STORYMIRROR

Shobha Mistry

Tragedy

4  

Shobha Mistry

Tragedy

મહત્વકાંક્ષા

મહત્વકાંક્ષા

3 mins
308

"મમ્મી, આજે તો રવિવાર છે. થોડું વધારે સૂવા દે ને." નાની શેફાલીએ ફરિયાદ અને વિનંતીના સૂરમાં કહ્યું. 

"બેટા, રવિવાર છે તો સારું ને તને પ્રેકટીસ માટે વધારે સમય મળશે. ચાલ, મારી ડાહી દીકરી, ઊઠી જા." બેલાબેને કહ્યું. 

શેફાલી પરાણે ઊભી થઈ. નાહીધોઈને, બોનર્વિટા પી, બેડમિન્ટન રમવાના કપડાં પહેરી તૈયાર થઈ ગઈ. બેટ હાથમાં લીધું એટલી વારમાં એના પપ્પા પણ તૈયાર થઈ આવી ગયા. પપ્પાની બાઈક પર બેસી બંને બેડમિન્ટન કોર્ટમાં પહોંચી ગયાં. કોચ એને જોઈ ખુશ થઈ ગયા અને શેફાલીએ પ્રેક્ટિસ શરૂ કરી. વર્ષો વીતતાં ગયાં. પહેલાં સુપર 13 માં, પછી સુપર 18 માં પહોંચી ગઈ. છતાં રવિવાર માટેની એની ફરિયાદ એક જ રહી. 

"પપ્પા, પ્લીઝ તમે મમ્મીને કહો ને મને એક રવિવાર જ તો આરામ કરવા મળે છે. એમાં પણ આ બેડમિન્ટન, હું કંટાળી ગઈ છું."

"બેટા, તારી મમ્મી પાસે મારું પણ કંઈ ચાલતું નથી. તું જોઈ છે ને? એની મહત્વકાંક્ષા તને ઈન્ટરનેશનલ લેવલ પર બેડમિન્ટન ચેમ્પિયન બનાવવાની છે."

"પણ પપ્પા, મારે લિટરેચરમાં માસ્ટર કરવું છે. મારે સ્પોર્ટસમાં કેરિયર નથી બનાવવી. મમ્મી કેમ સમજતી નથી ?"

છેલ્લાં ઘણાં સમયથી શેફાલી જીદ કરીને બેડમિન્ટન પ્રેક્ટિસ કરવા જતી જ નહીં. ક્યારેક તો કલાકો સુધી ગુમસુમ બેસી રહેતી. બેલાબેનની કોઈ વાત એના મગજ સુધી જાણે પહોંચતી જ નહીં. ધીરે ધીરે એ ડિપ્રેશનમાં સરતી ગઈ. સાધારણ રીતે બેલાબેન અને બિપીનભાઈ શેફાલીને એકલી છોડતાં જ નહીં. પણ એક રવિવારે બંને શેફાલીને ઘરે એકલી મૂકી, એક સગાંના મૃત્યુ પ્રસંગે ગયાં. શેફાલીને જાણે ખુલ્લું મેદાન મળી ગયું. 

રાત્રે બેલાબેન અને બિપીનભાઈ ઘરે આવ્યા અને લેચ કીથી બારણું ખોલી ઘરમાં ગયાં. શેફાલીના રૂમની લાઈટ ચાલુ જોઈ ત્યાં ડોકિયું કર્યું તેવી જ બંનેના મોઢામાંથી "શેફાલી" કરીને ચીસ નીકળી ગઈ. બંનેની બૂમાબૂમ સાંભળી આજુબાજુના ફ્લેટમાંથી લોકો દોડી આવ્યાં. પલંગ પર શેફાલી સૂતી હતી. એનો જમણો હાથ બહાર લટકતો હતો અને નીચે લોહીનું ખાબોચિયું ભરાયું હતું. 

બિપીનભાઈએ તરત ગાડી કાઢી અને પાડોશીઓની મદદથી શેફાલીને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયાં. આત્મહત્યાનો કેસ બને એમ હતો પણ ડૉક્ટર ઓળખીતાં હતાં. તેથી તાત્કાલિક સારવાર શરૂ કરી પણ ઘણું લોહી વહી જવાથી શેફાલી બચી શકી નહીં. બધાને એમ જ થયું કે ડિપ્રેશનની હાલતમાં શેફાલીએ આવું પગલું ભર્યું હશે. બેલાબેન અને બિપીનભાઈની હાલત ખૂબ કફોડી થઈ ગઈ. ડૉક્ટર પણ શેફાલી ડિપ્રેશનમાં છે તે જાણતાં હતાં એટલે બહુ ચર્ચા ન થઈ. 

ચોથે દિવસે બિપીનભાઈ અને બેલાબેન ઉદાસ વદને બેઠાં હતાં. ત્યાં ટપાલમાં એક કવર આવ્યું. ઉપર બેલા બિપીનભાઈ મહેતા, એવું લખ્યું હતું. બેલાબેન શેફાલીના અક્ષર ઓળખી ગયાં. એમણે તરત ઉત્સુકતાવશ કવર ખોલ્યું પણ અંદરનું લખાણ વાંચી એમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. બિપીનભાઈએ એમના હાથમાંથી કાગળ લઈને વાંચવા માંડ્યો. 

"મમ્મી, પપ્પા, આ કાગળ તમને મળશે ત્યાં સુધી તો હું પ્રભુ પાસે તમને બંનેને સદબુદ્ધિ આપે, એવી ફરિયાદ કરવા પહોંચી ગઈ હોઈશ. મમ્મી, રવિવારના દિવસે તું ઘરમાં નહોતી તો મને સૂવાની કેવી મજા આવી. કેટલાં વર્ષો પછી મને રવિવારે નિરાંતે સૂવા મળ્યું. હવે જોજે ને તું ઊઠાડશે તો પણ હું નહીં ઊઠું. પછી તું ભલે ને ગમે તેટલી બૂમ કેમ ન મારે, હું ઊઠીશ જ નહીં. પછી તારી મહત્વકાંક્ષા કેવી રીતે પૂરી થશે ? આવજે, મમ્મી, હવે આવતાં જન્મમાં તું મારી મમ્મી નહીં બનતી. હું ભગવાનને કહીશ કે મને રવિવારે શાંતિથી સૂવા દે તેવી મમ્મી આપજે. તમારી હવે કદાપિ નહીં, તેવી શેફાલી."

કાગળનું લખાણ વાંચી બિપીનભાઈ પણ પોતાની જાતને રોકી ન શક્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. એક માની ખોટી મહત્વકાંક્ષાએ એક ઊગતી કળી જેવી દીકરીને સમય પહેલાં જ કરમાવી દીધી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy