Vrajlal Sapovadia

Inspirational Thriller

5.0  

Vrajlal Sapovadia

Inspirational Thriller

નાનડીયાનો રાજકીય ઇતિહાસ

નાનડીયાનો રાજકીય ઇતિહાસ

4 mins
975


1965 આસપાસ અમે નિશાળમાં ભણતા ત્યારે ભારતની વસ્તી 50 કરોડ અને અમદાવાદની વસ્તી 4 લાખ હતી. આજે ભારતની વસ્તી 2018માં 130 કરોડ અને અમદાવાદની વસ્તી કરોડને આંબવા આવી છે. મને યાદ છે ત્યાં સુધી નાનડિયા ગામની વસ્તી અમને યાદ છે ત્યારથી (1965) અત્યાર (2018) સુધી 3000 આસપાસ જ રહી. વસ્તી સ્થિર રહેવા પાછળ એક કારણ સ્થળાંતર છે. ગામમાં ભાગ્યે જ કોઈ ઘર હશે કે જેનું કોઈ સભ્ય બહાર ન રહેતું હોય, ખાસ કરીને મોટા શહેરમાં. માણાવદર, જૂનાગઢ, રાજકોટ, મુંબઈ અને અમેરિકામાં ઢગલાબંધ નાનડિયા વાસી જોવા મળે તો કોલ્હાપુર, સોલાપુર, કરાડ, કે વળી કેન્યામાં કે બ્રાઝિલમાં પણ તમને કોઈ ને કોઈ નાનડિયાના વતની મળી જાય.


છેલ્લા 200-300 વરસનો નાનડિયાનો રાજકીય ઇતિહાસ ઘણો રોચક છે. ભારત 1947 ઓગષ્ટ માં આઝાદ થયું ત્યારે નાનડિયા, જૂનાગઢ અને માનવદરની રિયાસત તરીકે નવાબના વિચિત્ર નિર્ણયથી પાકિસ્તાનનો ભાગ બન્યું. મારા પિતાજી કહેતા કે આઝાદીના સમયમાં અમને ક્યારેય મહેસુસ નહોતું થયું કે અમે પાકિસ્તાનનો ભાગ છીએ. નાનડિયામાં બધી કે મોટા ભાગની વસ્તી હિન્દૂ, પણ બાંટવા અને માણાવદરમાં ઘણા મુસલમાન. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે બાંટવા માણાવદરમાં ઘણી કત્લેઆમ થઇ. મુસલમાન પાકિસ્તાન ચાલ્યા ગયા ને સિંધી પાકિસ્તાનથી અહીં રહેવા આવ્યા.


મારા દાદા ઘી વેચવા તે દિવસોમાં ગયેલા ને આગના ધુમાડાના ગોટેગોટા જોઈ બાંટવાના રસ્તે થી પાછા વળી ગયા એની વાત મારા બા ઘણી વાર કરે ને કહે કે સરદારજી લશ્કરના કાફલામાં બહુ અને અમને ધરપત આપે કે ડરો નહિ અમે તમારી રક્ષા માટે છીએ. 1947 ઓગસ્ટથી જૂનાગઢને પાકિસ્તાનમાં ના ભળે તે માટે સરદાર વલ્લભભાઈ અને શામળદાસ ગાંધી ના વડપણ નીચે જુદી જુદી લડાઈ થઇ. શામળદાસ ગાંધીની આરઝી હકુમત નવાબને સીધી લડાઈ આપતી હતી તો વલ્લભભાઈ રાજકિય લડાઈ લડતા હતા. આરઝી હકુમમાં લોકોના પ્રતિંનિધિ જેમાં રતુભાઇ અદાણી જેવા યુવા નેતા હતા જેમણે નવાબના શાસકોને હંફાવ્યા.


ભારત પાકિસ્તાનના ભાગલા માટે અમુક સિદ્ધાંત નક્કી હતા તે રીતે જ કોઈ પાકિસ્તાનમાં કે ભારતમાં જોડાય શકે. એક સિદ્ધાંત હતો કે જે વિસ્તાર પાકિસ્તાનમાં ભળવા માંગતો હોય તે ભૌગોલિક રીતે પાકિસ્તાન જોડે જોડાઈ શકે તેમ હોવો જોઈએ. જૂનાગઢ તો પાકિસ્તાનથી ઘણું દૂર ને વચ્ચે રાજકોટ ને કચ્છ આવે. પણ નવાબ અને પાકિસ્તાનની દલીલ હતી કે જૂનાગઢથી અરબી સમુદ્રથી સીધું પાકિસ્તાન જોડે જોંડાયેલ છે. સરદાર વલ્લભભાઈએ આ વાત બરોબર પકડી લીધી ને જૂનાગઢને રાજકોટ ને અમરેલી સરહદે ઘેરી લઇ લોકોની અવરજવર અને પુરવઠો બંધ કરી દીધો. આમ એક તરફ સરહદ સીલ થવાથી નવાબ મૂંઝાયા તો બીજી બાજુ આરઝી હકૂમતની સાથે ની લડાઈમાં નવાબનું લશ્કર અને પોલીસ હારી થાકી ગઈ. 1948 ફેબ્રુઆરીમાં લોકમત લેવાયો જેમાં 99% થી વધુ લોકોએ ભારત જોડે જોડાવાની તરફેણ કરી. સરદાર વલ્લભભાઈએ પોતાની કુનેહથી નવાબને ફોસલાવી સંદેશો મોકલ્યો કે પાકિસ્તાન જતા રહો નહિ તો જાન સહીત ઘણું ગુમાવી શકો. નવાબ સ્ત્રીના કપડાં પહેરી કેશોદ એરપોર્ટથી પાકિસ્તાન જતા રહ્યા. પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ને સ્થાનિક પ્રશ્નોથી ઘેરાયેલું હતું તે જુનાગઢને કોઈ મદદ ના પહોંચાડી શક્યું ને ફેબ્રુરાય 1948 માં જૂનાગઢ સાથે નાનડિયા ભારતનો ભાગ બન્યું.


1947 આઝાદી વખતે ભારતમાં ત્રણ પ્રકારના રાજ્ય હતા. નાનડિયા 1948 ફેબ્રુઆરી માં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠીયાવાડ નું ગામ બન્યું જેની રાજધાની રાજકોટ હતી. તે જ વર્ષે નવેમ્બરમાં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠીયાવાડનું નવું નામ સૌરાષ્ટ્ર રાખવામાં આવ્યું અને તેને 'ક' પ્રકારના રાજ્યનો દરજજો મળ્યો. સૌરાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી ઢેબર સાહેબ હતા જે 1967માં કોન્ગ્રેસના પ્રમુખ બન્યા. નવેમ્બર 1956માં સૌરાષ્ટ્ર રાજ્યને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. ને નાનડિયા મુંબઈ રાજ્યનું ગામ બન્યું, 1960 મે માં મુંબઈ રાજ્યનું વિભાજન થયું ને નાનડિયા ગુજરાત રાજ્યનો ભાગ બન્યું, જે આજ દિન સુધી ચાલુ છે. 1952 માં પહેલી વખત ચૂંટણી થઈ ત્યારે નાનડિયા જુનાગઢ સંસદીય વિસ્તારમાં આવતું, તે છેક 1977 માં જયારે પોરબંદર જુદો સંસદીય વિસ્તાર બન્યો ત્યાં સુધી ચાલુ રહ્યું. 1977 થી નાનડિયા પોરબંદર સંસદીય વિસ્તારમાં આવે છે. 1952થી આજ દિન સુધી નાનડિયા માણાવદર વિધાનસભામાં ગણવામાં આવે છે.


આઝાદીની લડાઈ સમયે નાનડિયા ની કોઠા શેરી તરીકે ઓળખાય છે તે શેરી ના પ્રવેશ દ્વારે એક કોઠો હતો તેમાં સંતાય ને સૈનિકો લૂંટારા ને અક્રમણકારીઓનો સામનો કરતા. ગામને ફરતે કાંટાની વાડ હતી જે કિલ્લાનું કામ કરતી ને ગામમાં પ્રવેશનો એક જ દરવાજો હતો. દરેક વ્યક્તિ કે ઢોર ઢાંખર ફરજીયાત મુખ્ય દરવાજે થી જ પ્રવેશ કરી શકતા. કાંટાળી વાળ જેમ ચોર લૂંટારાથી બચવા માટે હતી તેમ, દરબાર ને ટેક્સ ઉઘરાવવાની સરળતા બક્ષતી હતી. નાનડિયા ગામ માણાવદર ના નિયંત્રણમાં હતું ને માણાવદર દરબાર નીચે 24 ગામ હતા એટલે આ વિસ્તાર ચોવીસી તરીકે ઓળખાય. દરબારના માણસો ગામને દરવાજે 24 કલાક ઉભા હોય ને કોઈ ખેડૂત ખેતી ની પેદાશ લઇ ને નીકળે એટલે એક તૃતીયાંશ માલ દરબારને આપી દેવો પડે. એમ શાકભાજી થી માંડી ફળ, અનાજ, નીરણ કે બળતણનું લાકડું બધું જ આવી જાય.


ટેક્સ ઉઘરાવવાની સીધી ને એક જ પદ્ધતિ, કોઈ કાગળ નહિ ને ના કોઈ રીટર્ન ભરવાનું. મારા બા કહેતા કે દરબારના માણસો બહુ ત્રાસ આપે પણ દરબાર પોતે દયાળુ હતા. 1930-35 આસપાસ દરબારે નકામી જમીન જે ખેતીમાં ના વપરાતી હોય તેની ઉપર વેરો લેવાનું ચાલુ કરેલ. મારા બાના ગામ મીતડી માં કોઈ વડીલે મારા બાને ભલામણ કરી કે તમે એક ગીત બનાવી આ પીડા દરબારના કાને નાખો. નકામી જમીનનો વેરો ભરવા પૈસા ખેડૂત ક્યાંથી લાવે? મારા બા અને એની સુથાર બહેનપણીએ 1934માં એક રાસ બનાવી નવરાત્રીના સમયમાં લોકોની વેદના વ્યક્ત કરતી વ્યથા દરબાર સમક્ષ ગાઈ બતાવી, ને દરબારે આ વેરો માફ કરી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational