STORYMIRROR

Hina dasa

Drama Tragedy Thriller

4  

Hina dasa

Drama Tragedy Thriller

મહેકતા થોર - 12

મહેકતા થોર - 12

5 mins
138

(આગળના ભાગમાં આપણે જોયું વ્યોમને એનો સામાન ક્યાંય દેખાતો નથી હવે આગળ...)

વ્યોમ આમતેમ બધે ફરી વળ્યો. એનો સામાન ક્યાંય પણ દેખાયો નહિ. એને હવે ખૂબ ગુસ્સો આવ્યો, પોતાની પરિસ્થિતિ પર, પોતાના પિતા પર, આ નવી જગ્યા પર.

કાળુ ઊભો ઊભો આ બધું જોતો હતો. એ કશું જ બોલ્યો નહિ. વ્યોમનું ધ્યાન હવે છેક કાળુ પર ગયું એ બોલ્યો,

" અલા, તે તો કહ્યું હતું ને કે કોઈ સામાન નહીં અડે, આ જો મારો સામાન ચોરાઈ ગયો. હાલ હવે મને શોધી આપ મારો સામાન, આ ક્યાંક તમારી કોઈની મિલીભગત તો નથી ને, મને આમ લઈ જઈ સામાન ઉઠાવી જવાની. એવું હોય તો બોલી દે જે હો હું હમણાં જ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરું છું. વારો પાડી દઈશ તમારા બધાનો, તમે મને હજુ ઓળખતા નથી."

વ્યોમ પોતે શું બોલે છે એને પોતાને જ ભાન ન હતું. કાળુ આ સાંભળી રડમસ જેવો થઈ ગયો. એ બોલ્યો, " એ લે આ તો ધરમ કરતા ધાડ પયડી, મને સોર કેસ તી હરમાતો નથ. બાપ ગોતરમાય કોયદી મફતનું નથ લીધું ને તું મને સોર કેસ. મારે હુ કરવું તારા ઠેલાનું, મી ભયલી દેયખું ન હોય, તોય કઈ સોર થોડો શુ..."

કાળુ પગ પછાડતો ત્યાંથી નીકળી ગયો. હવે વ્યોમ મુંઝાયો શું કરવું એ એને સમજ ન પડી. કાળુ કઈક ભૂત બંગલાનું કે'તો હતો તો ત્યાં જ જવું જોઈએ એમ વ્યોમે વિચાર્યું. પણ કોને પૂછવું હવે તો કોઈ દેખાતું ન હતું. 

વ્યોમ આગળ ચાલતો થયો. એક ભાઈ આવતા દેખાયા તો એની પાસે ગયો ને પૂછ્યું, 

"અહીં કોઈ હોસ્પિટલ કે એવું કંઈ છે મારે ત્યાં જવાનું છે."

સાધારણ દેખાવના એ ભાઈ બોલ્યો, "ઠીક ઓલા કારયાને રોવરાયવો ઈ તું જ લાગસ નઈ ? બસારો સોકરો રોતો રોતો જાતો'તો. ભલી મા વગરનો મોટો થ્યોસ પણ સોરી ઈ નો કરે કોય દિ. આ તને વરી આવું કોને કઈ દીધું. હારુ હવી હાઈલ આમ ભૂત બંગલે મૂકી જાવ. તારો ઠેલો ખોવાયો હયસે તો ઈ ય ભાળ મળી જાહે. આ ગામમાં કોયદી તણખલુંય કોઈનું સોરાણું નથ, ને તારા ઠેલાને હુ ધોઈ પીવો તી કોઈ લઈ લ્યે."

વ્યોમ એ ભાઈની પાછળ પાછળ ચાલતો થયો. રસ્તામાં વ્યોમ ગામનું નિરીક્ષણ કરતો જતો હતો. સાધારણ ઢબના મકાનો, ક્યાંય સમૃદ્ધિ છલકાતી ન હતી, હા પણ કુદરત પ્રત્યેનો પ્રેમ બખૂબી જોઈ શકાતો હતો. બધે જ વૃક્ષોની હારમાળાઓ, સામે મળતા માણસો માટે વ્યોમ જેટલું આશ્ચર્ય હતો વ્યોમ માટે પણ આ ગામ ને અહીંના માણસો એટલા જ આશ્ચર્યજનક હતા. જેની સાથે જતો હતો એ ભાઈ એક જગ્યાએ આવીને ઊભા રહી ગયા. પછી કઈક પ્રાર્થના કરતા હોય એમ મનના બબડતા હતા. આંખો બંધ કરી હાથ જોડ્યા ને પછી ફરી ચાલતા થયા. વ્યોમ તો બસ બધું જોતો જ હતો. એને સમાનની ચિંતામાં અત્યારે કઈ પૂછવાનું સૂઝતું ન હતું. 

ઘરેથી નીકળ્યા પછી વ્યોમની આમ પણ માઠી બેઠી હતી. એકલા અહીં સુધી આવ્યો ગાડી વગર, ને હવે આ સામાન પણ ગાયબ. વળી પોતાની રહેવાની જગ્યાને લઈને પણ વ્યોમ ચિંતા કરતો હતો. ગામની પરિસ્થિતિ જોતા વ્યોમને લાગ્યું કે પોતાને રહેવા માટે પણ ઝૂંપડા જેવું જ કોઈ મકાન હશે. ને વળી પાછું ભૂત બંગલો સાંભળીને તો ચિંતા ઓર વધી ગઈ હતી. સગવડતા ને સુવિધાઓ સાથે જીવેલા વ્યોમની ખરી કસોટી હવે ચાલુ થવાની હતી. એક તો એને એનો રસ્તો પોતે શોધવાનો હતો ને બીજું એને ડૉક્ટર તરીકેની ફરજ પણ નિભાવવાની હતી. અભાવો શું હોય એ હવે વ્યોમને ખરી રીતે અનુભવવાનું હતું. 

પેલા ભાઈ એક ઘર પાસે આવી ફરી ઊભાં રહી ગયા. વ્યોમને કહે, "તું આઈ જ ઊભો રે હું સજ્જનભાઈને રામરામ કરતો આવું, વરી કે'હે કે ઘર પાહેથી નીકળો તોય મોં ન બતાયવુ."

એમ કહી ભાઈ અંદર ગયા. એનો અવાજ બાર સુધી સંભળાતો હતો. ઘર એકદમ ચોખ્ખું ચણક લાગતું હતું. આ સજ્જનભાઈ વ્યોમને કઈક ઠીક હશે એવું લાગ્યું. ઘર તો સામાન્ય જ હતું. અંદર ડોકિયું કરતા ઘરની વસ્તુઓ જોઈ કઈક ભણેલ ગણેલ માણસ હોય એમ લાગ્યું. વ્યોમ બહાર જ ઊભો ઊભો જોતો હતો. જેનું નામ સજ્જનભાઈ ઠેરવવામાં આવ્યું હતું તે બહાર આવ્યા ને વ્યોમને કહેવા લાગ્યા, " અરે, વ્યોમજી, આવો આવો અંદર આવો. મારું નામ સૃજન છે. તમે સજ્જનભાઈ સાંભળ્યું હશે, પણ હું સજ્જન નથી." એમ કહી એ ખડખડાટ હસવા લાગ્યા. વ્યોમે સૃજનભાઈને જોયા, પગની પાની સુધીની ધોતી, ઉપર સફેદ દૂધ જેવો ઝભ્ભો, માથે નીરખીને જોઈએ તો જ દેખાય એવી શિખા. પચાસ ઉપર ઉંમર હશે પણ મોઢાનું તેજ જોઈ લાગતું ન હતું કે એમને આટલી ઉંમર થઈ હશે. ગોળ ચમકતું કપાળ ને ગોરો વાન વ્યોમને લાગ્યું કે આખા ગામમાં આ વ્યક્તિ જ કંઈક સારી કહી શકાય એવી હશે. વ્યોમ બહારથી જ બોલ્યો, " હલ્લો સર, પણ આજે નહિ હું ફરી ક્યારેક આવીશ. આજે તો મારે બીજું જરૂરી કામ છે, ને થોડી ઉતાવળ છે, હું તમને મારો પરિચય આપી દઉં. હું વ્યોમ છું ને અહીં હોસ્પિટલમાં મારું પોસ્ટિંગ થયું છે. બીજી વાત પછી કરીશું, હું ચોક્કસ તમને મળવા આવીશ. આમ પણ ગામમાં તમે જ એક માત્ર મારા ટાઈપના માણસ હશો એમ હું માનું છું. બાકી તો આ બધાની તો ભાષા પણ હું નથી જાણતો...."

ફરી સૃજનભાઈ હસતા હસતા બોલ્યા, " એ તો અનુભવ થાય પછી ખબર પડે, અને હા અમારા કાળુને તમે કઈક રડાવ્યો એવું મેં સાંભળ્યું. બિચારો છોકરો અહીંથી રડતો રડતો ગયો. મેં રોક્યો તો કહે ના હવે તો ક્યાંય રોકાવું નથી, સીધો ઘરે જ ગયો હશે. કઈ વાંધો નહિ, એ તો ચૂપ થઈ જશે, પણ વ્યોમભાઈ એ ચોરી કરે એવો છોકરો નથી, આપની કઈક ભૂલ થતી હશે. તમે જે ધારીને અહીં આવ્યા છો એનાથી ઘણું વિપરીત આ ગામ છે, એ તો તમને અનુભવ થશે પછી ખબર પડશે. ચાલો ત્યારે હું રજા લઉં, મારે થોડું કામ છે, ને હા સામાન મળી જશે ચિંતા ન કરતા...."

સૃજનભાઈ અંદર ગયા ને પેલા વ્યોમના ભોમિયા બની બેઠેલા ભાઈ બહાર આવ્યા. કહે, "હાલો હવે, તમનીય પોગાડી દઉં ભૂત બંગલે એટલે મારું કામ પતે...."

વ્યોમ તો શૂન્યમનશ્ક થઈ ગયો. આ તે કેવું ગામ એક છોકરાને રડાવ્યો તો આખું ગામ ઠપકો આપવા આવી ગયું. ને જે મળે તે એની જ તરફદારી કરે છે. શું થશે મારું અહીં..... હું કઈ રીતે રહી શકીશ.... ને એ પણ ભૂત બંગલામાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama