નવજીવન
નવજીવન


એમણે બન્ન્ને જે જીવનની કલ્પના કરી હતી સાથે મળીને જીવવાની એનાથી વિપરીતે જીંદગી જીવી રહ્યા હતા. મહેશ અને નિશાના પ્રેમ – લગ્નના સાત વરસે બન્નેની સ્થિતિ એ હતી કે બન્નેને અલગાવથી લગાવ થઇ ગયો હતો. તેમને બન્ને પોતાને પણ ખ્યાલ ન રહ્યો એ રીતે પોતપોતાની સ્વભાવગત ખામીઓના સકંજામાં આવી ગયા હતા અને તેનો શિકાર થઇ રહી હતી તેમની બન્નેની પ્યારી પુત્રી મિના – બન્ને વચ્ચેનો એક માત્ર સેતુ. બન્ને વચ્ચે વધતા ઝગડા અને વધતી જતી ખાઇ, મિનાને ઉધઇની જેમ ખાઇ રહી હતી. એના બાળમાનસ પર થતી ખરાબ અસરનો બન્ને ને ખ્યાલ હતો પણ બન્ને પોતાના અહમથી ઘેરાયેલા હતા.
એમણે જ્યારે પ્રેમલગ્ન કર્યા ત્યારે મહેશ કલેકટર કચેરીમાં ક્લાર્ક હતો અને નિશા એક વિમા કંપનીમા કલાર્ક હતી. લગ્નના પ્રથમ વરસે જ મિના આવી હતી. નિશા પોતાની હોંશિયારીથી, પોતે જે વિમા કંપનીમા હતી તેમાં ડાયરેક્ટ પરીક્ષા આપીને ઓફીસર થઇ ગઇ. બસ ત્યારથી જ બન્નેની જીંદગીમાં ખટરાગ પ્રવેશ્યો. મહેશને પોતા માટે લઘુતાગ્રંથી બંધાઇ અને થોડી અદેખાઇની ભાવના. નિશામાં પણ પોતે હોંશિયાર હોવાથી ડાયરેકટ ઓફીસર થઇ ગઇ હોવાની બાબતે અભિમાન આવ્યું. આ અભિમાન ઘણીવાર એના વ્યવહારમાં છતું થતું. એક વાર વિમા કંપનીની એક પાર્ટીમાં મહેશ-નિશ
ા ગયા હતા ત્યાં નિશાને મહેશના હોદ્દા અંગે પૂછવામાં આવતા નિશાએ શિસ્ત અને સિફતતાથી ટાળી દીધું. મહેશને બહુ ખરાબ લાગ્યું. તેની પોતાની ઓળખાણ માત્ર નિશાના પતિ તરીકે રહે એ વાત તેને ખટકતી રહેતી. બંન્ને વચ્ચે વધતા જતા અહમના ટકરાવ, ઝગડા અને અલગાવ ને લીધે મિના પ્રત્યેના સ્નેહની સરવાણી પણ સૂકાતી જતી હતી. મિનાનું બાળ માનસ ખરાબ થતું રહ્યું. સમય જતા બંનેને પોતાની ભૂલોનો એહસાસ થતો પણ અહમને લીધે એકરાર કરવામાં નાનમ અનુભવતા.
અત્યારે બંને મિનાની આમને-સામને બેઠા હતાં નવજીવન હોસ્પીટલના બિછાનામાં. મિના સખત બિમાર થઇ ગઇ હતી અને તેને હોસ્પીટલમાં દાખલ કરવી પડી હતી. મિનાએ એક કરમાઇ ગયેલું ફુલ ઉપાડયું અને પુછ્યું ‘મમી, પપા અમારા મીસ કહેતા હતા કે જે છોડને માળીનો સ્નેહ ન મળે, એ છોડનો વિકાસ અટકી જાય છે, મુરઝાઈ જાય છે એવું સાબિત થયું છે. હેં મમી, હેં પપા છોડને પણ પ્રેમનો, સ્નેહનો ખ્યાલ આવી શકે? બંન્ને પોતાની આંખોથી મિનાની ક્રુશ થયેલ કાયાને જોઇ રહ્યા. બંનેની આંખો ચાર થઇ અને બંનેની આંખોમાં ગુનાનો એકરાર હતો અને વહેતા આંસુઓ એ વાતની સાક્ષી આપી રહ્યા હતા કે બંનેએ પોતાનો અહમને વહાવી નાખ્યો છે. નવજીવન હોસ્પીટલમાંથી ત્રણેનું નવજીવન શરુ થઇ રહ્યું હતું.