નવપલ્લવિત .
નવપલ્લવિત .
🌿 નવપલ્લવિત 🌿.
યમુનાના કિનારે એ શરદપૂનમની રાત અસાધારણ રીતે શાંત હતી.
ચાંદ પૂરેપૂરો ખીલ્યો હતો, અને યમુનાનું નિર્મળ જળ ચાંદનીને પોતાના હૃદયમાં સાચવીને ધીમે ધીમે વહેતું હતું.
ગોકુલ જાણે કોઈ દિવ્ય સ્વપ્નમાં ઊંઘતું હતું—
ગાયોનો શ્વાસ, વાંસના ઝાડમાંથી પસાર થતો પવન,
અને દૂરથી સંભળાતો કોઈ રાત્રિપંખીનો ટહુકો…
બધું જ શાંત.
પરંતુ અચાનક—
આકાશના મધ્યમાં એક લાલ, અગ્નિમય રેખા ચમકી.
ક્ષણભર માટે આખું ગોકુલ લાલ પ્રકાશથી ઝળહળી ઊઠ્યું.
ગોપાળો ઘરની બહાર દોડી આવ્યા, સ્ત્રીઓએ બાળકોને છાતીએ ભીંસ્યા, વૃદ્ધોએ આકાશ તરફ જોઈને પ્રાર્થના શરૂ કરી.
મંદિરોમાં ઘંટો વાગવા લાગ્યા.
“આ શું છે?”
“કોઈ અપશુકન તો નથી ને?”
“કંસની કોઈ નવી ચાલ હશે!”
ભયની લહેર ગોકુલમાં ફરી વળી.
એ સમયે નંદભવનના દ્વારેથી કૃષ્ણ બહાર આવ્યા.
હાથમાં વેણુ.
આકાશ તરફ નજર.
લાલ રેખા ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ.
કૃષ્ણના ચહેરા પર કોઈ ભય નહોતો—
માત્ર એક ગહન શાંતિ, જાણે તેઓ આકાશની ભાષા સમજી રહ્યા હોય.
કોઈએ ધ્રૂજતા સ્વરે પૂછ્યું,
“કૃષ્ણ… આ શું છે?”
કૃષ્ણે સૌની તરફ જોયું.
“ડરો નહિ,” તેઓ ધીમેથી બોલ્યા,
“આ કોઈ અંત નથી… આ આપણી પરીક્ષા છે.”
---
બીજા દિવસે બપોરે આકાશમાં અજાણી ગર્જના થઈ.
વાદળ નહોતાં, પરંતુ ધ્વનિ ચારેય દિશામાં પ્રસરી ગયો—
“સાત દિવસ પછી અજ્ઞાત અગ્નિ-લહેર ગોકુલને સ્પર્શશે…”
ગોકુલમાં હાહાકાર મચી ગયો.
કોઈ બોલ્યું, “પ્રલય આવશે!”
કોઈ બોલ્યું, “કંસે કોઈ દૈત્યશક્તિ જગાડી છે!”
માતાઓ બાળકોને લઈને મંદિરોમાં દોડી ગઈ.
વૃદ્ધો શાસ્ત્રોના પાના ખોલીને બચાવ શોધવા લાગ્યા.
પરંતુ કૃષ્ણ?
તેઓ યમુનાના કિનારે બેઠા હતા.
વેણુ હોઠે.
અને વેણુમાંથી નીકળતો સ્વર એવો—
જાણે ભયના અંધકારમાં કોઈએ દીવો પ્રગટાવ્યો હોય.
ગોપાલો તેમની આસપાસ ભેગા થયા.
કૃષ્ણે વેણુ રોકી.
“ભવિષ્યની છાયા જોઈને વર્તમાનનો પ્રકાશ ગુમાવવો નહીં.”
એક બાળક પૂછે,
“પણ જો આપણે મરી જઈશું તો?”
કૃષ્ણ તેને પોતાની પાસે બોલાવે છે.
“મૃત્યુથી પહેલાં જ મરી જવું—શું એ જ સાચું મૃત્યુ છે?”
બાળક કૃષ્ણને જોતું રહે છે.
કૃષ્ણ સ્મિતે કહે છે,
“જેના હૃદયમાં પ્રેમ જીવતો હોય, તેને કોઈ અગ્નિ કદીય ભસ્મ કરી શકતી નથી.”
---
મથુરાના રાજમહેલમાં કંસે પણ આકાશની લાલ રેખા જોઈ હતી.
પરંતુ તેને ભય નહોતો—
હતો માત્ર અહંકારનો ખડખડાટ.
“અગ્નિ-લહેર!” તે હસ્યો.
“પ્રકૃતિ પણ હવે મારી તરફ છે!
કૃષ્ણનો અંત નજીક છે!”
તે દૈત્યસેનાને આદેશ આપે છે—
“ગોકુલના માર્ગો બંધ કરી દો.
ભય ફેલાવો.
કોઈ બહાર ન નીકળે.
કૃષ્ણ ગોકુલમાં જ ફસાઈ રહે.”
કંસ ગોકુલ નથી આવતો—
અહંકાર તેને સિંહાસનથી હલવા દેતો નથી.
---
ગોકુલની ગલીઓમાં દૈત્યસૈનિકો ફરવા લાગે છે.
કોઈ શંખ વગાડે છે, કોઈ ભયાનક નાદ કરે છે, કોઈ ચીસો પાડે છે—
“સાત દિવસમાં બધું ભસ્મ થઈ જશે!”
“કોઈ બચશે નહીં!”
લોકોના હૃદયમાં ફરી ભય ઘૂસી જાય છે.
એ સમયે કૃષ્ણ વેણુ વગાડતા આગળ વધે છે.
તેમના પગલાં જ્યાં પડે છે ત્યાં ભય એક પગલું પાછળ હટી જાય છે.
દૈત્યસૈનિકો કૃષ્ણની સામે ઊભા રહે છે.
પરંતુ અચાનક—
તેમના હાથમાંથી શસ્ત્રો ઢળી પડે છે.
તેઓ કૃષ્ણને જોઈ રહ્યા છે.
કૃષ્ણ કહે છે,
“મોતનો ડર માણસને દૈત્ય બનાવે છે…
પરંતુ પ્રેમ દૈત્યને પણ માણસ બનાવી શકે છે.”
એક સૈનિકની આંખમાંથી આંસુ સરકે છે.
બીજાનું માથું ઝૂકે છે.
ધીમે ધીમે આખી દૈત્યસેના પાછી વળી જાય છે.
ગોકુલ બચી જાય છે.
---
એ જ સાંજે યમુનાના કિનારે અજોડ પ્રકાશ ફેલાય છે.
ચાંદની કરતાં પણ કોમળ.
અને એ પ્રકાશ ચીરી રાધા આવે છે.
તેમના પગલાં જ્યાં પડે છે ત્યાં કુમુદની કળીઓ ખીલી ઊઠે છે.
મયૂરો પાંખો ફેલાવી નાચે છે.
યમુનાનું જળ થંભીને તેમને નિહાળે છે.
રાધા કૃષ્ણ તરફ જોયે છે.
“ગોકુલમાં ભય વ્યાપેલો છે.”
કૃષ્ણ કહે છે,
“પ્રેમ કરુણા ભયનું ઓસડ છે.”
રાધા સ્મિતે કહે છે,
“તો પછી પ્રેમના સુર વહેવા દો.”
કૃષ્ણ વેણુ વગાડે છે.
પ્રથમ સ્વર… પછી બીજો…
અને ગોકુલમાં રાસ શરૂ થાય છે.
ગોપીઓ, ગોપ, વૃદ્ધો, બાળકો—
જે થોડા સમય પહેલાં મૃત્યુથી ડરી રહ્યા હતા,
તે હવે જીવનનો ઉત્સવ મનાવે છે.
તે રાતે ગોકુલમાં કોઈએ પ્રલયની વાત કરી નહીં.
બધાએ માત્ર પ્રેમની વાત કરી.
---
દિવસો પસાર થાય છે.
એક… બે… ત્રણ…
ચોથા દિવસે આકાશ વધુ લાલ બને છે.
પાંચમે દિવસે ધરતી ધ્રૂજે છે.
છઠ્ઠા દિવસે યમુનામાં ગરમી અનુભવાય છે.
અને સાતમો દિવસ આવી પહોંચે છે.
મથુરામાં કંસ ગર્જે છે—
“કૃષ્ણ! હવે તારો અંત આવી ગયો!”
તે આસુરી યજ્ઞો કરે છે.
અગ્નિની જ્વાળાઓ આકાશને સ્પર્શે છે.
મંત્રોમાં ક્રોધ છે.
હૃદયમાં ભય છે.
મનમાં માત્ર એક ઈચ્છા—
કૃષ્ણનો વિનાશ.
પરંતુ ગોકુલમાં?
સૂર્યોદય થાય છે.
કૃષ્ણ યમુનાના કિનારે ઊભા છે.
રાધા સામે.
“રાધે… હવે મારે જવું પડશે.”
રાધા ધીમેથી પૂછે છે,
“પાછા આવશો?”
કૃષ્ણ કહે છે,
“જે દિલમાં વસે છે, તે ક્યારેય દૂર નથી જતા .”
રાધાની આંખો ભીની થાય છે.
કૃષ્ણ યમુના પાર કરીને મથુરા તરફ ચાલે છે.
---
મથુરાના દ્વાર પર કૃષ્ણ પહોંચે છે.
સિંહાસન પર કંસ ખડગ લઈને ઊભો છે.
બંનેની આંખો મળે છે—
એક તરફ અહંકાર, બીજી તરફ શાંતિ.
કંસ ચીસે છે,
“કૃષ્ણ! આજે તારો અંત છે!”
કૃષ્ણ ધીમેથી કહે છે,
“કંસ… તું મને મારવા આવ્યો છે.
અને હું તને મુક્ત કરવા.”
કંસ થોભે છે.
“મને મુક્ત કરશો?”
કૃષ્ણ આગળ વધે છે.
“દૈત્ય જન્મથી નથી બનતો, કંસ… અહંકારથી બને છે.”
કંસ મલ્લોને આદેશ આપે છે.
એક પછી એક મલ્લો કૃષ્ણ પર તૂટી પડે છે.
પરંતુ કૃષ્ણ પવનની જેમ સરકે છે—
કોઈને ઘાયલ કર્યા વિના બધાને પરાસ્ત કરે છે.
અંતે કંસ પોતે ખડગ લઈને દોડે છે.
કૃષ્ણ તેનો હાથ પકડી લે છે.
એક ક્ષણે કંસ ધરતી પર પટકાય છે.
ખડગ દૂર જઈ પડે છે.
કંસ પ્રથમ વખત પોતાના અંદરના ભયને જુએ છે.
આંખોમાં આંસુ આવે છે.
“કૃષ્ણ… હું ખરેખર દૈત્ય છું?”
કૃષ્ણ તેની પાસે બેઠા છે.
“ના, કંસ. તું દેવ છે…
પણ અહંકારને લઈને દૈત્ય બની ગયો હતો.”
કૃષ્ણ તેના માથા પર હાથ મૂકે છે.
કંસની આંખો બંધ થાય છે.
અહંકારનો અંત થાય છે.
આત્મા મુક્તિ તરફ વિલીન થાય છે.
---
એ જ ક્ષણે આકાશ ગર્જે છે.
અગ્નિ-લહેર પૃથ્વીને સ્પર્શે છે.
પરંતુ વિનાશ નહીં—
એક દિવ્ય સફેદ તેજ ધરતીને ઢાંકી લે છે.
યમુના ઝળહળે છે.
વૃક્ષોમાં નવી કૂંપળો ફૂટે છે.
ધરતી લીલોતરી બને છે.
આકાશ નિર્મળ થાય છે.
ગોકુલ પ્રકાશિત થાય છે.
કૃષ્ણ મથુરાથી બહાર આવે છે.
રાધા યમુનાના કિનારે સામે કાંઠે ઊભી છે.
બંનેની આંખો મળે છે.
“શુ અંત ટળી ગયો, કાના ?” રાધા પૂછે છે.
કૃષ્ણ શાંતિથી કહે છે,
“અંત તો આવ્યો હતો…
પણ તે વિનાશનો નહોતો—
એક અહંકારનો હતો.”
રાધા આશ્ચર્યથી જુએ છે.
કૃષ્ણ કહે છે,
“નિયતિ એ નિર્ધારિત અંત કોઈ રોકી શકતું નથી.
પરંતુ એક હૃદયમાંથી અહંકાર દૂર થાય,
એક દુષ્ટ મનુષ્યમાં કરુણા જન્મે,
એક ભયભીત હૃદયમાં પ્રેમ પ્રગટે—
તો આખી સૃષ્ટિનું ભવિષ્ય બદલાઈ શકે છે.”
રાધા પૂછે છે,
“અને આ દિવ્ય પ્રકાશ?”
કૃષ્ણ મોહક સ્મિત સહઃ કહે છે,
“આ વિનાશ પછીનો પ્રકાશ નથી, રાધે…
આ તો માનવીના અંતરમાં જન્મેલો પ્રકાશ છે.”
---
સૂર્યોદય થાય છે.
ગોકુલની ધરતી પર નવી લીલીછમ કૂંપળો ફૂટે છે.
યમુના નિર્મળ બને છે.
મયૂરો નાચે છે.
ગાયો નિર્ભય ચરે છે.
બાળકો હસે છે.
વૃક્ષોની ડાળીઓ પર નવાં પાંદડાં ઝૂમે છે.
સમગ્ર સૃષ્ટિ નવા શ્વાસ સાથે જાગે છે.
વિનાશના ભયમાંથી જન્મેલો એ દિવસ હવે પુનર્જન્મનો દિવસ બને છે.
ભલે કૃષ્ણ તે દિવસથી ગોકુળમાં નથી
પરંતુ
ગોકુળ ના લોકો તેને કહે છે.
“નવપલ્લવિત.”
કારણ કે સૃષ્ટિને બચાવવા માટે બહારની અગ્નિને રોકવી પડતી નથી…
માણસના અંતરમાં સળગતી અહંકારની આગ બુઝાવવી પડે છે.
અને
જ્યારે એ આગ બુઝાઈ જાય
ધરતી જ નહીં,
સમગ્ર સૃષ્ટિ નવપલ્લવિત થઈ ઊઠે છે.
ડિસ્કલેમર
‘નવપલ્લવિત’
એક કલ્પનાત્મક અને સાહિત્યિક કૃતિ છે. આ કથામાં શ્રીકૃષ્ણ, રાધા, કંસ, ગોકુલ, મથુરા તથા અન્ય પૌરાણિક પાત્રો અને પ્રસંગોને આધ્યાત્મિક, પ્રતીકાત્મક અને સર્જનાત્મક કલ્પનાના આધારે રજૂ કરવામાં આવ્યા છે.
આ કૃતિનો હેતુ કોઈ ધાર્મિક ગ્રંથ, પુરાણ કે પ્રાચીન શાસ્ત્રના મૂળ પ્રસંગોનું પ્રમાણભૂત પુનઃકથન કરવાનો નથી. કથામાં ઉમેરાયેલા સંવાદો, ઘટનાઓ, અગ્નિ-લહેર, દૈત્યસેનાઓ તથા અન્ય પ્રસંગો લેખકની સાહિત્યિક કલ્પનાના અંશો છે.
વાચકોએ આ કૃતિને ધાર્મિક ઇતિહાસ અથવા શાસ્ત્રીય પ્રમાણ તરીકે નહીં, પરંતુ આધ્યાત્મિક સંદેશ ધરાવતી કલ્પનાત્મક સાહિત્યિક રચના તરીકે સ્વીકારવી.
આ કથાનો મૂળ સંદેશ માનવહૃદયમાંથી ભય, અહંકાર અને દ્વેષને દૂર કરીને પ્રેમ, કરુણા, આશા અને આત્મજાગૃતિ તરફ આગળ વધવાનો છે.
કલ્પેશ પટેલ- ©2026
