Kalpesh Patel

Inspirational

4.9  

Kalpesh Patel

Inspirational

'મોવાડો ' - એક અતૂટ સ્નેહની લહેર

'મોવાડો ' - એક અતૂટ સ્નેહની લહેર

7 mins
1.9K


“અરે વાહ ! આ મોવાડોની સોનાની ઘડિયાળ બહુ સરસ છે, ક્યાંથી આવી ? અરે જોહન આ, ક્યારે લીધી.. ?” જ્યારે પણ હું આ સોનાની મોવાડોની ઘડિયાળ મારા કાંડે બાંધુ, ત્યારે આવા મતલબના ઉત્સુક સવાલ કોઈ નું કોઈ અચૂક પૂછે જ !!!! અને તે સાથે સાથે મને રોબર્ટ અંકલની મીઠી યાદની લહેર મારા માનસ પટલની સાથે, ચહેરા પર પણ સ્મિત અચૂક લઈ આવે. 

 વર્ષો પહેલાંની વાત…. હું નાનો હતો અને મારા ઘરના બીજા સભ્યો સાથે ત્યારે ફ્રીસકો, ( સાન ફ્રેન્સિસ્કો ) કેલિફોર્નિયામાં છેવાડાની વસાહતમાં રહેતો, તે સમયે મેં ‘રેવલોન’ નું વેચાણ શરૂ કરેલ. સુગંધી ક્રીમ, પરફ્યુમ અને સજાવટનો સામાન વેચવાના આશયથી હું દરેક વીક એન્ડમાં પાડોશના ઘરોના દરવાજાની ઘંટી બજાવતો અને સમાન વેચી ને જે કઈ આવક થાય તેમાથી મારા ભણવાનો ખર્ચ કાઢતો. એક રવિવારે સવારે, મારા નેબર હૂડમાં રહેતા સદગૃહસ્ત રોબર્ટ સ્મિથને ઘેર ગયો. માંજરી હસતી આંખો અને ભીની કરચલીઓથી સુશોભિત ચહેરાના આસામી એવા રોબર્ટ ભાઈએ મને ઉમળકા ભેર આવકાર આપ્યો. મારી નાની ઉમર અને હાથમાં રહેલ સામાનનાં થેલાને જોતાં, સ્નેહ સહ બેસાડીને ટોફિ આપી, થોડી વાતો કર્યા પછી શેવિંગ ક્રીમ અને પરફ્યુમ વગેરેનાં ઓર્ડર સરળતાથી આપી દીધાં. પછી તો દર પખ્વાડીએ મારી મુલાકાત રોબર્ટ અંકલને ત્યાં શરૂ થઈ ગઈ. દર વખતે તેઓ કઈ પણ વસ્તુઓ ખરીદીને, નાના કબાટમાં સજાવી રાખતા. 

 મે હાઈસ્કૂલ પતાવીને ગ્રેજુએશન માટે કોલેજ જોઇન કરીત્યાં સુધી આમ ચાલતું રહ્યું, અને મને તેમના તરફથી નિયમિત આવક થતી. આ સમય દરમ્યાન જોયું કે, જ્યારે પણ કોઈ મહેમાન રોબર્ટ અંકલના આંગણે હોય ત્યારે અંકલ ભૂલ્યા વગર તે નાના કબાટમાથી વસ્તુ કાઢી, ભાવ તાલ જોયા વગર, ખુલ્લા દિલથી તેમણે ત્યાં આવેલાને અચૂક ભેટમાં આપતા. તેમને ત્યાં હાઉસ મેડ આવી હોય કે બગીચાનો માળી હોય, કે પછી લોકલ ઓથોરીટીથી આવેલ ગારબેજ લેવા આવનાર દરેક સાથે સમાન સ્નેહભર્યું વર્તન દાખવતાં, તેથી સૌ કોઈ તેઓનાં હેતાળ વ્યક્તિત્વનું સંભાળણું લેતા જતાં.

 રોબર્ટ અંકલના ઘરમાં એમનાં માતા જુલિ અને મજાના ત્રણ પોમેરિયન કૂતરા હતા. રોબર્ટ અંકલ સિટિ બેન્કમાં કેશિયર તરીકે નોકરી કરતાં હતાં. આ બંને માં, અને દીકરો મૂળ મેક્સીકન દેશનાં હતા, તેઓ મેક્સિકોના વર્ગ વિગ્રહ વખતે અમેરિકા પહોંચેલા. એ સમયે જુલિના પતિ અર્થાત રોબર્ટના પિતાની તબિયત નાજુક હતી, અને સીમિત આવકના સાધનોના લીધે તેઓને ઘણા આકરા અનુભવો મળેલા. પણ તેઓના દુઃખને ક્યારેય તેમના જીવન ઉપર ભાર રૂપ થવા દીધા નહતા. જુલિ માદામ ક્યારેક કહેતાં કે, “અમારાં સૌભાગ્યને લીધે અમે અમેરીકામાં ટકી શક્યા છીએ.” એ, માં અને દીકરા વચ્ચે અનન્ય પ્રેમ હતો. નાનપણમાં અનેક યાતનાઓને ભોગવેલી તેને પરિણામે, પંચાવનની ઉંમરમાં જ નાદુરસ્ત તબિયતને લીધે રોબર્ટ અંકલે કામ છોડી દેવું પડેલું.બંને એક બીજાનો ખ્યાલ રાખી સુખેથી જીવતા હતા.

 વહેતા સમય સાથે મારી તેઓ સાથેની ઘનિષ્ટતા વધતી રહી. એમની ઉદારતા વિશિષ્ટ હતી. એક પ્રસંગ ખાસ યાદ આવે છે. મારા બોર્ડ એકઝામમાં પાસ થવાના સમાચાર જાણી, તેઓ બંને તેમનાં બગીચાના ગુલાબથી બનાવેલ મોટો ગુચ્છ અને એક નાનું બોક્સ, લઈને રોબર્ટ અંકલ અને જુલિ માદામ અમારે ઘેર આવ્યાં ત્યારે હું આશ્ચર્યમાં પડી ગયેલો !!. ઉમર-વશ ઉત્સુકતાથી મે તરત તે બોક્સ ખોલ્યું તો તેમાં.મોવાડોની ઘડિયાળ હતી, કોલેજ જતાં યુવાન માટે મોવાડોનું ઘડિયાળ કાંડે હોવું એ મોટી વાત ગણાતી અને આવી વસ્તુ જ્યારે ભેટમાં મળતી હોય ત્યારે તેનું મહત્વ વધારે હોય તેમાં શંકા નહીં.

 રોબર્ટ અંકલે લગ્ન કરેલા નહીં અને કુટુંબમાં તેઓની માં જુલિ સિવાય બીજું અહીં અમેરીકામાં કોઈ હતું નહીં, એટલે, જુલિ માદામ મારા પ્રેમાળ નાની બની ગયાં. આ દિવસ પછી હું મારા નાના ભાઈ બહેનને ઉત્સાહથી એમને ઘેર લઈ જતો. તેમનાં કૂતરા, રોકી, સામ અને કેટ્સી, હંમેશા જાળી પાછળ ઊભા રહી અમને આવકારતા. અને મારા ઘરના કોઈના પણ જન્મદિવસે જુલિ માદામ તરફથી ભેટ આવતી. એ બંને વડીલને જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે મને પહેલાં યાદ કરી બોલાવતા, અને હું પણ બીજા કામ છોડી તેઓને મદદ કરવા તત્પર રહેતો. આમ રોબર્ટ અંકલ અને જુલિ માદામ અમારા કુટુંબનો પ્રેમાળ હિસ્સો બની ગયાં.

 એ થેન્ક્સ ગિવિંગ દિવસે, “રેવલોનનું વેચાણ” કામ પતાવી હું બહાર ગ્રોસરી ખરીદવા માટે જતો હતો, અને જુલિ માદામ બગીચામાં સ્પ્રિંકલર સેટ કરતાં હતા,મને જોતાં એમને યાદ આવ્યું કે, એ દિવસે મારો જન્મદિવસ છે. મને કહે,જોહન બેટા ઊભો રહે, “ હું એક મિનિટમાં આવું છું.” તેઓ અંદરથી કોઈ બોક્સ લાવ્યા જેમાં કુકીસ હતી, હું મારી મનગમતી કુકીજ મેળવી આનંદમય હતો અને મને નવાઈ લાગી કે મારા જન્મ દિવસનો ખ્યાલ તેઓને કેવી રીતે આવ્યો !… પણ એ તો, વિચારોમાં ખોવાયેલાં, થોડી પળો મારો હાથ પકડીને નીરવ ઊભાં રહ્યાં. પછી ગળગળા અવાજે બોલ્યાં, “આ મે જાતે બનાવેલ છે, તું ખાજે ” વ્હાલથી મારા ગાલ પર ચુંબન કર્યું. અને જુલિ માદામ તરફથી કોઈ ખાસ ભેટ મળી છે તેવી કોઈ અપૂર્વ લાગણી મેં તે દિવસે અનુભવી હતી.

 રોબર્ટ અંકલ અને જુલિ માદામ રજાઓમાં પોતાના વેકેશન હોમ, “બિગ બેર” નામના ગામડાંમાં હંમેશા જતાં. આ ગામ ઊંચા શીખરો પર હતું અને અમારા ઘરથી સાતેક કલાક દૂર હતું. એક વખત અમારા પરિવારને ખાસ તેમની કારમાં એ ઘર બતાવવા લઈ ગયાં, જેથી અમે ઉનાળાની રજાઓમાં ચિંતા મુક્ત થઈને દસ દિવસ તેઓ સાથે રહી શકીએ.

 ત્યાર પછી મારા કોલેજના અભ્યાસને લઈ રેવલોનનું કામ છોડી દીધેલ અને કોલેજ બીજા સ્ટેટમાં હોવાથી તેમજ હું બીજી ઈતર પ્રવૃત્તિઓ અને ટ્યુશનમાં વ્યસ્ત થતાં મારો રોબર્ટ અંકલ અને જુલિ માદામ સાથેનો સંપર્ક ઓછો થતો ગયેલો. આ સમય દરમ્યાન રોબર્ટ અંકલ અને જુલિ માદામ, પોતાનું ઘર વેચીને, ફ્રીસકો, ( સાન ફ્રેન્સિસ્કો ) થી હવે ઑકલૅન્ડ, કેલીફોર્નિઆમાં રહેવા જતાં રહ્યાં હતા. અને મે પણ તે દરમ્યાન મારા કુટુંબને હવે કેન્સાસ બોલાવી દીધેલ.આમ લગભગ પંદર વર્ષોના વહાણાં વહી ગયા. જુલિ માદામને ક્યારેક યાદ કરી લેતો અને પ્રમાણિક્તાથી કહું તો મે તેમનો સંપર્ક કરવા માટે કોઈ ખાસ પ્રયાસ નહોતો કરેલ.

 કેન્સાસની એક સવારે મને વિચાર થયો કે “વાગે તો તીર – નહીં તો તુક્કો”, લાવ પ્રયત્ન તો કરી જોઉં. મેં ઑકલૅન્ડ ટેલિફોન એક્સચેન્જનાં ઓપરેટર પાસે રોબર્ટ અંકલનો, નંબર માંગ્યો … અને મારા આશ્ચર્ય વચ્ચે ઓપરેટરે મને નંબર શોધી પણ આપ્યો.

 “હલ્લો! રોબર્ટ અંકલ ! કેમ છો... તમે મને ઓળખ્યો અંકલ ?, અમે તમારા ફ્રીસકો વારા નેબર હૂડ માં, વર્ષો પહેલાં રહેતા હતા.”… સામે છેડે થી એજ ઉષ્મા ભરેલ અવાજ આવ્યો, “કોણ રેવલોન વાળો “જોહન, બોલે છે?” 

 લાગણીવશ થવાથી થોડીવાર મારો અવાજ અટકી ગયો. પછી તો ઘણી વાતો થઈ. રોબર્ટ અંકલ ઑકલૅન્ડમાં હવે એકલા પડી ગયેલા હતા, તેઓના માતા જુલિ માદામનું અવસાન થયેલુ હતું જેનું એમને બહુ દુઃખ લાગતું હતું. મને એ ખ્યાલ હતો કે અમેરિકામાં રોબર્ટ અંકલને તેઓના માતા જુલિ સીવાય નજીક ના કે દૂરના બીજા કોઈ સગા ન હતા. વધુમાં રોબર્ટ અંકલને હાઇ સુગરને લીધે એક આંખમાં આંશિક અંધાપો આવી ગયેલો હતો તેને લીધે લખતાં, વાંચતાં કે ડ્રાઇવ કરતાં તકલીફ પડતી હતી.

 રોબર્ટ અંકલ..... તમારા પેલા કોરિયન મિત્ર દંપતી શું કરેછે ? એમના વિષે પૂછતાં, રોબર્ટ અંકલે દુઃખપૂર્વક જણાવ્યુ કે “એ બંને પોતાના વિમાનમાં વેકેશન પર જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતમાં માર્યા ગયા હતા. તેમની એક દીકરી છે તે ક્યારેક ફોન કરે છે.”

 “મને અહી ચર્ચમાં કામ કરતી, એલેના નામની નન ઘણી મદદ કરે છે. તે ઘણું ખરું અહી મારી પાસે રહે છે. મારે મુશ્કેલીઓ તો છે, તો પણ, હું ઘણી સુખી છું.” હર હાલતમાં મીઠા સંતોષ સાથે લોકોની સાથે વાતો કરવી તે રોબર્ટ અંકલનાં સ્વભાવનો આગવો પરિચય હતો, અને તેથીજ તેઓને મળતા બધા તેઓની સારપ લઈ જતાં,અને લોકોનો સહકાર તેઓ સહજતાથી મેળવતા તે … સમજાય તેવી વાત હતી.

 ત્યારબાદ, મારો તેમની સાથેનો વાતોનો સિલસિલો હવે અવિરત રહેતો, અને વાત થાય ત્યારે કોઈ પણ સંજોગોમાં દરેક વખતે ફોન પર પ્રસન્નતાનો સંદેશ આપતાં. એમનાં ખાસ પ્રયત્નપૂર્વક લખાયેલ કાર્ડ આવવાના શરૂ થયા, જેનાથી મને અનેરો આનંદ થતો અને ઉત્સાહ પ્રેરક લાગણી ઉદભવતી રહેતી. 

 હું ગ્રેજ્યુએટ થઈ હવે એસ્ટેટ વેલ્યુયર બનવા માટે અભ્યાસ કરતો હતો. વેકેશન દરમ્યાન રોબર્ટ અંકલનું “બિગ બેર” માં આવેલું વેકેશન હોમ, યાદ આવી ગયું અને આ સમરની રજાઓમાં ત્યાં જવા માટે “ઑકલેન્ડ” રોબર્ટ અંકલનાં ઘેર ચાવી લેવા ગયો. મુખ્ય માર્ગથી કલાક ડ્રાઈવ કરીને તેમનાં ગામમાં પહોંચ્યા. મે રસ્તામાં ફ્લાવર શોપ માથી સરસ મોટો ફૂલોનો ગુચ્છો પસંદ કરી લઈ રાખેલો. તેમનાં સુંદર કોટેજ -હોમના બારણે ડોર બેલ દબાવતા, એ જ હસતો પ્રેમાળ ચહેરો…મને મળીને રોબર્ટ અંકલ ખૂબ ખુશ થઈ ગયાં. હું પણ મારા સ્વજનને મળતો હોઉ એવા ભાવથી ભેટ્યો. અંકલની કેર ટેકર એલેના પણ હાજર હતી. પોતાના કુટુંબના સભ્યની ઓળખાણ કરાવતાં હોય એટલા ગૌરવથી અંકલે મારો પરિચય એલેનાને ( ચર્ચની નન) આપ્યો. 

રોબર્ટ અંકલની નજર મારી સામેથી ખસતી જ નહોતી,… “ઓહો! કેટલો મોટો થઈ ગયો દિકરા તું તો !” તેમણે આ ઉમરે પણ તેઓના ઘરની સજાવટ, પહેલાનાં ઘરની જેમ જીણવટથી કરેલી હતી. નીકળવાને સમયે મારા હાથમાં સુંદર મુર્તિ મૂકી…જુલિ હોત... તો શું તને ખાલી હાથે નીકળવા દે...?

 પછી જ્યારે પણ શક્ય હોય ત્યારે હું કુરિયરથી, ફૂલો કે ફળ મોકલતો અને એ સમય રોબર્ટ અંકલનાં માટે ઘણો આનંદપ્રદ બની રહેતો. તેમને નાણાકીય મુશ્કેલીતો હતીજ નહીં પરંતુ હું એમની એકલતામાં, ક્યારેક રૂબરૂ મળતો રહેતો અને બને તેટલો મોરલ સાથ આપતો રહેતો તેનું તેમના માટે મોટું મહત્વ રહેતું હતું.

 હું છેલ્લી વખત જ્યારે મળ્યો ત્યારે ઘડિયાળ બતાવી, મેં પૂછ્યું, હતું “યાદ છે અંકલ ! તમે આ મને ક્યારે આપી હતી?” ઉંમર સાથે ભૂતકાળ ધૂંધળો થઈ ગયેલ. પણ સ્મૃતિ તાજી થતાં, સફેદ ગુલાબ સમા હાસ્યથી, એમનો ચહેરો ખીલી ઊઠ્યો.

 અંકલ ધીમેથી બોલ્યાં, “એ દિવસે મારે આ ઊર્મિશીલ વાત નહોતી કહેવી…તું નાનો હતો......પણ આજે જરૂર કહીશ... તું તો હવે વયસ્ક છે અને હવે તું સમજી શકશે !!! એ સમયે હું પંદરેક વર્ષનો હતો. આખી રાતનાં વિગ્રહમાં મારા માતા-પિતાના અને મારા માસા સાથે રાતના અંધારાની ઓથ લઈ અમારે ગામડેથી નીકળી નદી પાર કરીને સાન ડિયાગો આવીને સંતાયા હતાં. સ્વતંત્રતા અને સલામતી માટે અમે બીજા દેશમાં ભાગી આવ્યા હતા. એ રાત્રે, મારા માસાએ જીવ છોડતા તેઓએ મને છેલ્લી વખત ભેટીને આ તને આપેલી સોનાની મોવાડોની ઘડિયાળ આપી હતી. મારી માતા જુલિને ભય હતો કે કોઈ મારી પાસેથી તે ખેંચી લેશે તો ?. તેથી તેણે મારી પાસેથી લઈ,તેના હાથની મુઠ્ઠીમાં પકડીને આ “મોવાડો” કે જે મારી માસી એ માસા ને તેઓના લગ્ન સમયે આપેલી તે લઈ લીધી હતી........

 આજે એને તારી પાસે સલામત જોઈને મને મારી માતાની તે સમયની વિવશતા અને મારા માસાની લાગણી નજર સામે તરવરે છે. દીકરા જોહન ચલ આવ અહીં ડેસ્ક પર અને મીણબત્તી પેટાવ, અને જુલિને પણ જોવા દે કે તેણે તેની મહામૂલી લાગણીને યોગ્ય વ્યક્તિ હસ્તક આપી છે.” 

 “ઓહ! અંકલ તે વખતે પણ તમે મને આ અમુલ્ય ભેટને યોગ્ય માન્યો હતો …!” મારો અવાજ લાગણીના વમળમાં ઘેરાઈ ગયો. એ દિવસે રોબર્ટ અંકલની વિદાય લેવાનું બહુ વસમું લાગ્યું…જાણે અમને બંનેને લાગતું હતું કે આ છેલ્લી વિદાય છે… 

સ્નેહ ની લહેર

કૈંક અહીં, એવા પણ વસેલા છે આ નગર

કોઈથી પણ ક્યાંય અંજાયા વગર

પલળતા રહે હેતે, તે પણ સાવ ભીંજાયા વગર

ઝવેરીથી ગુપચાવેલી નજર

સરકેલા છે અહીં હિરલા અમાપ પરખાયા વગર

દિલનાં દુઃખોએ માનવ થી માણસ કર્યો દૂર

વિરલા છે ઊભા સદા કોઈ પડછાયા વગર

સૌ હેત પામવા દોડયા કરે છે રોકાયા વગર

કૈંક અહીં, એવા પણ વસેલા છે આ નગર

કોઈથી પણ ક્યાંય અંજાયા વગર

પલળતા રહે હેતે, તે પણ સાવ ભીંજાયા વગર

રાખે છે સુ - વ્યવહાર ભરમાયા વગર

 આજે તો રોબર્ટ અંકલ નથી પણ એની યાદોની સુવાસ મારા દિલને ભરી દે છે. તમે કોઈને જીવનમાં નિર્મળ પ્રેમ આપ્યો હોય તો તે બમણો થઈ તમને અચૂક આવી મળે છે, તેવું બાઇબલમાં લખેલું છે, તે વાસ્તવમાં પણ બનતું હોય છે, જે મારી નજર સામે છે, અને અનુભવું છું.....

પકિર્ણ :-

મોવાડો ઘડિયાળ :- મોવાડો એ સ્વિસ કંપની ની પ્રીમિયમ બ્રાન્ડ છે, વર્ષોથી સેલિબ્રિટિ અને બુધ્ધીજીવીની માનીતી બ્રાન્ડ કાંડા ઘડિયાળ છે. અને નહિવત ઉત્પાદિત થતી હોવાથી નવી ઘડિયાળ લેવા માટે વરસો સુધી વેટિંગ લિસ્ટમાં રાહ જોવી પડે છે ॰ તેની કિમંત- !!!!. હોય છે.

બિગ બેર :-બિગ બેર એ નાનું સાઉથ કેલિફોર્નિયામાં આવેલું ગામ છે,તે બિગ બેર પહાડો વચ્ચે આવેલા તળાવની પાસે આવેલું નાનકડુ ગામ છે, ઉનાળાની રજાઓમાં અહીં લોકો રિલેક્સ થવા, અને વિન્ટરમાં આઈસ સ્કી કરવા અવવા માટે લોકોનું અમેરીકાનું એક માનીતું સ્થળ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational