માનવતાનો રંગ
માનવતાનો રંગ
"વાહ, આ વસંતની હર સવારનો તો કોઈ જવાબ નથી. આ કાનને ગમતો અતિ પ્રિય સુંદર મજાના પક્ષીઓ અને પ્રાણીઓનો મીઠાશ ભર્યો અવાજ, જાણે નાકથી થઈને છેક મસ્તીસ્ક સુધી મહેક પાથરતી આ સુંદર મજાની ખુશ્બુને અંતરમાં ઉતારતા ના થાકીએ તેવી આ સવારના રંગોની તો શું વાત જ કરવી ! પણ.. આજે તો હોળી છે. પેલા કૃણાલનો ફોન આવ્યો હતો, માટે આજે ત્યાં પણ જવાનું છે."
મનીષ આજે હોળીની મજાનો લુપ્ત ઉઠાવવા તેમના મિત્રના ઘરે જવાની તૈયારી ઝડપી કરતો દિનચર્યા સમાપ્ત કરીને બહાર નીકળે છે, ત્યાં તેમનો ફોન રણકે છે ! સ્ક્રીન પર નજર ઘુમાવતા તેને ખ્યાલ પડે છે, કે આ તો તેના મિત્ર કૃણાલનો ફોન આવી રહ્યો છે.
"હાં ભાઈ. બોલ !"
"એલ્યા તું ક્યાં છો ભાઈ ?"
"બસ હું નીકળું જ છું. થોડું મોડું થઈ ગયું ભાઈ. પણ હું હમણાં પહોંચું જ છું."
"ઓકે, પણ ફટાફટ પહોંચ. અહીં બધા જ આવી ગયા છે. બસ માત્ર તારી જ રાહ છે. તું આવીને કંઈક શેર, શાયરીઓ પેશ કર એટલે મજા આવે હોળી રમવાની. બધા સાથે હોઈએ ને !"
"હા હા ભાઈ તું ફોન મુક, હું બસ થોડી જ વારમાં ત્યાં પહોંચું છું."
"સારું ભાઈ, ત્યારે."
ફાગણના રંગો ચોમેળ ઉડી રહ્યા હતા. નાના મોટા ગામડાની ગલીઓ હોય, કે પછી શહેરોની સમયના ઘટમાળમાં દબાયેલી કર્કશી શ્રુષ્ટિ. ગામડામાં મિત્રોની ટોળકીઓના રૂપ ગેરીયામાં પરિવર્તિત થયેલ હોય, કે પછી શહેરોમાં કોઈ ફામ હાઉસ કે કોઈ એક મિત્રને ઘરે બધા જ મિત્રો એકત્ર થઈને આ રંગોનું પર્વ ઉજવતા હોય. પણ ફાગણનો મીઠો ફાલ આજે ચોપાસ સ્નેહની ઊર્મિઓની અમી ધારાથી ઉગતો ક્યાંક આધુનિક ડીજે ડિસ્કો, તો ક્યાંક અલગ અલગ ઢોલ કે અન્ય ચીજ વસ્તુઓ પરના તાલ સાથે હર કોઈ એક મેકને રંગ લગાવીને હરખાય રહ્યા હતા.
હજુ સવારની શરૂઆત થઈ હતી. માટે ક્યાંક રંગોથી રમવાનું હજુ ચાલુ નહોતું થયું, તો ક્યાંક પ્રારંભ થઇ ચુક્યો હતો. મનીષ પણ કૃણાલનો ફોન મુકતા જ બાઈકને કિક મારીને રસ્તામાં મળતા મિત્રોને હાથે રંગોએ રંગાતો મેઈન માર્ગ પર ચડે છે. નાના મોટા વાહનોથી ધમધમતા હાઇવે પર પણ ક્યાંક કોરોના જેવી વૈશ્વિક મહામારીની અસર વર્તાય રહી હતી. કોરોનાને લીધે સૌ પોતાની સુરક્ષા માટે મોટા ભાગના વાહન ચાલકો, અને સવાર કેટલાય લોકો મોઢા પર માસ્ક પહેરી બહાર નીકળી રહ્યા હતા.
મનીષ પણ પોતાના મુખ પર રૂમાલ બાંધી પથ કાપવા લાગે છે. લગભગ અડધોક માર્ગ પસાર કરીને આગળ બાઇકને વેગડું કરી રહ્યો હતો, એટલામાં પોતાની થોડે ચાલી રહેલા બાઇકને સામેથી આવતી એક મોટી ગાડીએ તેજ ટકર સાથે સાઈડ પર પટકાવી દીધી. આ દ્રશ્ય જોતા જ ત્યાં હાજર રહેલા અન્ય વાહન ચાલક તેમજ સવારો પોતાના મ
ોબાઈલમાં મદદની જગ્યાએ ફોટા અને વીડિયો બનાવવા લાગી જાય છે.
એક તરફ વધુ મોડું મનીષને થઈ રહ્યું હતું. અને આ દ્રશ્ય જોતા જ તેના હ્ર્દયમાં ત્યાંના અન્ય લોકો પ્રત્યે ગુસ્સો આવતા તે ધુઆપુઆ થઈ રહ્યો હતો. તે તે જ ક્ષણે પોતાના બાઇકને સાઈડમાં ઉભું રાખી પોતે અકસ્માત ભણી ચાલતો 108 હેલ્પ લાઇન પર ઝડપથી ફોન લગાવે છે. બાઇક પર સવાર બંને પતિ,પત્ની ઇજાગ્રસ્ત હતા. તેમાં પુરુષને માથામાં લાગવાથી ખુબજ ગંભીર રીતે પીડાય રહ્યો હતો. મનીષ પોતાના રૂમાલથી તેના માથા માંથી વહી જતા રુધિરને રોકવાના યત્નો કરી રહ્યો હતો.
આટલી વિષમ પરિસ્થિતિ એક નવયુગલ દંપતી માટે આ અકસ્માતથી થઈ હતી. છતાં ત્યાં હાજર રહેલા આટલી મોટી સંખ્યામાં રહેલા લોકો માંથી કોઈ મનીષ સાથે રત્તી ભર પણ મદદ કરવા આગળ નહોતું આવી રહ્યું. બસ એ સૌને રસ હતો માત્ર ફોટા અને વીડિયો બનાવતા દૂરથી જોવામાં જ.
મનીષ પોતાનાથી બનતી બધીજ સારવાર કરી પોતે એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી ખૂબ પ્રયત્નો કરે છે. એટલામાં 108 હેલ્પ લાઇનમાંથી એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચે છે. તેની જ પાછળ કેટલાક મિડિયાવાળા પણ ત્યાં આવતા સૌને પૂછવા લાગે છે. પણ યુવકની ખૂબ ગંભીર સ્થિતિ હોવાથી એમ્બ્યુલન્સ ચાલક શીઘ્ર નજીકની હોસ્પિટલ ભણી વેગીલી કરી મૂકે છે.
મિડિયાવાળાને અકસ્માત સ્થાનેથી કોઈ યોગ્ય માહિતી ન મળતા, અને કેટલાક લોકોએ મનીષ વિશે ચીંધતા તેઓ એમ્બ્યુલન્સની પાછળ પાછળ હોસ્પિટલ આવી મનીષને અકસ્માત વિશે સઘળું પૂછતાં સંપૂર્ણ માહિતી સાથે ન્યુઝ ચેનલો પર ન્યુઝ રિપોર્ટરો રજૂ કરે છે. ઘણી વાર પછી સંપૂર્ણ તે દંપતીની સારવાર પુરી થયા પશ્ચ્યાત મનીષને કૃણાલના ઘરે મિત્રો સાથે હોળી રમવા જવાનું યાદ આવે છે. તે હજુ પોતાના ખિસ્સામાંથી સેલફોન કાઢી કોઈક મિત્રને ફોન દ્વારા જાણ કરે, તેટલામાં દર્દીના કમરામાં ઘણા બધા યુવકો એક સાથે આવે છે. તેમની સાથે ડોક્ટર અને નર્સ પણ પ્રવેશે છે.
"તમે સૌ ! હું હમણાં તમને જ ફોન કરવાનો હતો. એમ સોરી ફ્રેન્ડ્સ. હું આ લોકોને લોહીમાં નીતરતા મૂકીને ના આવી શક્યો."
"ઓકે કંઈ વાંધો નહીં ભાઈ. તે તો આજે માનવતાનો ખરો રંગ બતાવ્યો. તે આજે એક દંપતીને માણસને નાતે બચાવીને કાકા અને કાકીના સંસ્કારોને સમગ્ર સમાજને બતાવતા સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિ આર પ્રાઉડ ઓફ યુ. અને અમે પણ કોઈ મદદની આવશ્યકતા હોય, તો તેના માટે જ અહીં આવ્યા છીએ."
સૌ મિત્રો પણ મનીષ અને તેમના માતા પિતાને બિરદાવતા ડોક્ટર સહિત હર કોઈ ત્યાંના લોકોને માનવતાના રંગોથી આજે હોળી ઉજવનાર મનીષ અને તેમના બધા જ મિત્રો પ્રત્યે ગવરવી આંખો છલકી ઉઠી.