નારાયણી નમોસ્તુતે
નારાયણી નમોસ્તુતે
ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પટેલ દ્વારા નવરાત્રીના નવમા નોરતે 'નારાયણી નમોસ્તુતે' કાર્યક્રમ અંતર્ગત રાજ્યની કુલ ૧૮ મહિલાઓનું સન્માન કરાયું હતું. આ એ મહિલાઓ છે, જેમણે વિવિધ ક્ષેત્રે પોતાનું આગવું યોગદાન આપ્યું છે. આ કાર્યક્રમમાં ભાવીના પટેલ, શ્વેતા પરમાર, મૈત્રી પટેલ, ભારતીબેન ખુટી, હેમાબેન ચૌધરી, પાબીબેન રબારી, મિત્તલ પટેલ, હીનાબેન વેલાણી, ડૉ. ધરા કાપડિયા, પ્રેમીલાબેન તડવી, દુરૈયા તપિયા, શોભનાબેન શાહ, ડૉ. નીલમ તડવી, સ્તુતિ કારાણી, માનસી કારાણી, પાર્મીબેન દેસાઈનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત 18 મહિલાઓ પૈકી બે મહિલાઓ માટે આપણે ગર્વ લેવો જોઈએ, એ છે હિનાબેન વેલાણી અને બીજા છે દુરૈયા તપિયા. કોરોના જેવી મહામારીના દિવસોમાં જ્યારે આપણા પોતાના પણ આપણાથી મોં ફેરવી લેતા હતા, એવા સમયે હીનાબેન વિરાણીના સેવાકાર્યને કેવી રીતે નજર અંદાજ કરી શકાય. હીનાબેને ઘર -સમાજના તમામ બંધનોને તોડીને કોરોના દરમિયાન મૃત્યુ પામતાં દર્દીઓની અંતિમ વિધિ કરાવીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોનાની બીજી વેવ દરમિયાન લાખો લોકોના મૃત્યુ થયા. લાકડા પણ ખૂટી પડેલા, સ્મશાનમાં ચીમનીઓ રાતદિવસ ચાલવાને કારણે તૂટી પડી હતી. આવા સમયે લાશોના ખડકલા વચ્ચે હિંમત રાખી હીનાબેન અંતિમ વિધિના કાર્યને પાર પાડવામાં કાર્યદક્ષ હતા. હીનાબેને સમાજ પ્રત્યે એક જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજ પૂરી કાર્યદક્ષતાથી પૂરી કરી.
કોરોના કાળ દરમિયાન હીનાબેનની જેમ જ દુરૈયા તપિયા નામની મહિલાએ દેશવ્યાપી ટ્રક રાઈડ દ્વારા ગામેગામ જઈને લોકોને માસ્ક, સેનીટાઇઝર, પેડ અને ડસ્ટબીન પહોંચતા કર્યા. સુરતની ૪૨ વર્ષની દુરૈયા પોતે એક બાઈકર્સ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. કોરોના દરમિયાન તેણે ૨૩ રાજ્યોના ૪૫ ગામડાઓને પોતાના આ કાર્ય હેઠળ આવરી લીધા હતા. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, નારી અભિયાન અને આત્મનિર્ભર અભિયાનને લોકો સુધી પહોંચાડવાનો જ છે. આ દ્વારા તેણે સમાજને એક સશક્ત મહિલા અને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સલામ છે, આ બંને મહિલાઓની કોરોના જેવી મહામારી દરમિયાન નિ:સ્વાર્થ કાર્યદક્ષતાને.
