મૃત્યુંજય
મૃત્યુંજય


(ડોક્ટર પ્રકાશ એનાં દવાખાનામાં એક એમ.આર.આઈનો ફોટો અને રિપોર્ટ જોઈ રહ્યાં છે.) પરદો ખુલે છે અને અમર દવાખાનામાં પ્રવેશે છે.
અમર : "અરે, યાર ગળાની ગરમી જેવી મામૂલી બીમારી માટે તું સાત દિવસથી મને તારાં દવાખાનામાં બોલાવે છે.ફોટા પડાવે છે.જુદી જુદી ટેસ્ટ કરાવે છે. દવા ન લાગુ પડતી હોય તો એક-બે ઇન્જેક્શન આપી દે.કે પછી મફતિયા ઘરાકો માટે ઇન્જેક્શન પોસાય નહીં એવું તો નથી ને?
(આટલું કહીને અમરે એનાં ડોક્ટર મિત્ર પ્રકાશને જોરથી ધબ્બો માર્યો.)
પ્રકાશ : (અમરને બેસવા માટે ઈશારો કરે છે અને પછી ગંભીરતાથી કહે છે)
દોસ્ત, માફ કરજે.તારી આ બીમારી સામાન્ય નથી.મારી વાત ધ્યાનથી સાંભળ. તારાં બધાં જ રિપોર્ટ મેં ખૂબ જ ધ્યાનથી જોયા છે,એટલું જ નહીં મેં બે સિનીયર ડોક્ટરનાં અભિપ્રાય પણ લીધા છે.તને ગળાનું કેન્સર થયું છે.દબાતે પગલે આવીને તારી જાણ બહાર જ આ રોગ ત્રીજા અને અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે.હવે કોઈ દવા,કોઈ ઇન્જેક્શન કે કોઈ દુઆ કામ આવે એમ નથી.શસ્ત્રક્રિયા પણ નવ્વાણુ ટકા નિષ્ફળ જ જાય અને એમાં તો ઓપરેશન ટેબલ પર જ મોત થઈ જવાની શક્યતા છે.એનાં કરતાં તું એક કામ કર.આમ ને આમ જ જે
બે-ત્રણ મહિના મળ્યાં છે તે હસી-ખુશીથી જીવી લે.હું તને દર્દશામક દવાઓ આપીશ જેથી તને વેદના ઓછી થાય.બાય ધ વે, તે
'દસવિદાનિયા' ફિલ્મ જોઈ હતી કે નહીં? એ ફિલ્મના નાયકને પેટનું કેન્સર થાય છે.બચેલા ત્રણ મહિનામાં એની જે જે ઈચ્છાઓ જિંદગીમાં પૂરી થઈ ન હતી તે બધી જ ઈચ્છાઓ પૂરી કરી લે છે.તું પણ તારી બધી ઈચ્છાઓ પૂરી કરી લે.બાકી,મારી મદદ તને હમેંશા મળી રહેશે.
( ડોક્ટર પ્રકાશ ચુપકેથી ભીની આંખો લૂંછી લે છે અમર પણ અચાનક થયેલાં વજ્રાઘાતે સ્તબ્ધ બની જાય છે.થોડી પળો ચૂપકીદીમાં પસાર થાય છે.)
અમર : પ્રકાશ, તને ખબર છે,ગયાં સોમવારે તને હું બતાવવા આવ્યો તે પહેલાં એટલે કે રવિવારે અમે સોસાયટીનાં બધાં જ સભ્યો પીકનીક પર
ગયાં હતાં.મોજ મસ્તી કરતાં અમે આખો દિવસ વિતાવ્યો.સાંજે એક વક્તૃત્વ સ્પર્ધા રાખી હતી.'મારાં જીવનની ઈચ્છા' એ વિષય પર એક
મિનિટમાં બોલવાનું હતું.કોઈએ વિદેશમાં ફરવાની,કોઈએ ફરારી ગાડી વસાવવાની,કોઈએ ઘૂઘવતાં દરિયા સામે બંગલો બનાવવાની, કોઈએ હિમાલય ખૂંદવાની, કોઈએ ચંદ્ર પર જવાની તો કોઈએ સ્વખર્ચે મોટું મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રકાશ, ત્યારે મેં શું કહ્યું હતું તને ખબર છે? 'મારી જિંદગીની એક જ ઈચ્છા છે.ઘણું બધું લાંબુ જીવું,ઘણું બધું શીખું,ઘણું બધું જાણું, ઘણું બધું માણું
ઘણું બધું સહન કરું અને લોકોને હસાવતાં.સુખ વહેંચતા અને બીજાનાં દુઃખ-દર્દ દૂર કરતાં સો વર્ષ જીવું ' ખેર !ઈશ્વરને મારી ઈચ્છા પૂરી થાય તે મંજૂર નથી લાગતું. પણ તને ખબર છે, હું બહુ જિદ્દી છું. હું એમ જલ્દી હાર નહીં માનું.તારે મને એક મદદ કરવાની છે. હું મરી જાઉં તે
સાથે જ ગળા સિવાયનાં મારાં દેહનાં તમામ અંગો અને મારી ત્વચા કાઢીને અમરને અનેકમાં વહેંચી દેજે અને આ રીતે પણ મને જીવતો રાખજે.આ અંગે મારાં વિલમાં બધું જ લખીને રાખીશ. હું તો એકલરામ છું. મારાં મરણ પછી મારી બધી મિલકત તું ગરીબોને નવજીવન
આપવામાં વાપરજે.ચાલ, ત્યારે બચેલી ક્ષણોને સાર્થક કરવા હું તારી રજા લઉં.
( બહાર જતાં અમરને જોઈ )
પ્રકાશ : અમર , તે તો મૃત્યુંજય બનીને ઈશ્વરને પણ હરાવી દીધો.
(પડદો પડે છે નેપથ્યમાં ગીત વાગી રહ્યું છે )
મધુબન ખુશ્બુ દેતાં હે, સાગર સાવન દેતાં હે
જીના ઉસકા જીના હે જો ઓરોં કો જીવન દેતાં હે.......!