Nayanaben Shah

Inspirational

3.3  

Nayanaben Shah

Inspirational

મધ્યબિંદુ

મધ્યબિંદુ

6 mins
103


શારદાનું આગમન મોટાભાઈને હંમેશ માટે ગમતું. જો કે મોટાભાઈના વિશાળ કુટુંબમાં ક્યારે કેટલા મહેમાનો આવે છે કે જાય છે, એની ક્યારેય કશીય ગણતરી હોતી નથી અને આવનાર દરેક વ્યક્તિનેય એવું લાગતું કે આ ઘરમાં તો તે વર્ષોથી રહે છે, જ્યારે શારદાનું તાે એ પિયર હતું. શારદા ઘણીવાર કહેતી, "મોટાભાઈ! તારા ઘરમાં મને જે શાંતિ મળે છે એવી શાંતિ મને મારા ઘરમાં પણ નથી મળતી. ક્યારેક થાય છે કે પૃથ્વી પરનું સ્વર્ગ એટલે જ આ ઘર.આ ઘરને જોયા પછી કોઈ ક્યારેય સ્વર્ગની મનોકામના ના કરે." 

 

શારદા જ્યારે જ્યારે મોટાભાઈના ઘરમાં પગ મૂકતી એ સાથે જ શાંતિનો શ્વાસ લેતા કહેતી ,"બસ ,મોટાભાઈ ! હવે મને ખૂબ શાંતિ લાગે છે."પરંતુ આજની વાત જુદી હતી.શારદાએ મોટાભાઈની સામે જોયું એ સાથે જ એનાથી ધ્રુસકું મુકાઈ ગયું. મોટાભાઈના દરેક સવાલનો જવાબ માત્ર ધુ્સકામાં જ અપાતો જોઈ આખરે માેટાભાઈએ જ કહ્યું,"શારદા! જમવાનું તૈયાર છે.તું મુસાફરી કરીને આવી છું. થાકી ગઈ હોઈશ. જમીને સુઈ જા. હું પણ થોડું કામ પતાવીને આવુ છું.પછી શાંતિથી વાત કરીશું. જ્યારે તને વાત કરવાની ઈચ્છા થાય ત્યારે કહેજે ,વાત કરવી હોય તો કરજે , ના કરવી હોય તો પણ મને વાંધો નથી. હા પણ તું દુઃખી ના થઈશ , તને જેમાં આનંદ આવે એવું કર. શારદા, તું તો જાણે છે કે મારા ઘરમાં આંસુના પ્રવેશ પર પ્રતિબંધ છે અને તારા મોટાભાઈ તરીકે તારી ખુશીથી વધુ હું શું ઈચ્છું ?"

બીજા દિવસે શારદાએ એકાંત મળતાં જ કહ્યું, "માેટાભાઈ ! ખરેખર તમે નસીબદાર છો. તમારે પાંચ દીકરા અને એ પાંચેય દીકરાની પાંચ વહુઓ છતાં બધા કેટલાં સંપીને રહે છે ! ક્યારેય કોઈની વચ્ચે મન દુઃખ નથી થતું....મારે તો માત્ર બે પુત્રો છે અને બે વહુઓ. જ્યારે હું નિ:સ્પૃહાને કંઈક કહું તો એ તરત જ કહેશે કે, તમને તો નિર્મોહી જ વહાલી છે અને નિર્મોહીને કંઈક કહું તો નિર્મોહી તરત જ કહેશે કે તમને તો નિ:સ્પૃહા જ વહાલી લાગે છે ને! એ તો ઠીક, એ બંને જણા પણ અંદરોઅંદર લડે છે અને બંને જુદા રહેવાની વાત કરે છે. મોટાભાઈ ! તકલીફ એ છે કે એ બંને માને છે કે હું એમના કરતાં બીજીને બધુ પ્રેમ કરું છું.એટલે તાે હું બધાને છોડીને તમારી પાસે આવી છું. અરે, ઘણીવાર તો હું કહું છું, તમારા મામાને ત્યાં જુઓ.પાંચ પાંચ વહુઓ પણ સંપીને રહે છે, જ્યારે તમે બે જણ પણ...."


શારદાની વાત વચ્ચેથી કાપતાં જ માેટાભાઈ બાેલી ઊઠયા, "શારદા! એક કામ કર.તું થોડા દિવસ અહીં રહે. તને બધી વાત સમજાઈ જશે.દર વખતે તું આવીને મહેમાનોના રૂમમાં રહે છે, પણ આ વખતે તું મોટાભાઈ ભાભી જોડે જ એમના રૂમમાં રહે. તને ઘણી બધી વાતો સમજાઈ જશે. જે વાત ક્યારેય કોઈ જાણતું નથી એ બધી વાતો તું જાણે અને સમજે એવું ઈચ્છું છું અને તને જે કંઈ અયોગ્ય લાગે એ મને કહેજે. 

તું આખો દિવસ પાંચેય જણની દિનચર્યા જોયા કર.દરરોજ રાત્રે મને વાત કરજે."

‌થોડા જ દિવસો બાદ શારદા બોલી, "મોટાભાઈ ! સૌથી મોટી વહુ શુભદા આખો વખત કામ કરે છે, જ્યારે સૌથી નાની વહુ જ્ઞાનદા કશું જ કામ કરતી નથી. યશદા ને વરદા નોકરીએ જતાં પહેલાં તૈયાર થવામાં ખાસ્સો સમય બગાડે છે. તૈયાર થાળીએ જમી લે છે અને મેઘદા તાે ઘરનું ને બહારનું થાેડું થાેડું કામ કર્યા કરે છે. જે કે મેઘદા માેટે ભાગે શુભદા કહે છે એમ જ કરે છે. પણ બધા ય મોટું મન રાખે છે. બાકી એકાદ વહુ કામ કરે અને બાકીની વહુઓ તૈયાર થાળી ખેંચીને જમવા બેસે એવું ના ચાલે. "શારદા એકી શ્વાસે આ બધું બોલી ગઇ.મોટાભાઈ શારદા સામે જોતા બોલ્યા, "શારદા! આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ પ્રેમ અને સંપ રાખવાની જવાબદારી વડીલોની છે મધ્યબિંદુ જોયું કે જ્ઞાનદા ઘરનાં બધાં બાળકોને ભણાવે છે. એટલું જ નહીં, બાળકો એની જોડે એટલા હળીમળી ગયાં છે કે એની પાસે તરત ભણવા બેસી જાય છે.

પરિણામસ્વરૂપ, આ ઘરનો દરેક બાળક સ્કૂલમાં પ્રથમ નંબરે પાસ થાય છે. તારા જેવી જ વાત શરૂઆતમાં શુભદાએ મને કહેલી ત્યારે મેં શુભદાને મારી પાસે બેસાડીને કહેલું કે તારા પગલે ઘરમાં શુભ કામની શરૂઆત થઈ છે. તારું નામ શુભદા, તું તાે સાૈથી મોટી છું એટલે દરેક રીતે પ્રેમમાં સૌ પ્રથમની હકદાર તું જ છે. જેમ અમે તને પ્રેમ આપીએ છીએ તેમ તું પણ જ્ઞાનદાને પ્રેમ આપ. ત્યાર બાદ મેં જ્ઞાનદાને પણ બોલાવી. હું જાણતો હતો કે જ્ઞાનદા પુષ્કળ શ્રીમંત કુટુંબમાંથી આવેલી છે. એને ક્યારેય કંઈ જ કામ કર્યું નથી. હા ભણવામાં ખૂબ તેજસ્વી હતી. મને ખબર હતી કે એ કામ કરી શકવાની નથી. તેથી મેં કહ્યું કે જ્ઞાનદા! તું તો સૌથી નાની વહુ છે. મને ખૂબ લાડકી છું અને તારી તેજસ્વી કારકિર્દી થી અંજાઈ ને મેં તારું નામ જ્ઞાનદા રાખયું છે. આ ઘરમાં ઘણાં બધાં બાળકો છે એ બધાંને ભણાવવાની જવાબદારી આજથી તારી; અને એ કામ એણે સહર્ષ સ્વીકારી લીધું. દરેક વહુ ઈચ્છતી હતી કે પોતાનું બાળક પ્રથમ નંબરે પાસ થાય. ટ્યુશનમાં આવવા જવાનો સમય બગડે તે ઉપરાંત એક કલાકમાં બાળક કેટલું શીખી શકે? જ્યારે જ્ઞાનદા તો આખો વખત બાળકો સાથે રમતી અને બાળકો ને રમાડતાં રમાડતાં પણ ભણાવી લેતી. ખરેખર બાળકો સાચવવા એ પણ એક અગત્યનું અને મોટું કામ છે. 

‌"શારદા! જ્યારે બીજા નંબરની વહુ મેઘદા આવી ત્યારે શુભદા અને મેઘદા વચ્ચે મનદુઃખ ઘણા થતાં હતાં. પણ બંનેને મેં વારાફરતી પાસે બેસાડીને એકબીજાની ગેરહાજરીમાં સમજાવેલાં. શુભદાને મેં કહેલું કે શુભદા! તું માેટી છું. તારું મન ઘણું જ મોટું છે. અમને તારા પર ઘણો પ્રેમ છે. અમે ઈચ્છીએ કે તું મેઘદા પર પણ એટલો જ પ્રેમ રાખ અને મેઘદાને પણ બોલાવી ને કહ્યું કે મેધદા! તારું નામ મેં મેઘદા કેમ રાખયું છે એ ખબર છે? મેધ હંમેશાં પોતે વરસીને બીજાને આનંદ આપે છે. તું પણ ચારે બાજુ તારો પ્રેમ વરસાવી ને આ ઘરને સ્વર્ગ માં બદલી લે. મને તારા માટે ખૂબ જ માન છે. તું ઇચ્છે છે તો શુભદા પર પર પ્રેમ વરસાવીને એને જીતી લે. તેં તો અમારા બંનેના મન જીતી જ લીધાં છે. હવે એક શુભદાનું મન જીતતાં તને કેટલી વાર લાગશે ?"મોટાભાઈ, થોડું અટકી શારદા સામે જોતા બોલ્યા, "શારદા! આ વાતની બંને વહુઓ પર જાદુઈ અસર થઇ. બંને જણા એકબીજાને વધુમાં વધુ પ્રેમ આપવા તત્પર રહેવાં લાગ્યા. યશદા અને વરદા એ મારી ત્રીજા અને ચોથા નંબરની પુત્રવધૂઓ- એ બંને જણાં નોકરી કરતા હતાં. યશદા આ ઘરમાં આવી ત્યારે

શરૂઆતમાં યશદાનું નોકરી કરવાનું શુભદા અને મેધનાને ખૂંચતું હતું. પરંતુ યશદા ખૂબ સંસ્કારી કુટુંબમાંથી આવેલી.પહેલો પગાર થતાં જ શુભદા, મેધદા અને અને એની સાસુ માટે સાડીઓ ખરીદી લાવી. બધાંએ લેવાની ના પાડી ત્યારે બોલી કે હું માનું છું કે તમે મારો પ્રેમ ઠુકરાવી દીધો છે અને એની આંખમાં આવેલાં આંસુ જોઈ બધાએ સાડીનાે સ્વીકાર કર્યો. પરંતુ , ત્યારબાદ યશદાની ચકોર આંખો એ વાતનું ધ્યાન રાખતી કોને કઇ વસ્તુની જરૂર છે. ઘરમાં કઈ વસ્તુ જોઈએ છે, ક્યારેક છોકરાઓની ચોપડીઓ , તાે કયારેક કાેઈનું સ્વેટર કે કાેઈના પેન્ટ કે ખમીશનું કાપડ - પગાર થતાં એ બધી વસ્તુઓ ઘરમાં આવી જતી. ત્યારબાદ તો વરદા પણ નોકરી કરતી આવી. પરંતુ વરદા પણ યશદાનું જોઈ એ પ્રમાણે જ વર્તવા માંડી. એટલું જ નહીં , ખરીદી કરતા વઘેલાે પગાર બંને જણા મારા હાથમાં મૂકી દેતાં. દરેક પુત્ર પણ પોતાનો પગાર મારા હાથમાં આપી દે છે."શારદા! તું નહિ માને કે અત્યારે બધાંય દીકરા અને વહુઓને માટે આ પૈસામાંથી મેં પાંચ બંગલા એક જ લાઈનમાં ખરીદી લીધા છે. છતાંય કોઈ જુદાં રહેવા તૈયાર નથી. દરેકને એવું લાગવા માંડ્યું છે કે અમે એકબીજા વગર અધૂરાં છીએ. અહીં બધા જ એકબીજાની જરૂરિયાતોનો વધુને વધુ ખ્યાલ રાખવા માંડયાં છે અને પછી તો શું કે તમે પ્રેમ આપો તો સામે પ્રેમ મળે જ. અત્યારે કદાચ પાંચમાથી એકાદ જણ પણ જો પિયર જાય છે તાે ઘરમાં બાકીના બધા સભ્યો ઉદાસ બની જાય છે. 

‌"શારદા! તું આજે આ ઘરને સ્વર્ગ માને છે પણ ધરને સ્વર્ગ બનાવવા પુષ્કળ મહેનત કરવી પડે છે.દરેકનાં મન સાચવવા પડે છે અને મન જીતવા માટે ક્રોધ નહીં પણ પ્રેમનું હથિયાર ઊગામવુ પડે છે. અત્યારે પાંચેય વહુઓ એવું જ માને છે કે અમને એમના માટે ખૂબ જ પ્રેમ અને માન છે; શારદા ! એક વાત યાદ રાખ, જેમ વર્તુળમાં એક મધ્યબિંદુ હોય ત્યાંથી તમે વર્તુળ સુધી કોઈપણ લીટી દોરો તેનું માપ સરખું જ આવે તેમ કુટુંબમાં વડીલનું સ્થાન એક મધ્યબિંદુ જેવું છે. કુટુંબના કોઈ પણ સભ્ય પ્રત્યે, એકસરખો જ પ્રેમ અને માન રાખવાનાં હોય છે. ભૂલ દરેકની થાય છે પણ એ વ્યક્તિને એકલીને પાસે બેસાડીને પ્રેમથી કહેવાનું હોય છે. બીજી વ્યક્તિના દેખતાં અપમાન કરીને નહીં. શારદા! જો દરેક વડીલ આવું મધ્યબિંદુ બની જાય તો મને નથી લાગતું કે પૃથ્વી પર સ્વર્ગ ના ઉતરે." 

‌બીજા દિવસે સવારે મોટાભાઈએ આંખ ખાેલી ત્યારે રૂમમાં શારદાની પથારી ખાલી હતી. બહાર નીકળીને જોયું તો શારદા બેગ તૈયાર કરી રહી હતી. મોટાભાઈ સામે નજર મળતાં જ બોલી ,"મોટાભાઈ! મને રોકવાનો પ્રયત્ન ના કરતાં. હું જાઉં છું. મારે પણ બનવું છે મધ્યબિંદુ. "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational