નેટ બબાલ
નેટ બબાલ
નેટ બબાલ
ઓખા ગામમાં ઈન્ટરનેટ આવ્યું!
ઓખા ગામમાં એક દિવસ સવારે એવી ખબર ફેલાઈ કે જાણે ગામના દરિયા કિનારે જૂની શ્રી કૃષ્ણની દ્વારિકાની સોનાની ઈંટો રેઢી મળી આવી હોય.
“ઈન્ટરનેટ આવ્યું! ઈન્ટરનેટ!”
લઘો નાઈ પોતાની દુકાન આગળ બેસીને એક ગ્રાહકની દાઢી બનાવતો હતો. સમાચાર સાંભળતાં જ એની અસ્તરાવાળી હથેળી હવામાં જ અટકી ગઈ.
“ઈન્ટરનેટ? અરે બાપલા! શું કહ્યું? આ વળી કયું નવી જાતનું ‘લેંટ’?”
ચંદુ કાકાએ કહ્યું, “અરે ડફોળ! "લેંટ" નહિ, "નેટ"! "નેટ" લઘા, હવે દુનિયા આખી તારી હથેળીમાં દેખાશે પણ તારે મોબાઈલ વસાવવો પડે!”
લઘાએ આંખો પહોળી કરી.
“પણ ભાઈ, દુનિયા તમારા મોબાઈલમાં આવી જશે તો ગામમાં ખાલી જગ્યામાં કોણ રહેશે?”
બાજુમાં બેઠેલા ભીખાભાઈ બોલ્યા, “અરે મૂર્ખ! એનો અર્થ વીડિયો, સમાચાર, ફોટા, ફિલ્મ… બધું જોઈ શકાશે.”
લઘો ગંભીર થઈ ગયો.
“એટલે હવે વરરાજા જોવા છોકરીવાળાએ વરના ઘરે જવાની જરૂર નહીં?”
“ના.”
“અને છોકરાવાળા પણ છોકરીનો ફોટો મોબાઈલમાં જોઈ શકે?”
“હા.”
લઘાએ તરત કહ્યું, “અરે કાળાને ધોળો અને ધોળાને રૂપાળો બનાવી દે એવો પણ કરતબ છે આ નેટના જોરમાં!
તો પછી મારી દુકાનનું કામ તો ગયું!
હું અત્યાર સુધી છોકરાના વાળ કાપી, રંગી ને એને સારો દેખાડતો હતો.
હવે તો મોબાઈલમાં નેટ લગાવીને જ લગ્ન નક્કી થઈ જશે!
તો. મારૂ શું થશે?”
આટલામાં ગામના સરપંચ આવ્યા.
તેમણે જાહેરાત કરી, “આજથી આપણું ઓખા ગામ ડિજિટલ ગામ!”
લઘાએ પૂછ્યું, “સરપંચ, ડિજિટલ એટલે શું?”
સરપંચે કહ્યું, “અઘરા સવાલ પૂછ નહીં… બસ જીઓ હવે, નેટ આવ્યું છે.”
“એટલે બધું ઓનલાઈન.”
લઘો તરત બોલ્યો, “તો દાઢી પણ ઓનલાઈન કરવાની?”
સરપંચે માથું પકડી લીધું.
બીજા દિવસે કોઈ ઘરાકે મૂકાભાઈનો જૂનો જીઓ સ્માર્ટફોન લઘાને પકડાવી દીધો.
લઘાએ દુકાનની બહાર મોટું બોર્ડ લગાવ્યું:
“હેર સેટિંગ સલૂન
પ્રોપરાયટર લઘો નાઈ
હવે ઓનલાઈન દાઢી અને વાળની બુકિંગ કરવી ફરજિયાત!”
પહેલો ગ્રાહક આવ્યો.
“લઘા, વાળ કપાવવા છે.”
લઘાએ કહ્યું, “પહેલા દરવાજે લગાડેલો QR કોડ સ્કેન કરો.”
“QR કોડ શું?”
"કાઢ રૂપિયા એવું કંઈક હશે…”
થોડી વાર વિચાર કરીને લઘો બોલ્યો, “મને ખબર નથી. પણ જામનગર શહેરમાં બધા કરે છે એટલે આપણે એમ જ કરવાનું!”
ગ્રાહકે પૈસા ટ્રાન્સફર આપ્યા.
લઘાએ ફોનમાં જોયું તો પૈસા આવ્યા જ નહોતા.
“શું થયું?”
લઘો બોલ્યો, “લાગે છે મૂકાનું નેટ, આંય ઓખામાં ધીમું પડે છે.”
પાંચ મિનિટ પછી પણ પૈસા આવ્યા નહીં.
લઘો બોલ્યો, “ભાઈ, તમે વાળ કપાવી જાઓ. પૈસા જ્યારે નેટ આવશે ત્યારે આવી જશે. નહીંતર આવતે મહિને રોકડા લઈ આવજો.”
ગ્રાહકે પૂછ્યું, “પણ નેટ ક્યારે આવશે?”
લઘો છત તરફ જોઈને બોલ્યો,
“એ તો આપણો મૂકોભાઈ અને બીજો મારો દ્વારિકાધીશ જાણે! ગામમાં ઈન્ટરનેટ આવ્યું તેવું જાહેર થયું છે, પણ મૂકાની મરજી વગર ચાલતું નથી!”
થોડા દિવસમાં આખું ગામ વોટ્સએપની ચપેટમાં આવી ગયું.
કોઈ સવારના સાત વાગ્યે “શુભ સવાર” મોકલે તો તેની સાથે સૂર્ય, ફૂલ, દ્વારકાધીશના ફોટા, ગાય અને ત્રણ ઇન્દ્રધનુષ હોય!
લઘો પણ પાછળ રહ્યો નહીં.
એણે પોતાના ગ્રુપમાં મેસેજ કર્યો:
“આજથી દાઢી પર ૨૦% ડિસ્કાઉન્ટ.”
પાંચ મિનિટમાં જવાબ આવ્યો:
“લઘા, ઓફર સાચી છે?”
લઘાએ લખ્યું:
“હા.”
ફરી જવાબ આવ્યો:
“દાઢી સાથે મૂછ ફ્રી?”
લઘાએ ગુસ્સે થઈને ફોન મૂકી દીધો.
એ દિવસથી લઘાએ નવી ઓફર કાઢી:
“દાઢી કરાવો, સલાહ ફ્રી!”
એક ગ્રાહકે પૂછ્યું, “કેવી સલાહ?”
લઘો બોલ્યો,
“ઘરમાં સુલેહ-શાંતિ માટે… ચાલ, લઘા, ચાલુ પડી જા!”
પછી ગ્રાહક તરફ જોઈને બોલ્યો,
“ભાઈ, તમારી પત્ની જે કહે એમાં હાકારો રાખજો… હં! સાચું માનજો. આ સલાહ મેં નેટ પરથી નથી ઉતારી કે શીખી… આ તો સેંકડો માથાં મૂંડ્યાં ત્યારે શીખી છે!”
થોડા જ સમયમાં લઘો ગામનો સૌથી મોટો ડિગ્રી વગરનો ‘નેટ નિષ્ણાત’ બની ગયો.
કોઈને ગૂગલમાં શું સર્ચ કરવું એ ખબર ન હોય તો લઘા પાસે આવે.
દાઢી ની દાઢી અને સલાહ મફત!
કોઈનો ફોન અટકી જાય તો લઘા પાસે આવે.
કોઈને વોટ્સએપમાં ફોટો મોકલવો હોય તો લઘા પાસે આવે.
એક દિવસ સરપંચ પણ આવ્યા.
“લઘા, આ જો ને ભાઈ… મારો ફોન કેમ ધીમો ચાલે છે?”
લઘાએ ફોન હાથમાં લીધો, બે વાર સ્ક્રીન પર ટપલી મારી અને બોલ્યો,
“ડેટા ભરાઈ ગયો છે.”
સરપંચ ચોંક્યા.
“અરે ભાઈ, શેના દીંટા? આ તો મોંઘું કવર ચડાવ્યું છે!”
લઘાએ ગંભીર ચહેરે કહ્યું,
“અરે સરપંચ! કોઈ મરચાં-રીંગણના દીંટા ની વાત નથી. આ ડેટાની વાત કરું છું. વધારે ના પૂછો. ફોન રાખી જાવ, ફુરસતે ખોલીને જોઈશું.”
થોડી વાર અટકીને બોલ્યો,
“જો વધારે હશે તો થોડો ગામના છેવાડે દરિયામાં નાખી દઈશું!”
સરપંચે, ડરી ને તરત તેમનો નવો નકકોર ફોન પાછો લઈ લીધો.
થોડા દિવસ પછી ઓખા ગામમાં ઈન્ટરનેટ એકાએક બંધ પડી ગયું.
ચારેકોર બબાલ મચી ગઈ.
આખું ગામ રસ્તા પર આવી ગયું.
કોઈ બોલે, “મારું વોટ્સએપ બંધ!”
કોઈ બોલે, “મારો વીડિયો અટકી ગયો!”
કોઈ બોલે, “ગુડ મોર્નિંગ મોકલાતું નથી!”
કોઈ તો માથું પકડીને બોલે, “હવે આખો દિવસ કરીશું શું?”
લઘો પોતાની દુકાન બહાર શાંતિથી બીડી પીતો બેઠો હતો.
ચંદુ કાકાએ પૂછ્યું,
“લઘા, તને ચિંતા નથી?”
લઘો હસ્યો.
“મને શું ચિંતા? મારી દુકાન તો પહેલાની જેમ જ ચાલવાની છે.”
“એટલે?”
લઘાએ અસ્ત્રો હાથમાં લીધો અને બોલ્યો,
“ઈન્ટરનેટ આવે કે જાય… માણસની દાઢી તો બિન-વાદળની ખેતી છે… રોજ વધવાની જ છે!”
ચંદુ કાકા ખડખડાટ હસી પડ્યા.
અને એ દિવસથી ઓખા ગામમાં એક કહેવત પ્રચલિત થઈ ગઈ—
“મૂકાનું ઈન્ટરનેટ દુનિયાને જોડે છે,
પણ લઘાની દુકાન આખા ગામને જોડે છે!” 😄
ડિસ્કલેમર
આ વાર્તા માત્ર હાસ્ય અને મનોરંજન માટે લખાયેલી કાલ્પનિક રચના છે. ઓખા ગામ, લઘો નાઈ, મૂકાભાઈ તથા અન્ય પાત્રો અને પ્રસંગો સંપૂર્ણપણે કલ્પિત છે; કોઈ વ્યક્તિ કે સ્થળ સાથે સામ્ય જણાય તો તેને માત્ર સંયોગ ગણવો.
આ વાર્તા વાંચતી વખતે દિમાગ બાજુએ રાખવો અને લઘા સાથે મન મૂકીને મજા લેવી! 😄
કલ્પેશ પટેલ ©. 2026
