મુલાયમ ધબ્બો
મુલાયમ ધબ્બો
‘હું સાચે તને એટલી બધી ગમું છું ?’ આ શબ્દો સાથે ઊંચકાતી ભ્રમરો અને અનીમેશ તાકી રહેલી પાણીદાર આંખો મને વધારે વિહ્વળ બનાવતી હતી. મારી આંખોમાં ડૂબકી લગાવીને એણે પૂછેલો આ પ્રશ્ન નવનીતની જેમ મારા મનમાં વલોવાવા લાગ્યો હતો. નમાવેલી પાતળી લાંબી ડોક કોઈ લજામણીનો છોડ જાણે બાજુમાં ઉભેલા કાંટાળા ગુલાબ તરફ ઝૂકતો હતો. બે ભ્રમરો વચ્ચેની નાની ગોળ ગુલાબી બિંદી ઘડીકમાં ઊંચકાતી તો ઘડીકમાં નીચે ઉતરતી. મારી સાથે નક્કી તે આજે સંતાકુકડી રમતી હતી. ફૂલની પાંદડી જેવા મુલાયમ હોઠ શબ્દોની સાથે અમળાતા જતા હતા. મારી સામે ઉઠેલી આંગળી જાણે મને કહેતી હતી, ‘તુંજ મારું અતીત્વ છે’.
એણે ફરીથી મારા કાનમાં એ જ પ્રશ્ન પૂછ્યો, ‘સાચું કહેને, તને હું કેમ ગમું છું ?’ હું તો આ અપ્સરા જોઇને મૂક બની બેઠો હતો. મારે તેને ઘણું કહેવું હતું, છતાંય હૃદયના કોઈ ગહન ઊંડાણમાંથી ઉદભવેલા શબ્દો હોઠ પર અથડાઈને પાછા પડતા હતા. મારા મનમાં એકઠા થયેલા એ હજાર જવાબો ની:શસ્ત્ર થઈને વધુ અકળાવતા હતા. એ જેમ વધુ પૂછતી તેમ હું વધુ તેનામાં ડૂબતો જતો હતો.
તેના એક પ્રશ્નના મારી પાસે અગણિત જવાબો હતા. મારે કહેવું હતું કે, ‘તું મને ગમે છે કે નહિ તે મને ખબર નથી, પરંતુ તું મારા ફરતે કોઈ ગલોવેલની જેમ વીંટળાયેલી જરૂર છે. તે મારા દિલના આંગણાને તારા પ્રેમથી લીંપ્યું છે. તારા શબ્દો ફૂલ બનીને મારા અસ્તિત્વને મહેંકતું કરી રહ્યા છે. તારા ટેરવાનો સ્પર્શ કોઈ જડીબુટ્ટીની જેમ મારા લોહીમાં ભળીને મને
માદક કરી રહ્યો છે. તારી આંખો મારા પર જેવી ઠરે છે કે તરત રેલાઈ જાય છે શીતળ ચાંદની. હું ઝગમગી ઉઠું છું પૂનમની પૃથ્વી પેઠે જ્યારે તું મારી સમીપ હોય છે. તારા કપોલ પર ઉડેલા લજ્જાના રંગો કોઈ ઇન્દ્રધનુષની જેમ મને આકર્ષી રહ્યા છે.’ આવી કેટલીય વાતો મારે ભમરો બનીને તારા કાનમાં ગુંજતી કરવી હતી. પણ શું કરું તને જોઇને હું પોતે વાયુ બનીને હવામાં ઓગળી જાઉં છું.
મેં ભલે એને કોઈ જવાબ ન આપ્યો પરંતુ તે મલકાતી રહી. એનું સ્મિત અફીણ બનીને મારી નસોમાં ભળી ગયું. એના ચહેરા પર ઉતરેલી એક લટ વહેતા પવનની મોજમાં ઉડતી ઉડતી તેની આંખો ઉપર આવીને ગેલ કરવા લાગી. મને ઈર્ષા થાય એ પહેલા જ તેણે તર્જનીથી હળવેકથી ઊંચકીને એને ફરીથી કાન પાછળ ભરાવી દીધી. હું કશું બોલું તે પહેલા તો તે મારી સમીપ આવી. મારા જીવનમાં નવરંગો ભરવા ઝુકી. હૃદયના ધબકારાએ અનેકગણા વધીને મને પાંગળો કરી મુક્યો. હું કોઈ પ્રત્યાઘાત આપું એ પહેલા તો એ એટલી નજીક આવી ગઈ કે એની સુવાસ ધૂપ બનીને મને ઘેરી વળી.
હું જેવો એની નજીક જવા પ્રયત્ન કરું છું કે મારી પીઠ પર જાણે અંગારા પડ્યા. કોઈએ જોરથી ધબ્બો માર્યો. મારી આંખો ખુલી ગઈ અને જોવું છું તો પપ્પા ગુસ્સામાં મારો ધાબળો ખેંચતા હતા. ‘ઉભો થા ભાઈ. ક્યારનો જગાડું છું ! હમણાં એક ધબ્બો મારીશ.’ કોઈને માર્યા પછી આમ કહેવાની રીત પર મને ગુસ્સો ચડ્યો. એક તો ધબ્બો માર્યો અને પાછા કહે ‘ધબ્બો મારીશ.’ પણ એમની વાત સાચી હતી એ ધબ્બો હતો જ ક્યાં ? એ તો હતો મુલાયમ ધબ્બો.