મધ્યમ વર્ગની સ્ત્રી
મધ્યમ વર્ગની સ્ત્રી
(તદ્દન સત્ય ઘટના પર આધારીત એક નાનકડી વાત સાથે મારા વિચાર રજુ કરું છું. )
આજે સવારથીજ કોણ જાણે કેમ પણ માથું થોડું ભારે લાગતું હતું, ક્યાંય જવાની કોઈજ ઈચ્છા નહોતી. બસ ઘરમાં શાંતિથી બેસીને થોડો " મી ટાઈમ" માણવો હતો, પણ ગુજરાતી સમાજ વચ્ચે જીવવુ હોય તો વ્યવહાર અને સંબંધને પ્રથમ પ્રાધાન્ય આપવું જ રહ્યું એવું નાનપણથી જોતી આવી છું એટલેજ ના મને ઈચ્છાઓ ખંખેરી ઉભી થઈ નીકળી પડી "વ્યવહાર સાચવવા.."
બધુજ પતાવીને નિકળતી હતી કે અનાયાસે નજર રીશા પર પડી, આમતો દસ વર્ષથી જાણું છું પણ લગ્ન પછી એના કોઈજ સમાચાર નહોતાં. કદાચ પોતાની દુનિયામાં વ્યસ્ત હશે એમ માનીને મેં પણ કંઈજ જાણવાનો પ્રયત્ન નહતો કર્યોં કે એ ક્યાં છે?, શું કરે છે ? આજે લગભગ બે વર્ષે મેં એને જોઈતી, પણ એને જોતાજ જાણે કઇ કેટલાય વિચારો એક સાથે આવી ગયા..આંખ નીચે વધી ગયેલાં કાળા કુંડાળા, સાવ લેવાઈ ગયેલું શરીર, સુક્કા રણમાંથી આવતો હોય એવો નીરસ અવાજ, અને જીવન પ્રત્યેનો અઢળક અણગમો એના ચહેરા પર સ્પષ્ટ વર્તાતો હતો..કોણ જાણે એવીતો કઇ સ્થિતિ ઉદભવી હશે કે જિંદગીની પ્રત્યેક ક્ષણને માણતી છોકરી આમ સાવ નંખાયેલું જીવન જીવતી હોય એવું લાગ્યું મને..
એક સાથે રમીને મોટા થયેલા અમે એટલે એવું હું દ્રઢ પણે કહી શકું કે કોઈ પણ પળમાં ખુશ કેવી રીતે રહેવું એ કળા એના માં બખુબી હતી. પણ આજની રિશા કંઈક અલગ હતી..એ પણ જાણે મારા વિચારો પામી ગઈ હોય એમ બોલી, " મારા વિશે વિચાર્યા કરતાં મને જ પુછીલે કે હું કેમ છું ?" હું આગળ કંઈક પૂછું એ પહેલા જ એણે શરૂઆત કરી,"આમતો સારું થયું તું મળી ગઈ ઘણા સમયથી વિચારતી હતી કે જિંદગીની આંટી ઘૂંટી ક્યાં ખોલું, કોને જઈને કહું કે હું કેવું જીવન જીવું છું.."
"લવ મેરેજ કર્યા છે એટલે ના તો માં બાપ ને કંઇ કહી શકું છું ના કંઈ જતાઈ શકું છું પણ જો આમને આમ રહ્યું તો કદાચ હું મારી જાતથી ક્યાંય દૂર નીકળી જઈશ.."
મેં ખુબજ શાંતિથી એને કહ્યું," રિશા, દરેક સમસ્યાના જયાં મૂળ રહેલા હોય ત્યાં સુધી પહોંચી એને જડથીજ કાઢી નાખવી એટલે એ વારે વારે ડંખ્યાં ના કરે.."
રિશા જાણે એકદમ ગેહરા અવાજે બોલી, "મધ્યમ વર્ગના પરિવારની તો સમસ્યાજ એટલી બધી હોય છે કે દરેક તકલીફ બીજી તકલીફ કરતાં વધારે મોટી લાગે.."
દીકરાના જન્મ પછી વધી ગયેલા ખર્ચાઓને સાહિલ પહોંચીજ નથી વળતો અને આ બધાંનું મૂળ એ મને સમજે છે, આયુષના જન્મ પછી હું નોકરી કરી નથી શકતી અને સાહિલ એકલે હાથે બધુજ પૂરું કરી નથી શકતો એટલે વાત વાતમાં વધતા ઝગડા બન્ધ થવાનું નામ જ નથી લેતા..આયુષના જન્મ પહેલાં અમે એક સાથે જોબ કરતાં એટલે ફાઇનન્સીયલ ક્રાઇસીસ ક્યારેય ઉદ્દભવ્યા જ નથી પણ હવે એ શકય નથી. મારુ મારા સંતાન માટે ઘરે રહેવું એપણ એને ખટકે છે એટલેજ હું એને એની જિંદગીની સૌથી મોટી ભૂલ લાગું છું.
હું એને કંઈ પણ પૂછું એ મને એજ શબ્દો કહે કે, " ઘર માં રહીને દાળ - ચોખામાં જિંદગી કાઢનાર ને શું ખબર કે દુનિયા ક્યાં પહોંચી ગઈ છે!!
તારે જો ઘરમાં જ પડ્યું રહેવું'તું તો તારા જેવી ભણેલી છોકરી જોડે
લગ્ન કરવાનો શો મતલબ?
આખા ઘરની જવાબદારી મારે ખભે નાખીને તું તો ઘરમાં આરામ ફરમાવે છે, લગ્ન પહેલાંની તારી ઇન્ડિપેંડેન્સીની વાતો માત્ર દેખાડો હતી..તારી સાથે લવ મેરેજ એ મેં કરેલી બહુ મોટી ભૂલ છે મારા માટે..
એને કોણ સમજાવે કે હું મારા શોખ ખાતર નહિ મારા છોકરા માટે ઘરે રહું છું, ૨૪ કલાકની આયા અમને પરવડે એમ નથી તો એ બધીજ જવાબદારી મારે નિભાવવી જ રહી. રિશા એકદમ જ રડી પડી એ પછી પુરા બે કલાક અમે વાતો કરી પણ વાતનું મૂળ તો મધ્યમ પરિવારની તકલીફોજ રહી..
છૂટા પડતાં મેં ખાલી એટલું જ કહયું રિશા અમુક વાતો સમય પર છોડી દેવી પણ આતો ખાલી કહેવા પુરતું હતું, ખેરખર તો મધ્યમ વર્ગનું જીવન જ સમયની રાહ જોવામાં નીકળી જતું હોય છે, એ સાથે જ ઢગલો વિચારો મારા મગજ પર હાવી થઈ ગયા.
મધ્યમ વર્ગની સ્ત્રીની સ્થિતિ કદાચ વધારે દયનીય હોય છે, કરકસર એ તો તેની પૂંજી સમાન ગણાય. બાદશાહી ઠાઠ, નોકર-ચાકરથી ભર્યું જીવન એને પરવડે એમ હોતુજ નથી. ભવિષ્ય ને સુરક્ષીત કરવા કરાતી નાની નાની બચતોમાં જ એનું વર્તમાન હોમાતુ જતું હોય છે, એ સાથેજ એ દરેક નાના સપનાં, નાની નાની ઈચ્છાઓ બધીજ બળીને ખાખ થઈ જતી હોય છે. દિવસ ભરના ઘરના બધાજ કામ પોતાની જાતે વેંઢાળીને જ્યારે રાત પડે નિશ્ચિન્ત થઈને એ પથારીમાં પડે ત્યારે દુખતા પગ, થાકેલી આંખો, નિચોવાયેલુ શરીર જાણે યંત્રવત બીજા દિવસનું માળખું ગોઠવવામાં જ લાગી જતા હોય છે.
પોતાની જવાની પતિનું ઘર સાચવવામાં ખર્ચી નાખતી સ્ત્રી તેની ઢળતી ઉંમરે એના પરિવાર માટે કાયમ ઈઝીલી અવેઇલેબલ રહેતો ઓપશન બનીને રહી જતી હોય છે. ખરેખર જો તેને સાચેજ સમજીએ તો પોતાની આવડતથી અને બચતથી એજ તો પોતાના પરિવારને ઉભો રાખે છે..પોતાની હજાર ઈચ્છાઓ, ઢગલો ખ્વાહીશો આજીવન એની અંદર કેદ કરીને એ બખૂબી જીવી જાણે છે..તોય છેલ્લે પતિ અને સંતાનો પાસેથી એકજ ઉપમા મળતી હોય છે, " તમે આખી જિંદગી કર્યું શું?, તમને ના ખબર પડે તમે પ્લીઝ ચૂપ રહો."
ખરેખર તો જો એની આંખોમાં ઝાખવામાં આવે તો એને સમજવા અને જાણવા કોઈજ શબ્દોની જરૂર પડતી નથી..
૯ થી ૧૦ કલાકની નોકરી કરીને પાછો આવતો પુરુષ ઘરમાં આવતા વેંત પોતાની પત્ની પાસેથી હસતા ચહેરા સાથે પાણીના ગ્લાસની અપેક્ષા રાખતો હોય છે...પણ ગૃહિણી પાસે એવો કોઈજ ઓપશન હોતો નથી. તેને પણ એવી ઈચ્છા થતી હશે ને પોતે જ્યાં બેઠી છે ત્યાં આવીને કોઈક પ્રેમથી એને પૂછે કેવો રહ્યો તારો દિવસ ? થાકી ગઈ હોઈશ ને ?, ખરેખર તો એનું કોઈ રિપ્લેસમેન્ટ જ નથી, એના માટે ના તો કોઈ વિકેન્ડ છે ના કોઈ વેકેશન..!!
મધ્યમ વર્ગીય સ્ત્રીની જિંદગી બે છેડા ભેગા કરવામાં જ વીતી જાય છે. પણ તોય એણે આપેલો ભોગ, એનો ત્યાગ એ બધુજ જાણે કોઈના માટે મહત્વ ધરાવતુ જ નથી, સંતાનોના ઉછેર માટે ઘરે રહે તો પતિની નજરોનો અણગમો વેઠવો પડે અને જો બહાર કમાવા જાય તો સંતાનો રઝળી પડે. હા જમાનો ઘણો બદલાયો છે એવું સાંભળું છું અને જોઉં પણ છું તોય ક્યારેક તો મને લાગે કે બધુંજ માત્ર નામનું છે હજુય ઘણું બધું એવું જ છે. રિશા જેવી તો ઢગલો સ્ત્રીઓ હશે જેનું જીવન આમજ વીતી જતું હશે.