મનોસ્થિતિ
મનોસ્થિતિ
મીતા એક્ટીવા પર જતી હતી. પુષ્કળ ટ્રાફીકને કારણે તેને એક્ટીવા સાઈડમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો. થોડુંક આગળ વધી ત્યાં તો એક રીક્ષા ઊભેલી હતી. તેને રીક્ષાનાં પાછળનાં કાચમાંથી આગળની બાજુ જોવાનો પ્રયત્ન કર્યો. કોઈ ટ્રાફીક તો છે નહિ પછી આ રીક્ષા કેમ ઊભી રહી હશે ? આ રીક્ષાવાળા પણ ખરાં જ છે. ગમે ત્યાં રીક્ષા ઊભી રાખી દે છે." તે મનોમન રીક્ષાવાળાને કોસતી હોર્ન મારતી રહી. કોઈ પ્રતિભાવ ના મળતાં તેને રીક્ષાની ડાબી બાજુ તરફ નજર કરી. એક છોકરી રીક્ષાનો સળિયો પકડીને ઊભી હતી ને વોમીટ કરી રહી હતી.
તેને એક્ટીવાનું સ્ટેન્ડ પાડ્યું. ડીકી ખોલી અને પાણીનો બોટલ લઈને પેલી છોકરી પાસે ગઈ.
તેની સામે બોટલ ધરતાં બોલી, "લે, પાણી પી લે."
"રીક્ષામાં બેઠેલી એક સ્ત્રી બોલી, બુન, ગમે એટલું પોણી પીશે. આ માથું ફાડી નાંખે એવી વાસને કારણે એ ઓકતી જ રે'શે."
"આ વાસ તો હવે રોજની થઈ."
"તે તમારા માટે રોજનું હશે બુન, પણ અમારા માટે તો આ પહેલી જ વાર છે."
છોકરી થોડી સ્વસ્થ થતાં બોલી, "બાપુ, રીક્ષા પાછી વાળો. મારે લગન નથી કરવા. હું આવા ગોમમો નહિ રહી શકું."
ટ્રાફીક ખુલ્લો થતાં તે ઝડપથી એક્ટીવા પાસે પહોંચી. એક્ટીવા ચાલુ કરીને ટ્રાફીકમાંથી તો બહાર નીકળી ગઈ, પણ વિચારોએ ઘેરી લીધી.
આજથી લગભગ બાવીસેક વરસ પહેલાં તે આ જ રીતે આ ગામમાં પ્રવેશતી વખતે ગાડીને બાજુ પર ઊભી રખાવીને વોમીટ કરતી હતી. તેની સાથે તેનાં મામા, કાકા, મમ્મી-પપ્પા અને ભાઈ-બહેન સહિત ટોટલ 14 જણ હતાં. તેને વોમીટ કરતી જોઈને તેનાં કાકાને ચિંતા થઈ હતી. તેમને કહ્યું, "મીતા, હજુ કશું બગડી નથી ગયું. હજુ તો આપણે છોકરાવાળાને 'હા' જ કહી છે. આજે આપણે તારા વિવાહ માટે જઈ રહ્યાં છીએ. જો, તને ના ફાવે તો ના કહી દે."
મીતાએ અહોભાવથી માબાપ સામે જોયું. તેમની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને નકકી કર્યું, "હવે મમ્મી-પપ્પાને વધારે તકલીફ નથી આપવી."
તે બોલી, "પડે એવી દેવાશે. જે થશે તે હવે પાછા નથી હટવું. મારા પપ્પા કહે છે, "પહેલાં આપણને અઘરું લાગતું કામ કરવા માંડીએ ને એટલે સરળ થઈ જાય." હું પણ પછી ટેવાઈ જઈશ."
આ વાત સાંભળીને પપ્પાનાં ચહેરા પરની ખુશી જોઈને, મીતાને આ પરિસ્થિતિનો પોતે સામનો કરી જ શકશે એવો વિશ્વાસ બેઠો.
જાણે પપ્પા સાથે આંખોથી જ કહી રહી. "પપ્પા, તમે તો મારામાં ધીરજનાં ગુણ રેડ્યાં છે."
લગ્ન પછી કેટલાંયે વર્ષો સુધી તે જ્યારે-જ્યારે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી પસાર થતી, ત્યારે-ત્યારે એની આ જ હાલત થતી. એટલું સારું હતું કે તેનાં ઘર પાસે કેમીકલની સામાન્ય વાસ આવતી. તીવ્ર વાસ ક્યારેક જ આવતી. શરૂઆતનાં વર્ષોમાં તો સામાન્ય ગંધ પણ તેનાથી સહન નહોતી થતી. તે બેચેન બની જતી. પરંતુ નવાં-નવાં લગ્ન થયેલાં હોવાથી કોઈને જણાવી નહોતી શકતી. જ્યારે, આજે થોડી ઘણી વાસ તો તેને જાણે પચાવી લીધી. જ્યારે તીવ્ર વાસ આવે તેનાથી તેને ખાસ કોઈ ફર્ક નથી પડતો.
તેને થયું કેવો સમય હતો નહિ ? તે વખત કરતાં આજે હું કેટલી બદલાઈ ગઈ છું ? મોટા શહેરમાંથી નાના શહેરમાં પરણવાનું નક્કી કર્યું, ત્યારે એની બહેનપણીઓ એને કેવી ચીડવતી હતી. દિવ્યાએ તો પૂછી જ લીધેલું, "તું ત્યાં કેવી રીતે સેટ થશે ?" તો સીમાએ કહ્યું, બેન બા થોડો સમય રહેશે, પછી પતિને લઈને અહીંયા જ આવી જશે, જો જો ને ?" પછી બધી બહેનપણીઓ હસી પડી'તી.
એ વાતને યાદ કરીને આછું મલકી જવાયું. આજે મને કોઈ પૂછે ને તો કહી દઉં કે, "તે વખતે હું મા-બાપને આધીન હતી અને આજે પતિને. હું હંમેશા પરિસ્થિતિને અનુકૂળ થઈને રહી છું. મને એનો સંતોષ પણ છે કે હું એ બધામાંથી સફળતાપૂર્વક પાર ઉતરી જાઉં છું."
પાછળથી એકધારો હોર્ન વાગતાં તે ચમકી. "અરે, બાપ રે ! વ્હીકલ ચલાવતી વખતે વિચારો ના કરવા જોઈએ. ધ્યાનભંગ થતાં એક્સિડન્ટ .." એટલામાં જ એક ટ્રક બરાબર તેની બાજુમાંથી સડસડાટ કરતી નીકળી ને તેનાં શરીરમાંથી એક આછી ધ્રૂજારી પસાર થઈ ગઈ.
"હું પેલી છોકરીને જોઈને કેવાં વિચારોમાં ડૂબી ગઈ ? પરંતુ ખરેખર, આજે એ છોકરીને જોઈને થાય છે, આના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ પણ કંઈ સારી નથી લાગતી. વળી, કોઈ નાનાં ગામડાંમાંથી આવેલાં હોય એમ લાગે છે, છત્તાં એ છોકરીએ આવું કહી દીધું ? આજકાલનાં છોકરાંઓ માતા-પિતાની મનોસ્થિતિ કળી જ નથી શકતાં." છેલ્લું વાક્ય તેનાથી મોટેથી બોલાઈ ગયું. પણ મોઢાં પર ઓઢણી બાંધેલી હતી અને વાહનોનાં અવાજમાં પોતાનો અવાજ દબાઈ ગયો હશે. એમ માની ઘર તરફ આગળ વધી.