STORYMIRROR

Kalpesh Patel

Comedy Drama Children

4  

Kalpesh Patel

Comedy Drama Children

જયંતિ જોખમ.

જયંતિ જોખમ.

3 mins
0







જયંતિ જોખમ 

😂 સુપર-હાસ્ય સફર😂

પ્રોબ ~ જોખમ 

જયંતિ અને જસોદા એક જ ચાલીમાં રહેતાં હતાં.

બંને પતિ-પત્ની હતાં, પણ સ્વભાવમાં જમીન-આકાશનો ફરક.

જયંતિ જન્મજાત ડરપોક.

જસોદા?

એ તો જાણે જોખમની મોટી બહેન!

જયંતિ રાત્રે બાથરૂમમાં જતાં પહેલાં લાઇટ ત્રણ વાર ચાલુ-બંધ કરીને તપાસે કે બલ્બ બરાબર છે કે નહીં. જસોદા રાત્રે બાર વાગે પણ પડોશમાં કોઈનો નળ ટપકતો હોય તો પાઇપ લઈને પહોંચી જાય.

જયંતિ કહે,

“જસોદા, કોઈ કામમાં જોખમ હોય તો મને દૂરથી જ બોલાવજે.”

જસોદા હસીને કહે,

“તમારે તો જોખમનું નામ સાંભળતાં જ દૂર થઈ જવાનું હોય છે!”

---

ચોમાસું આવ્યું.

રાહ જોવડાવીને આખરે આજે વરસાદ એવો પડ્યો કે જાણે આકાશે વોટ્સએપ ગ્રુપમાં લખ્યું હોય—

“Guys, today full revenge mode!”

ચાલીની ગલીમાં પાણી ભરાતું ગયું.

લોકો ગભરાયા.

જસોદા તૈયાર.

જયંતિ?

એ તો પાણી વધશે એટલે Wi-Fi બંધ થઈ જશે એની ચિંતા કરતો હતો.

જસોદા પડોશીઓના ઘરમાં દોડતી—કોઈનું અનાજ બચાવે, કોઈની દાદીને ખાટલા પર બેસાડે, કોઈનો સિલિન્ડર ઉપર મૂકે.

જસોદા જાણે ચાલી-ની Avengers!

એ વચ્ચે કોઈએ પૂછ્યું,

“જયંતિ ક્યાં છે?”

જસોદાએ આંખો ઊંચી કરી.

“હમણાં તો ઘરમાં હતો... એ કોઈ જોખમ લે તેવા નથી. એ ચોક્કસ ચાલીની બહાર નીકળી ગયો હશે!”

પણ હકીકત કંઈક જુદી હતી.

જયંતિ ઘરમાં જ હતો.

કબાટ ઉપર બેસેલો!

કબાટ એટલે એની પર્સનલ સ્વિસ બેન્ક.

કપડાં, ફાઇલો, વીમાની પોલિસીઓ... અને સૌથી કિંમતી—પાંચ હજાર રૂપિયા.

જસોદાને જો એની ખબર પડે તો મોટો “કબાટ-કાંડ” થઈ જાય!

પાણી વધતું ગયું.

કબાટ હલતું ગયું.

જયંતિ ડગ્યો નહીં.

એ પ્રાર્થના કરતો ગયો—

“હે હનુમાન દાદા, પૈસા બચી જાય તો સારું... હું એક રૂપિયાનું તેલ ચડાવીશ. દાદા, તમને તો ખબર છે જ કે મને તો anyhow તરતાં આવડતું જ નથી!”

એટલામાં કંઈક તેની પીઠ સાથે અથડાયું.

જયંતિએ પાછળ જોયું.

નાની રીના!

પાણીમાં તણાતી તણાતી એ જયંતિ સુધી આવી પહોંચી હતી.

રીના સીધી જયંતિને ચોંટી પડી.

જયંતિનો ચહેરો એવો પીળો થઈ ગયો કે જાણે Netflix પર horror scene ચાલુ થઈ ગયો હોય.

“અરે બાપ રે! હવે એકના બદલે જોખમ ડબલ થઈ ગયું!”

એક હાથ કબાટ પર, એક હાથ બાળક પર.

પણ અચાનક—

કબાટ ડગ્યું.

કબાટનો આધાર છૂટ્યો.

કબાટ આડું પડીને પાણીમાં તરવા લાગ્યું.

જયંતિ ચીસ પાડ્યો—

“બાપરે! મને તરતાં આવડતું નથી અને આ કબાટ તરતું જાય છે!”

પાણી કબાટ સાથે બંનેને ઘરની બહાર તાણી લઈ ગયું.

બહાર બચાવકાર્યમાં આવેલા લોકો દોડ્યા.

કોઈ દોરડું લાવ્યો, કોઈ ખાટલો ધકેલતો આવ્યો.

ચીસો, બૂમાબૂમ—જાણે મોબાઇલ વગરનું WhatsApp Live શરૂ થઈ ગયું હોય!

ત્યાં તરતો એક લાકડાનો ખાટલો બંનેની આડે આવ્યો.

કબાટ પરથી લપસીને જયંતિ અને રીના ખાટલા પર પડ્યાં.

લોકોએ તરત બંનેને ખેંચીને સલામત જગ્યાએ પહોંચાડ્યાં.

રીના જયંતિની છાતી સાથે ચોંટેલી હતી.

જયંતિ હજુ બીકના માર્યા ધ્રૂજતો હતો.

લોકો તાળીઓ પાડવા લાગ્યા.

“વાહ જયંતિભાઈ!”

“બાળકીનો જીવ બચાવ્યો!”

“આજે તો કમાલ કરી!”

જયંતિ કંઈક કહેવા જતો હતો.

“પણ મેં તો...”

જસોદાએ તરત તેને અટકાવ્યો.

“ચૂપ!”

જયંતિએ તેની સામે જોયું.

જસોદા ધીમેથી બોલી,

“લોકો તાળી પાડે છે... enjoy the moment!”

જયંતિ ચૂપ થઈ ગયો.

---

વરસાદ ગયો.

જન્માષ્ટમી આવી.

ચાલીમાં કનૈયાના દર્શન સાથે જયંતિનું પણ બહુમાન થયું.

ગળામાં હાર પહેરાવવામાં આવ્યો.

માથા પર તિલક થયું.

અને જયંતિ સાથે જસોદાનું પણ માન-પાન વધી ગયું.

“આ તો જયંતિભાઈની જસોદાબેન!”

સાતમ-આઠમની રજાઓમાં આખી ચાલીમાં એક જ નામ ગુંજતું રહ્યું—

જયંતિ જોખમ!

જયંતિ દર વખતે કહે,

“અરે ભાઈ, મેં કોઈ જોખમ લીધું નહોતું!”

લોકો હસીને કહે,

“હા હા... modest હીરો! તમે તો છૂપા રુસ્તમ નીકળ્યા!”

પણ જયંતિ મનમાં વિચારતો—

“છૂપો રુસ્તમ તો ઠીક છે... પણ કબાટનું શું?”

રજાઓ પૂરી થઈ.

એક દિવસ જયંતિ ચુપચાપ ચાલીની બહાર ગયો.

પૂરમાં તણાઈ ગયેલું એનું કબાટ શોધી કાઢ્યું.

ચાર માણસોની મદદથી કબાટ ઘરે લાવ્યો.

કબાટ ખોલ્યું.

પાંચ હજારની નોટો હજુ અંદર હતી.

ભીની!

જયંતિએ એક-એક નોટ કાઢી, પંખા નીચે સૂકવી અને પછી ગણતરી કરી.

ચાર હજાર નવસો નેવું રૂપિયા!

દસ રૂપિયા ગાયબ!

જયંતિએ આકાશ તરફ જોયું.

“હનુમાન દાદા... તેલનો ખર્ચ ભલે એક થી વધી  દસ રૂપિયા વધ્યો, મારી બધા પુરી થઇ જાણ જે !”

---

એક દિવસ જસોદાએ પૂછ્યું,

“હવે સમજાયું? વાહવાહી પામવા જીવનમાં જોખમ લેવું પડે.”

જયંતિ હસ્યો.

“હા, પણ એક વાત વધારે સમજાઈ.”

“કઈ?”

જયંતિ ગંભીર થઈને બોલ્યો,

“જોખમ લેવાની હિંમત કરતાં... લોકો શું સમજે છે એનું જોખમ વધારે મોટું હોય છે!”

જસોદા ખડખડાટ હસી પડી.

અને ત્યારથી જ્યારે પણ ચાલીમાં કોઈ મુશ્કેલ કામ આવે—

એક જ અવાજ ગુંજે—

“જયંતિ જોખમને બોલાવો!”

જયંતિ ઉપરથી હસતો.

પણ મનમાં કહેતો—

“હે ભગવાન, મારી સાચી હકીકત કોઈને ખબર ન પડે...

ખાસ કરીને જસોદાને તો નહીં જ!”

ડિસ્કલેમર

આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક અને મનોરંજનના હેતુથી લખાયેલી છે. વાર્તાના પાત્રો, પ્રસંગો, બાધા અસ્થા, સંવાદો અને ઘટનાઓ કોઈ ચોક્કસ વ્યક્તિ કે વાસ્તવિક ઘટનાને આધારે નથી. વાર્તામાં રજૂ થયેલી પરિસ્થિતિઓમાં હાસ્ય અને કલ્પનાનો ઉમેરો કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ, સમુદાય કે સ્થળ સાથે સામ્ય માત્ર સંયોગ ગણવો.

કલ્પેશ પટેલ ©2026



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Comedy