મારા માતાશ્રી અને હું
મારા માતાશ્રી અને હું


મારા અ. સૌ. સ્વ. માતાશ્રી સુનંદાબેનને વાંચનનો જબરો શોખ હતો. મારા બાળપણમાં તેઓ મને ઐતિહાસિક અને પૌરાણિક કથાઓની વાતો કહી સંભળાવતા. શિવાજી, સંભાજીની સાથે તેઓ રામયણ, મહાભારતની વાતો ખૂબ જ રસપ્રદ રીતે વર્ણવતા. ક્યારેક ક્યારેક તેઓ મને મરાઠીની સુપ્રસિદ્ધ રહસ્યમય કથાઓ જેવી કે ઝૂઝાંર કથા અને કાલા પહાડની વાર્તાઓ પણ કહી સંભળાવતા. મને તેમની પાસેથી વાર્તાઓ સાંભળવાનું ખૂબ ગમતું. તેઓની વાર્તા કહેવાની શૈલી ખૂબ જ અદભૂત અને સુંદર હતી. ધીમે ધીમે હું પણ મારા વર્ગ મિત્રોને મારા માતાશ્રીની શૈલીમાં વાર્તાઓ કહી સંભળાવવા લાગ્યો પરંતુ મને બીજા કોઈકની વાર્તાઓ કહેવાને બદલે પોતાની સ્વરચિત વાર્તાઓ પ્રસ્તુત કરવાની વધારે ગમતી. એકવાર હું મારી માતાશ્રીને વાર્તા કહી સંભળાવતો હતો ત્યારે વચ્ચે જ અટકી ગયો. મેં વાર્તાને આગળ ગોઠવવાનો પ્રયાસ કર્યો પરંતુ મને એ ફાવ્યું નહીં. આ જોઈ મારી માતાશ્રીએ મને કહ્યું કે, “બેટા, પહેલા વાર્તાને વ્યવસ્થિતપણે કાગળ પર લખી લે જેથી તને કોઈકને કહી સંભળાવતી વેળાએ મુશ્કેલી નહીં પડે. આમ મારી માતાશ્રીની પ્રેરણાથી હું વાર્તાઓ લખતો થયો. મેં ફાંસીધર નામે મારી પ્રથમ વાર્તા લખીને મારી માતાને દેખાડી ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. વાર્તા વાંચ્યા બાદ તેઓએ મને વહાલથી પૂછ્યું, “બેટા, તેં મરાઠીમાં કેમ વાર્તા લખી છે?”
મેં ગર્વભેર કહ્યું, “માઁ, આપણે મરાઠા છીએ એટલે મેં મરાઠીમાં વાર્તા લખી છે.”
આ સાંભળી મારી માતાશ્રીએ કહ્યું, “બેટા, આપણે ભલે મરાઠા છીએ પરંતુ આપણને સંભાળ્યું આ ગુજરાતે છે. જેણે આપણને સ્વિકારી સહારો આપ્યો તેનો ઉપકાર ભૂલીને કેવી રીતે ચાલશે! જન્મભૂમી પર ગર્વ હોવો સારી બાબત છે પરંતુ એ સાથે કર્મભૂમિને વિસરવું ન જોઈએ. જેણે આપણા માટે કંઈક કર્યું છે તેનું કોઈકને કોઈ રીતે ઋણ અદા કરવા આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ.”
મેં કહ્યું, “હું સમજી ગયો માઁ, આજ પછી હું ગુજરાતીમાં જ વાર્તાઓ લખીશ.”
આમ મારા માતાશ્રીની પ્રેરણાથી મેં મારી સહુથી પહેલી નવલિકા લખી “રહસ્યમયી કિલ્લો” ત્યારબાદ મેં અમારા વર્ગ માટે એક નાટક “ગામડાની શાળા” પણ લખ્યું હતું. મારી વાર્તાઓને મારા સહપાઠીઓ ખૂબ પસંદ કરતા અને હોંશે હોંશે તેને વાંચતા. મને પણ પ્રત્યેકને અલગ અલગ વાર્તા કહી સંભળાવવા કરતા, વાર્તાને નોટબુકમાં લખીને સહુને એકએક કરીને વાંચવા આપવાનું વધુ સરળ લાગ્યું. ધીમે ધીમે મારી વાર્તા સાથે પાઠકોની સંખ્યા પણ વધવા લાગી. હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે મારી વાર્તા “રાજુની સમયસુચકતા” બાળકો માટેના પખવાડીક સામયિક ચંપકમાં છપાઈને આવી હતી. જયારે આ બાબત મેં મારા માતાશ્રીને જણાવી હતી ત્યારે તેઓ ખૂબ ખુશ થયા હતાં. ચંપકમાં છપાયેલી મારી વાર્તા વાંચતા વાંચતા મારા માતાશ્રીના આંખમાંથી હર્ષના અશ્રુ સરી પડ્યા હતાં. હું એ ક્ષણ ક્યારેય ભૂલી શકીશ નહીં. મારા જીવનની એ ક્ષણ સર્વશ્રેષ્ઠ છે કારણ મારા માતાશ્રીના સ્વર્ગવાસ બાદ આજે પણ તે ક્ષણ મને લેખન માટે સતત પ્રોત્સાહિત કરતી રહે છે. જયારે મારા માતાશ્રીએ મને કહ્યું કે, “આજે પુસ્તકમાં તારું છપાયેલું નામ જોઈ મને ખૂબ ગર્વ થાય છે.” ત્યારે હું ખૂબ ખુશ થયો હતો. ત્યારબાદ હું જયારે પણ કોઈ વાર્તા લેખ, કે કવિતા લખતો ત્યારે તે સહુથી પહેલા મારી માતાશ્રીને કહી સંભળાવતો. આજેપણ જો તેઓ હયાત હોત તો સ્ટોરી મિરર પર આ વાર્તા સબમિટ કરતા પહેલા મેં મારી માતાશ્રીને સહુથી પહેલા એ કહી સંભળાવી હોત. હું જયારે પણ કોઈ વાર્તા સ્પર્ધા જીતતો ત્યારે મારા સર્ટીફીકેટને સહુથી પહેલા મારા માતાશ્રીના ચરણોમાં મુકતો. હવે તેઓ આ દુનિયામાં નથી પરંતુ આજેપણ જયારે હું કોઈ સર્ટીફીકેટ મેળવું છું ત્યારે સહુપ્રથમ તેને મારા માતાશ્રીની તસવીર સામે મુકું છું. મારે મારા માતાશ્રીને હજુ ઘણા સર્ટીફીકેટ અર્પણ કરવાના છે. ખરેખર કહું તો બસ આ જીદ જ હવે મને સતત લખવા માટેની પ્રેરણા આપતી રહે છે. મને એ કહેતા ગર્વની અનુભૂતિ થાય છે કે મારા પ્રથમ કે અંતિમ કોઇપણ લેખન પાછળની પ્રેરણા મારા માતાશ્રી જ છે.
(સમાપ્ત)