વેદના કે વેપાર?
વેદના કે વેપાર?
વેદના કે વેપાર?
સીટી હોસ્પિટલના રૂમ નંબર 307ની બહાર મોટું પાટિયું લગાવેલું હતું—
“ફક્ત વીમા કેસ માટે આરક્ષિત — શાંતિ જાળવો.”
પણ અંદર જે ચાલી રહ્યું હતું એમાં શાંતિ ક્યાં હતી?
અહીં તો દર્દીની વેદનામાંથી વેપાર ઊભો કરવાની ફેક્ટરી ધમધમતી હતી!
હસમુખભાઈને સામાન્ય પેટમાં દુખાવો ઉપડ્યો. વીમાના રવાડે તેમના દીકરાએ તેમને સીધા મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા.
બસ, ત્યારથી શરૂ થઈ ‘સ્વાસ્થ્ય સેવા’ની સોનેરી સફર!
રોગની ચર્ચા થાય એ પહેલાં જ હાથમાં રિપોર્ટનું લિસ્ટ પકડાવી દેવામાં આવ્યું.
રિસેપ્શન પર પાંચ હજાર રૂપિયા એડમિશન ચાર્જ ભરાવીને હસમુખભાઈને રૂમ નંબર 307માં પહોંચાડી દેવાયા.
રૂમની ચાદર એવી હતી કે એને જોઈને જ દર્દીને બીજો રોગ થઈ જાય!
થોડીવારમાં ડૉક્ટર આવ્યા.
“પેટમાં દુખાવો છે?”
“હા.”
ડૉક્ટરે ગંભીર ચહેરો બનાવ્યો.
“આજકાલ વાયરસ બહુ ખતરનાક ફરે છે, હસમુખભાઈ.”
પછી તરત જ બોલ્યા—
“પહેલા MRI, CT Scan, Echo, Sonography અને Blood Profile... બધું કરાવી લઈએ. એમાં જ ડહાપણ છે.”
હસમુખભાઈએ આંખો પહોળી કરી.
“સાહેબ, આ તો ગઈકાલે વાલ ખાધા છે,અને દુખે છે. કોઈ કારનું એન્જિન તો નથી બ્લોક થયું !”
ડૉક્ટર ગંભીરતા જાળવીને બોલ્યા,
“ચિંતા ન કરો. તમારી પાસે વીમો છે ને? તો ફિકર શેની?”
હસમુખભાઈ મનમાં બોલ્યા—
“સાવચેતી મારી કે હોસ્પિટલના EMIની?”
ડૉક્ટર ઊડતી મુલાકાત લઈને ગયા ત્યાં તો રૂમ નંબર 307ના ટેબલ પર એટલી દવાઓ ગોઠવાઈ ગઈ કે મેડિકલ સ્ટોર પણ શરમાઈ જાય.
એક પ્લાસ્ટિકનો બાટલો જોઈને હસમુખભાઈએ નર્સને પૂછ્યું,
“બહેન, આ ગ્લુકોઝ છે?”
નર્સ હસીને બોલી,
“હા કાકા... કંઈક એવું જ સમજી લો.”
“પણ એની કિંમત?”
નર્સે ધીમેથી કહ્યું,
“એ તો બિલ આવે ત્યારે સમજાશે.”
હસમુખભાઈએ બાટલા તરફ જોયું.
“મને તો લાગે છે આ ગ્લુકોઝ નહીં, લિક્વિડ સોનું છે!”
બીજા દિવસે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સવારે આવ્યા.
રૂમમાં પ્રવેશ્યા. હસમુખભાઈને ગંભીર નજરે જોયા. સ્ટેથોસ્કોપ છાતી પર મૂક્યું. બે ક્ષણ ચૂપ રહ્યા.
“હવે કેમ છે?”
“સારો છું.”
ડૉક્ટરે માથું હલાવ્યું અને બહાર નીકળી ગયા.
મુલાકાત પૂરી.
થોડીવાર પછી બિલ આવ્યું.
હસમુખભાઈએ બિલ જોયું અને બોલ્યા—
“અરે! ડૉક્ટર સાહેબની પાંચ મિનિટ તો બહુ મોંઘી પડે છે. મારા આખા જીવનની કિંમત ની ફિકર નથી !”
ત્રીજા દિવસે હસમુખભાઈ એકદમ સાજા થઈ ગયા.
“ડૉક્ટર સાહેબ, હવે મને ઘરે જવા દો.”
ડૉક્ટરે ફાઇલ જોઈ.
“હજુ એક રિપોર્ટ બાકી છે.”
“કયો?”
“એ તો રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે.”
હસમુખભાઈએ માથું પકડી લીધું.
સાંજે ફાઇનલ બિલ આવ્યું.
બિલની રકમ જોઈને હસમુખભાઈને ત્યાં જ ફરી પેટમાં દુખાવો શરૂ થઈ ગયો!
બિલમાં અનેક અજાણ્યા ચાર્જ હતા—
રૂમ ચાર્જ... નર્સિંગ ચાર્જ... સર્વિસ ચાર્જ... મોનિટરિંગ ચાર્જ...
અને સૌથી નીચે લખેલું હતું—
“હવા શુદ્ધિકરણ વપરાશ ચાર્જ.”
હસમુખભાઈએ આંખો ચોળી.
“આ શું છે?”
ક્લાર્ક બોલ્યો,
“રૂમમાં એર ફ્રેશનર ચાલ્યું હતું ને!”
“ફ્રેશ હવા તો બહાર પણ મફતમાં મળે છે!”
ક્લાર્કે સ્મિત કરીને કહ્યું,
“પણ આ હોસ્પિટલની હવા છે સાહેબ!”
હસમુખભાઈએ બિલ ફરી જોયું.
“ભાઈ, ડૉક્ટર સાહેબ હસ્યા હતા એનો પણ ચાર્જ છે?”
ક્લાર્કે કહ્યું,
“ના સાહેબ. તમે પહેલી વાર આવ્યા છો, એટલે આ વખતે ફ્રી છે!”
હસમુખભાઈએ ઊંડો નિસાસો નાખ્યો.
“ચાલો... એટલી તો માનવતા હજુ બચી છે!”
વીમા કંપનીએ નામંજૂર કરેલી રકમ ચૂકવ્યા પછી હોસ્પિટલમાંથી બહાર નીકળતાં હસમુખભાઈએ પોતાના દીકરાને ધીમેથી કહ્યું—
“ભાઈ, અહીં માણસ બીમારીમાંથી સાજો થઈને બહાર આવે છે કે નહીં એ ખબર નથી... પણ ખિસ્સું કે બેન્કનું ખાતું ચોક્કસ ICUમાં પહોંચી જાય છે!”
એટલામાં રૂમ નંબર 307ની બહાર બીજી સ્ટ્રેચર આવીને ઊભી રહી.
પાટિયું ફરી નજરે પડ્યું—
“ફક્ત વીમા કેસ માટે આરક્ષિત — શાંતિ જાળવો.”
હસમુખભાઈ હસ્યા અને બોલ્યા—
“ગમે તે થાય સાહેબ... હવે 307માં તો નહીં જ આવું. અહીં વેદના બાજુ રહે છે અને વેપાર આગળ ચાલે છે. બિલ જોઈને પેટ. માં શુળ ના ઉપડે, એનું ધ્યાન હવે મારે જ રાખવું છે.
જેથી મારે રોગ ને બાજુએ રાખી ખિસ્સાનો ઈલાજ કરે તેવા ડોક્ટર પાસે જવુ ના પડે !”
