Bindya Jani

Inspirational

4.3  

Bindya Jani

Inspirational

માનો પત્ર

માનો પત્ર

4 mins
108


મારી લાડકવાયી, મારા પ્રેમની પરી, મારી મહેક

       આજ આ પત્ર તારી મા ના અંતરનાં સ્નેહાળ શબ્દો સમજીને વાંચજે. તું સાસરે ગઈ ને મારું ચહેકતું ઘર સુનૂં થઈ ગયું. તારી બાળપણની વાતો, તારું રમવું, કૂદવું, હસવું, બોલવું બધું જ મારા માનસપટ પર અંકિત થયેલું છે. આજે આટલા વર્ષો પછી પણ મારી નજર સામે તારું ઉગવું, કળીમાંથી ફૂલ બનવું અને ફૂલની ફોરમ જેવું તારું મહેકવું. બધું જ યાદ કરું ને તો આજે પણ મારું ઘર તારા અહેસાસથી મને ચહેકતું લાગે છે.

       હું તો તારી મા છું એટલે મને તો તારી દરેક પ્રવૃત્તિ ગમતી જ લાગે. તારું રિસાવું પણ મને ગમતું લાગે. પણ હવે તું સાસરે છો હવે તું માત્ર દીકરી નથી. પણ એક જવાબદાર પત્ની છો, પુત્રવધૂ છો. અન્ય સંબંધોના અવનવા પ્રમોશન પણ મળ્યા છે, એ સંબંધોને તું જ્યારે સાચવી શકીશ ત્યારે તું તારી જિંદગીને નવો મોડ આપતો અનુભવીશ. તારા સામે ઘણાં બધાં પડકારોનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કોઈક તને ગમતાં હશે અને કોઈક ન ગમતાં પણ હશે. એ બધાં જ પડકારોને તારે હસતાં મોઢે સ્વીકારવા તૈયાર રહેવું પડશે.

       તારા સાસુ - સસરા મા તારે તારા માતા-પિતાની ઝલક જોવી પડશે. હું સમજી શકું છું કે એ કદાચ તને અઘરું લાગશે તેને તું જલ્દી ન પણ સ્વીકારી શકે પણ ધીરે - ધીરે તું ત્યાંના વાતાવરણમાં ગોઠવાઈ જઈશ. પણ એ પહેલા તારે એ ઘરમાં મીઠા ની જેમ ભળવું પડશે. દીકરી સાકર હોય છે પણ પુત્રવધૂ મીઠા (નમક) ગરજ સારે છે. રસોઈમાં જો મીઠું ન હોય તો રસોઈનું મહત્ત્વ કશું જ નથી. મીઠું સબરસ કહેવાય છે દીકરી અને વહુમાં ફરક છે. દીકરીને શીખામણ આપી શકાય. વહુને નહીં. વહુને કંઈ પણ કહેતાં પહેલાં વિચારવું પડે. તું તેમને સામો જવાબ આપે તો એમને અપમાન જેવું પણ લાગે. કદાચ ક્યારેય તને કહેવું જરૂરી લાગતું હોય અને કંઈક કહે તો પણ તારે એમ વિચારવું કે મને કેમ કહેવું પડ્યું, મારી ક્યાં ભૂલ થઈ. જો એવું વિચારીશ તો તને તારા સાસુ સસરા સાથેના સંબંધોમાં પોતીકાપણું લાગશે. અને શક્ય છે કે તારું ચડતું લોહી છે એટલે તેની કોઈ વાત અયોગ્ય પણ લાગે તો પણ એ સમયે સામે જવાબ આપવાને બદલે અથવા તો પતિને ફરિયાદ કરવાને બદલે તારી ભૂલને સ્વીકારતાં શીખજે અને તો તને તેમાંથી પણ કંઈક નવું શીખવા મળશે. પુત્રવધૂ કદાચ દીકરી બની ન શકે પણ પુત્રથી વધુ તો બની શકે. ખોટો અન્યાય સહન કરી લેવો એવું પણ નથી કહેતી. પણ તારી ભાષા સંયમિત અને શિષ્ટ તો હોવી જ જોઈએ. દરેક સંબંધોમા એક મર્યાદા હોય છે. કોઈ પણ વ્યક્તિ સાથે માનપૂર્વક વાત કરતા શીખવું જોઈએ. તમે જો બીજાને માન આપશો તો તમને પણ જરૂર માન મળશે. આપણે ત્યાં કહેવત છે કે ઘર હોય ત્યાં વાસણો ખખડે. ઘરમાં ઘણાં એવા પ્રસંગો બનતા હોય છે કે તે ક્યારેક નાની નાની વાતો મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લે છે અને આપણને ખબર નથી પડતી. અને એટલે જ બોલતા પહેલાં વિચારવું જોઈએ કે મારા શબ્દોથી કોઈના દિલને ઠેસ તો નહીં લાગે ને !

   સ્ત્રી તો ગૃહ લક્ષ્મી કહેવાય છે સ્ત્રી અન્નપૂર્ણા કહેવાય છે. સ્ત્રી ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને નર્ક પણ. ઘરમાં બાળક સાથે બાળક બનવું પડે છે તે જ રીતે વડીલોને તેની ઉંમર પ્રમાણે સાચવતા શીખવું પડે વડીલોને સંતોષ આપવો એટલે એના આશીર્વાદ મેળવવાની વાત છે. તમે તો યુવાન લોહી છો. બહારનું ગમે તે ખાઈને પચાવી શકો. પણ ઘરમાં બુઝર્ગ હોય તો તેને ઉંમર પ્રમાણે સાત્ત્વિક આહાર અને સંતોષ મળે તે જરૂરી છે. તેમને પોતાના મા - બાપ સમજીને સાચવવું જરૂરી છે. તમારી દરેક ફરજને જિંદગીનો એક ભાગ સમજીશ તો તને ક્યારેય ફરિયાદ કરવાની જરૂર નહીં પડે.

     જીવનની સફળતાનો પાયો સમજદારી છે. જે ઘરમાં જીવનની લાંબી મંઝિલ હોય તેને તો તમારે રત્નની જેમ સાચવવી પડે. એમાંય જો સંયુક્ત કુટુંબ હોય તો ઘણી વખત લેટ-ગોની ભાવના પણ રાખવી પડે. જીવન એટલું અઘરું પણ નથી અને એટલું સહેલું પણ નથી. જિંદગીની દરેક ક્ષણને સમતોલ રાખીને જીવતા શીખવું પડે. ધૈર્ય, મીઠાશ, વિશ્વાસ, લાગણી અને નિઃસ્વાર્થ પ્રેમ જેવા ગુણોને વિકસાવવા પડે. 

     અને મહત્ત્વની વાત એ છે કે એ બધા સાથે રહીને પણ તારે તારી જિંદગી, તારા વિચારો ને પણ આત્મસાત કરીને જીવન જીવતાં શીખવું પડે. કોઈને અન્યાય ન કરવો અને પોતાની જાતને પણ અન્યાય ન કરવો. એવી જિંદગી તું જો જીવી શકીશ તો તને તારું ઘર ખરા અર્થમાં તારું જ લાગશે. 

        મને મારા ઉછેર પર પૂરો ભરોસો છે છતાં પણ જમાનાની કોઈ હવા તને લાગી ન જાય એ સમજાવવાની પણ મા તરીકે મારી ફરજ છે અને મને વિશ્વાસ છે કે તું મારી આ વાતને સમજી શકીશ. તું ક્યારેય પણ મુંઝાય કે કોઈપણ સવાલ મનમાં ઊઠે તો ઘરના સભ્યો સાથે તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરજે. તારા માતા પિતા તારી સાથે જ છે.. અને હવે તો તારા બે મા-બાપ છે. કદાચ ક્યારેક કોઈ શીખામણ આપે તો તેની વાતને સમજીને સ્વીકારજે કારણ કે તેમના પાસે તારા કરતાં વધુ અનુભવની મૂડી રહેલી છે. તારો પતિ એ પહેલા તારા સાસુ સસરાનો દીકરો છે. એક બહેનનો ભાઈ છે. એટલે તેમની ફરજમાં તું પણ એટલો જ સાથ આપજે. અને તો જ સંબંધમાં સોનામાં સુગંધ ભળશે. 

        મારી ચહેકતી મહેકતી લાડકવાયી મારી દીકરી તેના સંસારમાં પણ સદા ચહેકતી અને મહેકતી રહે. એવા તારી મા ના અને તારા પપ્પાના આશીર્વાદ હંમેશાં તારી સાથે જ છે. 

 તારી મા ના સ્નેહાશિષ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational