Rajul Shah

Drama Inspirational

3  

Rajul Shah

Drama Inspirational

મનદુરસ્તી

મનદુરસ્તી

2 mins
7.6K



બે પડોશી મિત્રો….એ બંનેના પરિવાર વચ્ચેના સંબંધો પણ સરસ. એક મિત્રને દિકરો અને બીજાને દિકરી આ બંને બાળકો પણ એક સરખી જ વયના એટલે બંને વચ્ચે પણ સરસ દોસ્તી. સાથે રમે, સાથે જમે અને સાથે જ સ્કૂલે જાય.

છોકરાને ગાડીઓ ભેગી કરવાનો શોખ. નાની નાની જુદી જુદી જાતની, જુદા જુદા રંગની ગાડીઓ એના ખજાનામાં મળે. એવી રીતે છોકરી ઉજવાઈ ગહેયા ઇસ્ટર તહેવારમાં મળેલા ઈસ્ટર એગ્સ સાચવી રાખેલા.

જ્યારે મળે ત્યારે બંને પોતાની પાસેના એ ખજાનામાં શું ઉમેરો થયો એ એકબીજાને બતાવે અને ખુશ થાય. એક દિવસ છોકરાના મનમાં વિચાર આવ્યો અને એણે પેલી છોકરીને કહ્યું કે,

“હું તને મારી પાસે છે એ બધી ગાડીઓ આપી દઉં અને તું મને તારી પાસે જેટલા ઇસ્ટર એગ્સ છે એ આપ. આપણે અદલાબદલી કરીએ.”

છોકરીએ તો ખુશી ખુશી પોતાની પાસે જેટલા ઈસ્ટર એગ્સ હતા એ બધી એની નાનકડી શૉલ્ડર બેગમાં ભરીને આપી દીધી. છોકરાએ પણ પોતાની પાસે હતી એ બધી ગાડીઓ બેગમાં ભરીને છોકરીને આપી પણ એમ કરતાં પહેલા એણે એની સૌથી વધુ ગમતી ગાડી છોકરીનું ધ્યાન ન પડે એમ સેરવી લીધી.

થોડા સમય માટે રમીને બંને પોત-પોતાના ઘેર ગયા. રાત પડે પેલી છોકરી તો ઘસઘસાટ ઊંઘી ગઈ પણ પેલા છોકરાને જરાય ઊંઘ ન આવી. કારણ?

એના નાનકડા મનમાં સતત એક વિચાર ઘોળાયા કરતો હતો કે જેમ મેં એક ગાડી સરકાવી લીધી એમ પેલી છોકરીએ પણ એને ઈસ્ટર એગ્સમાંથી ગમતા રંગનું ઈસ્ટર એગ કાઢી જ લીધું હશે ને? બસ એના મનમાં ઘૂમરાયા કરતા આ વિચારે એની ઊંઘ ઉડાડી દીધી.

વાત તો જાણે નાના બાળકોની છે પણ આપણી સાથે ય એવું બનવાની શક્યતા ખરી? કોઇપણ કાર્યમાં, કોઇપણ સંબંધમાં, કોઇપણ લેવડ-દેવડમાં જો આપણે સંપૂર્ણ નહી હોઇએ તો આપણું મન પણ પેલા છોકરાની જેમ આશંકાના વમળમાં ઘૂમરીઓ લીધા કરશે. આપણે જે કંઇ વિચાર્યું કે આચર્યું હશે એવું જ સામેની વ્યક્તિએ વિચાર્યું કે આચર્યું હશે એમ માનવા પ્રેરાઈએ છીએ.

સીધી વાત- પાણી કે આયનો સાફ હશે તો પ્રતિબિંબ પણ સાફ દેખાશે. મન સાફ હશે તો જ માન્યતાઓ શુધ્ધ રહેશે. આપણે પણ જો આપણા દરેક કાર્યક્ષેત્રે, વ્યહવારમાં, મિત્રતામાં કે પારિવારિક સંબંધોમાં સંપૂર્ણ હોઇશું- શ્રેષ્ઠ હોઇશું તો આપણું મન શાંત રહેશે. આપણે શાંતિની નિદ્રા માણી શકીશું. મનની શાંતિ માટે જરૂરી છે આપણા કર્તવ્યનું સો ટકાનું યોગદાન.


Rate this content
Log in

Similar gujarati story from Drama