Priti Shah

Inspirational

4.8  

Priti Shah

Inspirational

મંગલકામના

મંગલકામના

4 mins
233


વડ પાસેથી એક કૂતરો પસાર થઈ રહ્યો હતો. તેને કંઈક બબડવાનો અવાજ આવ્યો. આસપાસ નજર કરી પણ કોઈ દેખાયું નહિ. વડે કહ્યું," આમ ફાંફા શું મારો છો કૂતરાભાઈ, એ તો હું છું વડ".

કૂતરો આશ્ચર્યથી જોઈ રહ્યો, "તમે, મારી સાથે વાત કરી રહ્યા છો ?" 

"હા, કેમ વિશ્વાસ નથી આવતો ?" 

"તે ના જ આવે ને, તમે કોઈ દિવસ મારી સાથે વાત નથી કરતાં, ને આજે અચાનક જ આમ મારી સાથે વાત કરો તો પછી મને વિશ્વાસ ક્યાંથી આવે?"

"હા, એ તો છે જ.. પણ રોજ કેટલાં બધાં માણસો આ ચોતરા પર બેસતાં હોય ને, નાનાં બાળકો મારી વડવાઈએ હીંચતા હોય, ગામનાં પંચાતિયાઓ અહીં બેસીને પંચાત કરતાં હોય. આખા ગામનાં સમાચાર મને અહીં બેઠાં જાણવા મળતી હોય. આખા ગામમાં કેટલી અવર-જવર હોય. પછી હું તમારી સાથે કેવી રીતે વાત કરું. જો પેલી રંભા ગાય આવે છે ને એ પણ આજે કેવી ટહેલતી-ટહેલતી ચાલે છે." 

"એ આવ.. આવ રંભા, કેમ, આજે બહુ શાંતિ છે ને કાંઈ ?" વડદાદાએ મીઠો આવકારો આપતાં કહ્યું..

"હા.. હોં.. આજે તો એનેય ને જલસા જ છે." કૂતરાભાઈ પૂંછડી પટપટાવતાં બોલ્યાં.

"ના, કંઈ શાંતિ નથી. હું તો આજે બહુ ચિંતામાં છું." ગાય માતા નીચે મોઢે જ બોલ્યા.

"ઓહો ! કેમ શું થયું ?"

"આ જુઓને માનવજાત પર કેવી વિપદા આવી પડી છે. મારા માલિક ને એમનાં ઘરનાં બધાં વાતો કરતાં હતાં કે કોરોના જેવો કોઈ રોગ આવી પડ્યો છે. એટલે હવે તેઓ ઘરની બહાર નહિ નીકળી શકે. મને તો આ મનુષ્ય પ્રજાતિ પર બહુ દયા આવે છે."

"અચ્છા, હવે સમજાયું, એટલે આટલું સૂમસાન છે. આ..હા..હા..હા.. કેવી શાંતિ છે. ના, કોઈ ચંપલથી કે લાકડીથી મારે. ના કોઈ ભગાડે. આપણને તો ભાઈ જલસો જ છે." આખા ગામમાં મન પડે ત્યાં ફરો." કૂતરાભાઈએ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું.

"તું શાંતિ રાખ ને ભાઈ.. રંભા, તું માંડીને વાત કર. શું થયું ?" વડદાદા ચિંતાતુર સ્વરે બોલ્યાં.

"એવું જાણવા મળ્યું છે કે મનુષ્યએ જાતે જ ઊભો કરેલો આ કોઈ રોગ છે. એકબીજાની નજીક જાય કે ખાંસે-છીંકે તોય આ રોગ એકબીજાનાં શરીરમાં દાખલ થઈ જાય."

"અચ્છા, એટલે બધા મોઢા પર માસ્ક પહેરીને ફરે છે.

મને તો એમ કે આ મનુષ્યોએ જરૂર કોઈ શરમજનક કૃત્ય કર્યું હશે એટલે જ મોઢું સંતાડતા ફરે છે." કૂતરાભાઈને તો આજે જાણે માનવજાતને કોસવાની મજા પડી ગઈ હતી.

"ઓહો ! આવો, આવો ગધેડાભાઈ, તમે તો બહુ દિવસે દેખાયા ને કાંઈ ? તમારા માલિક તો તમને નદીની પેલે પાર શહેરમાં લઈ ગયા હતા ને ?" વડદાદાએ ગધેડાભાઈને સંબોધીને કહ્યું. 

"હું હાલ શહેરમાંથી જ આવી રહ્યો છું. હવે તો આ મનુષ્યોએ ખરેખર બહુ હદ કરી નાખી છે. આ નાનકડું ગામ છે એટલે એના લોકો તો ભલા-ભોળા ને સારા છે. એટલે એમને તમને આ ચોતરા પર રહેવા દીધો. બાકી, તમે જુઓ તો ખરા, મનુષ્યો જંગલોનો કેવો નાશ કરી રહ્યા છે. આ પ્લાસ્ટીકની કોથળીઓ ને કચરો એવું બધું નદીઓમાં ઠાલવીને નદીઓને પણ જુઓ ને કેવી પ્રદૂષિત બનાવી દીધી છે. અરે ! શહેરમાં તો ધુમાડા પણ એટલા જ હોય છે. એટલી હદ સુધીનું પોલ્યુશન વધી ગયું છે કે ન પૂછો વાત.. વળી, પાકી સડકો અને સિમેન્ટ-કોન્ક્રીટની ઊંચી ગગનચુંબી ઈમારતો બાંધી દીધી છે, એટલે ત્યાં તો પુષ્કળ ગરમી લાગે છે. શહેરમાં અહીંના જેવી મીઠી હવાની લહેરખી માણવાનું તો સ્વપ્નવત લાગે." ગધેડાએ પોતાનાં મનનો ઉભરો ઠાલવતાં કહ્યું.

 "આ માનવજાત એ જ લાગની છે. એમને પ્રકૃતિનું તો નિકંદન કાઢી નાંખ્યું છે"

અરે ! અરે ! તમે બધાં શાંત થઈ જાવ. આમ માનવજાતને શ્રાપ ના આપો. આપણે એવું કરીશું તો આપણામાં ને એમનામાં શું ફરક હેં..મને તો એમનો મીઠો ઝઘડો ગમે છે. વળી એ એટલાં ખરાબ પણ નથી હોં. કૂતરાભાઈ તમે સાચું કહેજો, તમને રોજ બિસ્કીટ ને રોટલી કોણ ખવડાવે છે ? અને ગધેડાભાઈ, તમને તમારા માલિકે શહેર બતાવ્યું ને ? એ ઉપરાંત, તમારો માલિક તમને પાળે-પોષે છે ને ? આ આપણી રંભાને પૂછો એમનો માલિક એમને કેટલું સાચવે છે ?" વડદાદાએ ડાહી-ડમરી વાતો કરતાં કહ્યું.

"હા, એ તો છે જ હોં.." રંભાએ વડદાદાનાં સૂરમાં સૂર પુરાવ્યો.

"અરે ! તમે બન્ને બહુ ભોળાં છો. એટલે તમને આ મનુષ્યની ચાલાકી નહિ સમજાય. એ લોકો એમનાં સ્વાર્થ વગર કંઈ કરે નહિ. રંભા દૂધ આપે છે. અમે ગામની ચોકી કરીએ છીએ. આ ગધેડાભાઈ ભાર ઊંચકે છે. અને વડદાદા તમે છાંયો આપો છો ને એટલે જ તમને સાચવે છે." 

"હા, કૂતરાભાઈ તમારી વાત સાથે હું સંમત છું. વડદાદા, તમે જો જો, આ લોકો હવે તમને અહીંયા કેટલો સમય રહેવા દે છે ?"

"કેમ, ગધેડાભાઈ તમે એમ કહો છો?" વડદાદા અધીરાઈભર્યાં સ્વરે બોલ્યાં.

"હવે તો ગામડાંમાં પણ જુઓ ને પાકી સડકો બનવા માંડી છે. ગામડાંઓ પણ શહેર જેવાં આધુનિક બનાવવા માંડ્યાં છે. એટલે તમને તો.."

"અરરરરર, તમે બધાં પણ ખરાં જ છો. ચાલો, હું તો જાઉં છું. ચરીને મારે તો સમયસર ઘરે પહોંચવાનું છે." 

"તમે બધાં પણ આ મનુષ્યોને કોસવાનું બંધ કરો. આ ચોતરા પર પહેલાંની જેમ જ મારી વડવાઈઓ પર હીંચકે ઝૂલતાં બાળકોની કિલકારી ગૂંજે. તો મારામાં ખુશીની લહેર ફરી વળે. ફરી એ જ સભાઓ ભરાય ને મનુષ્યની અવર-જવરથી મારો ચોતરો ભર્યો-ભર્યો લાગે. મનુષ્ય જેવાં આપણાંથી ના થવાય.

આપણે બધાં તો પ્રકૃતિની દેન છીએ. એક જ પિતાનાં સંતાન હોવાને નાતે ચાલો, આપણે બધાં ખુશી-ખુશી મનુષ્યની મંગલકામનાની ભગવાનને પ્રાર્થના કરીએ."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational