મારો ભાગ
મારો ભાગ
"સમીપા તારા પિયરના બંગલાનો નંબર સાત છે ? "
"હા, એનું તમારે શું કામ પડ્યું ? અનેક વખત તો સાસરીમાં આવી ગયા છો અને આજે નંબર પૂછવાનું યાદ આવ્યું ? " મોં પર હાસ્ય સાથે સમીપાએ જવાબ આપ્યો.
સમીપાના પતિએ છાપું પત્નીને આપતાં કહ્યું, "તારા ભાઈએ બંગલો વેચવા કાઢ્યો છે. છાપામાં જાહેરાત આપી છે."
સમીપાએ જયારે વાંચ્યું ત્યારે એને એની આંખો પર વિશ્વાસ જ આવતો ન હતો. મોટાભાઈએ આ વિષે એને કોઈ વાત કરી જ ન હતી. વર્ષોથી એ લોકો આ બંગલામાં રહેતા હતા. કેટલાય સારા માઠાં પ્રસંગોની યાદો હતી. એની મમ્મીના મૃત્યુ વખતે એ કેટલું બધું રડતી હતી ! ત્યારે ભાભીએ કહેલું, "સમીપાબેન,મોટીભાભી માની જગ્યાએ હોય હું બને તેટલો પ્રયત્ન કરીશ કે તમને કોઈ વાતે ઓછું ના આવે." જો કે મમ્મી ના મૃત્યુ બાદ ભાભીએ સમીપાની ખૂબ કાળજી રાખી હતી. એને કયારેય કોઈ વાત નું ઓછું ના આવે એનું ધ્યાન રાખતા હતાં.
ત્યાંની એકેએક વસ્તુ તથા ઘરના ખૂણે ખૂણે એના માબાપ તથા નાનપણની યાદો સમાયેલી હતી. એ ઘર આજે...! વિચાર આવતાં જ સમીપાની આંખોમાં આંસુ આવી ગયા. એ ઘરના દરવાજા પર લગ્ન બાદ એને કંકુથી થાપા મારેલા એ નિશાન પણ ઝાંખા નથી પડ્યા અને મોટાભાઈને આવો વિચાર જ કેમ આવે !
હજી પિતાના મૃત્યુ ને માંડ એક મહિનો પણ નથી થયો અને મોટાભાઈ એ બંગલો વેચવા કાઢ્યો ? હજી થોડા વખત પહેલાં તો એ પિયર ગઈ ત્યારે પપ્પાના પગ દબાવતી હતી અને પપ્પા જાગી ગયા અને બોલ્યા, "સમીપા તું સાસરેથી થાકીને આવી હોઈશ જા આરામ કર. પિયરમાં દીકરીએ કામ કરવાનું ના હોય. "
સમીપાએ કહ્યું હતું, "પપ્પા, સાસરીમાં થાક કયાંથી લાગે ? નોકર તથા રસોઈઓ છે. મને તમારી સેવાનો લાભ લેવા દો. "
આ બધું યાદ આવતાં સમીપા રડી પડી.
ભાભી પણ ખૂબ પ્રેમાળ હતી. સમીપા ને દીકરીની જેમ રાખતા હતાં. છતાંય ભાભીએ પણ વાત ના કરી.
સમીપા આંસુ લૂછી તૈયાર થતાં બોલી, "હું મોટાભાઈને મળીને આવુ છું. "
સમીપા પિયર પહોંચી ત્યારે ખૂબ ગુસ્સામાં હતી. મોટાભાઈ સામે જોતાં જ બોલી, "આ ઘર પર મારો પણ હક્ક છે. તમે મને પૂછ્યા વગર આ બંગલો વેચવા કઈ રીતે કાઢી શકો ? અહીંના દરેકે દરેક ખૂણામાં એકે એક યાદ છૂપાયેલી છે. આપણા માબાપની યાદ તથા એમના આશીર્વાદ સમાયેલા છે. તમે આવું વિચારી જ કઈ રીતે શકો ? અને ભાભી તમે તો વારંવાર કહેતા હતા કે મારે એક દીકરો સારાંશ જ છે પણ નાની નણંદે તો મારી દીકરીની ઈચ્છા પરિપૂર્ણ કરી દીધી. આજે તમને તમારી દીકરી યાદ કેમ ના આવી?"
"સમીપા, તું શાંત થા.પપ્પાએ વિલમાં લખ્યું છે કે આ બંગલામાં અડધો ભાગ સમીપાને આપવો. બંગલાને બે ભાગમાં વહેંચી શકાય એમ જ નથી. એટલે અમે નક્કી કર્યુ કે બંગલો વેચી અડધી રકમ તને આપવી. બંગલાની કિંમત બે કરોડ છે. મારે તને ૧ કરોડ આપવા કયાંથી ? "
"બસ મોટાભાઈ, આટલી જ વાત... મારે ભાગ જોઈતો જ નથી."
"સમીપા, પપ્પાની ઈચ્છા પ્રમાણે જ થશે. અમે તને ૧ કરોડ આપીશું જ."
"તમે મને પૈસા આપવા માંગો છો તો એક કામ કરો બંગલા પર લોન લઈને મને પૈસા આપી દો. બાકી તમે બંગલો વેચવા કાઢશો તો હું સહી નહિ કરું. તમે મારી સહી વગર બંગલો વેચી જ નહીં શકો. "
"પણ લોનના હપ્તા.. " બોલતાં મોટાભાઈની આંખમાં પાણી આવી ગયા.
તમારે મને પૈસા આપવાના છે તો અત્યાર સુધી પપ્પા તથા મમ્મીની દવા કરી એના ખર્ચમાં મારો અડધો ભાગ છે ? તમે પપ્પાની તકલીફમાં આખી રાત જાગતાં હતાં ત્યારે મારો જાગવાનો ભાગ હતો ? તમે કેરટેકર રાખવાને બદલે જે લાગણીથી તમે મારા માબાપની ચાકરી કરી એ વખતે હું તમારી મદદમાં આવી હતી ! તમે મોટાભાઈ સાથે લગ્ન કરી એમની ઈચ્છા પ્રમાણે રહ્યા. આ ઘરના રિવાજ મુજબ તમે કાંદા લસણનો ત્યાગ કર્યો. પપ્પાની બિમારીને કારણે તમે છેલ્લા પાંચ વર્ષથી પિક્ચર જોવા નથી ગયા. તમારા આ બધા ત્યાગ આગળ હું ભાગ લઈ વામણી સાબિત થવા નથી માંગતી. પપ્પાએ છેલ્લા મહિનામાં કેટલીયે વાર પથારી બગાડી તમે મોં બગાડ્યા સિવાય સાફ કર્યું છે.એમાં કયાં મારો ભાગ હતો ! "
"સમીપાબેન, અમે તો પપ્પાની ઈચ્છા પ્રમાણે તમને પૈસા આપીશું જ. "
"ભાભી, હું મારા ભાગના પૈસા લઈશ. પણ તમે બંગલો ગીરે મુકીને લોન લેશો તો જ. ".
આખરે સમીપાની ઈચ્છા પ્રમાણે લોન લઈ સમીપાને પૈસા આપી દીધા.
પરંતુ એ સાથે જ બીજો બનાવ બન્યો. સમીપાએ વકીલ મારફતે કાગળિયાં તૈયાર કરાવ્યા એને મળેલા ૧ કરોડ રૂપિયા ભત્રીજા સારાંશના નામે કરી દીધા હતા.
સાથે એક ચિઠ્ઠી પણ હતી." તમે પપ્પાની ઈચ્છા મુજબ એક કરોડ રૂપિયા મને આપ્યા જે મેં સ્વીકારી તમારી ઈચ્છા પુરી કરી. તમને આનંદ એ વાતનો થશે કે તમે પપ્પાની ઈચ્છા પુરી કરી. " હું બહુ જ સુખી છું. મારે પૈસાની જરૂર નથી. પરંતુ પૈસા કરતાં પણ મેં કિંમતી ચીજ મેળવી છે. ભાઈ ભાભી રૂપે માબાપ. એથી યે કિંમતી ચીજ તમારા આશીર્વાદ અને પ્રેમ. મને મારો ભાગ મળી ગયો છે. "
