકારી મફત શિક્ષણથી પણ નથી થયો, આખેઆખી પ્રાથમિક શિક્ષણ પદ્ધતિને બદલી નાખી મિલનની યોજનાએ. બીજા બે વર્ષમાં એનો વ્યાપ એવો વધ્યો કે ખાનગી શૈક્ષણિક સંસ્થા અને શિક્ષણનો વેપાર કરનારાના પાટીયા પડી જવા આવ્યા. માંસલ અને મની બંને પાવર મિલન પાસે હતા જેનો ઉપયોગ એણે જન કલ્યાણ અને શિક્ષણ માટે કર્યો. ૨૦૧૦માં એણે એન નવો પ્રસ્તાવ કેન્દ્ર સામે મૂક્યો જેમાં ઉચ્ચશિક્ષણને પણ એક સમાન બનાવવા માટે પ્રયોજન હતું. આ વાત જયારે સરકાર સમક્ષ આવી ત્યારે મિલનનું નામ પદ્મ પુરસ્કાર માટે આગળ થયું.
વર્ષ ૨૦૧૨માં એને પદ્મ પુરસ્કાર મળ્યો, સમાન શિક્ષણ અને શિક્ષણને આર્થિક સ્થિતિથી અળગુ રાખવાનો એનો પ્રયત્ન સાકાર થયો. રૂપિયાથી જ્ઞાન મળતું નથી અને શિક્ષણ માટે રૂપિયો જરૂરી પણ નથી.