મન હોય તો માળવે જવાય
મન હોય તો માળવે જવાય


નીતાબેનને ત્યાં દર માસે અગિયારસને દિવસે એમની સખીઓને બોલાવી એમની સાથે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરે.
દર ત્રણ વર્ષે આવતા અધિકમાસમાં આ કાર્યક્રમ પૂરો મહિનો ચાલે. અધિકમાસમાં નદીએ સ્નાન કરવાનું પણ મહત્વ એટલે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરી નદીએ સ્નાન કરવાનો કાર્યક્રમ પણ હોય. વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરી અધિકમાસનું મહાત્મ્ય સમજાવતી કથા પણ વાંચે. દાન કરવાનું મહત્વ એટલે આ બહેનો યથાશક્તિ દાન પણ કરે.
આ વર્ષે કોરોના કાળમાં આવેલા અધિકમાસમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું હોવાથી બધા ભેગા મળીને તુલસી ચઢાવી ન શકે.
નીતાબેન મુંઝવણમાં," શું કરું?" ત્યાં જ એમની પુત્રવધૂએ સાસુમાને રસ્તો બતાવ્યો, બધાને ઝૂમમાં એડ કરી બધા પોતપોતાના ઘરે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરો. નિતાબેન તો વહુની વાતથી ખુશ થયા અને વહુની મદદથી બધાને ઝૂમમાં ભેગા કરી વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરી, ત્યારબાદ પુરુષોત્તમ ભગવાનની કથા વાંચી આરતી પણ કરી સંતોષ માન્યો. રહી વાત દાન કરવાની તો બધાએ પોતાની કામવાળી બાઈને, વોચમેનને જરૂરિયાત ચીજ વસ્તુઓ આપી, દાન કરવાનો સંકલ્પ પૂરો કર્યો.
આમ રંગે ચંગે અધિકમાસમાં વૃંદા અર્પણ, કથા વાંચન અને દાનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો. એટલે જ કહેવાય કે," મન હોય તો માળવે જવાય."