મારી પહેલી મિત્ર મા
મારી પહેલી મિત્ર મા
મા શબ્દ જ એટલો સુંદર છે જે સીધો હૈયામાંથી નીકળે સાંભળતા જ આંખો ભરાઈ આવે. ભગવાને પોતે પોતાની આપેલી 'છબી' મા તું ! તારું ઋણ દ્વારકાધીશ પણ નથી ચૂકવી શક્યા તો હું શુ ચીજ છું ? તારા ઋણાનુબંધનમાં આખી સૃષ્ટિ છે. તારા માટે કરું એટલું ઓછું છે પણ આજે મોકો મળ્યો છે મા તારા વિશે લખી શકું
વહાલી મમ્મી,
હજી મારાં રોમ રોમમાં મહેકે છે તારા પાલવની એ મહેક મારા હોઠ, નાક કોણ જાણે તારા પાલવના છેડાથી તે કેટલીવાર લૂછ્યા હશે ! કેમ વિસરાય એ હાથ જે સદાય મારા હિત માટે રહ્યા છે. મમ્મી યાદ છે મને તું રોજ નિશાળે લેવા મુકવા આવતી જરાય મોડું કર્યા વગર હું છૂટું એની રાહ જોયા કરતી તારી આંખો મને શોધ્યા કરતી ને મારી વજનવાળી બેગનો ભાર તરત જ મારા ખભા પરથી લઇ લેતી. એવી જ રીતે મારી જિંદગીના કેટલાય ભાર મા તે ઉંચકી લીધા છે જે આજે સમજાયુ. છત્રી એક હતી અમે ભાઈ બહેન ત્રણ તું પલળતી ને પાછી કહેતી મને તો વરસાદમાં પલળવું ખુબ ગમે હવે સમજાય છે. 'મા' તારા માટે આ થોડી પંક્તિઓ
મારી પહેલી મિત્ર મા તું
મારાં દરેક દર્દની દવા મા તું,
મારાં દુઃખો સાથે દુઃખી મા તું
વાગતુ મને અને રડતી મા તું,
ભૂખ્યાપેટે ઓડકાર ખાતી મા તું
બાળપણની વાતો તો તારાથી જ છે, જે મારા સપનાઓ પાછળ તે પોતે બલિદાન આપ્યું એવી મમતાની મુરત અને સહનશક્તિનું ઉમદા ઉદાહરણ તારા સિવાય કોણ હોય ?
અમને પોચા ગાદલાઓમાં સુવાળી પોતે જમીન પર સૂતી અને સવારે ઉઠીને જે મારું મુખ ચુમતી એવી મારી માને સાક્ષાત વંદન. હું ખુબ નસીબદાર છું કે ભગવાને ઉમદા ભેટ મને આપી છે દરેક જન્મમાં મને તું જ જોઈએ મા. પપ્પાના ઠપકાઓથી બચાવતી કોઈ વાર તું પણ વેલણ છૂટું મારતી ને ઘણીવાર ઠપકા પણ આપતી. પછી અમને ગળે લગાવીને પોતે પણ રડતી. તારા ઠપકા પણ એટલા જ મીઠા હતા જયારે તું આલિંગનમાં ભરી લેતી, બધું વિસરાય જતું.
હવે સમજાયું આ દુનિયાદારીના ઠપકાના બોજ કરતા એ જ સારું હતું. ના થાકતી ના હારતી અને ખુશ મિજાજ ના કદીયે આરામ કરતી બસ ફક્ત જવાબદારી એક પછી એક તું નિભાવતી રહી. આજે સમજાયું જયારે હું પોતે એ મુકામ પર આવી ઉભી છું અને કદીય હાર નહિ માનવાની તારી રીત આજે મને કામ લાગી એક દીકરીને ઢીંગલીની જેમ ઉછેર કરનારી જો તારી ઢીંગલીને આંચ પણ આવતી ત્યારે તું મા મહાકાળીનું સ્વરૂપ પણ બતાવી દેતી.
રાત્રે મોડા સુધી જાગતી ને મારા જાગ્યા પહેલા કામ પણ કરી દેતી. તારા હાથની એ ઉતરતી ગરમા ગરમ રોટલી એ રોટલીની કિંમત આજે થઇ જયારે હું સાસરે બધાને જમાડી પછી જમતી થઇ. મારી જેમ તું પણ એવું જ કરતી હતી ને મા ? ગમે તેટલી બીમાર અને થાકેલી કોઈ દિવસ આરામ કરતી નથી જોઈ આજે સમજાય છે મને.
કોણ કહે છે કે દૂર રહેવાથી માનો પ્રેમ ઓછો થઇ જાય છે ? જયારે જયારે હું વિચારોમાં હોવું કોઈ આશાનું કિરણ ના દેખાતું હોય બધી બાજુ ઘેરાઈ ગઈ હોય ને કોઈ દિશાના સૂઝતી હોય આંખોમાંથી બસ આંસુ નીકળવાની તૈયારીમાં જ હોય ત્યારે ત્યારે મારા ફોનની રીંગ વાગી છે જોઉં છું તો એમાં તારુ જ નામ છે 'મમ્મી'
કાળજાના કટકાને ઉછેરીને વિદાયની વસમી વેળાએ મારી માના કાળજાને થયેલા એ ઘાનો કોઈ હિસાબ નથી. દુનિયાના કોઈ પણ ખૂણામાં રહુ બસ મારી મા સલામત રહે, મારા કોટી કોટી વંદન મારી જન્મદાતા અને જગત જનની જોગમાયાને...
