મનની જીતે જીત
મનની જીતે જીત
નિયતિ અગાસી ઉપરથી પડી ગઈ. ગરદનમાં ચોથા,પાંચમાં, અને છઠ્ઠાં મણકાને ઈજા થયેલી. તેને લીધે આખું શરીર જડ બની ગયું હતું. માત્ર આંખ,કાન, મોઢું, મન ને મગજ કામ કરે.
નિયતિને અમદાવાદ સિવિલમાં દાખલ કરી. દિવસમાં ત્રણ-ચાર વાર ડોકટરો રાઉન્ડમાં આવે. એકવાર નિયતિની માતાએ ડોક્ટરને પૂછ્યું; સાહેબ ! શું લાગે છે ?મારી દીકરી સાજી તો થઈ જશે ને ? ડોક્ટર કહે; જુઓ માજી ! અમે બધાં જ પ્રયત્નો કરીએ છીએ. પણ આ તકલીફનો ફક્ત એક જ ઉપાય તે છે ટ્રેક્શન.
આમાં ત્રણ મહિના આવી રીતે ઈંટો લટકાવી રાખવાની. જો મણકા બરાબર થઈ જશે તો એનું શરીર કામ કરતું થશે. જો નહિ થાય તો અમે તેને રજા આપી દેશું. તમે પેશન્ટને ઘરે લઈ જજો. તેનાં નસીબમાં લેણું અને સેવા હશે તેટલી તમારી પાસે લેશે.
નિયતિની બા થોડીવાર તો અંદરથી હચમચી ગયાં. પછી તેણે પોતાની પ્રિય પુત્રી સામે જોયું. પુત્રીને તો ખબર જ હતી. કારણકે રાઉન્ડમાં આવતા ડોક્ટરો અંદરોઅંદર ઈંગ્લિશમાં ચર્ચા કરતાં હતાં એ બધું નિયતિ સમજી શકતી હતી. તે જ સમયે નિયતિએ નક્કી કરેલું કે ત્રણ મહિના હું મારી નિયતિ અને ઈશ્વર સાથે લડી લઉં. અને જો મારી પરિસ્થિતિ સુધરે તો સારી વાત છે. નહિ સુધરે તો હું ડોક્ટરને કહીશ કે ડોક્ટર સાહેબ મને એક ઈન્જેક્શન આપી દો. મારે આવી જિંદગી જીવવી નથી.
આવું મનમાં નક્કી કરી નિયતિ ચૂપચાપ તમામ ટ્રીટમેન્ટ લેતી હતી. નિયતિની માતાએ ઈશાની સામે જોયું. તેનાં ચહેરા ઉપર ફરતી રેખાઓ અને હાવભાવ તે સમજી શકતાં હતાં. તેને ખ્યાલ આવી ગયો કે નિયતિ ડોક્ટરે કહેલી વાત સાંભળી ગઈ લાગે છે. પણ શું કરવું ?
નિયતિની બા સંકલ્પ સાથે કઠણ થઈ ગયાં. મનમાં નક્કી કર્યુ. કોઈપણ હિસાબે મારી દીકરી સાજી થવી જ જોઈએ.
એકવાર બાજુનાં પેશન્ટ અને તેનાં વાલી સાથે નિયતિની બા વાતો કરતાં હતાં. નિયતિની બાએ કહ્યું; મારી દીકરી તો બહુ શક્તિશાળી હતી. પુરુષો કરી શકે તે તમામ કામ તે કરી શકતી હતી. આજે જુઓ ! તેની શું હાલત થઈ ગઈ છે. અરે ! અમારાં એક સંબંધીનો આખો પીપળો તેણે કાપી આપેલો બોલો !બાજુનાં પેશન્ટની ખબર પૂછવા આવેલી એક છોકરીએ કહ્યું; માસી પીપળો જમીનમાં હોય તો બરાબર છે. પણ હમણાં જ અમારાં મકાનની દીવાલ ફાડીને પીપળો ઊગી નીકળ્યો બોલો !
આ વાક્યથી નિયતિ અને એની બા બંનેનાં કાન ચમકયા. બન્નેને એક સાથે એક જ વિચાર આવ્યો. એ નાનકડો પીપળો દીવાલ ફાડીને જગ્યા કરી શકતો હોય તો. મારી દીકરી સો ટકા તમામ મુશ્કેલીઓમાંથી બહાર આવશે. અને ઊગી પણ નીકળશે. અને તેણે દીકરી સામે જોયું. નિયતિએ પણ તેની માતાને સરસ મજાનું સ્માઈલ આપ્યું. બંનેએ મૌન સંવાદ કરી લીધો.
આજે ૩૦ વર્ષ પછી આ વાત વાગોળતા નિયતિને પણ ખૂબ આનંદ થાય છે. તે દિવસે જો દીવાલમાંથી જગ્યા કરીને નીકળતો પીપળો મારાં ધ્યાનમાં ના આવ્યો હોત. તો આજે હું મરેલની જેમ જીવી રહી હોત. આજે હું સંઘર્ષ કરીને, આગળ વધીને,સાજી તો થઈ પણ સમાજમાં પણ સ્થાન બનાવ્યું. તેનું કારણ મારાં મનમાં દીવાલ ફાડીને નીકળતો પીપળો અંકિત હતો જે મને પ્રેરણા આપતો હતો.
બીજાને પણ મોટીવેટ કરતાં ઈશા કહે છે. માણસ ધારે તો શું ન કરી શકે ?મન મજબૂત હોય અને કંઈક કરવાની ધગશ હોય તો "પંગુમ લંઘયતે ગીરીમ "અર્થાત કોઈ પણ અઘરું કામ આસાનીથી કરી શકે છે. "હિમંતે મર્દા તો મદદે ખુદા" કહેવત નિયતિની બાબતમાં સાચી છે. નિયતિ સંઘર્ષ કરીને શિખર ઉપર ચડી અને સફળ પણ થઈ છે.
