મદદ
મદદ


હેમંત આજે તેના એક મિત્ર મનોહર સાથે મહાદેવના મંદિરમાં દર્શનાર્થે ગયો. ભગવાનના દર્શન કરીને તે મંદિરમાંથી બહાર નીકળી જ રહ્યો હતો ત્યાં તેની નજર હતાશાથી બાંકડે બેઠેલા તેના પાડોશી વિનય પર પડી. વિનયને આમ નિરાશ અને હતાશ બેઠેલો જોઈ હેમંત તેની નજીક ગયો અને પૂછ્યું, “દોસ્ત, અહીં આમ એકલો બેઠા બેઠા શું વિચારી રહ્યો છે?”
વિનયે ઉદાસ વદને કહ્યું, “કંઈ નહીં યાર વિચારું છું કે ઈશ્વરે મને અઢળક સંપતિ કેમ ન આપી ?”
હેમંતે કહ્યું, “પૈસે ટકે તું સુખીજ છું ત્યારે આ અઢળક સંપતિનું તુત તારા મનમાં ક્યાંથી જાગ્યું ?”
એટલામાં એક ભિખારણે આવી પોતાનો કટોરો તેમની આગળ લંબાવતા કહ્યું, “સાહેબ, બે દિવસથી કશું ખાધું નથી.”
મનોહરે અકળાઈને કહ્યું, “આમારી પાસે છુટ્ટા પૈસા નથી... ચાલ.. જા... અહીંથી..." ત્યારબાદ તેણે હેમંત તરફ જોઈ ફરિયાદભર્યા સ્વરે કહ્યું, "આ લોકો આવીજ રીતે દયામણું મોઢું કરી આપણી પાસેથી રૂપિયા પડાવે છે અને પછી જલસો કરે છે.”
મનોહરના કટુ વેણ સાંભળી ભિખારણ વિલે મોઢે ત્યાંથી જતી રહી. તેના ત્યાંથી ગયા બાદ વિનયે મંદિરની બહાર બેઠેલા ભીખારીઓ તરફ જોઇને કહ્યું, “સાંભળ... પૈસે ટકે હું સુખી છું પરંતુ એટલા પૈસાથી હું મારા પરિવારનુંજ મુશ્કેલીથી ભરણપોષણ કરી શકું છું. જો ઈશ્વરે મને અઢળક સંપતી આપી હોત તો હું તેના વડે આ ગરીબોને મદદ કરી તેમના દુઃખ દર્દને દુર કરી શક્યો હોત.”
હેમંત તેની વાત સાંભળીને હસ્યો. આ જોઈ વિનયે આશ્ચર્યથી પૂછ્યું, “કેમ આમાં હસવા જેવું શું છે ?”
હેમંતે શાંતિથી કહ્યું, “તને કોણે કહ્યું કે રૂપિયા પૈસાથી કોઈના દુઃખ દર્દને દુર કરી શકાય છે ?”
વિનયે વિસ્મયથી કહ્યું, “હું કંઇ સમજ્યો નહીં.”
હેમંતે કહ્યું, “મન હોય તો માંડવે જવાય... સાંભળ રૂપિયા પૈસાથી કોઈના દુઃખ દુર થતા નથી. ચાલ મારી સાથે હું તને આ હકીકતથી વાકેફ કરાવું.”
હેમત મંદિરની બહાર આવીને એક વૃદ્ધ ભિખારીના કટોરામાં દસ રૂપિયાની નોટ મૂકી. ભિખારીએ તે લઇ હેમંતને આશીર્વાદ આપ્યા. હેમંતે વિનય તરફ જોઇને એ વૃદ્ધ ભિખારીને પ્રેમથી પૂછ્યું, “દાદા, મજામાં છો ને ?”
આજદિન સુધી હડધૂત સાંભળતા એ વૃદ્ધ ભિખારી પોતાને કોઈએ દાદા કહીને પોકાર્યો છે એ સાંભળી ચમકી ઉઠ્યો, “મજામાં છું...” કહેતાની સાથે તેના મુખ પર સ્મિત ફરકી ઉઠ્યું.
હેમંતે વિનય તરફ જોઇને કહ્યું, “કંઈ સમજ્યો?”
વિનય પ્રશ્નાર્થ નજરે હેમંતને જોઈ રહ્યો. હેમંતે કહ્યું, “દોસ્ત, રૂપિયા પૈસાથી કોઈની ક્ષણિક જરૂરિયાત પૂરી કરી શકાય છે પરંતુ તેના દુઃખને વિસરાવવા તેની સાથે આત્મીય વર્તન કરવું ખૂબ જ જરૂરી છે. તારા પ્રેમથી બોલાયેલા બે શબ્દ ગમે તેવા દુઃખીયારાને તેનું દુઃખ વિસરાવવામાં મદદરૂપ થઇ શકે છે. વળી કેટલાક ભિખારી લોકોને છેતરતા હોય છે એ વાત સાવ સાચી પરંતુ બધા જ એવા હોય એમ કોણે કહ્યું ? ક્યારેક ક્યારેક જેમ સુકા ભેગું લીલું બળે એમ આપણે ખરેખર જ કોઈ જરૂરીયાતમંદ હોય તેને અજાણતામાં હડધુત કરીએ છીએ. તું કોઈ ગરીબને મદદ ન કરી શકે તેનો વાંધો નહીં પરંતુ ઓછામાં ઓછું તેની સાથે ઉદ્ધત વર્તન ક્યારેય કરતો નહીં.”
વિનયે હકારમાં માથું હલાવીને કહ્યું, “સમજી ગયો દોસ્ત... આજ પછી હું ક્યારેય કોઈ ગરીબને હડધૂત કરીશ નહીં”
આ વાતો ચાલતી હતી ત્યાંજ એક ગરીબ બાળકે આવીને હેમંતનું શર્ટ ખેંચી પૈસા માંગવા લાગ્યો. હેમંતે તેના માથા પર વહાલથી ટપલી મારતા કહ્યું, “બેટા, મારી પાસે છુટા પૈસા નથી.” હેમંતના સ્નેહ ભર્યા સ્પર્શથી એ ગરીબ બાળકના મોઢા પર ફરકી ઉઠ્યું સ્મિત.