મૃત્યુંજય ( લઘુકથા )
મૃત્યુંજય ( લઘુકથા )


આતંકવાદીઓ સાથે લડતાં વિરગતિ પામેલ સૈનિકનું શબ ગામની નજીક આવવાના સમાચાર મળતાં જ, આખાં પરિવારનો સબૂરીનો બંધ તૂટી પડ્યો...
...તેની માં અને પત્નીનું ક્રંદન હૃદયવિદારક હતું...!
વીરગતિની કાળમુખી ખબર મળી ત્યારથી જ એની પત્ની તેની તસ્વીરને ગળે વળગાળી હૈયાફાટ રડી રહી હતી...
એ તસ્વીર ઉપર શહીદ સૈનિકે પોતાના હસ્તે લખ્યું હતું - "હું"..
એ રોકકળ વચ્ચે એક રડતી સ્ત્રી બોલી "આવડી જ ઉંમરમાં દેશ કાજે ખપી ગયો..હજી તો જિંદગી જોઈ જ કેટલી હતી...??!!"
એક બીજી સ્ત્રી શહીદની પત્નીને જોઈ બોલી " અરે..રે..! કોઈ દીકરો'ય નથી... કોના સહારે આયખું કાઢશે આ... ??!!
એવામાં શહીદ સૈનિકની
દીકરી ત્યાં આવી, પોતાની માંનો ચહેરો એના બેય હાથમાં લીધો; અનરાધાર આંસુ ભરેલી આંખે માંએ તેની તરફ જોયું, નજર હટાવી ન શકી.
સૈનિકની એ દીકરી સૈનિક-યુનિફોર્મમાં હતી, એકદમ એવી જ રીતે જેમ એ સૈનિક પહેરતો. દીકરીએ રૂંધાયેલા સ્વરે કહ્યું: " માં, પપ્પા દેશ માટે શહીદ થયા છે, મને ગર્વ છે એમની પર...પણ જે લોકોએ તેમને... હું પપ્પા જેવી જ બનીને વેર વાળીશ...!!
બોલતાં-બોલતાં દીકરીની આંખ રાતીચોળ થઇ ગઈ .. એણે માંના હાથમાંની તસ્વીરને એક સૈનિકની પેઠે કડક-જોશભેર સેલ્યુટ કર્યું, બાજુમાં જ રાખેલ સિંદૂરની ડબ્બી ઉઠાવી, સિંદૂર કાઢી આંગળી પર લીધું,
અને તસ્વીર પર લખેલ "હું" ની બાજુમાં જ "છું" લખી કાઢ્યું...!