માઁ માટલું
માઁ માટલું
માઁ અને માટલું શબ્દોથી આપણે ઘણા પરિચિત છીએ, આ વિધિ લગ્નનો એક રિવાજ છે જે માઁ માટલું તરીકે ઓળખાય છે. માઁ અને દીકરીના સંબંધની સાબિતી આપતો એક રિવાજ એટલે માઁ માટલું !
માઁ માટલાનો રિવાજ કંઈ રીતે થયો હશે એનો જવાબ મને આજ સુધી નથી મળ્યો પણ મેં ઘણાં લગ્ન પ્રસંગે આ રિવાજને લાગણીઓ સાથે વ્યકત થતાં જોયો છે એ રિવાજ એટલે દીકરીની વિદાય સમય જ થાય આવું કેમ થતું હશે પણ વિચાર આવ્યો કે એક મા દીકરીને પોતાના સંસ્કાર, ઉછેર, મર્યાદા, વ્હાલ, પ્રેમ અને સહનસહનશીલતાનું ભાથું એક માટલામાં વીટીંને દીકરીના ખોળામાં મૂકે છે અને કહે છે બેટા આ માઁ માટલું તું સ્વીકારી લે અને આમા મૂકેલું ભાથું પણ અપનાવી લે, એક માઁ પોતાની દીકરી ને એક માટલામાં ઘણું બધું આપી દેતી હોય છે જે માઁ માટલું દીકરીને જીવનમાં કદી માતા ની કમી મહેસુસ ન થાય એનું પણ પ્રતિક છે.
માઁ માટલું એટલે માતાના પોતાની દીકરીને આપેલા સંસ્કાર નો એક ઉપદેશ, માતાનો પ્રેમ, માતાની મમતા સાથે.મા માટલામાં ધન, ધાન્ય, શ્રીફળ, સૂકામેવા અને મીઠાઈ માટલામાં ભરે છે અને દીકરી જયારે વિદાય લે છે ત્યારે આ બધું ભાથું એનાં ખોળામાં મૂકી રિવાજોને યથાવત રાખવાનું પણ એક સૂચન કરે છે.
માઁ માટલામાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીકરૂપે મગ, ફળના પ્રતીકરૂપે સોપારી & લીલું શ્રીફળ, મેવાના પ્રતીકરૂપે ખારેક અને મીઠાઈના પ્રતીકરૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ પણ મૂકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીકરૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભ કામનાના પ્રતીકરૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશીલતાથી અને સારા વ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામોમાં પોતાની માતાની જેમ પાર ઉતરે એના પ્રતીકરૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર વિંટાળવામાં આવે છે જેથી સાસરી પક્ષમાં દીકરી પરિવાર સાથે હંમેશા બંધાયેલી રહે એવાં આશીર્વાદ આપે છે.
માઁ નો અર્થ મમતા અને માટલું એટલે શીતળતા આપતું પાત્ર. માઁ માટલું એટલે દીકરી ને આપેલ મમતાનો ભંડાર અને પરંપરાગત રીતે એક નાનકડો રિવાજ.
