મારુ ઘર
મારુ ઘર
“યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા અંગો લૂછી આપું વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાં તેલ સુગંધી નાખી આપું વાંકડિયા તુજ વાળમાં.”
યમુના જળમાં...
બકુલાબેનનો અવાજ ખૂબ મધુર હતો અને જે તન્મયતાથી ભજન ગાતાં તો સાંભળનાર સાંભળ્યા જ કરે. એ જયારે આ ભજન ગાવાની શરૂઆત કરે ત્યારે ઘડિયાળમાં છના ટકોરા પડતા હોય. પરંતુ ઘડિયાળના ટકોરા સાથે મોબાઈલની રિંગ પણ વાગતી હતી. બકુલાબેન સારી રીતે જાણતાં હતાં કે એ રિંગ એમની પુત્રવધુ સારંગીના મોબાઈલમાંજ વાગી રહી છે. તેથી જ એમણે બૂમ પાડી, “સારંગી બેટા, ફોન ઉઠાવ...” બાજુમાં ઊભેલી સારંગીએ જાણે કંઈ સંભાળ્યું જ ના હોય એમ અધૂરું ભજન આગળ ચલાવ્યું.
કુમ કુમ કેરું તિલક સજાવું ત્રિક્રમ તારા ભાલમાં
અલબેલી આંખોમાં આંજું અંજન મારા વાલમા...
યમુના જળમાં.
બકુલાબેનને પણ હવે સારંગીનો સાથે આપવોજ પડ્યો અને ભજન આગળ ચલાવ્યું. પરંતુ જયારે બકુલાબેને ભજનના શબ્દો આગળ ચલાવ્યા ત્યારે જેમજેમ બકુલાબેન ગાતા જાય તેમ તેમ એ ભગવાનના સાજ આપતી જાય.
પગમાં ઝાંઝર રૂમઝૂમ વાગે કરમાં કંકણ વાલમા
કંઠે માલા કાને કુંડળ ચોરે ચિત્તડું ચાલમાં,
યમુના જળમાં.
એ પંક્તિ વખતે સારંગી ભગવાનનાં ઝાંઝર, કુંડળ અને હાર એને ગમતાં સાસુને આપતી. જોકે અવારનવાર એ ભગવાનના જુદા જુદા શણગાર બનાવતી અને થોડાઘણાં બજારમાંથી પણ લાવતી. જયારે બકુલાબેન છેલ્લી પંક્તિ ગાય, દૂધ કટોરી ભરીને આપું, પીઓને મારા શામળા, ભક્ત મંડળ નીરખી શોભા ચરણે શામળા...
યમુના જળમાં.
ત્યારે એ દૂધનો કટોરો અને સામગ્રી લઈને હાજરજ હોય. બંટાગોળી, લાલાને ભાવતું માખણ તો હોય જ. થોડી ક્ષણો બકુલાબેન સારંગી સામે જોઈ રહ્યાં અને પોતાની જાતનેજ કહી રહ્યા કે કેટલા નસીબદાર છે કે એમને સારંગી મળી છે.
ભગવાનને પોઢાડતા હતા ત્યારે એમની નજર સમક્ષ બે વર્ષ પહેલાનાં દ્રશ્ય દેખાવા લાગ્યા. એમનો દિકરો બે વર્ષ પહેલાં એક સાંજે એકાએક સારંગી સાથે ઘરમાં પ્રવેશ્યો. બકુલાબેનને પગે લાગતા બોલ્યો, “મમ્મી, આ સારંગી છે. અમે સાથે ભણતાં હતાં. અમે એકબીજાને પસંદ પણ કરતા હતા પરંતુ આજે સારંગીનાં મમ્મીએ સારંગી પર બળજબરી કરી, એક પરદેશથી આવેલા યુવાન સાથે એની સગાઇ નક્કી કરી દીધી. સારંગીનાં મમ્મીને એકદમ પૈસાદાર કુટુંબમાં એના લગ્ન કરવા હતાં. સારંગીએ અમારા પ્રેમની વાત કરી તો એનાં મમ્મી ખૂબ ગુસ્સે થઇ ગયાં. આખરે સારંગી ઘર છોડીને મારી પાસે આવી અને અમે તાત્કાલિક લગ્ન કરી લીધાં. મમ્મી, અમને માફ કરજે.”
“અરે બેટા, એમાં માફ શું કરવાનું ? સારંગી દિકરી બનીને આ ઘરમાં આવી છે. આપણે તમારા લગ્ન ધામધૂમથી કરીશું.”
સારંગી રડી પડી. બકુલાબેનના ખભે માથું મૂકી, રડતાં રડતાં બોલી,
“મમ્મી, મને તો ઘરનું કંઈ જ કામ કરતા આવડતું નથી. પરંતુ હું ધીમે ધીમે બધુ શીખી જઈશ. તમે મને શીખવાડશો ને ?”
“સારંગી, તું જે રીતે તારા મમ્મીના ઘરે રહેતી હતી એજ રીતે અહિં રહેજે. મારા દીકરાની પસંદ એજ મારી પસંદ. આ તારું ઘર સમજીને રહેજે.”
સારંગી બોલાતી હતી ત્યારે લાગે કે એ હદયપૂર્વક બોલી રહી છે. એના બોલવામાંજ શીખવાની ધગશ છે. થોડા દિવસ બાદ સારંગીની મમ્મીનો ગુસ્સો શાંત થતાં સારંગીને ફોન કરીને કહ્યું, “તમે બંને જાણ ઘેર આવીને મને મળી જાવ.”
સારંગી ઠંડો પ્રતિસાદ આપતાં બોલી, “મમ્મી, હમણાં તો અમે બહારગામ ફરવા જઈએ છીએ, આવ્યા પછી વિચારીશું.”
સારંગીની મમ્મીનો ગુસ્સો ફરી ભાબુકી ઊઠ્યો, “વિચારીશું એટલે શું ? મા-બાપને ઘેર આવવામાં વિચારવાનું ? તું તો એકની એક દિકરી છે તેથી જ તને બોલવું છું છતાંય તારે આ બાબતમાં વિચારવું હોય તો મારે પણ મારી મિલકતનું દાન કરવાનું વિચારવું પડશે.”
“મમ્મી, તારી મિલકત છે, તને મન ફાવે તેમ કરજે. મારી સાચી મિલકત મારો પતિ સમર્થ છે. પછી મારે તારી મિલકતને શું કરવી છે ?” કહેતાં સારંગીએ ફોન કટ કરી નાખ્યો.
સારંગીનાં મમ્મીએ મન મનાવ્યું. હજી તો સારંગીને પ્રેમનો નશો છે એટલે ગમે તેમ બોલે છે. આ પ્રેમનું ભૂત ઊતરશે કે દોડીને મારી પાસે આવશે. સારંગીએ તો સાસરીમાં પગ મૂક્યો એ સાથેજ સાસુની સારપનો અનુભવ થઇ ચૂક્યો હતો. તે ઉપરાંત સમર્થે પણ એની મમ્મી વિષે કહેલું. સારંગી તો એકદમ અલ્લડ હતી. નોકર રસોઈયા ઘરમાં હતા, ક્યારેય રસોડામાં પગ મુક્યો ન હતો.
પરંતુ, લગ્ન પહેલાં સમર્થે કહેલું, “સારંગી, મારાં મમ્મી બહું ચુસ્ત છે. સવારે વહેલાં ઊઠીને ઠાકોરજીની સેવા કરવા બેસી જાય છે. અમારા ઘરમાં બધાંજ કામ માટે નોકર છે. પરંતુ ક્યારેય રસોઈ ઘરમાં પારકાનો પ્રવેશ થતો નથી. અમારા ઘરનો ચુસ્ત નિયમ છે કે રસોઈ કરતાં વાતો નહીં કરવાની, માત્ર ઈશ્વર સ્મરણ કરવાનું. અમારા ઘરના નીતિનિયમો બહું ચુસ્ત છે. પ્રથમ રોટલી ગાયને કાઢવાની, છેલ્લી રોટલી કુતરાને ખવડાવવાની. દરરોજ સવારે પક્ષીઓને દાણા નાંખવાના વગેરે... મને તો આટલી જ ખબર છે એ મેં તને કહ્યું, એ પણ એટલા માટે કે તને મારે ઘેર આ બધું અજુગતુ ના લાગે.”
“સમર્થ, હું તો બેડ ટી પીવા ટેવાયેલી છું. સવારે નવેક વાગે ઊઠું છું. સ્નાન કર્યા વગર જમી લઉં છું. અમારા ઘરમાં સેવા’પૂજા જેવું કંઈ જ હોતું નથી. પરંતુ હું તારા ઘરને અનુરૂપ થવા સાચા દિલથી પ્રયત્ન કરીશ.”
“સારંગી, મારી મમ્મી તને દિકરીની જેમ રાખશે. તારા કોઈ પણ વર્તન બાબતે તને શિખામણ નહીં આપે, પરંતુ હું તને વિનંતી કરું છું કે મારી મમ્મીને દુઃખ થાય એવું તું કંઈ પણ કરીશ નહીં.”
“હું મારી રીતે પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે હું બધાંને ખુશ રાખી શકું.”
જોકે સારંગીએ એનું વચન પાળેલું તો ખરુંજ, એટલું જ નહી ધીરે ધીરે આ નવું વાતાવરણ સારંગીને ગમવા માંડેલું. એનાં સાસુ સેવાપૂજા વહેલી કરતાં પરંતુ ત્યારબાદ તરત જ એમનાં સાસુની સેવામાં લાગી જતાં કારણ સમર્થનાં દાદી લકવાગ્રસ્ત હતાં.
સારંગીને આ બધુ જોઈ નવાઈ લાગતી હતી. એને બરાબર યાદ હતું કે એનાં દાદી બીમાર હતાં ત્યારે મમ્મીએ એક બાઈ રાખી લીધી હતી. એ શાંતાબાઈ ચોવીસે કલાક એનાં દાદી જોડે રહેતી હતી. પરંતુ અહીનું વાતાવરણ તો આખું જુદુજ હતું. એનાં સાસુજ દાદીની સેવા કરતાં. ક્યારેક જમવામાં આનાકાની કરે તો એનાં સાસુજ નાના નાના કોળિયા દાદીના મોંમાં મૂકતાં. ક્યારેક તો સતત નહીં જમવા માટે જક કરે તો એમના મોંમાં એમને ભાવતો આઈસ્ક્રીમ લાવી એક એક ચમચી ખવડાવતાં. બીમાર માણસની આ રીતે સેવા થાય એ તો એને ખબર જ ન હતી. પોતે આવું બધું ક્યાં જોયું હતું ? સારંગી એનાં સાસુ સામે જોઈ રહેતી. એનાં સાસુ હસીને કહેતાં, “સારંગી, નાનપણ અને ઘડપણ બંને સરખાં. સમર્થ પણ નાનો હતો ત્યારે બળજબરીથી મોંમાં કોળિયા ભરાવતી. એ જકે ભરાયો હોય અને ના જમે એ દિવસે હું ચમચી ચમચીથી એને આઈસ્ક્રીમ ખવડાવતી. દાદીનું પણ એવું જ છે.”
સારંગીને આ બધુ ગમવા માંડ્યું હતું. હવે તો એ જાતેજ સવારે વહેલી ઊઠી જતી. એનાં સાસુને ઠાકોરજીની સામગ્રી તૈયાર કરવામાં મદદ કરતી. દૂધ પણ સવારે ગરમ કરતી. ઠાકોરજીના શણગાર જોયા કરતી, તો એક દિવસ એણે જ કહ્યું,
“મમ્મી, તમે ઠાકોરજીના શણગાર બજારમાંથી લાવો છો તો શું હું ઘેર બનાવું તો ના ચાલે?”
“બેટા, ચાલે પરંતુ મને આ બધુ બનાવતા નથી આવડતું. જોકે પોતે બનાવેલા શણગાર ઠાકોરજીને અંગીકાર કરાવવા જેવું ઉત્તમ કંઈ જ નથી.”
“મમ્મી, આ તો સહેલું છે. અમે ફાઈન આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ તો આ બધુ સહેલાઇથી બનાવી શકીએ. ઠાકોરજીની પિછવાઈ તો હું એટલી અદભૂત બનાવીશ કે ખુદ ઠાકોરજીને આપણે આંગણે પધારવાની ઈચ્છા થાય. અને રહી વાત લાલજીનાં હાર, કુંડળ કે કંકણની તો એ ખૂબ સહેલું છે. હું હવેથી બધા શણગાર જાતે જ બનાવીશ.”
સારંગીનાં સાસુના મોં પર સંતોષ છવાઈ ગયો. પોતાના દીકરાએ ખાનદાન છોકરી પસંદ કરી છે એ વાત એ સહેજમાં સમજી ગયા. એમના મનમાં શંકા હતી કે આટલાં પૈસાદાર ઘરની છોકરી ઘરમાં આવશે તો આપણા ઘરને અનુકુળ થઇ શકશે કે કેમ ? ધીરે ધીરે એ એનાં સાસુ પાસેથી ઘણું બધુ રસોઈનું કામ શીખી ગઈ. સમર્થ ઘણીવાર હસતો, “સારંગી, ધીરે ધીરે તું મમ્મી કરતાં પણ હોશિયાર થઇ જઈશ.”
ત્યારે સારંગી કહેતી,
“સમર્થ, મેં ઘરનું કે રસોઈનું કામ નથી કર્યું એ વાત સાચી. પરંતુ હું વિચારતી કે આ બધાં કામ સહેલાંજ હોવા જોઈએ, કારણ નોકર કે રસોઈયો ખાસ ભણ્યા હોતાં નથી. જયારે હું તો ભણેલી છું. જો અંગુઠા છાપ માણસ આ બધુ કામ કરી શકે તો મારા જેવી વ્યક્તિ શા માટે ના કરી શકે ? ભણવાનું જો સહેલું હોત તો નોકર-રસોઈયા પણ સ્નાતકની ડિગ્રી ધરાવતા હોત. બસ, આ જ વિચારે હું બધું શીખી ગઈ. વાત રહી દાદીની તો મને દાદીને તૈયાર કરવાનું ગમવા માંડ્યું છે. દાદી લકવાને કારણે બોલી નથી શકતાં પણ એમની આંખો ઘણું બધુ બોલી જાય છે. એમની આંખોમાં હું જે સંતોષ જોઈ રહું છું એ મારી સૌથી મોટી સંપત્તિ છે. અને દાદીની સેવા કરતી વખતે મમ્મીની આંખો જાણે અંતરથી મારા માટે આશીર્વાદ વરસાવતી હોય એવું લાગે છે.”
સારંગીના સાસુ કહેતાં, ‘હે ઈશ્વર, તે મને સર્વગુણસંપન્ન પુત્રવધૂ આપી છે. મને એનાથી ખૂબ સંતોષ છે. હવે, મારી પુત્રવધૂને એની મમ્મી પ્રેમથી બોલાવે એવું કરજે. સ્ત્રીની ઉંમર ગમે તેટલી હોય તો પણ એને પિયર યાદ આવે જ. ભલે સારંગી ખુશ રહેતી હોય પણ એને એની મમ્મીનો પ્રેમ પ્રાપ્ત થાય એવું કરજો.’
દૂધમાં જેમ સાકર ભળી જાય એમ સારંગી એમના ઘરમાં ભળી ગઈ હતી. ઘરમાં ખાસ કંઈ કામ રહેતું નથી. રસોઈ સિવાય બધાં કામ માટે માણસો રહેતાં હતા. રસોઈનું કામ પણ લગભગ એનાં સાસુજ કરી લેતાં.
જયારે હોળી નજીક આવે ત્યારે નોકરો એમના ગામ જતા રહે. બીજો નોકર મળવો પણ શક્ય ના હોય ત્યારે કપડાં તો એનાં સાસુ મશીનમાં નાંખી દેતાં. વાસણ પણ જેમ થાય તેમ ઘસી કાઢતાં. કચરા-પોતા પણ જાતેજ કરી લેતાં. સારંગી ઘણું કહેતી કે હું કરું પણ એના સાસુ કહેતાં, “બેટા, તું તો ઘરમાં ઘણું કરે છે. તારા હરવા ફરવાના દિવસો છે. પછી તો બધુ તારે કરવાનું જ છે ને ?”
પરંતુ, સારંગીને થતું ભલે મમ્મી ના કહે હવે હું જ કચરા-પોતા કરીશ. માત્ર થોડા દિવસનો તો સવાલ છે અને હોળી પછી તો બધા નોકરો એમના ઘરેથી પાછા આવી જશે. એવું વિચારી એ પોતું કરવા ગઈ ત્યાં જ એના મમ્મી આવી ગયાં. સારંગીને પોતું કરતાં જોઈ ગુસ્સે થઇ બોલ્યાં, “સા..રંગી.. આજ તારું ભણતર છે ? હું તને સારા ઘરે પરણાવવા માંગતી હતી નહીં, કે આવા ભૂખડી બારસોને ત્યાં કચરા-પોતા કરવા...” અને સારંગીનો હાથ પકડી ઊભી કરતાં બોલી, “બેટા, આપણી પાસે ઘણો પૈસો છે. તું અમારું એકમાત્ર સંતાન છે. ચાલ, આપણા ઘરે પાછી, હવે હું તને અહિં એક પળ પણ રહેવા નહીં દઉં.”
સારંગીની મમ્મીનો અવાજ સાંભળી સારંગીનાં સાસુ તથા સમર્થ પણ એ રૂમમાં આવી ગયાં. એનાં સાસુ કંઈ બોલવા જતા હતા ત્યાં જ સારંગી બોલી, “મમ્મી, તું મને એક પળ પણ અહીં રહેવાની ના પાડે છે પરંતુ મમ્મી, હું પણ તને અહીં એક પળ પણ ઊભા રહેવાની ના પાડું છું. મમ્મી... ગેટઆઉટ... આ મારું ઘર છે અને મારા ઘરમાં કોઈ દખલ કરે એ હું સહેજ પણ સહન નહીં કરું.”
ત્યાં સારંગીનાં સાસુ તેની મમ્મી સામે જોતાં બોલ્યાં,
“બહેન, તમે પહેલી વાર આવ્યાં છો, અહીં જમીને જ જજો. સારંગી તો નાદાન છે એના બોલવા સામે ના જોતાં.”
સારંગીનાં મમ્મીનો ગુસ્સો તો સાતમા આસમાને ચઢી ગયો હતો. બોલ્યાં, “કોણ જાણે મારી દિકરી પર શું જાદુટોણા કર્યા છે. બિચારીને આ ઘરમાં નોકરાણી બનાવી દીધી છે. તમે જ મીઠું મીઠું બોલી મારી દિકરીને ફસાવી છે. હવે સારા થવાનો ડોળ ના કરતાં...”
ત્યાં જ સારંગી ગુસ્સે થતાં બોલી, “મમ્મી, તમે અહીંથી જાવ. તને મારા મમ્મીજીને ગમે તેમ કહેવાનો હક નથી. મમ્મી... પ્લીઝ તમે મારાં મમ્મીજીની માફી માંગો અથવા ઘરની બહાર જતાં રહો.”
કદાચ એની મમ્મીને બીજો વિકલ્પ વધું ગમી ગયો હશે, તેથી એ જાતે જ ઘરની બહાર રડતાં રડતાં જતાં રહ્યાં.
ધીરે ધીરે સારંગી પણ ઘરને અનુરૂપ બની ચુકી હતી. પરંતુ એની મા જયારે ફોન કરતી ત્યારે સારંગી કહેતી, “મમ્મી, તમે જયારે મારી મમ્મીજીની અહીં આવીને માફી માંગશો ત્યારે જ હું તમારી સાથે વાત કરીશ. હવેથી મને ફોન કરવાની કોશિશ ના કરતી.”
ત્યારબાદ ફોનની રીંગ વાગ્યા કરતી પણ સારંગી ફોન ઉપાડતી જ નહીં. તે દિવસે પણ સવારમાં એની મમ્મીનો ફોન હશે એમ માનીને જ એના સાસુએ કહેલું, “સારંગી બેટા, ફોન ઉઠાવ.” પરંતુ જાણે કે સારંગીએ કંઈ સાંભળ્યું જ ના હોય એમ ભજનની આગળની પંક્તિઓ ગાવા માંડી. હવે તો એને આ ભજન મોઢે પણ થઇ ગયેલું.
એનાં સાસુ જાણતા હતાં કે આ તો સ્ત્રીહઠ છે અને સ્ત્રીહઠ આગળ કોઈનુંય કંઈ ચાલતું નથી. તેથી હવે ચૂપ રહેવામાં જ મજા છે, એમ માની એ ચૂપ રહ્યાં.
પરંતુ બીજે દિવસે જયારે સારંગી એનાં સાસુ સાથે ભજન ગાઈ રહી હતી ત્યારે એનાં મમ્મી સવારમાં હાજર થઇ ગયાં. એમને બહારથી એમની દીકરીનો ભજન ગાતો સ્વર સંભળાયો, લાગ્યું કે એક દિવ્ય વાતાવરણ ઊભું થયું છે. એમનો ગુસ્સો તો ક્યારનોય ઊડી ગયો હતો. વારંવાર સારંગીની યાદ આવતી હતી. એ વિચારતાં કે સારંગી ખરેખર ખુશજ હોવી જોઈએ કારણ એના મોં પર સંતોષ હતો. તેથી જ એમણે ઘરમાં પ્રવેશ કર્યો અને પૂજાઘરમાં બે હાથ જોડી ઈશ્વરને પ્રણામ કરતાં બોલ્યાં, “ઈશ્વર, મારી દિકરી અહીં ઘણી સુખી છે એ વાત હું સમજી ચુકી છું અને આજે તમારી સાક્ષીએ હું દીકરીની સાસુની માફી માંગુ છું.” કહેતાં નમવા જતાં હતાં ત્યાં જ સારંગીનાં સાસુ વેવાણને ભેટી પડતાં બોલ્યાં, “બહેન, તમે ઘણાં મહાન છો કે તમે અમારે ત્યાં આટલી સંસ્કારી દીકરી આપી છે.”
બંને વેવાણની આંખો ભીની થઇ ગઈ સારંગીને આ દ્રશ્ય જોઈ સંતોષ થયો. બોલી, “મમ્મી, આજના શુભ દિવસે તો તારે મારા ઘરે જમીનેજ જવું પડશે.” એના શબ્દો સાથે એનાં સાસુએ પણ સૂર પૂરાવ્યો. પરંતુ સારંગીના મમ્મીને દીકરીના મોંએ ‘મારું ઘર’ સાંભળતાં જ સંતોષ થયેલો એ અવર્ણનીય હતો.