આંખોમાં પણ સ્વર્ગ
આંખોમાં પણ સ્વર્ગ
"એમની આંખોમાં પણ સોનેરી સ્વર્ગ હતું,
હૃદય મારું સદાયે તેમનું ઋણ હતું.
પ્રણય તો ક્યાં મને પૂછીને વળગી પડ્યો હતો એ ખૂબ સુરત ક્ષણે !
દિલ એમના કેવળ અણસારે જ કનક સમું કોઈ ઝૂમ હતું.."
ઈશ્વર કોઈને શરીરની ખૂબસુરત સુંદરતા સાથે ભાગ્યે જ મેધાને રૂપાળી અર્પે છે.
આનંદના સમંદરમાં જેઓ ક્ષણ માત્ર માટે મોજા પેઠે ઉછળે નહીં, અને દુઃખના કાળા અંધારપટ્ટમાં હિંમતના હથિયારો મૂકીને તળે ન પેસી જાય એવી પૂજા નામની એક અપ્સરા સમી છોકરી !
પૂજા માત્ર નામ સાંભળતા જ સૌને જાણે નાનપણમાંય પરણવાના કોઢ મન રૂપી પ્રદેશમાં હર કોઈ અમારા મિત્ર વૃંદના છોકરાઓને સવાર થવા લાગી પડતા.
પ્રેમની ઉંમર વગર પણ આવલા મારતાં માત્ર અમારું મિત્ર વર્તુળ જ નહીં, પરંતુ શાળાના મોટા ભાગના છોકરાઓમાં એક શશી પેઠે નામ સાથે હુબહુ આકૃતિ પૂજાની અંકાઈ ગઈ હતી.
એમની નાના પગલાંની પણ અદભુત અચંબિત કાયા,
તેને નાનપણમાંય ભિન્ન ભિન્ન કટલેરીઓથી સોળે શણગાર સજવાનો ખૂબ શોખ હતો.
તેમને કોઈ હેરાન/પરેશાન કરે, તો તેનું નાનું હૃદય પણ વિશાળ અંતર સામે રહેલ છોકરી કે છોકરા, હર કોઈને ક્ષમા આપતા પલ ભરનો પણ વિલંબ ન કરતું.
ખૂબ ઓછું બોલતી. પણ જ્યારે જેટલું તે બોલતી, ત્યારે સામેવાળા માટે કદીયે રજ માત્ર પણ શેષ ન રહેતું.
તેમની વાણીમાં માત્ર સાંસકારીકતા જ નહોતી તરી આવતી, બલ્કે એક શ્રેષ્ઠ સભ્યતા પણ નમ્રતા ભર શબ્દોમાં ઉપસી આવતી.
તેને વાંચવાનો પણ અત્યંત શોખ હતો.
કોઈ નવું પુસ્તક એમણે ક્યારેક વાંચ્યું હોય, ત્યારે અચૂક મને પૂછતી.
"એલ્યા અલગારી ! તે પેલું ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક, સૌરાષ્ટ્રની રસધાર વાંચ્યું છે ?"
હું વધુ કોઈ સાથે બોલતો નહીં. અને મોટા ભાગનો સમય એકલો જ ગાળતો, તેથી મને તે અલગારી અને અટૂલાસિંહ જેવા વગેરે ચિત્ર વિચિત્ર નામોથી બોલાવતી રહેતી.
ક્યારેક તો ખૂબ મને પણ અચમ્બો થતો.
કે આ આટલા અઘરા અઘરા પુસ્તકો વાંચે છે. તો શું તેને સમજાય જતું હશે !
સમય આવ્યે તેની સાથે કેટલાક મેં પણ વાંચેલા પુસ્તકો વિશે ચર્ચા થાય, ત્યારે એ પ્રશ્નનો જવાબ પણ એમની પાસેથી જ મળી જતો.
શાળામાં જ્યારે કોઈ ડાન્સ કે વક્તવ્યની સ્પર્ધા થતી, ત્યારે ટોપ ત્રણ ઇનામોમાંથી તો એક એમનું નામ આવતું જ.
અને આટલા નાનપણથી જ તેમનો બુલંદ હોસ્લો જોઈને હર કોઈ અચંબિત થઈ જતા.
તે હર ક્ષેત્રમાં રસ ધરાવી, કાંઈક ના આવડતું હોય તો પણ તેને ખુબજ લગનથી અન્ય પાસેથી શીખતી રહેતી.
એક વખત આગળના ધોરણના કોઈ મિત્રો પાસેથી ઉમાશંકર જોશીની કોઈક વાર્તાનું થોડું વર્ણન સાંભળ્યું હતું. તેની પૂજાના મન પર એટલી અસર થઈ હતી, કે તે ત્વરિત દોડીને લાઈબ્રેરીમાં પહોંચી ગઈ.
ધોરણ 4 સુધીના બાળકોને માત્ર બાળ વાર્તાઓ, ટુચકા બાળગીતો વગેરે બાળ સાહિત્ય જ વાંચવા આપવું. તેવો સંસ્થાનો નિયમ હતો.
તે સમયે અમે ધોરણ 4માં હતાં. માટે લાઈબ્રેરીમાં પૂજાએ જઈને ત્યાંના ઇન ચાર્જ શ્રી રમીલા બહેન પાસે ઉમાશંકર જોશીની વાર્તાઓની માંગ કરી.
પરંતુ તેમણે નકારમાં ઉત્તર આપી નારાજગી સાથે બરતરફ કરી.
કિન્તુ તે પૂજા હતી.
લટકતા હથિયારો નીચે ઢાળી દે, તેવું તેનામાં એક બુંદ પણ નહોતું.
તે તે જ પગલે આચાર્યની ઓફિસ ભણી ચાલી ગઈ.
તેમણે આચાર્ય સાહેબને જે રજુઆત કરી, તેને ત્યારબાદ સાંભળીને અમારા ક્લાસના બધા જ વિદ્યાર્થીઓ પૂજાને ભણેશરી તરીકે ઓળખવા લાગ્યા.
તેમણે આચાર્ય સાહેબને નમ્રતા પૂર્વક રજુઆત કરતા માત્ર એટલું જ કહ્યું હતું કે:
"સાહેબ ! આપણી લાઈબ્રેરીમાં અઢળક પુસ્તકો છે.
પરંતુ વિદ્યાર્થીઓ માટે તે વાંચવા માટે ના પ્રાપ્ત થાય તો આટલા બધા પુસ
્તકોનો શો અર્થ ?"
આ વાત સાંભળીને સાહેબે પુરાણા નિયમને બદલાવીને જે વિદ્યાર્થીઓને દિલથી પુસ્તકો વાંચવા હોય, તેઓ વિના સંકોચે લાઈબ્રેરીમાંથી મેળવીને વાંચી શકે. તેવી બીજા દિવસે પ્રાર્થના સભામાં જાહેરાત કરી.
આવા તો કેટ કેટલી રૂચિઓ માટે પૂજાએ બહુ નાની ઉંમરમાં પણ ખૂબ મોટા પ્રયાસો કર્યા હતાં.
અમારે પ્રાથમિક શિક્ષણ પૂરું કરી આગળના અભ્યાસ સારું પોતપોતાના વાલીની આર્થિક પરિસ્થિતિ સાથે આગળ વધવાનું હતું.
પૂજા પણ પોતાનો આગળ અભ્યાસ કરવા માટે કોઈ અંગ્રેજી શાળામાં જવાની હતી. અમે સૌ પણ સ્વયંની યોગ્યતા પ્રમાણે આગળ ભણવા અન્ય પાઠ શાળામાં જવાના હતાં.
પરંતુ સૌથી શાંત ને પ્રફુલ્લિત ચહેરાવાળી પૂજા, ચાલતા મસ્તીના બુંદો ખેરીને પછી સહિયારે મિત્રો સાથે શિક્ષકોના હાથે મેથી પાક ખાતા વગેરે સઘળું હવે સ્મરણો બનીને રહી જવાનું હતું તે યાદ કરીને સૌ સહપાઠી મિત્રોના મોં વિલા થઈ જવા લાગતા.
સમય જળ પેઠે વહેતા તે અંતિમ શાળાનો દિવસ આવી પહોંચ્યો.
સૌ ગુરુજનો આશીર્વાદ સાથે અમને વિદાય આપી રહ્યા હતાંં.
તે દિવસે એક નાનકડા કાર્યક્રમમાં અમારા ક્લાસના સમગ્ર વિદ્યાર્થીઓ વતી શાળાના અનુભવો પૂજાએ શેર કર્યા હતાં.
અંતિમ દિવસનેય સમેટી અમે સૌ એક બીજાને મળીને બહાર નીકળી રહ્યા હતાં ! ત્યાં જ પાછળથી એક અવાજ કરીબે આવતો સંભળાયો !
"એ ! અટૂલાસિંહ ! સિદ ચાલ્યો ?
મને છેલ્લે છેલ્લે પણ મળ્યા વગર તું ચાલવા માંડ્યો ! !"
મેં પાછું વળીને જોયું તો તે પૂજા હતી !
તેમનો ચહેરો હંમેશ જેમ જ ખીલેલો હતો.
આગળ રહેલી એક લાંબી અને એક ટૂંકી લટ વધુ તેમની સુંદરતાને શોભાવી રહી હતી.
ખભે લટકાતો શાળાનો થેલો અને હાથમાં પકડેલું એક પુસ્તક વગેરે દ્વારા તેમને જોતા જ મારી સાથે રહેલા મિત્રોની તો આંખો તેના ભણી ખેંચાય રહેવા લાગી !
મેં તે સૌને જતા રહેવાની ચેષ્ઠા કરી, એટલે કોઈક મસ્તીની આંખ ઉલાળતું, તો કોઈક અસમનજસની આંખ મારતા મિત્રો પોતપોતાની સાઈકલો વેગળી કરવા લાગ્યા.
"તું તો ભારે ઉતાવળો ઉલ્લુ !
આજે છેલ્લો દિવસ હતો, તોએ ઉતાવળ્યો ભાગી નીકળ્યો !
તને ખૂબ પુસ્તકો વાંચવા ગમે છે ને ! લે, આ તારા માટે તારા જ ગમતા લેખકનું પુસ્તક !.
પછી ક્યારેક યાદ કરતો રહેજે હોં !
અહીંથી છૂટા પડ્યા પછી ભૂલી ના જતો. પત્ર લખતો રહેજે."
તે હંમેશ જેમ હસવાના ખૂબ યત્નો કરી રહી હતી.
પરંતુ તેના ગાલ પર અંતમાં જાણે નયનોરૂપી સમંદરનું પુર ધસી આવ્યું હોય તેમ ન રહી શકી ત્યારે ત્યાં જ શાળાને બાંકડે ફસડાઈ પડી !
હું આ જોતા જ સાવ આભો બની ગયો હતો.
સતત અન્યને સંભાળનારી પૂજા ખુદ મારી આંખ સામે ભાંગી પડી હતી.
હું ઘણું કહેવા માગતો હતો તેમને. છતાંય આ બધું મને પણ ડરાવી રહ્યું હતું.
હું માંડ મને ખુદને સંભાળી રહ્યો હતો. તેમાં આવી બીજી વિપરીત પરિસ્થિતિ સામે સર્જન પામી હતી.
સ્વયં પર સંયમ કરતાં મેં માંડ માંડ પૂજાને સમજાવીને સ્વસ્થ કરી.
તેમને ફરી અવશ્ય મળીશું, અને પત્રો લખતા રહેશું વગેરેના વચનબદ્ધ થતા મેં કહ્યું ! અને તાતા, બાઈના ઈશારા સાથે તે તેના પગલાં ઉપાડવા લાગી.
હું પણ ધીમે પગલે મારા ઘર ભણી આગળ તો વધ્યો ! પણ તેમનો છેલ્લે જોયેલો ચહેરો કેટલુંક કહી ગયો હતો.
મારે પ્રેમને પગથિયે પગ મૂક્યા પૂર્વે એક નરી જીવંતતા પૂજાએ પોતાના નયનોમાં બતાવી દીધી હતી.
તેમની આંખોમાં અજુગતું તેજ હતું.
તેમની લોચનમાં અવિરત વહેતુ સ્નેહનું સરોવર હતું.
આખેય માર્ગે તેના નયનોમાં સ્વર્ગ નિરખતો હું આંગણામાં સાઇકલ મૂકી મારા રૂમમાં જઈને અશ્રુઓને પણ પોતાનો માર્ગ ખુલ્લો કરીને દિલ હળવું કરવા લાગી ગયો.