ઘર અને મકાન:
ઘર અને મકાન:


કોઈ પૂછે કે ! 'ભાઈપૃથ્વીનો છેડો ક્યાં આવેલો છે ?' ત્યારે હું ને તમે આપણે કેવળ એમજ કહીશું કે સૌનું પોતપોતાનું ઘર એટલે પૃથ્વીનો છેડો. હા, ચોક્કસપણે મિત્રો જેટલી તમે બહાર ગમે ત્યાં ફરીને આવો પણ પોતાના ઘરે કોઈ પણ આવે એટલે નીરવ શાંતિનો અનુભવ થાય એટલી શાંતિની અનુભૂતિ બીજે ક્યાંય ન થાય.
ભલે કેટલાક એમાં પણ અપવાદ રૂપ હોઈ શકે. પણ ઘર શબ્દજ એટલો મીઠો છે કે જેની અસર સીધી હ્ર્દય પર પડે. કોઈનું નાનું ઘર હોય તો કોઈનું મોટું ઘર કોઈ વળી ભાડા ભરીને રહેતું હોય તો કોઈને ઘરનું ઘર હોય. પણ ઘર એક એવી જગ્યા કે જેમાં પતિ પત્ની માતા પિતા ભાઈ બહેન વગેરેની લાગણીઓ હવાના સુક્ષ્મ તત્વની માફક સંગીત કલાની જેમ ઝળહળતી જોવા મળે. જેમ સંગીત કલામાં ગાયન, વાદન અને નૃત્યનો સમાવેશ થાય છે. તેમ ઘરમાં લાગણી, પ્રેમ અને વાત્સલ્યનો સમાવેશ થાય છે. જ્યારે મકાન કે જે ઇટ, પથર, રેતી સિમેન્ટ લાકડા દ્વારા બને છે. અને આ મકાનમાં કોઈ બે વ્યક્તિઓની લાગણી, પ્રેમ ચાહત, વાત્સલ્ય મમતા વગેરેનું આગમન ચાર દીવાલ વચ્ચે થાય છે. ત્યારે ઘરની રચના થાય છે.
મારા દાદા દાદી અમારા ઘરથી થોડે દુર રહેતા હતા. વૃદ્ધાવસ્થામાં થોડી મારા દાદીની દ્રષ્ટિ ઝાંખી પડવાથી મમ્મીએ તેમજ પપ્પાએ પણ અમારી સાથે રહેવા અમારા ઘરે આવવાનું કહ્યું હતું. પણ તેઓને એ ઘર છોડી બીજે ક્યાંય જવાની ઈચ્છા નહોતી થતી. કારણ કે તેઓ કહેતા કે અમે અહીં બરાબર છીયે. બીજે અમારે ક્યાંય આ ઝૂંપડી છોડીને નથી જવું. કેટલાક લોકો એવું પણ કહેતા કે 'માલુઆઈને હાદુરઆતાને સ સ દીકરા સે તોઇ ઇ ઝૂંપડામાં ઝ પૈડા સે. તો ગમે એના ઘેર વયા ઝાતા હોય તો !'
કેટલાક તો મારા દાદીને પણ કહેતા કે: 'પાસયાને ઘેર ગમે તો ન્યા વયા ઝાવ. અને ન્યા ન ગમે તો ગોવિંદાને ન્યા ઝાવ.' પરંતુ દાદી માત્ર એટલું જ કહેતા કે: અમારે આ ઝૂંપડામાં સાંતી સે. મડી અત્યારે આપડી કાયા હાલે સે યાં હુધી હુ સે ? આ ઝૂંપડીમાં હારું ઝ સે. ઝયારે હાથ પગ હાલતા રોકાઈ ઝાહે ત્યારે ઝોહુ.
જૂનું ઘર એટલું સુંદર કે જે ભલે દેખાવમાં આપણને ન ગમે પણ અંદર ગયા પછી જે મનને શાંતિ મળે છે, કૈક અલગજ શાંતિની નિરવતા આસપાસ ફરી વળે છે. કે જેને અહીં વરણવું એટલી ઘટે. ત્યાં હું જ્યારે જતો ત્યારે એ ઘર મને બાળપણમાં ખેંચી જતું. હું ગામડે સરકારી શાળામાં ભણવા જતો ત્યારે રોજ ત્યાં રિશેષમાં નજીક હોવાથી પહોંચી જતા. માલુમાંએ મારા માટે બનાવેલ જમવાનું કાઢી મને પોતાના હાથે જમાડતા. ક્યારેક તો શનિવાર હોય ને મને કોઈ ઘરેથી લેવા આવે તો પણ હું ના જતો માત્ર ત્યાંજ આમ તેમ ઘરને નિહાળતો વિચારોમાં ખોવાય જતો.
એ ઘરની દીવાલો પણ એટલી જાડી કે આજના આ સામાન્ય મકાનોની ત્રણ ચાર દીવાલો થાય તો પણ એવી મજબૂત તો બનીજ ન શકે. અંદર મેડો હતો એ પણ એટલોજ મજબૂત હતો. ગાયના છાણાઓ ભેગા કરી માલુમાં દીવાલોને એવી રીતે તેમજ તળિયે ગારતા કે ઘરમાં કોઈ પણને ઠંડો અનુભવ થાય. સમયાંતરે દાદા દાદી ભવીસ થઈ ઈશ્વરના દરબારમાં ગયા પછી જે મોટું ઘર હતું એ આજે જર્જરિત હાલતમાં ફરી મકાન બની ગયું.
માટે નિર્જીવ સંપત્તિથી મકાન ક્યારેય ઘર સ્વરૂપમાં પરિવર્તિત થતું નથી. જે ઘરમાં મા-બાપે છ દીકરા અને બે દીકરી મોટા કર્યા હોય ને માણસ વગર આજ સાવ ખાલી ખમ છે. હું જ્યારે પણ આજે એ તરફ જાઉં છું ત્યારે ભૂતકાળને યાદોમાં નજરે લઈને અંતરથી રડી પડાય છે.