નોટ પેન
નોટ પેન


આશા બહેન, ભર્યો ભાદર્યો પરિવાર. અમરભાઈ, ખૂબ સમજુ પતિ, બે દિકરા. એ પણ પોતાની પત્ની સાથે સુખી. આશા બહેનને સુખ નો ઓડકાર આવ્યો.
કુદરત ને કંઇક બીજું જ મંજૂર હતું. આશા બહેન ૬૦ વર્ષે પહોંચ્યા. એમણે અમરભાઇ ને કહ્યું, "સાંભળો છો? થોડાક દિવસથી ગળામાં દુઃખી રહ્યું છે. આજે તો બહુ દુખાવો થઈ રહ્યો છે. " અમર ભાઈએ કહ્યું, " ચલ ડૉક્ટર ને બતાવી દઈએ.
ડૉક્ટર ને બતાવ્યું, ડૉક્ટર ને થોડુક શંકાસ્પદ લાગ્યું. એટલે થોડાક રિપોર્ટ કરાવવા કહ્યું. રિપોર્ટ આવી ગયા. ડૉક્ટર ને જે શંકા હતી એવું જ થયું. આશાબહેન ને કેન્સર હોવાનું તારણ નીકળ્યું. ડોક્ટરે એમની સ્વરપેટી કાઢવાની સલાહ આપી. આ સાંભળી હડકંપ મચી ગયો. હવે? આશાબહેન અને અમર ભાઈ ચિંતાતુર હાલતમાં ઘરે આવ્યા.
ઓપરેશન કરાવવું પડે એમજ હતું. દિકરાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જેમ બને એમ જલ્દી ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. આશાબહેનની હાલત ખરાબ હતી. એક તો કેન્સર ની બીક અને બીજું જે એ જીવનભર બોલી નહિ શકે. મનોમન વિચાર્યું કે "હે ભગવાન એવા તો ને શું પાપ કર્યા હતા કે આજે આવો દિવસ જોવો પડે છે?. "
ઓપરેશન થઇ ગયું, ખૂબ જ સરસ રીતે. બધી સારવાર પૂરી થયાં બાદ હવે આશાબહેન કેન્સરમુક્ત હતા. આશાબહેન બહુ બોલકા. પોતે પણ હસે અને બીજાને પણ હસાવે. આ ઉંમરે પણ એ કિલ્લોલ કરતા રહેતા. પણ હવે એમના જીવનમાં સન્નાટો હતો. શૂન્ય મનસ્ક બની એક જ દિશામાં જોયા કરતાં. અમર ભાઈ આશા બહેન
ને ખૂબ જ પ્રેમ કરતા. એ આશા બહેનની આવી હાલત જોઈ શકે એમ નહોતા.
અમરભાઈ આશાબહેનની મનોવ્યથા સમજી ગયા. એક દિવસ સવારે એમણે આશા બહેન ને નોટ અને પેન લાવી આપ્યા. "લે આશા, તું સાજી થઈ ગઈ ને એની ભેટ છે. "આશા બહેન ને કઈ સમજાયું નહિ. હવે તારે કઈ પણ કહેવું હોય ને તો આમાં લખી આપજે. આશાબહેન ખુશ થઇ ગયા. શરૂઆતમાં જરૂરી વસ્તુઓ જ લખતા.
પછી એમને ગમ્મત થઈ. પહેલા જે મજાક એ બોલી ને કરતા હવે એ લખીને કરતા. એ ભૂલી ગયા કે એ બોલી શકતા નથી.
એમ કરતાં કરતાં એકવાર એમણે એક કવિતા લખી નાખી. એ કૉલેજ માં હતા ત્યારે થોડુંઘણું લખતા. પણ અભ્યાસમાં સમય ન મળવાને કારણે એ શોખ એમને છોડવો પડ્યો. લગ્ન અને બાળકોની જવાબદારી માં એ સાવ ભૂલી જ ગયા હતા લખવાનું. નોટ પેન મળી ને એમનો જૂનો શોખ સજીવન થયો.
બસ, આશાબહેનની ગાડી પુરપાટ દોડવા લાગી. કવિતા, લેખો, વાર્તાઓ બીજું ય ઘણું લખતા. એ પોતાનું દર્દ સાવ ભૂલી ગયા. ખૂબ જ ખુશ રહેવા લાગ્યા. એમને જોઇને અમર ભાઈ પણ હરખાતા. અમર ભાઈને એમની પત્ની આટલા કપરા સમય બાદ પછી મળી. અમર ભાઈ એમનું દરેક લખાણ વાંચતા.
એક નજીવી વસ્તુ છે નોટ અને પેન, પણ આશા બહેન ને એમના ભયંકર દુઃખમાંથી ઉગારી લીધા. ગમે એવો મુશ્કેલીનો સમય હોય એ લાંબો સમય રહેતો નથી. ખૂબ જ ધીરજથી કામ લેવું પડે છે. મુશ્કેલી તો જીવન સાથે હંમેશા જોડાયેલી જ રહેતી હોય છે. કાં તો ડૂબી જાવ, કાં તો તરી જાવ. આશાબહેન તરી ગયાં !