માનવમિત્ર
માનવમિત્ર
નવલના માતાપિતા બંને શિક્ષક હતા અને તેનો ઉછેર જીવન મૂલ્યોને કેન્દ્રમાં રાખીને થયો હતો. નવલ સુખી, સફળ, સંતોષકારક જિંદગી જીવી રહ્યો હતો.
એની ગાડી રોજ જે રસ્તેથી ઓફિસ જવા પસાર થતી ત્યાં એક ગરીબ વસ્તી દેખાતી. એ ઘરેથી એક જણ પેટભરીને ખાઈ શકે એટલું ખાવાનું લઈને નીકળતો અને એ વસ્તીના કોઈ એક જરૂરતમંદને આપી દેતો. આજે પણ એણે ફૂટપાથે બેઠેલા માણસને ખાવાનું આપવા હાથ આગળ કર્યો. ત્યાં તો એ માણસ બોલ્યો, "સાહેબ, તમે મને કેટલા દિવસ ખવડાવશો?" આ પ્રશ્ન નવલના મનમાં ઘર કરી ગયો. એ આખી રાત વિચારતો રહ્યો. બીજે દિવસે એ વસ્તીમાં જઈને પેલા માણસને મળ્યો. પૂછપરછ કરતાં જણાયું કે ત્યાં રહેનારા લોકો રાજસ્થાનના વતની હતા. સીવણ ભરતકામના કુશળ કારીગર હતા. નવલે ત્યાં 'માનવમિત્ર 'નામની સ્વરોજગાર, ગૃહ ઉદ્યોગ સંસ્થા શરૂ કરી. પોતે પૈસા આપી ત્યાંના લોકોને બધો કારભાર સંભાળવા સોંપી દીધો.
પછી તો જાણે નવલનો આ જ ધ્યેય બની ગયો. એ અલગ અલગ શહેરોમાં જ્યાં જતો ત્યાં જરૂરતમંદ વસ્તીમાં આવી વિભિન્ન કૌશલ્યના કારીગરો માટે માનવમિત્ર બની રહેતો. એ હવે વધુ સુખી અને સફળ હતો.