મુક્તિ
મુક્તિ


દાદીજીના ગુજરી ગયા પછી દાદાજી એકલા પડી ગયા. દાદાજીએ જીવનના સાઈઠ વર્ષ વટાવી નાખ્યા. અને હવે દાદાજીનું શરીર પણ થાકી ગયું હતું, હવે કોઈપણ કામ દાદાજીથી થઈ શકતું નથી. તેથી તે આખો દિવસ ગામના ઓટલે ગપાટામાં જ કાઢતાં. છોકરાઓ શહેરમાં રહેતા હોવાથી તે એકલા ગામમાં રહેતા. તે ખાવા પણ જાતે જ રાંધતા હતા. બંને દીકરાઓને શહેરમાં પોતાના ઘર હતા, તેથી તે વર્ષોથી શહેરમાં રહેતા અને અમુકવાર ગામમાં માં-બાપને મળવા આવતા. પણ હવે તે દીકરા મળવા આવી શકે તેમ ન હતા. દાદાજીને ગામમાં તફલીક પડતી હોવાથી તેમને શહેરમાં રહેવા બોલાવી દીધા. મોટા દીકરાએ બે-ત્રણ મહિના રાખ્યા બાદ તે બાપાને તેના ઘરમાં રાખવા ત્યાર ન હતો, તેથી બંને ભાઈએ નક્કી કરે છે કે કોના ઘરે પિતાજી રહે. તેથી તેમણે નક્કી કર્યું કે છ મહિના રાજુને ત્યાં અને છ મહિના રમેશભાઈને ત્યાં રહેશે. આવી રીતે દાદાએ એક-બે વર્ષ નીકળી નાખ્યા. એકલા પડેલા દાદા આખો દિવસ ઘરમાં એકલા શું કરે એટલે તે થોડાક કલાકો બહાર કાઢતાં અને મંદિર જતા, પ્રસાદ ખાતા અને બીજા ડોહા હંગાથે ગપાટા મારતા, જમવાના સમયે ઘરે જમવા આવી જતા.
રાજુને ત્યાં છ મહિના થઈ ગયા અને હવે તે રમેશને ત્યાં રહેવા આવ્યા. દાદા રમેશને ત્યાં કપડા અને બીજો સમાન લઈને રહેવા આવી ગયા. રમેશની ઘરની બાજુમાં જ મંદિર આવેલ હતું, દાદા સવારે નાહી-થોઈ અને ચા પીને મંદિરે પહોચી જતા. પ્રસાદ લઈને, બધા ડોહા સંગાથે ગપ્પાબાજી મારવાનું ચાલુ કરી દેતા. આવી રીતે દાદાને ઘણા દિવસો પસાર થઈ ગયા.
એક દિવસ રમેશભાઈના પત્નીએ રમેશભાઈને કહું કે ‘‘દાદા આખો દિવસ બહારે આડેધડ ગપ્પા મારે છે અને મંદિરમાં પ્રસાદી ખા-ખા કરે છે, કદાચ ગળ્યું ખ્વાહાથી ડાયાબીટીશ થઈ જશે તો બાપને દવાખાનાએ લઈ જવા પડશે, બાપને સમજાવી નાખજો કે મંદિરે આછું જવાનું.’’
રમેશભાઈએ પણ કહું ‘‘એકલા છે, આખો દિવસ ઘરમાં રહીને શું કરે. કંટાળી જાય એના કરતા બહાર ફરે તો શરીરનું હલન-ચલન તો થાય. મંદિરમાં જાય તો ભગવાનનું નામ રટણ થાય.’’
બે-ત્રણ દિવસ આમ જ બંનેજણ વચ્ચે રકજક થયા કરતી. જોસનાબેન રમેશભાઈને બોલ્યા કે ‘‘બાપાનું આખો દિવસ બહાર જવાનું બંધ કરાવો. નહિતર હું આ ઘરમાંથી ચાલી જઈશ, પછી પડ્યા રહેજો બાપા જોડે એકલા.’’
રમેશભાઈ પણ હવે ફસાઈ ગયા. પત્નીને સમજાવી પણ તે ન માની, તેથી રમેશભાઈએ દાદાને ઘરમાંથી બહાર ઓછું નીકળવાનું કહ્યું. દાદા કોઈકવાર છાનાં-માંના મંદિરે આટો મારી આવતા. પણ દાદા અચાનક માદા પડ્યા, દાદાને દવાખાને લઈ જવામાં આવ્યા. દાક્તરે ચકાસણી કરીને કહ્યું ‘‘દાદાને ડાયાબીટીસ થઈ છે કારણ કે તેમને ઘણી ગળપણવાળી વસ્તુ
ઓ ખાધી છે. જો હવે તમારે દાદાની કાળજી રાખવાની છે કે દાદાજીને મીઠી વસ્તુઓં ખવરાવવાની નહી, જો તે મીઠી વસ્તુ ખાશે તો તેમને વધારે તફ્લીક પડશે. તેમને ચા ખાંડ વગરની પીવરાવવાની અને લગ્ન પ્રસંગમાં મીઠાઈઓ ઓછી ખવરાવવાની.’’
આ બધુ સાંભળી જોસનાબેન બોલ્યા ‘‘ કહ્યું તું ને બાપાને મંદિરે ના જવા દો, પરિણામ જોઈ લીધુને. આખો દિવસ મંદિરમાં ગળી પરસાદી અને સાકરિયા ખાય, પછી ડાયાબીટીસ જ થાયને.’’
રમેશભાઈ પણ હવે ઘરના કંકાશથી કંટાળી ગયા. રમેશભાઈએ કહ્યું ‘‘શાંતિ રાખ.’’
દાદાને દાક્તરે રજા આપી એટલે દાદાને ઘરે લાવ્યા. રમેશભાઈએ દાદાને કહ્યું ‘‘આજથી મંદિરે જવાનું બંધ, વધારે બીમાર પડશો તો તમારું શું જવાનું. પેસા તો અમારે કાઢવાના.’’
દાદા થોડા દિવસ બહાર ન ગયા એટલે તેમને ચેન ન પડ્યું. દાદા કોઈકવાર મંદિરે જઈ આવતા, જયારે જોસનાબેનને ખબર પડતી તો તે દાદાને વઢતા અને પછી રમેશભાઈને કહી દેતા. ફરી પાછો દીકરો દાદાને બહાર જવાની ના પડતો. હવે તો ખરેખર દાદાનું જવાનું બંધ થઈ ગયું. આખો દિવસ ઘરમાં એકલા શું કરે એટલે ઘરમાં આટા મારતા અથવા ઘરમાં કોઈક વસ્તુઓ આડી પડી હોય તેને સરખી કરતા અને તેમનો સુવાનો સમય થતો એટલે સુઈ જતા. કોઈકવાર પૌત્રો સંગાથે વાતો કરતા.
આમ જ તેમનો સમય પસાર થઈ જતો. જયારે જોસનાબેન બોલે તો ચુપ થઈ ખાટલા પર બેસી જતા. દાદા જાણે ઘરમાં પુરાઈ રહેતા હોય તેમ રહેતા. આવી રીતે જ દાદાનું માનસિક સંતુલન બગડી ગયું. પછી રૂમમાં ને રૂમમાં ગણગણાટ કરયા કરતા. જયારે જોસનાબેન શાકભાજી લેવા ગયા હોય અને પોત્રાઓ સ્કુલે ગયા હોય ત્યારે તે છાનાં-માંના બહાર આંટો મારી આવતા. દાદા જાણે કેદી હોય તેમ ઘરમાં પૂરાઈને રહેતા. દાદા ઘણીવાર ગાંડા હોય તેમ વર્તતા, રમેશભાઈ પણ દાદા અને ઘરની પરિસ્થતિથી કંટાળી ગયા હતા. રમેશભાઈએ રાજુભાઈને ઘરે બોલાવ્યા અને દાદાને વૃધાશ્રમમાં મુકવાની વાત પર રાજુભાઈ સહમત થયા. આખરે દાદાને વૃદ્ધાશ્રમ માં મુકવાનું નક્કી થયું. રાજુભાઈએ કહ્યું કે ‘‘વૃદ્ધાશ્રમમાં આપણે દાદાનો ખર્ચો પણ આપીશું, વૃદ્ધાશ્રમમાં દાદાની સારસંભાળ વધારે રહેશે.’’
દાદા આ બધું સાંભળી ગયા. તે પણ ખુશ થઈ ગયા કારણ કે તેમને મુક્તિ મળી રહી હતી. વૃદ્ધાશ્રમમાં તેમના જેવા લોકો હશે, વાતો કરવા અને ફરવા મળશે. તેમને ના કહેવાવાળું કોઈ નહી હોય. દાદા ખુશીને મારે આખી રાત સુતા નહી. બીજા દિવસે દાદાને ફરવાનું કહીને બહાર લઇ ગયા અને દાદાને વૃદ્ધાશ્રમમાં મુકીને જતા રહ્યા. દાદાએ વૃદ્ધાશ્રમ પગ મુકતાની સાથે જ પોતાની અજાદીનો અહેસાસ થયો. દાદાએ આખું જીવન મુક્તિથી પેલા વૃદ્ધાશ્રમમાં ગાળ્યું.