Mariyam Dhupli

Inspirational

4  

Mariyam Dhupli

Inspirational

નિરીક્ષણ

નિરીક્ષણ

4 mins
100


પચીસ મિનિટથી ઑટોરિક્ષા આમજ ટ્રાફિકમાં ચારે તરફથી સપડાઈ શાંત નિર્જીવ ઉભી હતી. ઑટો ડ્રાઈવર પરસેવામાં રેબઝેબ પરત થયો. મળેલ માહિતી સાચીજ નીકળી. આગળ મોટો અકસ્માત સર્જાયો હતો. નકામો સમય વેડફાયાનો કંટાળો એના ચ્હેરા ઉપર સીધેસીધો દર્શન આપી રહ્યો હતો.

પાછળની સીટ ઉપર બેઠી બે સ્ત્રીઓ એકબીજાથી તદ્દન અપરિચિત હતી. અંતિમ પચીસ મિનિટથી એમની વચ્ચે કોઈ પણ પ્રકારના વાર્તાલાપને અવકાશ મળ્યો ન હતો. ઑટોરિક્ષાની જમણી તરફ મુસાફરોથી ખચાખચ લદાયેલી બસ ભીસડાઇને અડોઅડ ઉભી હતી. એ દિશામાં શ્વાસ ભરવું પણ કઠિન હતું. ઑટોરિક્ષાનાં આગળના કાચમાંથી કચરાની મોટી ટ્રક એની અસહ્ય દુર્ગન્ધ જોડે દ્રશ્યમાન હતી. બન્ને સ્ત્રીઓએ મોઢા પર દબાવી રાખેલા રૂમાલનું કારણ પણ કદાચ એજ દુર્ગન્ધ ફેલાવી રહેલ ટ્રક જ હતી. દ્રષ્ટિ માટે ફક્ત એકજ વિકલ્પ ઉપલબ્ધ હતો. ઑટોરિક્ષાની ડાબી તરફનો મોકળો માર્ગ.

એ દિશામાં બન્ને સ્ત્રીઓની નજર સ્થિર જડાઈ ચુકી હતી. નિરીક્ષણ અત્યંત સૂક્ષ્મ હતું. એ સ્થિર દ્રષ્ટિઓ દ્રશ્યમાં ખુબજ ઊંડે ઉતરી ચુકી હતી. જાણેકે એ દ્રશ્ય થકી એમના મન, એમની બુદ્ધિ, વિચારશક્તિ અને લાગણીજગતમાં કશે એડિટિંગ થઇ રહ્યું હતું.

આખરે ટ્રાફિક વીખરાયું. પચીસ મિનિટથી થંભી શાંત થઇ ગયેલા વાહનોને ચાલકોએ ત્વરિત ગરમ કર્યા. ગરમ થઇ રહેલા એન્જીનો જોડે બન્ને સ્ત્રીઓની દ્રષ્ટિના લાંબા સંપર્ક આખરે દ્રશ્યથી વિખુટા પડ્યા અને ઑટોરિક્ષા બન્ને સ્ત્રીઓને તેઓની મંજિલ સુધી પહોંચાડવા અત્યંત ઝડપે આગળ વધી ગઈ.

એ દિવસે મોડી સાંજે પ્રથમ સ્ત્રી પોતાના ઘરના નાનકડા ડાઇનિંગ ટેબલ ઉપર પતિ જોડે જમી રહી હતી. આખા દિવસની હાડમારીનો થાક પતિના ચ્હેરા ઉપર સ્પષ્ટ ઉપસી રહ્યો હતો. પણ એ સાથે વહાવેલ મહેનતના પરસેવાનો સંતોષ પણ હાજર હતો. સામે બેઠી પત્ની આજે કશુંજ બોલી રહી ન હતી. ચ્હેરો તાણયુક્ત દેખાઈ રહ્યો હતો. એ દુઃખી હતી કે ઉદાસ ? કારણ કળવું મુશ્કેલ હતું. શબ્દો થકી એ પ્રયાસ આદરી જોવાયો.

" શું થયું ? કેમ કશું બોલતી નથી?"

પ્રત્યાઘાત આપતી જમણની થાળી આગળ સરી આવી.

"કઈ નહીં. તબિયત સારી નથી."

અધૂરી થાળી જમણ જોડે ટેબલ ઉપર પટકતી છોડી એ સીધી શયન ખંડમાં જતી રહી.

"અરે પણ... આમ જમવાનું છોડી..."

પતિના શબ્દો સાંભળવામાં શૂન્ય રસ હોય એ રીતે શયનખંડનું બારણું ધડામ કરતું અફળાયું. એ કર્કશ અવાજ જોડેજ પતિના શબ્દો પણ આગળ વધતા અટકી પડ્યા. હવે કશું બોલવામાં ભલીવાર ન હતી. કઈ ફરક પડવાનો ક્યાં હતો ? પત્નીનો મિજાજ એ સારી પેઠે જાણતો હતો. આખા દિવસના થાકીને લોથપોથ થયેલા શરીર અને મગજમાં કલાકોના ઝગડા અને સંવાદો માટે નામનીયે ઉર્જા બચી ન હતી. હતાશામાં માથું ધુણાવી આખરે પોતાની જમણની થાળી પર ધ્યાન કેન્દ્રિત કરવુંજ હિતાવહ હતું.

શયન ખંડની અંદર પોતાની અલમારી ખોલી ઉભી પત્નીના હાથમાં પોતાના ઘરેણાંનો ડબ્બો હતો. નામનાજ એ ઘરેણાઓ ઉપર ઘૃણા છૂટી હોય એ રીતે ડબ્બાને ગુસ્સામાં બંધ કરી એણે અંદર તરફ ધકેલી દીધો. અલમારીનો દરવાજો પણ આવેગમાં ધડામ દેતો અફળાયો. શયન ખંડની લાઈટ બન્ધ કરી એ પથારીમાં ઉંધી પડી. ડાઇનિંગ ટેબલ ઉપર સંભળાઈ રહેલ શયનખંડના અવાજો ઉપરથી પતિએ મનોમન આજે બહારના ઓરડામાં જ ઊંઘી જવાનો નિણઁય લઇ લીધો.

શયનખંડના અંધકારમાં ગૂંગળાઈ રહેલ સ્ત્રીની દ્રષ્ટિ આગળ ઓટોરિક્ષામાંથી નિહાળેલ દ્રશ્ય ફરી ઉભું થયું. શહેરના પ્રખ્યાત ઘરેણાના શો રૂમમાંથી હાથમાં હાથ પરોવી બહાર નીકળી રહેલું દંપતી. પત્નીના હાથમાં થમાયેલી શો રૂમના નામથી ઝળહળી રહેલ મોટી લદાયેલી શોપિંગ બેગ. એક ઊંડા નિશાશા જોડે એણે પાસેના ડ્રોવરમાંથી ઊંઘની ટીકડી કાઢી. પાણીના ઘૂંટડા જોડે જબરદસ્તી એ ટીકડી શરીરમાં પહોંચી અને આખરે મગજ શાંત થતાંજ આંખો મીંચાઈ ગઈ.

લગભગ એજ સમયે બીજી સ્ત્રીના ઘરની ડોરબેલ વાગી. દોડતીભાગતી એ બારણું ખોલવા પહોંચી. પતિના હાથમાંથી ઓફિસ બેગ ઝડપથી લઇ લીધી. પતિનો હાથ થામી સીધા ટેરેસ ઉપર લઇ ગઈ. પાણીની ટાંકી પાસેથી પસાર થઇ રહેલ પાઈપને નિહાળતાંજ પતિ નવાઈમાં સરી પડ્યો.

"પ્લમ્બરનું અપોઈન્ટમેન્ટ તો ન મળ્યું હતું.. તો આ...."

પતિને હાસ્યસભર નિહાળી રહેલ પત્નીના હાવભાવો સમજાયા તો ખરા પણ વિશ્વાસ ન થયો.

"ડોન્ટ ટેલ મી. સાચેજ ? તે જાતે... પણ કઈ રીતે ?" 

સ્ત્રીના અવાજમાં ઉત્સાહ અને જ્ઞાન એકસાથે ડોકાઈ ઉઠ્યા.

"આજે ઘરે આવતા ઓટો ટ્રાફિકમાં ફસાઈ હતી. પચીસ મિનિટ સુધી. મોટો અકસ્માત હતો. ધનુષ્ય જવેલરી શો રૂમની બરાબર સામેજ. શો રૂમની બહાર વોટર પાઇપ રીપેર થઇ રહ્યો હતો. આપણા પાઇપની જેમજ પાણી લીકેજ થઇ રહ્યું હતું. પાઈપને બે ભાગમાં વચ્ચેથી કાપી એમણે પ્લાસ્ટિકનું કનેક્ટર જોડ્યું. ધેટ્સ ઈટ. ઘરે પરત થતા પહેલા હું હાર્ડવહેર શોપમાં ગઈ. પ્લમ્બરને બતાવવા માટે મોબાઈલમાં આપણા પાઇપનો જે ફોટો પાડ્યો હતો એ બતાવ્યો. એમણે પાઇપની સાઈઝ અનુસાર કનેક્ટર આપ્યું અને સાથે જોડાણ માટેનું ફ્રી માર્ગદર્શન પણ. બે મિનિટનું કામ હતું. સમય પણ બચ્યો અને પ્લમ્બરની ફી પણ. સાથે નવું જ્ઞાન મળ્યું એ બોનસ. "

"અરે વાહ, આમ ઇમ્પ્રેસ્ડ. આ વાત પર મારા તરફથી આઈસ્ક્રીમ ટ્રીટ" પત્ની પ્રત્યેનો ગર્વ દરેક શબ્દમાં પ્રેમ સ્વરૂપે છલકાઈ ઉઠ્યો.

"પહેલા જમી લઈએ. મને પણ બહુ ભૂખ લાગી છે. "

અને હાથમાં હાથ પરોવી બન્ને ડાઇનિંગ ટેબલ તરફ ઉપડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational