માનો પ્રેમ
માનો પ્રેમ


એક દુર્ઘટનામાં રઘુ પગ ગુમાવી ચુક્યો હતો. ઘરમાં દારુણ પરિસ્થિતિ હતી. ચંપા ત્રણ દિવસથી ભૂખ્યા ટળવળતા બાળકોને જોઈને નિસાસો નાંખતી હતી.
કામકાજ માટે બંગલા વાળા પાસે જઈને આવી પણ કોઈ કામ ના મળતાં નિરાશ થઈ પાછી વળી ત્યાં નજીકમાં આવેલ ( મકાન ચણતર ) સાઈડમાં કામ માટે ખૂબ કરગરી. મુકાદમે કામ પર રાખી પણ બાળકો સાથે લઈને આવી હતી તો ઘડી ઘડી દિકરો અને દિકરી ભૂખથી રડતાં આ જોઈ માનો પ્રેમ તરફડી ઉઠતો.
સાંજે કામ પતાવીને મુકાદમ પાસે આજની મજૂરી લેવા ગઈ તો મુકાદમે કહ્યું કે 'તારું ધ્યાન કામ પર નહોતું અને પુરું કામ નથી કર્યું તો અડધી મજૂરી મળશે અને જો વધું રૂપિયા જોઈતાં હોય તો પાછળ રૂમમાં આવી જા તારા બાળકો ભૂખ્યા નહીં રહે.'
હાથમાં પકડેલા રૂપિયા અને બાળકો સામે જોઈ ચંપા વિચારોમાં પડી.
આખરે બાળકો માટેનો પ્રેમ જીતી ગયો.