Kirangi Desai

Classics Thriller

4.9  

Kirangi Desai

Classics Thriller

નવી શરૂઆત

નવી શરૂઆત

16 mins
1.1K


" અધુરા સપના,અધૂરા અરમાન છોડી તું ચાલી ગઈ,

અધૂરી ઈચ્છા, અધૂરી જિંદગી મૂકી તું ક્યાં ખોવાઈ ગઈ!!'"

આ બે લાઇન પછી કોણ જાણે કેમ પેન આગળ ચાલતી જ અટકી ગઈ, અનિમેષ શૂન્યમનસ્ક બની બસ આસ્થાની તસ્વીરને નિહાળવા લાગ્યો. લગભગ એક વર્ષ વીતી ગયું આસ્થાના દેહાંત ને પણ અનિમેષ હજુયે ત્યાંજ અટકેલો હતો, નાના બાળકની જેમ રડતો, એકીધારે કલાકો સુધી એકજ જગ્યાએ બેસી રહેતો જાણે કે સુજ બુઝ ખોઈ બેઠો હોય તેમ.! આમતો પોતે બહુ સફળ રાઇટર બની ગયેલો પણ સફળતા મળી ત્યાં સુધીમાં તો એ સફળતાંની સાચી હકદારને ખોઈ બેઠો, આસ્થાના લીધેજ તો એણે લખવાનું ચાલુ રાખેલું, તે સતત કહેતી " અનિમેષ, તારા ધારદાર શબ્દો જ તારી તાકાત છે, તું જોજે એવો વખત આવશે કે તારાં ચાહકોનો બહોળો વર્ગ હશે" આસ્થા જ તો હતી જેણે તેની લખેલી બધીજ વાર્તાઓ અને નોવેલ પબ્લિશ કરેલી.. એક પછી એક દરેક વાર્તાઓના પાત્રો તેના દરેક રીડરના મન પર એક અદભૂત છાપ છોડી જતા, લેખક તરીકે અનિમેષનું નામ ધીમે ધીમે છવાતું ગયેલું, પણ આસ્થાના ગયા પછી તેની દરેક લાગણીઓ કાવ્ય પંક્તિ રૂપે લખાતી..લગભગ એક વર્ષથી તેના લખાણમાં અસહ્ય દર્દ નીતરતું, જેતેની મનઃસ્થિતીને સાફ શબ્દોમાં વર્ણવી જતું. આજે કોણ જાણે કેમ પેન આગળ વધતી જ નહતી. તેને ફરી ફરીને આસ્થાના શબ્દો યાદ આવતા, વારે ઘડીએ બસ એકજ વિચાર આવતો કે હવે પોતે કોના માટે લખશે? તેને સતત પ્રેરણા પુરી પાડનાર તો હયાત નથી? આ સફળતા નો શો મતલબ ? એકધાર્યા હજારો વિચારો જે અટકતાં જ નહતાં. અચાનક તેની દીકરી નિષ્ઠાનાં રાડવાના અવાજે તેને વર્તમાન સમયનું ભાન કરાવ્યું..નિષ્ઠા ને છાની રાખતા અનિમેષની માં રડમસ અવાજે બોલ્યાં," અનિમેષ પહાડ જેવી જિંદગી છે, તારા માટે નહીં તો આ નાનકડી નિષ્ઠાનું તો કંઈક વિચાર."

"મારી પણ ઉંમર થઈ હું ક્યાં સુધી બધું વેંઢાળે રાખીશ, ત્યાં ને ત્યાં અટકેલા રહેવાથી તું તારી સાથે આ ઘરના બધા લોકોને દુઃખી કરી રહ્યો છે"

" એક વાર વિચારી જો ફરી લગ્ન માટે, નિષ્ઠાને પણ માંની જરૂર છે."

" આ ઘર એની કુળવધૂ વગર અધૂરું છે.આટઆટલા માંગા આવે છે કોઈક તો સો ટકા આ ઘર માટે સંપૂર્ણ સાબિત થશે, તું પહેલ તો કર."

અનિમેષ બસ ચુપચાપ સાંભળે રાખતો હતો..એની માં સાથે નો તેનો આ લગભગ રોજનો સંવાદ થઈ ગયેલો, અત્યાર સુધી ચઢતા સુરજ ને નિહાળીને રોજ નવા રંગીન સપના જોનાર અનિમેષ આસ્થાના ગયા પછી સાવ અંધકારમય જીવન જીવવા લાગેલો ઢળતા સૂરજ સામે તાકીને જાણે પોતાની જિંદગી પણ ક્યારે ઢળી જશે એજ કલ્પના કર્યાં કરતો. એ સાથેજ તે આથમતા સુરજ ના સથવારે પોતાની આથમી ગયેલી જિંદગી ના એક પછી એક પગથિયા ચઢવા લાગતો. અને આસ્થા સાથે વિતાયેલા સમય માં ખોવાઈ જતો.

***

ઓબેરોય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં માર્કેટિંગ મેનેજર તરીકેની નોકરીને ત્રણ વર્ષ પુરા થઈ ચૂક્યા હતા..સકસેસફુલ મેનેજર તરીકે તેની આખી કમ્પનીમાં બોલબાલા હતી, દર વખતની જેમ આ વર્ષે પણ નવા ઈંટર્ન રીકૃટ કરેલા. એક પછી એક અનિમેશની કેબીનમાં આવી દરેક પોતાનો ઈન્ટ્રો આપી જતા.

" મે આઈ કમ ઇન સર " કેહતા તે અનિમેષના કેબીનમાં દાખલ થયેલી બે ઘડી તો જાણે પોતે પલક ઝબકાયા વગર તેને નિહાળતો જ રહી ગયેલો..પાંચ વર્ષની કોલેજ અને આ ત્રણ વર્ષની નોકરીમાં ઘણી છોકરીઓ જોઈ પણ એક નજરમાં ધબકાર ચુકી જવાય તેવો અનુભવ પેહલ વાર થયો હતો, કેબીનમાં આવતાની સાથેજ તેણે પોતાનો પરિચય આપવાનો શરૂ કર્યો, ફાંકડું અંગ્રેજી બોલતી એ પહેલીજ વખતમાં તેના મનમાં વસી ગઈ હતી, એ દિવસે આસમાની સલવાર સૂટમાં સજ્જ સાચેજ અપ્સરા જેવી લાગતી હતી, થોડોક ભરાવદાર ગોળ ચહેરો, લાબું નમણું નાક, ભરાયેલા ગુલાબી અધર, કોઈને પલવારમાં ઘાયલ કરી મૂકે તેવી બદામી આંખ, જરાક અડતા પણ જાણે મેલી થઈ જાય તેવી ગોરી ત્વચા એથીય વિષેશ તેનું આત્મવિશ્વાસથી ભરપૂર સ્મિત ..!!

તે ત્યારેજ નકકી કરી બેઠો કે આસ્થાને એમ્પ્લોયમેન્ટ આપવુ જ રહ્યું એ પછી તો આસ્થાને તે પોતાના દરેક નવા પ્રોજેકટમાં સાથે રાખતો, આસ્થા પણ માર્કેટમાં આવતી દરેક નવી ચેલેન્જ સામે કાયમ તૈયાર રહેતી, શોર્ટ ટાઈમમાં પોતાની બદ્ધિ અને આવડતથી ઘણા ટાર્ગેટ અચિવ કરી નાખતી..અનિમેષ એને " બ્યુટી વીથ બ્રેઈન " નું પરફેક્ટ કોમ્બિનેશન સમજવા લાગેલો..અલમોસ્ટ એકાદ વર્ષની અંદર તો આસ્થા ટ્રેઇનીમાંથી આસીસ્ટંટ મેનેજર બની ગયેલી, ઘણી વખત શહેરની બહાર બિઝનેસ રિલેટેડ ટૂરમાં પણ તે આસ્થાને સાથેજ રાખતો.. તેઓની પ્રોફેશનલ લાઈફ એકદમ બેલેન્સ હતી, અનિમેષ ની કામ કરવાની રીતથી આસ્થા વાકેફ હતી એટલે ખુબજ ઓછા શબ્દોમાં એ ઘણું બધું સમજી જતી.

આંતરે દિવસે કોફીના બહાને ઓફીસ પછીનો સમય પણ તે આસ્થા સાથે વિતાવતો, પર્સનલ લાઈફમાં પણ જાણે આસ્થા સાથે તેનું કમ્ફર્ટ ઝોન હાઈ લેવલ પર હતું, તેઓ બેધડક એકબીજાને કોઈપણ વાત શેર કરી શકતા, આવી ઘણી સાંજ તેઓ સાથે ગળતાં, પોતે આસ્થાને પોતાની લખેલી શાયરી સંભળાવતો અને આસ્થા તેના વખાણ કરતા થાકતી નહી, ધીમે ધીમે તો અનિમેષની લખેલી વાર્તાઓનાં સ્ત્રી પાત્રોની સુંદરતાના વર્ણનમાં પણ જાણે આસ્થાની જ ઝાંખી થતી, આસ્થા પણ તેનું દરેક લખાણ ધ્યાનપૂર્વક વાંચતી, અને કાયમ કહેતી "આઈ એમ ધ બીગ્ગેસ્ટ ફેન ઓફ યોર સ્ટોરીસ.."


મનોમન તે આસ્થા ને ચાહવા લાગેલો, તેને પામવાની ઈચ્છા દિવસે ને દિવસે વધતી જતી હતી, તેની ગેર હાજરી માં પણ અનિમેષ અસ્થા ના વિચારોમાં જ ખોવાયેલો રહેતો. આવીજ ખીલેલી સંધ્યાએ અચાનક તે આસ્થાના ગેસ્ટ હાઉસ જઈ પહોંચેલો, આજે પણ આસ્થા સાથેનો એ સંવાદ જાણે ગઈ કાલે જ થયો હોય એમ યાદ હતો..એકદમ તેને આવેલો જોઈને આસ્થાએ થોડિક અસહજતા અનુભવેલી" સ....ર, તમે અત્યારે અહીંયા?"

પોતે પણ જાણે તેની સ્થિતિ સમજતો હોય એમ પરિસ્થિતિ સંભળતા જવાબ આપેલો કે , " અહીંથી જતો હતો વિચાર આવ્યો તને મળતો જઉ , " વેલ આઇ ગેસ હું ખોટો આવી ગયો.."

તેના વિખરાયેલા વાળ સરખા કરતાં આસ્થા બોલેલી, "અરે ના ના સર મોસ્ટ વેલકમ,બેસો ને હું કોફી બનાવી લાઉ તમારાં માટે.."


અનિમેષ ને એકદમ ત્યાં આવેલો જોઈને આસ્થાના મન ની અસમંજસ તેના ચહેરા પર સાફ વર્તાતી હતી. તોય પોતે તો એ દરેક ક્ષણ જાણે માણી લેવા ઈચ્છતો હતો એટલેજ વાત ના દોર ને આગળ વધારતા અને વાત બદલતા અનિમેષ બોલ્યો, "કેમ આસ્થા તારી રૂમમેટ કાવ્યા નથી દેખાતી, તે એની બહુ વાતો કરેલી આજે ઈન્ટ્રો પણ કરાવી દે, "

શી ઇસ આઉટ ઓફ ટાઉન સર, આઇ વિશ એ અહીં હોત તો એપણ તમને મળીને ખુશ થાત, મારી જેમ એપણ તમારા લખાણની ફેન છે."

એ પછીની દરેક ક્ષણ વિશે વિચાર કરતાં અનિમેષ અત્યારે પણ એટલોજ રોમાંચિત થઈ ગયો કે જાણે સાચેજ પોતે એ ક્ષણો ને માણી રહ્યો એમ એ ક્ષણોમાં પહોંચી ગયો.

***

કોફી પીતા પીતા અનિમેષ એકીટશે આસ્થા ને નિહાળી રહ્યો હતો, અંબોડામાંથી કેટલીક લટો તેના ચહેરા પર આવીને તેની સુંદરતામાં વધારો કરતી હતી,ઓફીસમાં પરફેક્ટ પ્રેઝન્ટેશન આપતી આ છોકરી અહીં કૈક અલગ જ લાગતી હતી, અનાયાસે જ અનિમેષે તેના ચહેરા પરની લટને હળવેથી તેના કાન પાછળ સરકાઇ કે જાણે વીજળી વેગે આસ્થા બે ડગલાં પાછળ ખસી ગઈ, એકદમ ગુસ્સામાં બોલી, " તમે શું સમજો છો, આવીરીતે એકદમ આવીને ઘરમાં એકલી છું એટલે કંઈપણ બીહેવ કરશો!"

" તમારી સાથે કોફી સુધીની છૂટ તમને એક સારા વ્યક્તિ સમજીને લીધી હતી.આગ ઝરતી નજરે આસ્થા અનિમેષને જોઈ રહી હતી."

બે ડગલા વધારે પછળ સરકીને એ બોલી, " તમારા જેવા ડબલ પર્સનાલિટી ધરાવતા બહુ જોયા, પણ આ બધું મારી સામે નહીં ચાલે જસ્ટ ગેટ આઉટ ફ્રોમ હિયર.."

અનિમેષ અવાક થઈ ગયો પણ સમય સંભાળતા તેની વધારે નજીક સરકીને તેનો ચહેરો પોતાના હાથમાં લેતા બોલ્યો, " આઈ એમ ઇન લવ વીથ યુ" , જે દિવસે તને પહેલી વખત જોઈ એજ સેકન્ડે નક્કી કરેલું કે મારી દરેક શોધનો અંત તુજ છે."

" અત્યારે આ ક્ષણમાં હું તને અનહદ ચાહું છું, આના પછીની આવનારી દરેક ક્ષણમાં પણ તું જ હોઈશ."

"તારો સાથ હશે તો તારી સાથે, નહીં હોય તો તારી સાથે વિતાયેલી ક્ષણો સાથે જીવીશ પણ મારા દરેક એહસાસમાં તુજ હોઈશ!"

" તારી આંખોમાં હું મારા આવનાર ભવિષ્યનાં ઢગલો સપના જોઉં છું." અનિમેષ એકી શ્વાસે બોલે જતો હતો, એકીટશે આસ્થાની આંખોમાં જોયે રાખતો હતો..તેની આંખના બે ખૂણા અનાયસે જ ભીના થઈ ગયેલા, આસ્થા પણ જાણે આવા અચાનક થયેલા કન્ફેશનથી થોડી અસ્વસ્થ હતી, પણ અનિમેષની આંખોમાં તેને નરી સચ્ચાઈ દેખાતી હતી, તેના દરેકે દરેક શબ્દો જાણે આસ્થા ફિલ કરી રહી હતી, કહેવા કે સાંભળવા કોઈ શબ્દો બચ્યાજ નહતાં.. અચાનક જ આસ્થા એ અનિમેષને પ્રગાઢ આલિંગન કર્યું જાણે કે સાચેજ આજ ક્ષણમાં તે અનિમેષમાં સમાઈ જવા ઇચ્છતી હોય એમ.!! અનિમેષે પણ જનુંન પૂર્વક તેને પોતાની બાહોમાં જકડી લીધી કે તેને સહેજ વારેય અળગી કરવા ના માંગતો હોય એમ..!!!

હળવેથી એકદમ ધીમા સાદે અનિમેષ આસ્થાના કાનમાં પોતાની બધી લાગણીઓ ઠલવાતા બોલ્યો, "હું કદાચ તને શબ્દોમાં સમજાવી નહી શકું એ હદે અને તું વિચારી પણ નાં શકે એ હદે હું તને ચાહું છું"

"તું મારા અસ્તિત્વનો એ ભાગ બની ગઈ છે જે મારા છેલ્લા શ્વાસ સુધી મારામાં વાણાયેલો રહેશે."

"વેલકમ ટુ માય વર્લ્ડ સ્વીટહાર્ટ"

આટલું સાંભળતા તરત જ આસ્થા પોતાના હાથમાં અનિમેષનો ચહેરો પકડી ને તેના કપાળને ચૂમી લીધું, આજેય એ ક્ષણ યાદ કરી અનિમેષનો ચેહરો એટલોજ ખીલી ઉઠયો.

એ પછીની દરેક સાંજ તેઓ કાયમ સાથેજ ગાળતા..દિવસે ને દિવસે તેઓનો પ્રેમ વધારે ગાઢ થતો ગયો, એ સાથેજ કાવ્યા સાથેના સંબધો પણ વધુ પરિપક્વ થતાં ગયા..કાવ્યા માત્ર આસ્થાની જ નહીં અનિમેષની પણ એટલીજ ક્લોઝ ફ્રેન્ડ બની ગઈ.

આસ્થાના જન્મ દિવસે કોફીશોપમાં ઘૂંટણીયે પડીને અનિમેશે કહેલું ," વિલ યુ મેરી મી ? વિલ યુ બી માય સોલમેટ ફોરેવર.."

જાણેકે આસ્થા આજ ક્ષણની રાહ જોતી હોય એમ પલવારનોય વિલંબ કર્યા વગર અનિમેષને વળગીને બોલી ઊઠેલી , " લેટ્સ ગેટ મેરીડ..તમારા વગર મારુ જીવન શક્યજ નથી."

બસ તેજ વખતે પાછ થી અચાનક આવી ચઢેલી કાવ્યા એ પોતાના બન્ને મિત્રોને પ્રેમભર્યું આલિંગન આપતા કહ્યું, " અને તમારા બંને વગર મારું જીવન સાવ અધુરું છે."

મૈત્રી અને પ્રેમની સુખદ ક્ષણો સર્જાઈ હતી, અનિમેષની માં ને પણ આસ્થા એટલીજ પસંદ હતી એટલે જ કોઈજ અડચણ વગર તેઓનાં લગ્ન ગોઠવાઈ ગયા હતા, લગ્ન પહેલાજ તેણે કમ્પનીમાં રિસાઈન કરેલું, તે માત્ર ને માત્ર અનિમેષની પત્ની બની તેનું ઘર સંભાળવા માંગતી હતી. તેઓના લગ્નની બધીજ જવાબદારી કાવ્યાએ પોતાના પર લઇ લીધેલી.નાનામાં નાની વસ્તુનું પણ તેણે ચીવટ પૂર્વક ધ્યાન રાખેલું..આસ્થા અને અનિમેષ એકદમ ખુશહાલ દામ્પત્ય જીવન માણી રહ્યા હતા. એક વર્ષ તો જાણે પલભરમાં વિતી ગયું'તું, આ એક વર્ષમાં આસ્થા એ અનિમેષની લખેલી દરેક વાર્તા પબ્લિશ કરાવેલી એક લેખક તરીકે પણ તેની ચાહના વધતી જતી હતી, અનિમેશની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ એકદમ બેલેન્સ ચાલી રહી હતી. સુખની ચરમ સીમાનો અનુભવ તો ત્યારે થયેલો જ્યારે આસ્થાએ સમાચાર આપેલા કે પોતે ગર્ભવતી છે, અનિમેષ પોતાને જાણે દુનિયાનું બધુ જ સુખ મળી ગયું હોય તેવુ અનુભવતો હતો, આ નવ મહિના પણ કાવ્યા પડછાયાની જેમ અસ્થાની પડખે રહી હતી..નવ મહિને તેણે એકદમ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો જો કે તેનું નામ પણ કાવ્યા એજ રાખેલુ, "નિષ્ઠા"..!!

ખુશહાલ દામ્પત્ય, પ્રસિદ્ધ લેખક, સક્સેસફુલ મેનેજર આસ્થાના ચેહરા સાથે જન્મેલી રૂપાળી દીકરી જાણેકે અનિમેષના જીવનમાં કશુંજ ખૂટતું નહતું..સુખનો સોનેરી સુરજ તેના જીવનમાં ઉગ્યો હતો. પણ કદાચ આ સુખી માળાને કોની નજર ભરખી ગઈ કે અચાનક જ આસ્થાની તબિયત લથડવા લાગેલી, દિવસે ને દિવસે આવતી નબળાઈ, ઉતરતું જતું વજન, જાણેકે આસ્થા સાવ નંખાતી જતી હતી, અચાનક આવતા આ બદલાવને આસ્થા પોસ્ટ ડિલિવરી બદલાવ સમજીને અવગણતી રહી, દિવસે ને દિવસે વધતો જતો તાવ ઉતરવાનું નામ જ નહતો લેતો. દવાઓની અસર પણ નહિવત વર્તાતી હતી. ડોક્ટર પણ એકપછી એક રિપોર્ટ કરાયે જતા હતા.. આવાજ એક રીપોર્ટમાં આસ્થાને કેન્સરનું નિદાન થયું, અનિમેષની દુનિયા એજ ક્ષણે જાણે ઉજડી ગઈ, સુન્ન થઈને સાવ બેબાકળો બનીને એ કલાકો સુધી રાહ ભટક્યા રાહીની જેમ અહીં તહીં ભટકતો રહ્યો, ક્યાં જાય, શું કરે? કોને કહે? કશાજ સાંધા જડતા નહતા..જેને દુનિયા સંપૂર્ણ સમજે એવા હસતા ખેલતા પરિવારમાં જાણે આભ તુટી પડ્યું 'તું, આસ્થા સામે પોતે કઈ રીતે નોર્મલ વર્તી શકશે, એને કઈરીતે જણાવે કે એ કયા દર્દમાંથી પસાર થઈ રહી છે, સાવ સુન્ન ભવિષ્ય અને સોપો પાડી દે એવી હાલની ક્ષણો,અનિમેષ સાચેજ પાંગળો બની ગયો એમ વર્તાતો હતો..એકપછી એક ચેહરા એની આંખ સામેથી પસાર થવા લાગ્યા, નિષ્ઠા..આસ્થા..પોતાની માં... કોણ જાણે કેમ બધુજ જાણે ખતમ થઈ જશે તેવી ભીતિમાં તે અનાયાસે જ ખુલ્લા મોઢે રડી પડ્યો..કોઈજ રસ્તો નહતો સિવાય કે અણધારી આવી પડેલી આ મુસીબતનો સકારાત્મક અભિગમ સાથે સામનો કરવો..

સાવ મુર્જાયેલા ઉદાસ ચેહરા સાથે,લથડતા પગે, ઘબરાયેલા મને, સાવ ભાંગી પડેલા હૃદયે તે આસ્થા સામે પહોંચ્યો તો જાણે તેના પગ જ થીજી ગયા..પોતાની દીકરીને બાથ ભરીને સુતેલી આસ્થાને જોઈને બે ઘડી બધાજ વિચારો ત્યાંજ અટકી ગયા.. પોતાના સંતાનને સાવ નિઃસ્વાર્થ પ્રેમ, જીવનભરનું ઘડતર તો સગી માં જ કરી શકે, હવે નિષ્ઠાના ભવિષ્યનું શુ થશે ? એક પછી એક વિચારોની હારમાળામાં પોતે જાણે અટવાયે જતો હતો કોઈજ ઉકેલ ન હતો..આંખમાંથી નીકળતા આંસુ, ધ્રુજતા પગ, હાથમાં આસ્થાના રિપોર્ટ્સ અને આંખ સામે ડરાવી મૂકે તેવું આસ્થા વગરનું પોતાનું અને નિષ્ઠાનું ભવિષ્ય..!! અનિમેષ ભુલીજ ગયેલો કે પોતે ક્યાં છે! આસ્થા જાગીને હળવેથી તેની નજીક આવીને તેના હાથમાંથી રિપોર્ટસ લઈને ગઈ તે કોઈજ સમયનું તેને ભાન નહતું..તે તો બસ યંત્રવત ક્યાંક દૂર વિચારોમાં અટવાયેલો હતો..આસ્થાએ એકદમ તેને બાવળ થી પકડીને મોટેથી બૂમ પાડીને હચમચાવી મુક્યો. અ..નિ..મે..ષ...!!

આસ્થાના મોટા અવાજથી પોતે ખેંચાઈને વર્તમાનમાં પાછો આવ્યો તરત જ તેને ભેટીને નાનાં બાળકની માફક રડી પડ્યો, આસ્થા તેની પીઠ પર હાથ પ્રસરાવતી રહી ને અનિમેષ એટલુજ વધારે જોરથી રડતો રહ્યો..સમજાતું નહતું કોણ કોને સાંત્વના આપે.." આ..સ્થા...હું...હવે શુ..થશે ??" તૃટક તૂટક અવાજે રડતા રડતા અનિમેષ કોઈજ શબ્દો પુરા નહતો કરી શકતો...

કોણ જાણે કેમ આસ્થામાં ક્યાંથી અઢળક હિંમત આવી ગઇ કે જાણે કશુંજ ના થયું હોય તેમ તે અનિમેષને ચેહરો પોતાના બે હાથમાં લેતા બોલી, " જુઓ, આ જ હકીકત છે જેને સ્વીકારવી જ રહી"

" જે થવાનું હશે એ થઈને જ રહેશે, આપણા હાથમાં માત્ર અત્યારનો સમય છે, જે માણી લેવો.."

"બાકી આ રોગનું ભવિષ્ય શુ છે તે આપણે જાણીએ છીએ પણ ક્યાં સુધી સમય છે તે અનિશ્ચિત છે"

"એટલેજ અનિમેષ મારો વધેલો સમય હું જીવી લેવા માંગુ છું ,બાકી બચેલા સમયમાં આખી જિંદગી માણી લેવા માંગુ છું, માટે તમે પણ આને સ્વિકારી લો, તમને જોઈને હું જીવી શકું નહીં કે તૂટી જાઉં."

અનિમેષની સામે એકીટશે જોઈને આસ્થા જાણે બોલે જતી હતી...આંખોમાં ધસી આવેલી ખરા પાણીની ભરતી શાંત થવાનું નામ જ નહતી લેતી બેવ જણ એક બીજાને હિંમત આપતા હતા પણ અંદરથી તો સાવ તૂટી પડેલા...

એક પછી એક દિવસો સમયની માફક સરી રહ્યા હતા. આસ્થાની ટ્રિટમેન્ટ ચાલું હતી પણ છેલ્લા સ્ટેજના કેન્સરને નાથવું અશક્ય હતું, નિષ્ઠાની બધીજ જવાબદારી કાવ્યાએ વગર કહ્યે પોતાના પર લઇ લીધેલી..કાવ્યા અને અનિમેષ આસ્થાની ઢાલ બનીને તેનાં પડખે રહ્યા હતા.

આસ્થા ને એકજ વાત નો રંજ હતો કે અનિમેષે લખવાનું છોડી દીધુ હતું તે ઇચ્છતી હતી કે અનિમેષની પેન ક્યારેય ના અટકે, તેના લખાણ તેના શબ્દો બસ ખીલતા જ જાય એ ક્યારેય ના મુરઝાય..માટેજ એક સાંજે આસ્થા અનિમેષનો હાથ પોતાના હાથમાં લેતા બોલી , " સમય અને કિસ્મત પોતાનું કામ કરીનેજ રહેશે, એ આપણાં હાથમાં નથી, પણ જે આપણા બસમાં છે એને કેમ જતું કરવું "

"અનિમેષ હું તમારાથી બધીજ રીતે સંતુષ્ટ છું પણ જો તમે મારા માટે કૈક કરવા ઇચ્છતા હોવ તો પ્લીઝ તમારૂ લખાણ ક્યારેય બન્ધ ના કરતાં એજ તો તમારી ઓળખ છે. મારા ગયા પછી પણ તમારા શબ્દો જ મારા અસ્તિત્વને ટકાવી રાખશે"

"હું ઈચ્છું છું કે આપણી કહાની તમારી વાર્તા રુપે લખાય, હું તમારા શબ્દોમાં કાયમ જીવતી રહેવા માંગુ છું..લેખક તરીકે તમારો કયારેય સૂર્યાસ્ત ના થાય એ તમારે કરવું જ રહ્યું.."

આસ્થા બોલે જતી હતી તેને વચમાં અટકાઈ અનિમેષ ઊંડા અવાજે બોલ્યો આસ્થા , "તારા વગર કદાચ મારા શબ્દો પણ મારી જેમ જ ખોવાઇ જશે, મારી જેમ એ પણ ક્યારેય નહી ખીલી શકે..."

અનિમેષના ખોળામાં પોતાનું માથું મુકતા આસ્થા બોલી,

"તમારે આગળ વધવુંજ પડશે અનિમેષ, મારા ગયા પછી નિષ્ઠાની અને આ ઘર જવાબદારી તમારે એકલાએજ પુરી કરવી પડશે..ત્યાં ને ત્યાં અટકેલા રહેશો તો બધુજ ગુમાવી દેશો.."

"સ્ત્રી વગર જીવી જાણવું એટલું સરળ નથી હોતું..એટલે જ એક નવી શરૂઆત તમારે કરવી જ રહી.."

"ઉપરની દુનિયામાથી હું જયારે અહીં આ દુનિયાના મારા ઘરને જોઉં તો મને સૂકુંન મળે નહીંકે અફસોસ.."

"મારો જીવ નિશ્ચિન્ત બનીને વિહરી શકે એ માટે અનિમેષ તમારે આગળની જિંદગી નવેસરથી શરુ કરવી જ રહી.."

"કોઈક તો હશેજ, જે મારી અધવચ્ચે છોડલી નૈયાને સંભાળીને આ ભવ પાર કરાવી દેશે, જે મારી જેમ જ મારી નિષ્ઠા અને મારા અનિમેષને સંભાળશે.."

આસ્થા બસ એક શબ્દ ન બોલ થોડા રડમસ પણ ઊંચા અવાજે અનિમેષ બોલ્યો, " એ શક્ય નથી, તારા વગર કોઈ બીજા સાથે ક્યારેય નહીં..તું સમજી નહીં શકે એ હદે મેં તને ચાહી છે.."

જાણું છું અનિમેષ એટલે જ કહું છું કે , " પ્રેમ એકવાર જ થાય એ વાત સાચી પણ બીજીવાર ના જ થાય એ વાત તો આપણા પર આધાર રાખે છે."

"હશે કોઈક એવુ જે વગર કહ્યે ઘણું બધું સમજી જશે અને એ વખતે જયારે તમને એની પર માન થઈ આવે ત્યારે સમજ જો કે નવી શરૂઆત થઈ ગઇ, જિંદગીની, પ્રેમની અને નવા બન્ધનની" બિકોઝ ઇટ્સ લાઈફ એન્ડ ઇટ ગોસ ઓન...!!!"

અનિમેષ જોઈ રહ્યો હતો આસ્થા ને જિંદગીના છેલ્લા સમયમાં આટલી સ્વસ્થતા સાથે કેમનું કોઈ રહી શકે..

આ આસ્થા એને કૈક અલગ લાગતી હતી..

આસ્થા પોતાના છેલ્લા દિવસોમાં બધુંજ સુરક્ષિત કરીને જવા માંગતી હતી પણ તકદીરના ખેલ કોણ બદલી શકે..થોડાંક જ દિવસોમાં વધારે તબિયત લથડતા દવાખાને લઈ જતા રસ્તામાં જ તેણે શ્વાસ છોડી દીધા..અનિમેષ તો જાણે સાવ પથ્થર બની ગયો..જેમબતેમ બસ દિવસો કાઢે જતો હતો, તે દિવસથી તેની લાગણીઓ શબ્દ બની વિખરાતી, તેમાં અસહ્ય દર્દ નીતરતું.. અનિમેષ જાણે હમણાં જ આસ્થાના અગ્નિસસ્કાર કરીને આવ્યો હોય તેમ પોતાનું માથું પકડીને બેઠો હતો અચાનક ફરી તેની માંનો હાથ તેના માથે ફરતાં તેને ભાન થયુ કે આસ્થાને ગયે વર્ષ થયું...અને પોતે માન્ડ માન્ડ વર્તમાનમાં પાછો ફર્યો..

***

અનિમેષના કાનમાં એની માં ના શબ્દો ગુંજાયે રાખતા હતા, પણ એ પોતાની દુવિધા કેવી રીતે કહે એ કાયમ વિચારે રાખતો કે બીજી આવેલી સ્ત્રી શુ એજ નિઃસ્વાર્થ પ્રેમ નિષ્ઠાને આપી શકશે? પોતે તો ક્યારેય આસ્થાની જગ્યા કોઈને વિચારી પણ નહીં શકે, તો એ સ્ત્રી આ ઘરમાં કેવી રીતે સેટ થઈ શકશે ? આટલુ સરળ નથી નવી શરૂઆત કરવી એ..!

ફરીથી બધાજ નવા અંશ રચવા નવેસરથી માળો ગૂંથવો..કશુંજ સામાન્ય નથી પણ માં ને કેવીરીતે સમજાવી?

એટલેજ જ્યારે જ્યારે માં લગ્નની વાત કરે કે તરત પોતે મૌન ધારણ કરી ત્યાંથી નીકળી જતો પણ પોતાના વિચારોથી ક્યાં સુધી અને કેટલે સુધી ભાગી શકે...!!

અનિમેષ જાણે કે જીવતી લાશ બની ગયેલો જે માત્ર ને માત્ર જિંદગી વેંઢાળે રાખતો હતો...

આવાજ એક દિવસે અનાયાસે કાવ્યા એ એક બન્ધ કવર આપતા કહ્યું અનિમેષ એકદમ શાંત મગજે આને વાંચજો અને વિચારજો..

કાવ્યા, "પણ એવુંતો શું છે જે તું મને શબ્દોમાં નથી કહી શકતી.."

અનિમેષ ઘણી એવી વાતો જેની શરૂઆત હું નથી કરી શકતી એટલે જ એને લખીને જણાઉ છું, આશા રાખું છું કે તમે પરિસ્થિતિ સમજીને આગળ વધશો..ચલો હું નીચે નિષ્ઠા સાથે છું તમારી ત્યાં જ રાહ જોઉં છું. બને તો આને અત્યારે જ વાંચજો..એવું માની લેજો કે " આમાં મારી આસ્થા ની છેલ્લી ઈચ્છા રૂપી અમાનત છે"

છેલ્લા શબ્દો સાંભળીને ઘડીનો વિલંબ કર્યા વગર અનિમેષે લેટર ખોલ્યો..


ડિયર અનિમેષ,


હું જાણું છું તમે કેવી દ્વિધામાથી પસાર થઇ રહ્યા છો, મારા માટે અનહદ પ્રેમનો પર્યાય એટલે જ "આસ્થા અને અનિમેષ..!! "

આસ્થા હયાત નથી પણ તોય તમારા છેલ્લા શ્વાસ સુધી તમે એને એજ હદે ચાહતા રહેશો, એમાં કોઈજ ઊણપ નહીં આવે, આસ્થાની એ જગ્યાને સ્પર્શવાની કોઇની હેસિયત નથી અને એ હક તમે કદાચ કોઈને નહીં આપો. આસ્થા સદાય તમારી કલમે તમારા લખાણમાં ધબકતી રહેશે, તમારામાં રહેલો લેખક એને કાયમ આ દુનિયામાં જ હયાત રાખશે, એ બધાથી ઉપર આજે હું તમારી પાસે એક મિત્ર તરીકે કૈક માંગુ છું, તમારી સાથે લગ્ન કરીને નિષ્ઠાને માંની હૂંફ હું જ આપવા માંગુ છું, દુનિયાની નજરોમાં સાથે રહેવા સાત ફેરા ફરવા ફરજીયાત છે તો એ દરેક રસમ હું નિભાવા માંગુ છું માત્ર નિષ્ઠા માટે !! તમારા દિલમાં રહેલી આસ્થા અને એના પ્રેમને સ્પર્શવાની મારી કોઈજ ઔકાત નથી, અને એ મારો અધિકાર પણ નથી. અનિમેષ આજીવન અસ્થાનો જ રહેશે ..પણ એક મિત્ર તરીકે હું એની અમાનતને સાંભળવા માંગુ છું, દુનિયા સામે ભલે તમારી પત્ની બનીને પણ ખરેખર તો જીવનભરના મિત્ર તરીકે તમારો સાથ માગું છું !

આ લેટર સાથેજ હું મારા પી પી એસ સર્જરી રિપોર્ટ તમને મોકલું છું હું નિર્ણય લઈ ચુકી છું, આ જનમમાં હું મારા પોતનાં સંતાન ને જન્મ નહીં આપું. આજીવન મારુ એક માત્ર સંતાન નિષ્ઠાજ રહેશે.. અને હા, લગ્ન કર્યા વિના જ નિષ્ઠાને ઉછેરવાની તમે મને સંમતિ આપતા હોવ તો એ નિર્ણયમાં પણ હું તમારી સાથે જ છું, ભલે નિષ્ઠાને મેં જન્મ નથી આપ્યો પણ એ જન્મી ત્યારથી એની માંની દરેક ગરજ મેં જ સારી છે અને આગળ પણ હું જ સારીશ ! તમાંરો જે કોઈ નિર્ણય હોય, હું તમારી અને નિષ્ઠાની પડખે છું અને આજીવન રહીશ..


લિ-કાવ્યા.


અનિમેષ સ્તબ્ધ થઈ ગયો. પોતે ત્રણથી ચાર વાર લેટરના દરેક શબ્દો વાંચી ગયો તેને હજુ વિશ્વાસ નહતો આવતો કે કાવ્યા પોતાની જિંદગીનો એટલો મોટો નિર્ણય કરી ચુકી છે. બેચેન બનીને તે કાવ્યા પાસે પહોંચ્યો, કાવ્યાના ખોળામાં લપાઈને સુતેલી પોતાની દીકરીને જોઈને બધા વિચારો જાણે થીજી ગયા, ખરેખર તો અનિમેષની દરેક સમસ્યાનું નિરાકરણ કાવ્યાના લેટરમાં હતું. વગર કહે જાણે એ બધુંજ સમજીને બેઠી હોય એમ એણે અનિમેષના દરેક સવાલોનો જવાબ આપ્યો હતો.. વિચારોના જંજાળમાં ખૂપેલાં અનિમેષને કાવ્યાની સમજદારી પર માન થઈ આવ્યું,.અચાનક એની આંખમાંથી આંસુ સરી પડ્યા, કંઈ કેટલાય સવાલો કરવા હતા પણ કાવ્યાનાં ત્યાગ સામે એ કંઈજ નહતાં.

કાવ્યા અચાનક અનિમેષની નજીક આવીને બોલી ," બહુ ના વિચારો, ચાલો એક નવી શરૂઆત કરીએ આસ્થાની સાક્ષીએ જ આગળ વધીએ."

અને બેવ એકસાથે આસ્થાની છબીમાં પોતાનું પ્રતિબિંબ નિહાળવા લાગ્યા, અને એ સાથેજ જાણેકે આસ્થાનો અવાજ અનિમેષનાં કાનમાં ગુંજી રહ્યો હતો, "અનિમેષ કયારેક તો નવી શરુઆત કરવી પડશે, કોઈક તો સમજદાર હશેજ જે ઈમાનદારીથી મારા પરિવારને પૂરો કરશે ને એવે વખતે તમને એની ઈમાનદારી પર પ્રેમ થઇ જશે, તમે એની સાથે જ એનો હાથ પકડીને આગળ વધી જજો.. અનિમેષ ઇટ્સ લાઈફ એન્ડ ઇટ ગૉસ ઓન..."


છે અચ્છાઈ નો એક અલગ પ્રભાવ,

તું એનાથી પ્રભાવિત થઈને તો જો.


થાય છે અહીં દરેક વસ્તુ નો ગુણાકાર,

તું પ્રેમ નો એક દાખલો માંડી તો જો.


થઇ જશે બધુજ બરાબર,

તું એક વાર "નવી શરુઆત" કરીને તો જો.


(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Classics