માનવતા મરી નથી.
માનવતા મરી નથી.
મારે બને તેટલુ જલદી દાદીમા પાસે પહોંચવુ હતું. દાદીમાના ગામમાં જવા માટે વહેલી સવારે બસ હતી. પછી એજ બસ રાત્રે પાછી ફરતી હતી. શિયાળો હોવાના કારણે મને વહેલી સવારે ઊઠવાનો કંટાળો આવતો હતો. તેથીજ મેં નક્કી કરેલું કે હું કાર લઈને સવારે શાંતિ થી જઈશ. સવારે હું નીકળી અને થોડી આગળ ગઈ અને મારી નજર પેટ્રોલના મીટર પર પડી અને હું ચમકી, કારણ કે ગાડીમાં પેટ્રોલ ખલાસ થવા આવ્યું હતું. મેં આજુબાજુ નજર કરી તો થોડેકજ દૂર પેટ્રોલ પંપ હતો એનું બોર્ડ જોયું. મને માનસિક શાંતિ થઇ. કારણ એટલુ પેટ્રોલ તો મારી કારમાં હતુ. હું ત્યાં પહોંચી ઉતાવળમાં પેટ્રોલ પુરાવી હું ત્યાંથી નીકળી ગઈ.
પરંતુ થોડે આગળ જતાં મારી કાર બંધ થઈ ગઈ. એક તો શિયાળો ,ઠંડી પણ ઘણી હતી.કારમાં તેા હિટર ચાલુ હતું એટલે ઠંડી લાગતી ન હતી. પરંતુ કાર બંધ થઈ ગઈ તેથી હું કારની બહાર નીકળી. હું ઠંડી થી કાંપતી હતી. આજુબાજુ ક્યાંય ચા મળે એવું ન હતું. એકદમ નાનું ગામડું હતું. મારે રડવાનું જ બાકી હતું. ગેરેજમાં ફોન કર્યો તો કહ્યું કે આવતા કલાક લાગશે. અજાણ્યું ગામ હતુ, કોઈ ઓળખીતું પણ ન હતું. હું કારને ટેકો દઈને ઊભી હતી.
ત્યાંજ એક અજાણી વ્યક્તિ મારી પાસે આવીને બોલી, બહેન તમે કોઈ તકલીફમાં લાગો છો, હું કંઈ મદદ કરુ ? "
હું માત્ર એટલું જ બોલી શકી, "મારે ચા પીવી છે. " જયારે એ વ્યક્તિ ચા લઈને આવ્યો ત્યારે ગેરેજવાળેા છોકરો આવી ગયો હતો. કહી રહ્યો હતો કે, ભૂલમાં પેટ્રોલને બદલે ડીઝલ નાંખી દીધુ છે. કાર તો ચારપાંચ કલાક પછીજ મળશે. ત્યાંજ એ અજાણી વ્યક્તિ બેાલી, "આ સામે દેખાય છે એ મારુ ખેતર છે હું ઘરના માટે પૌક લેવાજ આવ્યો છું. ખેતરમાં, મારી ઝુંપડી છે એમાં તમે આરામ કરો ચારપાંચ કલાક ક્યાં ઊભા રહેશેા. "
આખરે હું ખેતરમાં ગઈ. થોડી જ વારમાં, મારા માટે પૌક અને છાશ આવી ગયા. મને આગ્રહ કરીને ખાવાની ફરજ પાડી. થાક અને ઠંડીના કારણે હું એ કાથીના ખાટલા પર સૂઇ ગઈ. આંખ ખુલી ત્યારે એ વ્યક્તિ મારી પાસે આવીને બોલી, "ઊંધિયું પુરી તૈયાર છે તમે જમી લો.
મને તો ઘણાે સંકોચ થતો હતો. એ વ્યક્તિના પ્રેમના કારણે હું પૈસાનું પૂછી શકતી ન હતી. ત્યાંજ એ વ્યક્તિ બોલી, "તમે મોસાળ દાદીમાને મળવા જાવ છો, તો આ તમારુ મોસાળ જ છે. અમને પણ અમારા વિસ્તારમાં આવેલી ભાણીને જમાડવાનુ પુણ્ય મેળવવા દો. " મને આગ્રહ કરીને જમાડી, હું વિચારતી હતી કે નીકળતી વખતે થોડા પૈસા આપીને જઈશ.
પરંતુ જયારે કાર આવી ત્યારે એ વ્યક્તિ બોલી, "મારી પત્ની આવી શકે એમ નથી. પણ એને કહ્યું છે કે એ ભાણી કહેવાય, ખાલી હાથે ના મોકલતા એને તમારા માટે પૌંક બાંધી આપવાનુ કહ્યું છે. તમારે લઈજ જવો પડશે.
એક અજાણી વ્યક્તિ માટે આટલો બધો પ્રેમ ! મને થયું દુનિયામાં લાગણી કેે માનવતા મરી પરવારી નથી.
અજાણી વ્યક્તિ સાથેનો એક દિવસ.