mariyam dhupli

Drama Inspirational

4  

mariyam dhupli

Drama Inspirational

મુક્તિ

મુક્તિ

5 mins
429


" હું શાકભાજી ખરીદવા જાઉં છું. દરવાજો અંદરથી બંધ કરી લેજે. અને હા, બાર વાગી જાય તો મલ્હારને અવાજ આપજે. ઉપર આવી રહે. એનું હોમવર્ક પણ બાકી છે. નહીંતર ઊભે તડકે રમ્યા કરશે. "

કીર્તિના ડગલાં દાદર ઉતરી ગયા. ટીવી નિહાળવામાંથી એક બ્રેક લઈ સુમિત દરવાજો બંધ કરવા ઊભો થયો. રવિવાર હતો. આરામનો દિવસ. બજાર ઘરથી અર્ધા કિલોમીટરને અંતરે હતું. એટલે કીર્તિને એની શાકભાજીઓ ખરીદીને પરત થતા બહુ સમય લાગવાનો હતો નહીં. એક નજર એણે ઘડિયાળ તરફ કરી. મલ્હારને હજુ થોડો રમવાનો સમય આપી શકાય. 

ફરીથી ટીવી સામે આવી ગોઠવાઈ સુમિતે એક પછી એક ટીવીના ચેનલ બદલવા માંડ્યા. અચાનકથી એક અવાજ એને ધીમે સાદે પોતાના તરફ આકર્ષી રહ્યો.

" સુમિત અહીં આવ. સુમિત, સાંભળે છે ? આવ તો......"

સુમિતના હાથમાંનું રિમોટ ધ્રૂજવા માંડ્યું. એણે ધીમે રહી પોતાના શયનખંડ તરફ નજર કરી. તરતજ એની નજર ફ્લેટના દરવાજા તરફ ડોકાઈ. બહાર શેરીમાંથી બાળકોનો અવાજ ફ્લેટ સુધી સંભળાઈ રહ્યો. 

" એ આઉટ છે. આઉટ છે. ચીટિંગ કરે છે. ના, ના."

સુમિતે ફરીથી પોતાનું ધ્યાન ટીવી ઉપર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો. સમાચાર ચેનલ ઉપર હાજર ન્યુઝ રીપોર્ટરના હોઠમાંથી સરી રહેલા શબ્દો ધીમે ધીમે મૌન થતા ગયા અને એના મોઢામાંથી ફરીથી એજ શબ્દો એને સંભળાવા લાગ્યા. 

" સુમિત. અહીં આવ. સુમિત, સાંભળે છે કે ? જલ્દી આવ. " 

સુમિત ધ્રૂજી ઊઠ્યો. એને એ શબ્દો તરફ આકર્ષાવુ ન હતું. એણે કાન ઉપર હાથ દબાવી દીધા. એની નજર શયનખંડની અલમારીને ડરીને તાકી રહી. ફરીથી એણે ફ્લેટના દરવાજા તરફ નજર કરી. દરવાજો બંધ હતો. કીર્તિ હજુ આવી ન હતી. મલ્હાર ફ્લેટમાં હાજર ન હતો. આવો અવસર ફરી મળશે નહીં. સુમિતનું મન લલચાઈ રહ્યું. નિર્ણય લેવાની મૂંઝવણ એના હૈયાના ધબકાર બમણા કરી રહી. 

'કમોન સુમિત. કોઈને કશી જાણ થશે નહીં. '

ટીવીનું રિમોટ ટેબલ ઉપર સરકાવી એ અત્યંત ધીમેથી સોફા ઉપરથી ઊભો થયો. 

" ચીટિંગ. ચીટિંગ. ચીટિંગ. "

બાળકોના અવાજથી ડરી એ ફરી સોફા ઉપર ફસડાઈ પડ્યો. ચહેરા ઉપર બાઝેલા પરસેવાના ટીપા ઉપર એણે હાથ ફેરવ્યો. શ્વાસ જોરજોરથી ફૂલી રહ્યો હતો. ઘડિયાળના કાંટાનો ટક...ટક...ટક... અવાજ માથું ફાડવા લાગ્યો. 

એણે પોતાનું મન અન્ય દિશામાં વાળવાનો પ્રયાસ કર્યો. નેટફ્લિક્સ ઉપર નવી રિલીઝ થયેલી ફિલ્મ એણે શોધી કાઢી. કેટલા દિવસોથી એ ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો. એના ગમતા સ્ટાર કાસ્ટ અને ગમતી થ્રિલર શ્રેણી. ટેબલ ઉપર કીર્તિએ સર્વ કરેલી ચિપ્સ એણે મોઢામાં મૂકી. ફિલ્મ શરૂ થઈ અને એણે આરામથી સોફા ઉપર પગ લંબાવી મૂક્યા. 

પહેલું દ્રશ્ય પાંચ મિનિટ માટે રમ્યું કે ફરીથી એજ શબ્દો એનું ધ્યાનભંગ કરવા માંડ્યા. એણે સભાન રીતે એ અવાજોને અવગણવાનો પ્રયાસ કર્યો. 

" સુમિત. એ સુમિત. સાંભળે છે કે ? અહીં આવ તો. "

રમત પુન : આરંભાઈ હતી. મક્કમ ખેલાડી જેમ એણે પણ ફિલ્મના દ્રશ્ય ઉપર પોતાનું ધ્યાન હઠપૂર્વક ચોંટાડી દીધું હતું. પણ રમત પલટાઈ. ટીવીના પરદા ઉપરથી દ્રશ્ય ધીમે ધીમે ભૂંસાવા લાગ્યું અને ભૂતકાળની ક્ષણો દ્રશ્યના રૂપે ભજવાઈ ઊઠી. 

" સુમિત. ક્યાં છે તું ? સાંભળે છે કે ? અહીં આવ. "

પિતાનું જૂનું ઘર. ટેબલ ઉપર અભ્યાસ કરી રહેલો બાર વર્ષનો સુમિત પિતાનો અવાજ સાંભળી દરરોજની ટેવ પ્રમાણે તરતજ ઊભો થઈ ગયો. એ જાણતો હતો કે પિતાજીથી હવે ન થોભાશે. સમય થઈ ગયો. એ તરતજ પિતાજી સામે આવી ઊભો રહી ગયો. એમના કઈ કહ્યા વિનાજ એણે હાથ લંબાવી મૂક્યો. પોતાની ફાઈલમાં વ્યસ્ત પિતાજીએ ઉપર જોયા વિનાજ એના હાથમાં પૈસા થમાવી દીધા. આગળ શું કરવાનું હતું એ જાણતો હતો. આઠ વર્ષનો હતો ત્યારથી જ આ પરંપરા બની ચૂકી હતી. પૈસા મુઠ્ઠીમાં દબાવી સ્લીપરના પટાક... પટાક... અવાજ જોડે એ ઘર બહાર નીકળી પડ્યો. 

ભૂતકાળના દ્રશ્યથી હિપ્નોટાઈઝ થઈ ગયો હોય એમ સક્રિય મગજનો સાથ છોડી સુમિતે નિષ્ક્રિય મગજનો હાથ થામી લીધો. એ હાથ એને સાથે ખેંચી શયનખંડની એની અલમારી સુધી દોરી ગયો. ઘડિયાળની ટક.... ટક.. દસગણી બમણી ઝડપથી ઘરમાં ગૂંજી રહી. સુમિત પોતાની જાતમાં ન હોય એમ હાંફળો ફાંફળો અલમારીને બે હાથ વડે ખૂંદી વળ્યો. કીર્તિની નજરથી અહીં અંધારિયા ખૂણામાં છુપાઈ બેઠેલ પેકેટ એના હાથમાં લાગ્યું કે ભૂતકાળનું દ્રશ્ય મનોપટ પર આગળ વધ્યું. 

બાર વર્ષનો સુમિત દુકાન ઉપર પહોંચ્યો. મુઠ્ઠી ખોલી એણે દુકાનદાર તરફ આગળ ધરી. નિયતક્રમ અનુસરતા દુકાનદારે પૈસા લઈ સામાન એના હાથમાં થમાવ્યો. ટેવ પ્રમાણે એણે રસ્તાની વાટ પકડી. પરંતુ આ વખતે રસ્તામાં પડતી એક સુમસાન ગલીમાં એના કિશોર ડગલાં અટકી પડ્યા. ધીમે રહી એણે નજર દરેક દિશામાં ફેરવી. અવરજવર નહીંવત હતી. એ વાતની ખાતરી થતા એણે ધીમે રહી ઘરમાંથી ચોરીછૂપે ઉપાડી લાવેલ લાઈટર ખિસ્સામાંથી બહાર કાઢ્યું. એની સામે વર્ષોથી ધુમ્રપાન કરતા પિતાજીની નકલ કરતા એણે મોઢામાં એક સિગારેટ ગોઠવી. લાઈટર સળગાવ્યું અને સિગારેટને અગ્નિનો હળવો સ્પર્શ આપ્યો. કોઈ આવી જાય એ પહેલા.....

કોઈ આવી જાય એ પહેલા.....

સુમિતની નજર અલમારીમાંથી ચોરીછૂપે કાઢેલા પાકીટને એકીટશે નિહાળી રહી.

થોડા સમયમાં ઘરની ડોરબેલ વાગી. સુમિતે બારણું ખોલ્યું. કીર્તિ પરસેવે રેબઝેબ શાકભાજીની થેલી જોડે ફ્લેટમાં પ્રવેશી. 

" ઉફ્ફ...બહાર એટલી ગરમી છે ને સુમિત. મલ્હારને...."

કીર્તિની આંખોનો સંપર્ક સભાનપણે તોડતો સુમિત ચોરની માફક બાલ્કની તરફ જતો રહ્યો. કીર્તિની શંકાભરી દ્રષ્ટિ એને પાછળથી અનુસરી રહી. શાકભાજીની થેલી એક ખૂણે કરી એ સીધી બાલ્કનીમાં પ્રવેશી. 

સુમિત હજી પણ કીર્તિની દિશામાં પીઠ ફેરવી ઊભો હતો. એની આંખોમાં આંખો પરોવવાની હિંમત ન હોય એમ. 

"સુમિત."

કીર્તિના સંબોધનથી સુમિતના શરીરમાં કોઈ હલનચલન ન થઈ. કીર્તિએ અવાજ કડક કર્યો. 

" સુમિત, તારા પપ્પાને શું થયું હતું ? "

" કેન્સર. " સુમિતના અવાજમાં ધ્રુજારી હતી. 

" એમના ફેફ્સાઓ..." કીર્તિએ વાક્ય અધૂરું છોડી દીધું. 

" રાખ થઈ ગયા હતા. " સુમિતે રડમસ અવાજમાં કીર્તિનું વાક્ય પૂરું કર્યું. 

" એ દુનિયા છોડી ગયા ત્યારે તારી ઉંમર કેટલી હતી ? " કીર્તિનો લ્હેકો કડવો પણ મક્કમ હતો.

" તેર વર્ષ. " બે શબ્દોમાં જવાબ સંકેલતા સુમિત તૂટી પડ્યો. 

પાછળ ફરી એણે કીર્તિની આંખોમાં આંખો પરોવી. પસ્તાવાનો ધોધ સુમિતની આંખોને ધોઈ રહ્યો. ધ્રૂજતાં હાથે એણે ખિસ્સામાં છૂપાવેલું સિગારેટનું પાકીટ કીર્તિના હાથમાં સોંપી દીધું. 

" એક પણ પીધી નથી. તારા સમ. મલ્હારના સમ. " 

કીર્તિના માથા ઉપર સુમિતના હાથના વજનનું દબાણ થયું કે એની નજરમાં ભીનાશ ભરાઈ બેઠી.

" પપ્પા. પપ્પા. મેં હાફ સેન્ચ્યુરી મારી. "

શેરીમાંથી મલ્હારનો ગર્વ સભર અવાજ બાલ્કની સુધી પહોંચ્યો. 

" આઈ વોઝ એ ચેન સ્મોકર. સહેલું નથી મારા માટે. પણ મારે કરવું છે. આ ગુલામીમાંથી આઝાદ થવું છે. મને તારા જોડે જીવવું છે. મલ્હાર જોડે જીવવું છે." બાળક જેમ રડી રહેલા સુમિતને કીર્તિએ ગળે લગાવી લીધો. સિગારેટનું પાકીટ એક ખૂણામાં પડ્યું એ શૂરવીર ક્રાંતિકારીને અચરજથી નિહાળી રહ્યું. 


Rate this content
Log in

Similar gujarati story from Drama