મદદ
મદદ
"દીકરા ! ભગવાન તને ખૂબ ખૂબ સમૃદ્ધિ આપે.."
શોર્ય જેમ જેમ આગળ વધતો જતો હતો એમ એને આવા આશીર્વાદોની વર્ષા મળતી જતી હતી. શોર્ય થોડો આગળ ચાલ્યો ત્યાં સરલાબેન ઊભાં હતાં. એમના ચહેરા પર બહુ ખુશી ન હતી. ને હોય પણ ક્યાંથી વૃદ્ધાશ્રમમાં ક્યાં વૃદ્ધ ખુશી ખુશી આવતા હોય છે. પણ શોર્ય બીજા બધાને ભેટ આપતો હતો ત્યારે બીજા જે પ્રતિસાદ આપતા હતાં એ સરલાબેન તરફથી ન મળ્યો. શોર્યને જરા અજુગતું લાગ્યું. એ સરલાબેન પાસે ઊભો રહી ગયો ને આશ્ચર્ય વચ્ચે બોલ્યો,
"માસી ! તમને આ ન ગમ્યું ? કઈ બીજું જોઈએ છે તો એ લાવી દઈશ. હું તો અહીં વારંવાર આવતો જ રહું છું... "
સરલાબેન અણગમા સાથે બોલ્યા, "ના રે ભાઈ ! મારે હવે શું જોઈતું હોય, એક પગ સ્મશાનમાં છે ને એક પગ વૃદ્ધાશ્રમમાં.. હવે મારે શું અપેક્ષા હોય.. કઈક કર્મોના ફળરૂપે અહીં આવી છું. ભગવાનને બસ પ્રાર્થના કરું કે જે કઈ લેણાદેણી હોય એ આ ભવમાં પુરી કરી દેજે, આવતો ભવ સાવ આમ પરાધીન થઈને ન રહેવું પડે એટલે બસ...."
શોર્યને સરલાબેનની લાચારી બહુ ખૂંચી. એ ફરી બોલ્યો, "તમારી કઈ ઈચ્છા હોય તો કહો હું એ લઈ આપીશ..."
સરલાબેન સ્વગત જ બોલ્યા, "ઘર"
પણ એ શબ્દો ડૂમો થઈ ગળે જ ભરાઈ ગયા. શોર્યનો દયામણો ચહેરો જોઈ સરલાબેન બોલ્યા, "તારો બહુ આગ્રહ હોય તો સાંભળ.... ઘરે મા-બાપ છે ?"
શોર્ય બોલ્યો, "પપ્પા છે મમ્મી તો વહેલા સ્વર્ગવાસી થઈ ગયા..."
"હમ્મ" સરલાબેન બોલ્યા,
"તો એમને પણ ક્યારેક પૂછજે કે કઈ જોઈતું તો નથી ને ! અને હા આડોશપાડોશમાં ક્યારેય જોયું છે કેટલા જરૂરિયાતમંદ રહેતા હશે. તમે શોધો તો ઘણા મળી જશે. આજકાલ આ દેખાડો વધી ગયો છે. અહીં વૃદ્ધાશ્રમમાં દર ત્રીજા દિવસે કોઈ આવે પોતાના પિતાની પુણ્યતિથિ ઉજવવા કે મા નો જન્મદિવસ ઉજવવા અથવા પોતાના બાળકોના જન્મદિવસ ઉજવવા. ને જ્યારે પણ કોઈ આવે અમે મોટાભાગના વૃદ્ધો એના ગયા પછી રડીએ.. પોતાના નસીબ પર કે એવા તે ક્યાં પાપ કર્યા કે, એ બધા જેવા છોકરાઓ અમારે ન થયા. મોબાઈલમાં ફોટા પડાવી પડાવી અમે હવે થાકી ગયા છીએ. અમારે એકાંત જોઈએ છે. આ દેખાડાથી દૂર રહેવું છે. કારણ કે વૃદ્ધાશ્રમો એ આપણા સમાજની નિષ્ફળતાની જ દેન છે. તમે આવો ઓફિસમાં જઈ તમારે જે આપવું હોય એ આપીને જતા રહેતા હોવ તો ! પણ ના તમારે આજની પેઢીને તો અમારા દુઃખો ખોતરવા હોય છે. ક્યાંથી આવો છો ને છોકરાઓ શું કરે છે ને .. એવું એવું પૂછી અમને અનુભવ કરાવો છો કે અમે કેટલા દુઃખી છીએ.. હવે એક બીજી વાત મારે કહેવી છે...."
સરલાબેન પાસે પડેલા બાંકડા પર ધીમેથી બેઠા. શોર્યને એમની વાતમાં રસ પડ્યો એ પણ એમની પાસે જઈ બેઠો. ફરી સરલાબેન બોલ્યા, "આમ દૂર જઈ દાન કરવા કરતાં આજુબાજુમાં ઘણા દુઃખી હશે એમને પણ મદદ કરજો. ક્યાંક દબાયેલા ડૂસકાઓ એમનમ જ મરણશરણ થઈ જતા હોય છે. ઘરમાં જ સગાવહાલાઓ પણ એવા હશે જેમને તમે મદદ કરી શકો એમ હોવ તો પણ નથી કરતા કે એમણે ક્યાં કહ્યું ! કોઈની મદદ માંગવાની રાહ ન જોવા કરતા એમને પહેલા જ મદદ કરી દેવાય. હવે તો આ તમારા ફેસબુકમાં ને ટી.વી.માં આવે તો જ દુઃખ દુઃખ કહેવાય બાકી તો તમે બધા "એના કરમ" એવું કહી હાથ પણ નથી પકડતા. એવા આસપાસના દુઃખી લોકોને પણ ક્યારેક મદદ કરી લેજો....."
સરલાબેનના ચહેરા પણ કોઈ ભાવ ન હતો. એકદમ સ્થિર ચહેરે એ શોર્યને હાથમાંથી ભેટ લઈ પોતાના રૂમ તરફ જતા રહ્યા. શોર્ય ત્યાં બેસીને વિચારે ચડ્યો,
"એકદમ કડવી પણ સાચી વાત કહી આ માસીએ. આ અમે આજની પેઢી ગાડરિયા પ્રવાહની જેમ બસ દોડ્યા જ કરીએ છીએ. એક વૃદ્ધાશ્રમમાં જાય તો બીજા પણ દોડશે. દાન કરવા માટે સુપાત્ર શોધવાની જરૂર જ નથી. આસપાસ નજર કરીએ તો કેટલા જરૂરિયાતમંદ મળી રહેશે. આ તો ઘરના ઘંટી ચાટે એવું થાય છે..."
શોર્યને પોતાના એક ફોઈ યાદ આવ્યા કે જે સાવ એકલા રહે છે, છોકરા કે કોઈ નથી. એમની સ્થિતિ પણ ખૂબ દયનિય છે. એમને ક્યારેય મદદ કરવાનો વિચાર સુધા પોતાને નથી આવ્યો. આજે અચાનક શોર્ય પોતાની કાર લઈ ફોઈને મદદ કરવા દોડી ગયો....મદદ કરવા માટે સુપાત્ર ન ગોતવાનું હોય, મદદ તો જરૂરિયાતમંદને કરી જ દેવાની હોય. 90 વર્ષની સેલિબ્રિટીના મૃત્યુ પર RIP નહિ લખો તો ચાલશે કારણ એની નોંધ કોઈ નહિ લે પણ કોઈ આવા એકાદને મદદ કરશો તો ઉપરવાળો જરૂરથી નોંધ લેશે.
આપણને બસ ક્યારેક ટકોરની જ જરૂર હોય છે, સમજવા માટે કે મદદ કરવા પારકાને શોધવા એના કરતાં કોઈ પોતાનાને પણ મદદની જરૂર પડતી હોય છે. એમને પણ ક્યારેક કોઈ પણ જાતની અપેક્ષા વગર મદદ કરી લઈએ. એ આવા છે કે તેવા છે એ વિચાર થોડા સમય માટે ધકેલી દઈ બસ એમની લાચારી સમજી લઈએ......મદદ કરતી વખતે સામે કોણ છે એ ધ્યાનમાં ન લઈએ પણ એની જરૂરિયાત કેવી છે એ જોઈએ.
