મૌનની વ્યથા
મૌનની વ્યથા
.સાંજ ઢળતી હતી. સૂરજના લાલચોળ કિરણો ખેતરો પર છવાઈ રહ્યા હતા. મારા દાદા, એટલે કે ગામ આખાયના દીવાનજી, અમારી શેરડીની વાડીમાં આવેલા વટવૃક્ષ નીચે પથ્થરની ચાવડી પર આજે એકલાં બેઠા હતા. તેમની આંખો દૂર ક્યાંક વાઢાઈ રહેલ શેરડી પછી ખાલી ખેતરની જમીનની શૂન્યતામાં કોઈને શોધતી હતી, અને તેમનું મન તો કદાચ કોઈ યાદો કે ભૂતકાળમાં ભટકતું હોય તેમ લાગતું હતું.
મારા માં મને જન્મ વખતે અને બાપુ નાનપણમાં પ્રભુને પ્યારા થયેલા, અને મારા દાદા એ જ મને માં, બાપા અને દાદા ત્રણેયના પ્યારના સિંચનથી ડોક્ટર બનાવેલો. તેઓ ખુદ વાર તહેવારે શહેરમાં આવતા અને કોઈ વસ્તુની ખોટ ન આવે તે જોતા. હજુ ચાર વરસ પહેલા ધામધૂમથી મારા લગ્ન મારી પસંદની છોકરી સાથે કરાવેલ.
આ દીપાવલીએ પહેલી વાર દાદાએ મને ગામમાં દિપાવલી સાથે મળીને ઉજવવા આવવા આગ્રહ કરેલો. તેથી ઘણા વર્ષે હું અને મારી પત્ની અમારી નાની દીકરીને લઈ પહેલવહેલી વાર ગામમાં આવેલા. મારી નજર આવતા સાથે ગામમાં મારા ખોવાયેલ મિત્રો અને બચપનને શોધતી હતી . સાંજે મારી દીકરીને લઈ અમારી શેરડીની વાડીએ જઈ ચડ્યો. તાજી શેરડી ખાધા પછીની મીઠાશથી મારી છોકરીને મજા આવી ગઈ. શેરડી તેના માટે કદાચ નવી વસ્તુ હતી.
વાડીના કૂવેથી દૂર બેઠેલા દાઢીવાળા દાદાને જોઈ "દાદુ!" ના લલકારના દીકરીએ લગાવેલ સાદથી બેધ્યાન, મારા દાદા શૂન્યતામાં ચુપ હતાં. મારી ત્રણ વર્ષની છોકરી, તેમની પાસે જઈ બોલી, "હે દાદુ! તમે ચુપ શા માટે છો? તમે વાત કરો ને!"
દીવાનજીએ મારી દીકરી તરફ જોયું. તેમની આંખોમાં વહાલનો ઠંડો દરિયો છલકાતો હતો જેમાં દરિયાઈ મોજાનો અભાવ હતો, પણ તેમની આંખડી ઉભરાઈ. મારી સમજની બહાર હતું કે ,આજે મારી છોકરીએ એવું શું પૂછ્યું, જેનો જવાબ કદાચ તેમની પાસે શબ્દોમાં નહોતો.
મારા દાદા એ ધોતીના છેડા થી આંખના ખૂણા લૂછતાં, હળવો શ્વાસ લીધો. "કિશન, તને પણ નથી ખબર તો આ તારી નાનકીને ક્યાંથી ખબર હોય, કે મારું મોઢું કોણ સીવી ગયું છે? તું આ છોડીને જરા સમજાય કે, "ઝેરને ન ચાખાય !". પણ હરિ ઈચ્છા બલવાન, ચાલ તું પણ જાણી લે આજે મારા “મૌનની વ્યથા. મારા આ મૌનની પાછળ એક લાંબી વાર્તા છે!"
હું કઈ આગળ બોલું, તે પહેલા "કઈ વાર્તા?" પૂછતી, મારી દીકરી તેમના ખોળે બેસી, તેમની હવાથી તેમની દાઢીના ઉડતા સફેદ વાળ સંવારતા વ્હાલથી બોલી, "દાદુ, વાર્તા કહો ને."
કિશન, "આજથી પંદર વર્ષ પહેલા, આપણા આ વાડીની પાંખર પરના કૂવામાં ગાયનું વાછરડું પડી ગયેલું. તેના ધુબાકાના અવાજથી અમે બધા કૂવા પાસે ભેગા થયેલા. કૂવામાં જીવ બચાવવા તે વાછરડું ભાંભળતું, ને બચવાં હવાતિયાં મારતું હતું. કોઈની હિંમત નહતી ચાલતી કે, પહેલા કૂવામાં કોણ ઉતરે અને તેને બચાવે. ત્યારે તારો બાપ રવિ, આ આપણી વાડીમાં શેરડી કાપતો હતો, તે દોડી આવ્યો ને આંખના પલકરામાં તેણે કૂવામાં કૂદકો માર્યો અને, વાછરડાને દોરડે બાંધીને તે મૂંગા જીવને બચાવી લીધો. પણ મારો રવિ કૂવામાં તરતા થાકી ગયો અને પાણી ફેફસામાં ઉતરી ગયું , અને કશુય બોલ્યા વગર ડૂબી ગયો. તે જીવતો બહાર ન આવી શક્યો.
તારો બાપો રવિ હંમેશા ચહકતો રહેતો . કદી તેને મૌન રહેવું ગમે નહીં ! ગામ આખુંય તેના ગીતો અને ભજન પાછળ ઘેલું થઈ ગુંજતું. 'હું કોઈ દી પોરો ખાવા કહું, તો તે હંમેશા મજાકમાં કહેતો, આ તો શ્વાસ ચાલે ત્યાં લાગી મારો કલબલાટ ચાલવાનો , અને સમજી લેજો મારું બોલવાનું જે દીવસ બંધ થશે એ દિ’ મારો છેલ્લો દિવસ.અને જો તો ખરો, અલ્યા કિશન, આ મારા રવિનું નું બોલવાનું બંધ થયું, તો મારું પણ બંધ કરતો ગયો! ગામના આખાના લોકો તેનું નામ પાડે ને બોલવામાં હજુ પણ રવિવાર રાખે!"
દીવાનજીનું ગળું ભરાઈ આવ્યું. તેમણે ખોંખારો ખાઈ, એક વહાલ ભરી નજરે અમને વળાવ્યા અને પછી આંખો મીંચી.
અમારા ગયા પછી પણ તેઓ આ વટવૃક્ષ નીચે એકલા હતા. વાડીના મજૂરોએ જોયું કે આસો માસની સાંજની ઠંડકમાં પણ, તેમની અંદર કોઈ અગ્નિ બળતો હોય તેમ ઠંડકની ફરવા વગર બેઠા બેઠા, તેમણે ધીમે ધીમે આંખો બંધ કરી. એક શ્વાસ લીધો... લાંબો અને થાકેલો. તેમની પીઠ વડના થડના ટેકે ઝૂકી ગઈ. પવનના ઝોકામાં વૃક્ષના પાંદડા હલનચલન કરતા રહ્યા. હમેશ સ્ક્રીય રહેતા દિવાનજી ને આમ શાંત જોઈ , તેઓએ આવી ને જોયું કે તેઓ કોઈ સમાધિ બેસી સંપૂર્ણપણે મૌન થઈ ગયા હતા...
......જ્યાં સુધીમાં અમે વાડીએ થી ઘેર પાછો ફર્યા , ત્યાં સુધીમાં વાડીના મજૂરો દોડતા આવ્યા અને જ્યારે પાછા અમે વાડી પહોચ્યા ત્યારે, દાદા વટવૃક્ષ નીચે નિશ્ચચેતન બેઠા હતા. તેમના મુખ ઉપરની લહેરાતી દાઢી શાથે પ્રખર શાંતિ જોઈ ,મારું હૃદય અજુગતું લગતા ગભરામણ અનુભવતું હતું. મારી દીકરીને કંઈક ન સમજાયું, તે બાલ સહજ ધીમેથી દાદાપાસે જઇ તેમની કાંખમાં માથું મૂકી મૌન રહી. કદાચ હવે મૌનનો અર્થ તેને પણ સમજાયો હતો.. પણ તે એ સમજી ચુકી હતી કે વાડીની ચાવડીએ તેના દાદુનું પ્રાણ પંખેરુ ઉડી ચૂક્યું હતુ..."
મેં એક ઊંડો શ્વાસ લીધો અને દીકરીના માથા પર હાથ ફેરવ્યો. સ્વગત બોલ્યો, "બેટા, મૌન ક્યારેક સઘળી ચીજો કહી દે છે. પણ એ સમજવા માટે, તું કદાચ નાની હતી."
અમાસની દિપાવલીના પ્રકાશની રોનક વચ્ચે પણ વ્યાપેલા અંધકાર ભરેલા મારા હૃદયનો પોકાર હતો, શું મારા દાદાને ખબર હતી ?, કે આજ પછી તેમના મૌનનું કારણ કોઈ પૂછવાનું નથી. પણ તેઓ સમજાવી ગયા કે ચુપ રહેનારમાં પોતાનો નહીં, પણ ગુમાવેલા લોકોનો અવાજ દબાયેલો હોય છે...!!
