JHANVI KANABAR

Inspirational

4.6  

JHANVI KANABAR

Inspirational

મૂક પ્રેમ

મૂક પ્રેમ

5 mins
195


રાજૂબેટા જલ્દી કર ! મોડુ થશે તો શેઠાણી બૂમો પાડશે.. ત્યાં ત્રણ કલાક જેવું તો થશે એટલે તારું ઈસ્કુલનું ઘરકામ ભેગું લઈ લેજે... હો દિકા...’ નાથીએ નાનકડા અરીસામાં કાંસકાથી માથુ ઓળતા પોતાના દીકરાને કહ્યું.

'હા.. માં.. હું તૈયાર.. હાલ !’ બ્લ્યુ ચડ્ડી જોડે જરાપણ મેળ ન ખાતું એવું આછા કથ્થઈ રંગનું શર્ટ પહેરીને હાથમાં સ્કુલના ચોપડાની થેલી લટકાવી રાજુએ કહ્યું. નાથીએ પોતાની ઓરડીને તાળું વાસી, રાજુનો હાથ પકડી ચાલવા માંડ્યું. બે-ત્રણ ગલી પાર કરી, આગળ રોડ પર નીકળી થોડે દૂર જતાં સવિતાબેનના બંગલામાં પ્રવેશી.

નાથીએ રાજુને ઓસરીમાં છતનો છાંયડો જોઈ ત્યાં ઈશારાથી બેસવા કહ્યું. રાજૂ પોતાની થેલી લઈ ત્યાં ગોઠવાઈ ગયો એટલે નાથીએ કહ્યું, 'અહીં જ બેઠો રે’જે, આઘોપાછો ના થઈશ.’ રાજુએ માની સામે જોઈ હકારમાં માથુ હલાવ્યું. નાથી સાડલાનો છેડો કમર પર ખોસી, સાડલો થોડો ઊંચો લઈ બંગલામાં કચરા પોતા કરવા લાગી. થોડીથોડી વારે રાજૂ તરફ જોઈ, પાકુ કરી લેતી કે રાજુ ક્યાંય ગયો નથી ને...! આમ તો રાજુ સવારમાં શાળાએ જવા નીકળે એટલે નાથી બંગલે કામ કરવા આવે, અને રાજુ શાળાએથી પાછો આવે ત્યાં એ ઘરે આવી ગઈ હોય... પણ જ્યારે જ્યારે રાજુને શાળામાં રજા હોય ત્યારે તે મા સાથે અહીં આવતો. હવે તો દિવાળીનું વેકેશન ચાલુ થયું એટલે રાજુ નાથીની જોડે જ આવતો.

સવિતાનો દીકરો પાર્થ લગભગ રાજુ જેટલી જ ઉંમરનો હશે.. આઠેક વર્ષનો. તેને રાજુની સંગતમાં રહેવું ગમતું પણ સવિતાને એ જરાપણ પસંદ નહોતું. આજેપણ રાજુને જોતાં જ પાર્થ તેની મમ્મીથી સંતાતો તે ધીમેકથી રાજુ પાસે આવ્યો. બંને પાર્થના પાલતું પોમેરિયન ડોગી જોડે રમવા લાગ્યા. રમતાં રમતાં પાર્થે પોતાના હાથમાં રહેલી નાનકડી કાર રાજુને આપી... રાજુ મલકાયો, તેણે કાર હાથમાં લઈ પાર્થ જોડે રમવા માંડ્યું.. 'પા..ર્થ... ઓ પાર્થ.. બેટા અહીં આવતો રે...’ સવિતાનો અવાજ સાંભળી પાર્થને ખબર પડી ગઈ કે મમ્મી જોઈ ગઈ છે. તે કાર રાજુના હાથમાં જ રહેવા દઈ ત્યાંથી ચાલ્યો ગયો. સવિતાએ પાર્થને ખખડાવ્યો..

'તને કેટલી વાર કહ્યું છે, કે એની જોડે ના રમ.. ખબર નહીં કેવામાંથી આવતા હોય.. નાહ્યા પણ ન હોય ! સમજતો કેમ નથી તું ?’

નાથીને આ બધું સંભળાયું, આ પહેલીવાર નહોતું, પણ શું કરે ? પાર્થને ઘરે એકલો કેવી રીતે મૂકે ? અને આ ઢસરડા કર્યા વગર છૂટકો પણ નહોતો. તેને રાજુને ભણાવવા-ગણાવવાના ઓરતા હતાં. રાજુનું ભવિષ્ય પણ આવું અપમાનજનક હોય એવું નાથી નહોતી ઈચ્છતી. નાથીએ એંઠવાડ સાફ કર્યો, કપડા ધોયા તેમજ ઘરના અન્ય કામ રોજની જેમ પતાવી દીધા અને શેઠાણીની રજા લઈ ઘરે જવા નીકળી. સવિતાનું ધ્યાન અચાનક રાજુના હાથમાં રહેલી કાર પર પડ્યું અને તે ચમકી. રાજુ પાસે જઈ એ કાર રીતસર છીનવી લીધી, નાનકડો રાજુનું મોં વિલાઈ ગયું.

'એ તો મમ્મી મેં...’ પાર્થ બોલવા જતો હતો ત્યાં જ સવિતાએ અટકાવ્યો, `ચૂપ રે તું અને ચાલ હોમવર્ક કરવા બેસ !’ કહી પાર્થને પકડીને અંદરના રૂમ તરફ ચાલી ગઈ. નાથી પણ પોતાની કિસ્મતને ધિક્કારતી મનોમન કંઈક બબડતા રાજુનો હાથ પકડી ચાલવા લાગી. ઘરે આવી રાજુને જમાડી, પોતે પણ જમી અને થાક ઊતારવા જમીન પર જ આડી પડી.

રાજુ જ્યારે નાથીના પેટમાં હતો ત્યારે નાથીનો વર મંગુ સાયકલ પર ફેક્ટરીએ જતો હતો અને એક ટ્રક સામેથી આવતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. એ પછી નાથીના નસીબમાં બસ આવા ઢસરડા શરૂ થયાં, બિચારી પેટે પાટા બાંધી રાજુને ભણાવતી હતી, તેની સગવડોમાં કોઈ જ કમી ન રાખતી.

સવાર પડી અને ઘરનું વાસી કામ પતાવી નાથી રાજુને લઈ શેઠાણીના ઘરે જવા નીકળી પડી. આગલા દિવસની વાતને લઈ રાજુને નાથીએ રસ્તામાં જ ચેતવ્યો હતો. બંગલે પહોંચતાં જ ચૂપચાપ નાથી કામે વળગી અને રાજુ છાંયડે બેસી પોતાની ચોપડી ખોલી વાંચવા લાગ્યો. સવિતાએ પણ પાર્થને વોર્નિંગ આપી હતી એટલે તે પોતાના રૂમમાં જ રમતો હતો. થોડીવાર થઈ ત્યાં તો પાર્થની ચીસ સંભળાઈ. સવિતા અને નાથી પાર્થના રૂમ તરફ દોડ્યા, રાજુ પણ દોડી આવ્યો. જોયું તો પાર્થના બેડ પર સાપ હતો. સવિતા હતપ્રભ થઈ ગઈ. પોતાના દીકરાના પ્રાણ સંકટમાં જોઈ તેનું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું.. ધબકારા વધી ગયા હતા. પાર્થ પરસેવે રેબઝેબ થઈ ગયો. નાથીએ ધ્યાનથી જોયું અને અંદાજો લગાવ્યો કે આ સાપ ઝેરી નથી લાગતો, પણ અત્યારે કોઈ રિસ્ક ન લેવાય. તે હિંમત કરી, ધીમા પગલે આગળ વધી. હાથ લંબાવી સાપને લાગથી પકડી ખુલ્લી બારીમાંથી બહાર ફેંકી દીધો. સવિતાબેને સાપ પકડવાની ટીમને ફોન કરી બોલાવી લીધા. આ ટીમે સાપ શોધી તેને લઈ ગઈ. સંકટ ટળ્યો એટલે બધાના જીવમાં જીવ આવ્યા. પાર્થ દોડીને સવિતાને વળગી પડ્યો.

થોડીવારે સવિતાએ નાથીની સામે જોયું અને તેને વળગી પડી.

'આજે તે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે નાથી. મારા દીકરાનો જીવ બચાવ્યો. તું ન હોત તો શું બની જાત આજે ? મારી કૂખ સૂની થતા બચાવી છે તે...’ સવિતા રડતા રડતા બોલી રહી હતી.

'બસ બસ બેન.. આમ ન કરો. કંઈ જ નોતુ થવાનું. હું પણ મા છું, આ જગ્યાએ મારો રાજુ હોત તો ?’ કહેતા નાથીએ સવિતાને શાંત્વના આપી.

કામ પતાવી નાથી રાજુને લઈ ઘરે જવા નીકળી ગઈ. સાંજ પડતાં નાથીના ઓરડીની સાંકળ ખખડી. નાથીએ બારણું ઊઘાડ્યું તો સામે સવિતા તેના પતિ અને દીકરા જોડે ઊભા હતાં. નાથી તો આશ્ચર્યથી જોઈ જ રહી.

'અંદર આવવાનું નહિ કહે ?’ સવિતા બોલી. નાથી ચમકી ગઈ,

'અરે.. આવો આવો બેન, અત્યારે અમારા ઘરે ?’ નાથીથી પૂછાઈ ગયું.

'હા, કેમ ન અવાય ?’ કહી સવિતાએ જોડે લાવેલા પેકેટ્સ નાથીના હાથમાં મૂક્યા.

'આ શું છે બેન ? બોનસ તમે મને આપી દીધું પછી આ શેના માટે ?’ નાથીએ ઉત્સુકતાથી પૂછ્યું.

'તમારા માટે નથી. રાજુ માટે છે.. ફટાકડા અને મીઠાઈ.’ સવિતાના પતિએ હસતા હસતા કહ્યું.

'મને આજે સવિતાએ જે બન્યું એ બધું કહ્યું. બહેન તમારું ઋણ તો કદીય નહિ ભૂલાય. વળી કાલે જે બન્યું તેનાથી તમને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો.’ કહી હાથ જોડ્યા.

'એવું ના બોલો સાહેબ. પાર્થભાઈ મારા દીકરા સમાન છે.’ નાથીએ નીચું જોઈ કહ્યું.

'બેન લીંબુપાણી પીશો ને ?’ ખચકાતા ખચકાતા નાથીએ પૂછ્યું. 

'હા હા જરૂરથી પીશું.’ સવિતાએ કહ્યું.

પાર્થે તેની મમ્મી પાસે આવી ધીમેકથી પૂછ્યું, `મમ્મી હું રાજુ જોડે રમવા જાઉ ?’ `હા બેટા જા અને આ પપ્પીને પણ લઈ જા.’ કહી સવિતાએ જોડે આવેલા ડોગીને પાર્થને આપ્યું.

સવિતાની નજર નાથીના આખા ઘર પર ફરી વળી, નાનું હતું પણ કેટલું ચોખ્ખું અને સુઘડ ! લીંબુપાણી પી સવિતા અને તેના પતિ નાથીના ઘરેથી નીકળે છે, બહાર આવી જોયું તો પાર્થ અને રાજૂ રમતા હતાં. જોડે તેમનું ડોગી ગલીના નાના ગલૂડિયા જોડે ગેલ કરતું હતું. સવિતા આશ્ચર્યચકિત થઈ પશુનો આવો મૂક પ્રેમ જોઈ જ રહે છે. આજે તેને જીવનનો નવો પાઠ શીખવા મળ્યો હતો. મનુષ્યે પોતે કરેલા આવા વર્ગીકરણને લીધે તે હંમેશા નિઃસ્વાર્થ અને નિષ્કપટ પ્રેમથી અલિપ્ત જ રહે છે.

રોજની જેમ આજે પણ નાથી રાજુને લઈ બંગલે કામ કરવા ગઈ પણ રાજુ ઓસરીના છાંયડે નહોતો બેઠો, તે પાર્થ જોડે તેના રૂમમાં કારથી રમતો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational