મેજીક
મેજીક
પાણી વિદિશાનાં પગને અડકી ને પસાર થઈ રહ્યું છે. થોડીવાર માટે આંખો બંધ કરી સ્પર્શની અનુભૂતિ કરતી વિદિશા અચાનક ચોંકી ગઈ નજીક આવતા મોજાઓની સાથે એક વસ્તુ અચાનક પગમાં અડકી જેનાથી વિદિશા ગભરાઈ ગઈ. વસ્તુ હાથમાં લઈને જોયું તો માટીથી ઢંકાયેલ ચમકતો પથ્થર લાગ્યો. અરે વાહ, આવો પથ્થર તો કયારેય જોવામાં નથી આવ્યો. વિદિશાને થયું પાછો દરિયામાં ફેંકી દઉં પણ હાથ ઊંચો કરતાની સાથે પથ્થર ફેંકવાની જગ્યાએ મુઠ્ઠીવાળી ઘરે લઈ જવાની ઈચ્છા થઈ ગઈ પહેલાથી જ વિદિશા જૂની, પુરાની વસ્તુઓ એકઠી કરવાનો શોખ ધરાવતી હતી. પણ ક્યાં ખબર હતી અહીંયાથી સમય નવો જ વળાંક લેવાનો હતો.
વિદિશા ચકમક પથ્થર લઈને અનેરી ખુશીની અનુભૂતિ કરી રહી હતી. આવી ખુશ તો હું કયારેય નથી થઈ જરૂર કોઈ રોમાંચિત વસ્તુ હશે ! વારંવાર પથ્થર જોયા કરતી રહી. . ઘરે આવીને તેને પથ્થર ધોઈને સાફ કર્યો. જાણે સાચો હીરો મળ્યો હોય એવી ચમક હતી. અદ્દભુત. પછી તેના રૂમમાં એક પોટની અંદર મૂકીને તે સૂઈ ગઈ અંધારાવાળા રૂમમાં પથ્થરની રોશની એટલી તીવ્ર થઈ કે પોટની અંદરથી પ્રકાશ આખા રૂમમાં પથરાઈ ગયો. વિદિશા અડધી રાતે પાણી પીવા ઊઠી અચાનક ચોંકી ગઈ. અરે. . હું તો લાઈટ બંધ કરીને ઊંઘી હતી પછી લાઈટ ચાલુ કેવી રીતે ? અચંબામાં સરી પડી. ઓ. . આ તો પેલા પોટમાંથી રોશની આવે છે એમાં તો મેં દરિયામાંથી મળેલો પથ્થર મૂક્યો હતો. વિચાર્યું ન હતું કે રેડિયમ કરતાં પણ વધારે ચમકીલો હશે. ખરેખર અસલી હીરાની ચમક આવી જ હશે ! મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા શું હશે આ વસ્તુ ?
આ એક અલગ જ પ્રકારનો પથ્થર છે. કોઈ રહસ્યમય કારણ હશે ? શું કોઈ રાઝ હશે ? કોઈ જાદુઈ પથ્થર તો નહીં હોયને ? એકાદ વિશ માંગીને જોવું તો ખબર પડે ? ખરેખર આવું બનતું હશે ? કેટલાય નવા નવા પ્રશ્નો એક પછી એક એના મનમાં ઉદ્દભવવા લાગ્યા.
વિદિશાને થયું પથ્થરને હાથમાં પકડીને કોઈ વિશ માંગી જોવું કદાચ કંઈક માંગુ ને એ વસ્તુ હાજર થઈ જાય ! વિદિશા પથ્થર હાથમાં લઈને બોલી મને હમણાં ને હમણાં એક નવો ડ્રેસ જોઈએ. પણ કંઈ જ ના આવ્યું. જવા દે પથ્થર એ સાંભળ્યું નહિ હોય. ચલ બીજીવાર માંગી જોવું. ચાલો પથ્થર ભાઈ. મારા માટે ચોકલેટ તો લાવી આપો.
એકવાર અંધારૂ થઈને પછી રોશની થાય પણ જે વસ્તુ માંગી એ તો આવી જ નહીં. અથાગ પ્રયત્નો બાદ વિદિશા પથ્થર પાછું એની જગ્યાએ મૂકીને સૂઈ ગઈ. પણ ઊંઘમાં એક સપનું આવ્યું. જાણે કોઈ આવીને કંઈ કહેતું હોય એમ. ઓ. વિદિશા. ઓ. . વિદિશા. તને ખબર છે તે પથ્થર પાસે શું માંગ્યું ?
તે ફક્ત તારી માટે જ વસ્તુઓ માંગી છે દીકરા તને ખબર છે તે કોઈ બીજા માટે કેમ ના માંગી. એનો મતલબ કે તું સ્વાર્થી છે. કાલે સવારે એકવાર તું કોઈ લાચાર કે જરૂરિયાતમંદ માટે કંઈક માંગી જોજે. . આવુ સપનું રાતભર આવ્યું સવારે વિદિશા ઊઠી દરરોજની જેમ નાહી ધોઈને તૈયાર થઈ ગઈ ઘરમાં મમ્મી-પપ્પાને પણ પથ્થર વિશે કોઈ વાત જણાવી નહોતી, મન તો થયું કે કહી જ દઉં પણ જ્યાં સુધી પથ્થરનો રાઝ ના મળે ત્યાં સુધી એ કંઈ કહેવા માંગતી ન હતી, સપનું આવ્યું હતું કદાચ સાચું હોય માટે નિર્ણય લઈ લીધો કે એવી વિશ માંગી જોઈશ જે સપનામાં આવી. તેને યાદ આવ્યું કે જ્યારે મમ્મી-પપ્પા સાથે ઠંડીમાં બહાર ફરવા ગઈ હતી એટલે ત્યાં ફૂટપાથ પર લાઈનમાં બેઠેલા જરૂરિયાતમંદ લોકો કકળતી ઠંડીમાં ધ્રુજતા હતા. . તેમના માટે બસ થોડા ધાબળા આવી જાય ને એ મદદરૂપ બની શકે એવો વિચાર કર્યો ફક્ત વિચાર માત્રથી હાથમાં રહેલા ચકમક પથ્થરમાંથી એક પછી એક ધાબળા આવવા લાગ્યા "જેમ જાદુઈ ચિરાગમાંથી જિન આવી બધી ઈચ્છાઓ પૂરી કરે એમ આ ચકમક પથ્થર જાદુઈ ચિરાગ જેવો સાબિત થયો "ધાબળાની લાઈન લાગી થોડીવાર માટે તો વિદિશાની આંખો પહોળીને મોઢું ખુલ્લું રહી ગયું. . આવું બધું ટેલિવિઝન અને વાર્તાઓમાં જ જોયું સાંભળ્યું હતું. પણ આજે તો હકીકત થઈ ગયું. તરત ભાગતી મમ્મી મમ્મી કરતી મમ્મી પાસે ગઈ ને એકીશ્વાસે બોલી ચાલ ને મમ્મી ચાલ જલ્દી. મમ્મી ને એમ કે શું થઈ ગયું. ફાળ પડી. ઓ આટલા બધા બ્લેન્કેટ કોણ લાવ્યું ? વિદિશા એ વિગતવાર કહ્યુ ને પથ્થર પણ બતાવ્યો. ઉદાહરણ રૂપે એક વિશ માંગી બતાવી. . વળી નવી વાત એ હતી કે મનમાં એ વસ્તુ પોતાની પાસે રાખી લેવાના વિચાર સુદ્ધા માત્રથી વસ્તુ તુરંત ગાયબ થઈ જતી. એનો મતલબ કે કુદરત ઈચ્છે છે કે વિદિશા ગરીબ અને લાચારની મદદ કરી શકે સમાજમાં ઉમદા સેવાકાર્ય કરી શકે. ફક્ત વિદિશાથી જ પથ્થરમાં જાન આવતી ને ચમકવા લાગતો બીજાના સ્પર્શ માત્રથી એ ઝાંખો થઈ જતો. આ કંઈક અજુગતું જ હતું. જે હતું એ વિદિશા ખુબ જ ખુશ હતી.
રોજ વિદિશાને પથ્થર ને લાગતા નવા નવા સપનાઓ આવતા ને સપનામાં કોઈ જે કરવા માટે કહી જતું એવું જ એ કરતી. વાહ. . આતો ખુબ જ સરસ. . આગળ જતાં કેટલાય ભૂખ્યા માટે ભોજન, વસ્તુ, કપડાંની ગોઠવણ થતી ગઈ ને વિદિશા અનોખી જ ખુશી મહેસૂસ કરતી ગઈ.
પણ મનમાં એક જ પ્રશ્ન ટીક ટીક કરતો રહ્યો કે જે સપનામાં આવીને કહી જાય છે એ છે કોણ છે ? કાલે તો આખું સપનું ધ્યાનથી જોવું. વિદિશા વિચાર કર્યા કરતી હતી. પછી ખબર થઈ કે આતો પૂર્વજોનો પથ્થર છે. તેના પોતાના જ દાદાના દાદા સપનામાં આવતા હતા. આ બીજું કંઈ જ નહી પણ બાપ દાદાઓ એ સાચવેલી મૂડી હતી. જે કેટલાય વર્ષોથી ખોવાયેલી હતી આજે વિદિશાને પૂર્વજોના આશિર્વાદ મળ્યા. વિદિશા આ છઠ્ઠી પેઢીની એકની એક દીકરી હતી. . કદાચ એટલેજ આ પથ્થર એને જ મળ્યો.
આજે વિદિશા ના પરિવારને બહાર વેકેશન માટે જવાનું છે. હું તો પીકનીક પર જઈશ જ પણ આ પથ્થરને સાથે જ લઈને જઈશ. શું ખબર ક્યાંરે જરૂર પડી જાય. કોઈ દુઃખી મળી જાય ને જરૂરિયાતમંદ ના કામ આવી શકું. આવા વિચારો કરી એ પોતાની બેગમાં લઈ ગઈ. જેમ જેમ સમય ગયો તેમ તેમ વિદિશા બદલાતી ગઈ. બધે નામ થવા લાગ્યું અને અંદરખાને ૨૦ વરસની વિદિશા ને મજા આવા લાગી આટલી નાની ઉંમરમાં તેને નામ કમાવવાના સપના જાગ્યા. હું આમાં પેપર ને સમાચારમાં આવી શકું કેવી મજા આવશે ? અને મારે ક્યાં કોઈ પથ્થર પાસેથી વસ્તુ લેવી છે કે કોઈને પથ્થરનો રાઝ કેવો છે. બસ પોતાનું આપમેળે સેવાભાવી કાર્ય કરતામાં નામ થશે આગળ જતાં પોલિટિક્સની લાઈન પકડાશે અને મને તો એ ગમે પણ છે. શું વિદિશાનું આ સપનું સાકાર થશે ? તેના મનમાં ઉમળકા લેતી આ વાત કેટલા અંશે સાચી ? લાલચ કે સપનુ ?
મનમાં જેવી લાલચ જાગી કે અચાનક ક્યાંકથી વંટોળ આવ્યું વિદિશાની આસપાસ વીંટળાઈ ગયું એકાએક જોત જોતામાં બધું શાંત થયું પણ વિદિશા જેવો પર્સમાં પથ્થર જોવા ગઈ ક્યાંય ના મળ્યો. . આ ચકમક પથ્થર વિદિશા પાસેથી જતો રહ્યો. હું આ લાયક જ ન હતી સમાજના કાર્ય સેવાના કાર્યમાં પણ મેં મારો જ સ્વાર્થ જોયો ખરેખર હું કેટલી સ્વાર્થી છું. મારાં પૂર્વજો મને માફ કરે કદાચ બીજો મોકો આપે.
