ના જોઈએ
ના જોઈએ
યથાર્થ ને લાગતું હતું કે આજે એના પગ જમીન પર ટકતાં નથી. ખુશીથી જાણે હવામાં ઊડી રહ્યો છે. છેલ્લા છ મહિનાથી એને એ વાત છૂપાવી હતી કે એ કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પસંદ થઈ ગયો છે અને એને ૨૫ લાખનું પેકેજ મળ્યું છે. પરીક્ષાનું પરિણામ આવી ગયું હતું અને બીજા જ દિવસથી એને ઓફીસ જવાનું હતું. એ તો મમ્મી-પપ્પાને આશ્ચર્યચકિત કરવા માંગતો હતો. એને તો એના મમ્મી પપ્પાના મોં પર આનંદ જોવો હતો. અત્યાર સુધી તો એને પાણી માંગ્યું હતું અને મમ્મી પપ્પા એ દૂધ હાજર કર્યું હતું.
હવે તો ગમે તે થાય પપ્પાને ધંધામાંથી નિવૃત કરવા છે. આખી જિંદગી કેટલી દોડધામ કરી. ટિફિનનું ખાવાનું ઠંડુ પડી જાય એ જ ખાધુ છે. હવે મમ્મીના હાથની ગરમાગરમ રોટલી ખાશે. પાછલી ઉંમરમાં ભગવાનનું નામ લઈ શકશે. આખી જિંદગી પૈસા પાછળ દોટ મુકી છે. જ્ઞાતિ તરફથી ઈનામમાં પૈસા મળતા હતા. જુદી-જુદી સંસ્થાઓ તરફથી પણ રોકડ રકમ મળતી હતી. કારણ નક્કી જ હતું કે ગોલ્ડ મેડલ તો યથાર્થને જ મળવાનાે. એકવાર તો યથાર્થે કહેલું પણ ખરું, " પપ્પા, અત્યાર સુધી મને ઈનામમાં મળેલા પૈસા ઘણા ભેગા થઈ ગયા છે. એટલે એકાદ વખતની ફી તો હું મારા પૈસે જ ભરીશ." ત્યારે પપ્પાએ કહેલું, " યથાર્થ , ઈશ્વરે આપણને ઘણું આપ્યું છે. તારા પૈસા તારી પાસે રાખ. અને હવેથી તારે એ પૈસાને અડવાનું પણ નથી. અને બીજા જ દિવસે પપ્પાએ એ પૈસા ઉપાડીને ફિક્સ ડિપોઝીટમાં મૂકી દીધા. ઉપરથી ઠપકો આપતા કહેલું, " હવેથી તારે આવી વાત કરવાની નહીં, આ બધું તારું જ છે. આ રાત-દિવસની મહેનત તારા માટે છે. મારે તો તારી આંખમાં આંસુ જોવા નથી. અને જ્યારે તારી આંખમાં આંસુ આવે ત્યારે એ આનંદ ના આંસુ હોય. " હજી પણ એને એ દિવસ યાદ હતો કે જ્યારે એ સાતમા ધોરણમાં નપાસ થયો ત્યારે મમ્મી કેટલું બધું રડી હતી...? પણ એને તો કંઈ જ અસર જ ન હતી. એ તો કહે તો, " આખરે તો મારે ધંધો જ સંભાળવાનો છે ને ? ભણી ગણીને ભેજાનું દહીં કરવાની જરૂર નથી. આ બધું મારું જ છે ને ? " ત્યારે મમ્મીએ કહેલું, " એક ભણેલી વ્યક્તિ ધંધો કરે અને એક અભણ વ્યક્તિ ધંધો કરે એમાં બહુ જ ફેર પડે. અભણ તો ૧૦૦ ના ૬૦ કરે તો પણ નવાઈ નહીં. અમે નહીં હોઈએ ત્યારે તારુ શું? આ તારા કાકા ઓ સાથેનો ભાગમાં ધંધો છે. તને ક્યારેય મૂરખ બનાવી ને ધંધામાં ખોટ બતાવશે. એ તને ખબરે નહિ પડે. એ લોકો લહેર કરશે અને તારે ખોટ ભોગવવી પડશે. બીજું તો ઠીક તું ગ્રેજ્યુએટ થઈ જા. તાે અમારે ચિંતા ના રહે. હિસાબ કિતાબમાં તો તને સમજ પડવી જ જોઈએ. બેટા હું તને હાથ જોડું છું, તું મહેનત કર. હા, એ વખતે પણ એને મમ્મી ના આંસુની કયાં અસર થઈ હતી?. એ તો હસતો હસતો ભાઈબંધાે જોડે બહાર રમવા જતો રહ્યો. બધા ભાઈબંધો પાસ થઈ ગયા હતા. માત્ર એ જ નપાસ થયો હતો. એ સોસાયટીમાં સરખેસરખા ભાઈબંધો જોડે રમવા ગયો ત્યારે આત્મીકના મમ્મી આત્મીકને કહી રહ્યા હતા કે, " આત્મિક, તારે યથાર્થની ભાઈબંધી કરવાની જરૂર નથી. એ ક્યાં આ લોકો નો દીકરો છે ! સડક પરથી કોઈ સંસ્થાવાળાએ ઉઠાવેલો અને સંસ્થામાંથી આ લોકોએ દત્તક લીધો. કોણ જાણે કોનો દીકરો હશે અને કેવા કુટુંબમાંથી આવ્યો હશે. આ લોકોએ દત્તક ના લીધો હોત તો અત્યારે કોઈ જગ્યાએ ભીખ માંગતો હોત. તારે એની ભાઈબંધી કરવાની જરૂર નથી. " બહાર ઊભેલો યથાર્થ આ સંવાદ સાંભળીને સ્તબ્ધ બની ગયો. આ શું બોલે છે? શું આ મારા સગા મા-બાપ નથી? તો...પણ મને આટલો બધો પ્રેમ કરીને મને સારી રીતે રાખે છે. યથાર્થ આત્મીકના ઘરમાં જવાને બદલે એના ઘેર પાછો ફર્યો કે તરત એના મમ્મીએ પૂછયું ," બેટા કેમ રમવા ના ગયો? તરત પાછો કેમ આવ્યાે? " કદાચ જિંદગીમાં પહેલી વાર એની આંખમાં આંસુ આવી ગયા હતા. એની મમ્મી સામે જોઈ બોલ્યો ," મમ્મી તમે મારા સાચા મમ્મી નથી? હું રસ્તા પર પડેલો હતો અને તમે મને લઈ આવ્યા છો? તો મારા સાચા મા બાપ કોણ છે ?" " જો બેટા, તને એવું લાગે છે કે હું તારી સાચી મા નથી ? તારા ભાઈબંધોને એની મમ્મી જેટલો પ્રેમ કરે છે એટલો જ કે એથી પણ વધુ પ્રેમ અમે તને કરીએ છીએ. અમારા પ્રેમમાં ક્યાંય ખામી છે ?" " ના , મમ્મી પણ આજે આત્મીક ના મમ્મી આત્મીક ને કહી રહ્યા હતા કે કોણ જાણે કેવાય કુટુંબમાંથી આવ્યો હશે, તું એની સાથે ભાઈબંધી ના કરીશ,." યથાર્થ તને કૃષ્ણ ભગવાનની વાત યાદ છે ને? કૃષ્ણ ભગવાનના સાચા મા-બાપ વસુદેવ અને દેવકી હતા છતાંય કૃષ્ણની મા યશોદામા છે. મૃત્યુપર્યંત એ યશોદા માને યાદ કરતા રહ્યા. એમને ગાેકુળ છોડવાનું દુઃખ હતું. મથુરા છોડવાનું નહીં. કૃષ્ણ એ ગોકુળમાં ગાયો ચરાવી છે અને વાંસળી પણ વગાડી છે. એમના માટે એ સુખ જ વિશેષ હતું. હજી પણ એ નંદના લાલા ને યશોદાના જાયા તરીકે જ ઓળખાય છે. એમને એમનો પ્રેમ ગોકુળમાં જ સૌથી વધુ આપ્યો છે. બાકી તો એ દ્વારકાધીશ બન્યા કે કંસનો વધ કર્યો પણ એમને દરેક પળે યશોદાજીને યાદ કર્યા છે. મથુરાની અટારી પર પણ ઉભા ઉભા પણ એમની નજર ગોકુળ બાજુ રહેતી. અને વિચારતા કે ગાેધુલીનો સમય થયો છે. મારી ગાયો નંદબાબાને ત્યાં પાછી આવતી હશે. એ જ્યારે દ્વારકાના રાજા બન્યા ત્યારે પણ એમને હર પળ નંદ યશાેદાજી ને યાદ કર્યા છે. બેટા જન્મ આપનાર કરતા એને પાળનાર મોટો હોય છે. તું તો મારાે રાજા બેટાે છું. "
ત્યારબાદ જાણે કે યથાર્થના જીવન માંથી તોફાન ગાયબ થઈ ગયું. એને એનું ધ્યાન ભણવામાં કેન્દ્રિત કર્યું. પરિણામ સ્વરૂપ એ હંમેશા પ્રથમ નંબર પ્રાપ્ત કરવા લાગ્યો. પરંતુ એ જેમ જેમ સમજણાે થતો ગયો એમ એને ખબર પડવા માંડી હતી કે મમ્મી પપ્પા એ એને દત્તક લીધો છે એ બાબતનો એના કાકાઓ એ સખત વિરોધ કરેલો. એમની ગણતરી હતી કે પપ્પા પછી એમની બધી મિલકત બાકીના ચાર કાકાઓ અંદર અંદર વહેંચી લેશે. પરંતુ યથાર્થ ના આગમનથી એમની ગણતરી ઊંધી પડી. યથાર્થને ધીરે ધીરે આ કાવાદાવા ની ખબર પડવા માંડી હતી. કાકાઓ વધુ પૈસા નો ઉપાડ કરતાં અને એના પપ્પાને ઓછા પૈસા મળતા. એવું ન હતું કે એમને ખબર પડતી ન હતી. એ લોકો જે રીતે પૈસા ખર્ચતા હતાં એના પ્રમાણમાં મમ્મી પપ્પા એટલાે પૈસાે ખર્ચતા ન હતા. જ્યારે જ્યારે કોઈ મોંઘી વસ્તુ ખરીદવાની હોય ત્યારે ત્યારે એની મમ્મીની આંખમાં આંસુ આવી જતા. કારણ પપ્પા કહેતા, " હમણાં તો મોટા ભાઈના દીકરા દીકરીઓ ની ફી ભરવા પૈસા ઉપાડ્યા, બીજા ભાઈને કાર ખરીદવાની હોય - જો કે પેટ્રોલના પૈસા ધંધામાં જ લખવાના. તો કોઈ ભાઈના ઘેર રીનોવેશન કરાવવાનું હોય, કોઈ કાકાની દીકરી ને અમેરિકા જવું હોય. બધાને પૈસાની જરૂર હોય. જ્યારે એના પપ્પા પૈસા માંગે તો તરત જ કહે, "ધંધામાં રોકવાના છે એટલે વધુ પૈસા ના ઉપાડીશ ". ધીરે ધીરે યથાર્થ સમજતો થઈ ગયાે કે કાકાઓ બીજા ભાઈ ના છોકરા છોકરીઓને પ્રેમ કરે છે એટલેા એને કાેઈ કરતું નથી. કાકાના દીકરા દીકરીઓ બારમું પાસ થાય તો પણ પાર્ટીઓ યોજાતી. અને બધા એમને બહુ મોટી ભેટ સાેગાદ આપતા. જ્યારે એ તો આખા ગુજરાતમાં બારમામાં પ્રથમ આવ્યો હતો ત્યારે કાકાઓ મળવા તો આવેલા પરંતુ કોઈ મોટી ભેટ સાેગાદ ને બદલે ૫૧ રૂપિયા આપવા માંડેલા. પરંતુ યથાર્થે કહેલું, " તમારા આપેલા પૈસા તો વપરાઈ જશે. જે વસ્તુ મારી પાસે રહે એ આપો. " કાકાઓના માેં પર ચિંતા ફરી વળી હતાં છતાં ય બોલ્યા ," બાેલ એવી કઈ વસ્તુ આપીએ? " બીજી જ પળે યથાર્થ બાેલ્યાે, " તમારા બધાના આશીર્વાદ અને પ્રેમ. " યથાર્થે પૈસા સ્વીકાર્ય ન હતા. પૈસાે જો કોઈ પ્રેમથી આપવાને બદલે ફરજ સમજીને ભીખની જેમ આપે એ પૈસા નો સ્વીકાર ના થાય. " યથાર્થ ઘેર આવ્યો ત્યારે ખુશ હતો બોલ્યો, "મને કેમ્પસ ઈન્ટરવ્યુ માં નોકરી મળી ગઈ હતી આ વાત હું તમને ફોન પર પણ કહી શક્યો હોત, પણ મારે તમારા બંનેના મોં પર આનંદ જોવાે હતો એટલે મેં તમને કહ્યું ન હતું. મને નોકરી મળી ગઈ છે. ર૫ લાખનું પેકેજ છે. આવતી કાલથી નોકરી઼એ જઈશ. " બન્નેના મોં પર અવર્ણનીય આનંદ હતો. યથાર્થ એના મમ્મી પપ્પાને પગે લાગતા બોલ્યો ," આ પ્રસંગે બોલો, હું જે માંગીશ એ તમે આપશો? " બંને જણા એકી સાથે બોલી ઊઠ્યા ," યથાર્થ તેં કોઈ વસ્તુ માંગી હોય અને અમે હાજર ના કરી હોય એવું આજ સુધી બન્યું છે? તારે પૂછવાનું જ ના હોય. "" પપ્પા, તમે જિંદગીમાં ખૂબ મહેનત કરી છે. હવે તમે અને મમ્મી યાત્રા કરો, દેવદર્શન કરો. તમે ધંધામાંથી નિવૃત્તિ લઈ લો. તમને તમારા ભાગના પૈસા આપે તો ય ઠીક ના આપે તાેય ઠીક. હવે તો મારો પગાર જ ૨૫ લાખ છે. હવે હું તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરવા માગું છું. "પરંતુ...દીકરા..." પપ્પા તમે એક શબ્દ પણ ના બોલતા. મને તમારા ધંધામાં જે કાવાદાવા થાય છે તે સમજાઈ ગયા છે. મારે હવે કંઈ જ જોઈતું નથી. સિવાય કે તમારું સુખ અને શાંતિ. મમ્મી , તમે મારી એક વાત સમજી લો કે મારે મન સર્વસ્વ તમે જ છો. જે જન્મ આપે છે તે જનેતા પણ જે પ્રેમ અને સ્નેહનું સતત સમર્પણ કર્યા કરે, જેને દીકરાના દરેક કૃત્ય વ્યાજબી લાગતા હોય એ મા....અને મા એ જનેતા કરતાં મહાન છે. જિંદગીની દરેક ખુશી તમે મને આપી છે. હવે મારે તમને જિંદગીની બધી જ ખુશી આપવી છે. મને એ પણ ખબર છે કે તમને ધંધામાં ખાસ નફો બતાવવામાં આવતો નથી પરંતુ પપ્પા મારો અત્યારનાે શરૂઆતનો પગાર ૨૫ લાખ છે જે દિવસે દિવસે વધવાનાે જ છે. પરંતુ મારી ઈચ્છા છે કે તમે ધંધા માંથી તમારા ભાગ ના પૈસા પણ ના લેતા અને ધંધાની ભાગીદારીમાંથી પૈસા લીધા વગર નીકળી જાવ. જે પ્રેમથી મળે એ લક્ષ્મી કહેવાય અને નિસાસો નાખીને આપે એ પૈસા કહેવાય.
હવે આ ઘરમાં લક્ષ્મી જ આવશે, પૈસો નહીં. મારે તમારા ભાગનો એક પૈસો પણ ના જોઈએ. અને તમે પણ ના લેતા. પૈસાનો લોભ માણસને અધ:પતન તરફ લઈ જાય છે. અત્યાર સુધી આ ઘરમાં મહેનતનો પૈસો આવ્યો છે. જોકે મહેનતના પ્રમાણમાં નથી મળ્યો. પણ હવે ભૂતકાળ વિચારવાનો સમય જ ક્યાં છે ? મારે પૈસો નહીં, મારે તાે મારા માબાપ જોઈએ છે. મારે લક્ષ્મી જોઈએ છે મારે પૈસો ના જોઈએ. "
