La Madre dell’Acqua
La Madre dell’Acqua
La Madre dell’Acqua~પાણીની માતા
“La Madre dell’Acqua” ઇટાલિયન ભાષાનો શબ્દસમૂહ છે.
La = “આ / તે” (સ્ત્રીલિંગ માટેનું “The”)
Madre = માતા
dell’Acqua = પાણીની / જળની
અટલે “La Madre dell’Acqua” નો ગુજરાતી અર્થ થાય:
💧 “જળમાતા” અથવા “પાણીની માતા”
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પાણીની માતા
વેનીસમાં કહેવાય છે કે શહેરને તેની કેનાલો માત્ર વહેંચતી નથી, કેટલાક રહસ્યોને સદીઓ સુધી સાચવીને પણ રાખે છે.
ગ્રાન્ડ કેનાલ વેનીસના હૃદયને એક વિશાળ ઊલટા S આકારમાં કાપતી કેનાલ છે. શહેરને તે બે ભાગમાં વહેંચે છે.
દિવસ દરમિયાન એ જ કેનાલના પાણી પર ગોંડોલા તરતી હોય, ચારે બાજુ સંગીત સંભળાતું હોય અને પ્રવાસીઓની ભીડ હોય.
પરંતુ રાત પડ્યા પછી…
એ જ પાણી જાણે કોઈ જૂની ભાષામાં વાત કરતું હોય.
વેનીસની એક પ્રાચીન લોકવાયકા છે, La Madre dell’Acqua, એટલે કે પાણીની માતા.
કહેવાય છે કે સદીઓ પહેલાં એક સ્ત્રી પોતાના નાનકડા દીકરાને શોધતી શોધતી ગ્રાન્ડ કેનાલમાં પડી ગઈ હતી. તેનો મૃતદેહ ક્યારેય મળ્યો નહીં. લોકો કહે છે કે તે સ્ત્રી મરી નહોતી…
તે પાણીમાં રહી ગઈ હતી.
અને ત્યારથી વેનીસમાં એક માન્યતા ચાલી આવે છે.
“જ્યાં બાળક રડે, ત્યાં પાણીની માતા જરૂર પહોંચે છે.”
પણ એ માત્ર બાળકને રોતો અટકાવી ડરાવા આવતી નથી.
તે પોતાનો ખોવાયેલો બાળક શોધવા આવે છે.

Maria Zamora વેનીસના San Polo વિસ્તારમાં આવેલા એક જૂના, સાંકડા મકાનમાં પોતાના પાંચ વર્ષના દીકરા Luca સાથે રહેતી હતી.
તેનો પતિ Marco Villalba ત્રણ વર્ષ પહેલાં કોઈ કારણ આપ્યા વગર તેમને છોડીને ચાલ્યો ગયો હતો.
જતાં પહેલાં તેણે માત્ર એક વાત કહી હતી.
“Maria… જો ક્યારેય આપણો Luca પાણી વિશે કંઈ વાત કહે… તો એને અવગણતી નહીં.”
Mariaએ એ વાતને પતિની પાગલપણી ગણાવી હતી.
પરંતુ હવે…
Marcoને ગયાને ત્રણ વર્ષ થઈ ગયા હતા.
અને Luca આજકાલ રોજ રાત પડે અને પાણી વિશે વાત કરવા લાગ્યો હતો.
દર રાત્રે તે એક જ વાત કહેતો.
“મમ્મા… જો ને, આ મારાં ફોનમાં ફરી પાણીની આંટીનો મેસેજ આવ્યો.”
Maria હસીને તેનો ફોન લેતી, અને જોઈ લેતી .
કારણ કે સ્ક્રીન પર કોઈ નંબર ન હતો.
કોઈ નામ ન હતું.
કોઈ મેસેજ પણ ન હતો.
પરંતુ Luca આગ્રહપૂર્વક કહેતો. મામ્મા
“હમણાં જ આવ્યો હતો.”
હમણાં જ સાંભળ્યો હતો
“શું હતું?”
Luca ધીમેથી કહેતો—
“Luca… vieni da me…”
“(એનો ગુજરાતી માં અર્થ)”
“આંટી કહે છે—લુકા, મારી પાસે આવ.”
Mariaના હૃદયમાં પહેલી વાર અજાણ્યો ડર ઊતર્યો.
એક રાતે Luca અચાનક ચીસ પાડીને જાગી ગયો.
“મમ્મા!”
Maria દોડીને તેના રૂમમાં પહોંચી.
Luca પલંગના ખૂણે બેઠો હતો.
તેના ચહેરા પર ભય નહોતો.
પરંતુ આંખોમાં કંઈક એવું હતું જે પાંચ વર્ષના બાળકની આંખોમાં હોવું જ ન જોઈએ.
Maria એ નીચે જોયું.
લાકડાની ફર્શ પર પાણીનાં પગલાં હતાં.
નાનાં બાળકનાં નહીં.
એક સ્ત્રીનાં.
લાંબા.
ભીના.
અને સીધા દરવાજાથી Lucaના પલંગ સુધી આવતા.
પલંગની બાજુમાં એક Venetian માસ્ક (વેનીસનું ઇટાલિયન શૈલી નું ) nપડેલું હતું.
સફેદ.
જૂનું.
અને તેની આંખોના ખાડામાં પાણી ભરેલું હતું.
Mariaએ માસ્ક ઉપાડ્યું .
તે બરફ જેવું ઠંડું હતું.
અને અચાનક તેને માસ્કની અંદરથી બાળકના રડવાનો અવાજ સંભળાયો.
તેણે માસ્ક તરત જ ફેંકી દીધો.
“મમ્મા…”
Lucaએ ધીમેથી કહ્યું,
“આંટી આવી હતી.”
“કઈ આંટી?”
“પાણીની આંટી.”
---
તે રાતે Maria Lucaને પોતાના રૂમમાં લઈ ગઈ.
પરંતુ ઊંઘ ક્યાંથી આવવાની?
મધરાત પછી Lucaએ આંખો ખોલી.
“મમ્મા…”
“શું થયું?”
“એણે, હવે મારા કાનમાં કહ્યું…”
Luca થોડી ક્ષણ ચૂપ રહ્યો.
પછી બોલ્યો.
“હું તેનો છું.”
Mariaના શરીરમાંથી લોહી જાણે ખેંચાઈ ગયું.
તેણે Lucaને ઉઠાવીને અરીસાની સામે ઊભો કર્યો.
અને પછી…
તેનો શ્વાસ અટકી ગયો.
અરીસામાં Mariaનું પ્રતિબિંબ હતું.
પણ…
Lucaનું નહોતું.
Lucaની જગ્યાએ એક સ્ત્રી ઊભી હતી.
લાંબા ભીના વાળ.
સફેદ ચહેરો.
ખાલી આંખો.
અને હાથમાં એ જ ભીનું Venetian mask.
સ્ત્રી ધીમેથી સ્મિત કરી.
પછી અરીસામાંથી અવાજ આવ્યો—
“Maria… tuo figlio è mio…”
Maria… તારો દીકરો મારો છે.
અરીસો એકાએક તૂટી ગયો.
---
આ વખતે Mariaને Marcoની વાત યાદ આવી.
તે તરત જ જૂના કપડાંના કબાટમાંથી Marcoની વસ્તુઓ શોધવા લાગી.
એક જૂનો લાકડાનું બોક્સ મળ્યું .
અંદર કેટલાક જૂના ફોટોગ્રાફ હતા.
એક ફોટોગ્રાફમાં Marco એક વૃદ્ધ ગોંડોલિયર સાથે ઊભો હતો.
બીજા ફોટામાં એક જૂની કેનાલ હતી.
અને ત્રીજા ફોટાના પાછળ Marcoએ લખ્યું હતું—
“જો Lucaનું નામ ફરી પાણી બોલાવે… તો તેને એકલો ન છોડતી.”
Mariaના હાથ ધ્રૂજી ગયા.
તેની નીચે બીજી એક લાઇન હતી—
“મારી મા પણ એ જ રીતે ગઈ હતી.”
Mariaને સમજાયું નહીં.
પરંતુ બોક્સના તળિયે એક જૂનો કાગળ હતો .
તેમાં વેનીશિયન લોકકથા વિશે લખેલું હતું.
સદીઓ પહેલાં એક સ્ત્રીનો દીકરો—Luca—કેનાલમાં ડૂબી ગયો હતો.
માતા તેને બચાવવા પાણીમાં કૂદી.
બંનેના મૃતદેહ ક્યારેય મળ્યા નહીં.
તે દિવસથી…
દરેક પેઢીમાં જ્યારે કોઈ બાળકનું નામ Luca રાખવામાં આવે…
પાણીની માતા તેને પોતાનો દીકરો માની લે છે.
Marcoએ છેલ્લે એક જ વાક્ય લખ્યું હતું—
“મારા પિતાએ મને બચાવ્યો હતો. હવે મારી વારી છે, મારાં દીકરા ને બચાવવાની .”
Mariaના હાથમાંથી કાગળ પડી ગયો.
Marco કેમ ગયો હતો…
હવે તેને સમજાયું.
તે Maria અને Lucaને છોડીને ભાગ્યો નહોતો.
તે કદાચ…
પાણીની માતાથી Lucaને દૂર રાખવા ગયો હતો.
---
એ જ રાત્રે વેનીસની કેનાલો અચાનક ઉફાન પર આવી.
બહાર પવન નહોતો.
વરસાદ નહોતો.
છતાં પાણી વધતું જતું હતું.
ગોંડોલાઓ દોરડાં તોડી તરવા લાગી.
કેનાલનું પાણી ઘરોની સીડીઓ સુધી આવી ગયું.
Mariaએ Lucaને છાતીએ ચાંપ્યો.
“ડરતો નહીં.”
Luca શાંત હતો.
અતિશય શાંત.
તે Maria તરફ જોઈને બોલ્યો—
“મમ્મા…”
“હા?”
“આજે આંટી મને લેવા આવશે.”
અને એ જ ક્ષણે ઘરના દરવાજા નીચેમાંથી પાણી અંદર આવવા લાગ્યું.
થોડા જ પળોમાં આખી ફર્શ પાણીથી ભરાઈ ગઈ.
દીવાલો પરથી પાણી ટપકવા લાગ્યું.
અને અચાનક…
ઘરમાં ઘણા બધા Venetian masks જીવંત થઈ ગયા.
દરેક માસ્કની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું.
પછી પાણીની વચ્ચે એક સ્ત્રી ઊભી થઈ.
La Madre dell’Acqua.
તેના પગ પાણીમાં નહોતા.
પાણી તેના પગમાંથી ઊગતું હતું.
તે ધીમે ધીમે Luca તરફ આગળ વધી.
Lucaએ Mariaનો હાથ છોડ્યો.
“લુકા!”
Mariaએ તેને મજબૂતીથી પકડી લીધો.
પાણીની માતા હસી.
“તને ખબર છે, Maria…”
તેનો અવાજ જાણે દૂરની કેનાલમાંથી આવતો હતો.
“તારા દીકરાનું નામ Luca છે.”
Maria ચૂપ રહી.
સ્ત્રી આગળ બોલી—
“મારા દીકરાનું નામ પણ Luca હતું.”
તેની આંખોમાં પહેલી વાર દુઃખ દેખાયું.
“સદીઓથી હું તેને શોધું છું.”
Mariaએ ચીસ પાડી—
“આ મારો દીકરો છે!”
પાણીની માતાએ માથું ઢાળ્યું.
“ના…”
તે ધીમેથી બોલી—
“આજ સુધી.”
અચાનક આખું ઘર ધ્રૂજી ઊઠ્યું.
દીવાલોમાંથી સૈંકડો હાથ બહાર આવવા લાગ્યા.
દરેક હાથમાં એક Venetian mask હતો.
Lucaની આંખો બંધ થઈ ગઈ.
અને તેના હોઠ પરથી એક અજાણ્યો અવાજ નીકળ્યો—
“Mamma…”
Mariaએ તેને વધુ જોરથી પોતાની છાતીએ ચાંપ્યો.
“હું તારી મા છું!”
પાણીની માતા એક ક્ષણ માટે સ્થિર થઈ.
પછી તેણે Mariaને જોયું.
અને ધીમેથી કહ્યું.
“મને પણ એ જ લાગતું હતું… જ્યારે મારો Luca જીવતો હતો.”
એક જોરદાર મોજું આવ્યું.
Mariaનો હાથ Lucaના હાથ પરથી છૂટી ગયો.
“LUCA!”
Luca પાણીમાં ખેંચાતો ગયો.
Maria તેની પાછળ કૂદી.
પણ પાણીની અંદર…
પાણી ને કોઈ તળિયું નહોતું.
માત્ર અંધકાર.
અને દૂરથી બાળકના હાસ્યનો અવાજ.
---
સવાર થઈ.
વેનીસ ફરી શાંત હતી.
ગોંડોલા ફરી કેનાલમાં ફરતી હતી.
Mariaનું જૂનું ઘર ખાલી હતું.
ઘરમાં પાણીનું એક ટીપો પણ નહોતું .
દીવાલો સૂકી હતી.
ફર્શ સૂકી હતી.
જાણે રાત્રે કંઈ બન્યું જ ન હોય.
પરંતુ દરવાજા પર બે Venetian masks લટકતા હતાં.
એક સ્ત્રીનો.
અને બીજો…
એક નાનકડા બાળકનો.
બન્નેના ચહેરા ભીના હતા.
અને તેમની આંખોમાં પાણીના બે ટીપાં ચમકી રહ્યા હતા.
ગોંડોલિયરોએ ઘરમાં કોઈને જોયું નહીં.
Maria નહોતી.
Luca પણ નહોતો.
પરંતુ તે દિવસથી…
વેનીસની રાત્રે જ્યારે કોઈ બાળક રડતું—
ક્યારેક કોઈ અજાણ્યો ફોન વાગતો.
સ્ક્રીન પર કોઈ નંબર દેખાતો નહીં.
માત્ર એક મેસેજ આવતો—
“Luca… vieni da me…”
લુકા… મારી પાસે છે .
અને વેનીસના પાણીમાં…
કોઈ સ્ત્રીનો હળવો હાસ્ય સંભળાતો.
કહેવાય છે—
વેનીસમાં પાણી ક્યારેય કોઈને ભૂલતું નથી.
ખાસ કરીને…
એને, જેને તે પોતાનું માને છે.
વાંચન વિશેષ ~
ગોન્ડોલા- એક પરિચય.
વેનીસની ગલીઓ જેટલી પ્રસિદ્ધ છે, એટલી જ તેની ગોન્ડોલા પણ છે. ગોન્ડોલા લાંબી, સાંકડી અને હળવી વળાંક ધરાવતી પરંપરાગત હોડી છે, જે સદીઓથી વેનીસની સાંકડી કેનાલોમાં લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. તેનો એક છેડો ઊંચો વળેલો હોય છે અને પાછળ ઊભેલો,ગોન્ડોલિયર ( નાવિક )લાંબી ‘રેમા’ નામના હલેસાથી તેને કુશળતાપૂર્વક ચલાવે છે.
કાળી ચમકતી ગોન્ડોલા, પાણી પર પડતાં દીવાઓનાં પ્રતિબિંબ અને જૂની ઇમારતોની વચ્ચે તેની સરકતી નિઃશબ્દ ચાલ એ વેનીસની ઓળખનો અભિન્ન ભાગ છે.
પરંતુ રાત્રિના અંધકારમાં, જ્યારે કેનાલો શાંત થઈ જાય અને ગોન્ડોલાનો ફરતી બંધ જાય છે …
કલ્પેશ પટેલ -© 2026

