માળો
માળો


"નીલ , બેટા ઉઠો...જો ...સૂરજદાદા તો ક્યારના ઉઠી નીલ સાથે રમવા આવી ગયા છે..." ચાર વરસના નીલને પંપાળીને ઉઠાડતા એની મમ્મી કહી રહી હતી. રમવાની વાત સાંભળી તરતજ આંખ ખોલતાં નીલ મમ્મીને વળગતાં બોલ્યો,
"મમ્મા, મને જલ્દી બોર્નવીટા દૂધ આપ ને વાટકામાં ખૂબ બધા મમરા આપ. ખિસકોલી...પોપટ ને પેલી ચકી મારી રાહ જોતા હશે.."
મમ્મી કહે" ના બેટા..આજે તો આપણે ટેરેસ પર સૂરજદાદા સાથે રમશું, આંગણામાં તો પપ્પા, નીલને રમવા આઉટહાઉસ બનાવી રહ્યાં છે. ત્યાં કેટલું કામ ચાલે છે તે ભૂલી ગયો ? " બ્રશ કરી, દૂધ પી મમ્મીની નજર ચૂકવી નીલભાઇ તો દોડ્યાં આંગણામાં.
આંગણામાં પહોંચતા જ એક પળ સ્તબ્ધ થઈ ઉભેલો નીલ બીજી જ પળે પોક મૂકી જોરજોરથી રડવા માંડ્યો. એનો અવાજ સાંભળી મમ્મી દોડી. આંગણામાં રહેલું ધેધૂર લીમડાનું વૃક્ષ કપાઇને નીચે પડેલું. એના પાંદડા, ડાળીઓ, થડ ચારે બાજુ પડેલાં જે મજૂરો હઠાવી રહ્યાં હતાં. એ કપાયેલા વૃક્ષ તરફ આંગળી ચીંધતા નીલ ધ્રૂસકે-ધૂસકે રડી રહ્યો હતો..મમ્મીને જોતાં જ ઓર જોરથી રડતાં એ બોલતો હતો.
"આ તો મારી ખિસકોલી -પોપટનું ધર છે એ કેમ કાપ્યું ?....મારા દોસ્ત ક્યાં ? ને મારા ચકા-ચકીનો માળો પેલી ડાળ પર હતો. એમાં તો નાનાં -નાનાં બચ્ચાં પણ હતાં."
નીલનો અવાજ સાંભળી દૂર મજૂરો સાથે વાત કરતાં પપ્પા નજીક આવ્યાં એમને વળગી ઝંઝોડતા નીલ -ચકા-ચકી, માળોને બચ્ચાંનું રટણ કરતો જ રહ્યો. એને શાંત પાડવાં પપ્પાએ એને ઉંચકી લીધો ને બોલ્યાં,
" અરે..ચકા-ચકી તો બચ્ચાંને લઇ નવો માળો બનાવવા ઉડી ગયાં -ફટ કરતોકને નવો માળો બનાવી પણ લીધો હશે" આમ બોલતાં એ વિચારતાં હતાં કે...સારું થયું કે બચ્ચાં સહીત નીચે પડેલા માળાને જલ્દી ફેંકાવ્યો એમને ખોટાં પાડતી હોય તેમ પેલી ચકલી ચીં...ચીં...ચીં કરતી તૂટેલાં વૃક્ષ પર ચકરાવા લેતી પોતાના માળાને પોતાના તાજા જન્મેલા બચ્ચાને શોધી રહી હતી.
નીલને ચોકલેટથી પટાવી પપ્પા પાછા કામે લાગ્યાં. અટકવું તો એમના જેવા, આ નાનાં શહેરનાં, મોટા બિલ્ડરને કેમ પોષાય ? આ વૃક્ષ ન કાપત તો આઉટહાઉસની ડીઝાઇન બદલી થોડું નાનું કરવું પડત ! એક એક સ્કેવર ફીટની કિંમત સમજતાં એમના જેવા બિલ્ડરને એ તો ક્યાંથી કબૂલ હોય !
નીલના પપ્પા--નિરજભાઇનું કામકાજ વધતું જ ગયું. હવે તો બાજુના શહેરની જમીન પર પણ એમનું કન્સ્ટ્રકશનનું કામકાજ શરૂ થઇ ગયું હતું. આજે કોઇ મોટા પ્રોજેક્ટનું કામ મેળવવા અગત્યની મીટીંગ હોવાથી એમને ચારેક કલાકનું ડ્રાઇવ કરી પેલા શહેરમાં જવાનું હતું. વહેલી સવારે હજી બધા સૂતાં હતાં ત્યારેજ એ નીકળી ગયાં. સફળ મીટીંગ પછી બપોરે બધાં સાઇટ જોવા ગયાં. હજી તો પહોંચ્યાજ હતાં ત્યાં સૌ એ ભૂકંપના આંચકા અનુભવ્યા. ખુલ્લી જગ્યામાં દોડી બધાએ આશ્રય લીધો. થોડીવારમાં આંચકા સાવ બંધ થતાં બધાને રાહત થઇ. આસપાસ તો બધું સલામત હતું એટલે ગભરાવાનું તો કોઇ કારણ નહોતું. હવે શું કરવું એ વિચારે એ પહેલાં ખબર આવ્યાં કે આસપાસના શહેરમાં તો આ ભૂકંપની અસર તીવ્ર હતી-જાનમાલની પણ નુકશાની થઇ છે. હજી પરિસ્થિતિનો પૂરો ખ્યાલ નથી પણ ગંભીર લાગે છે.
નિરજભાઇએ તરત જ ઘરે ફોન લગાવ્યો પણ નો રીસપોન્સ...ને પછી તો બધી ટેલીફોન સેવાજ ખોરવાઇ ગઇ. એમણે તરત જ ગાડી ઘર તરફ ભગાવી. જેમ જેમ આગળ વધતાં ગયાં તેમ તેમ ખુવારી નજરે ચડતી ગઇ. એમના મનમાં અજીબ બેચેની હતી. પોતાના શહેરમાં પ્રવેશતાંજ, એના બેહાલ જોતાં, એમનું હૃદય જલદી ઘરે પહોંચી પત્નીને પુત્ર ને જોવા વ્યાકુળ થઇ ઉઠ્યું. માંડ-માંડ એ છેલ્લું અંતર કપાણું. પોતાના ઘર પર નજર પડતાં જ એ પોક મૂકી રડી પડ્યાં. ઘરમાં રહેલી વ્યક્તિઓ સાથે ઘર આખું કાટમાળમાં ફેરવાઇ ગયું હતું. નિરજભાઇને લાગ્યું એક નહીં પણ અસંખ્ય ચકલીઓ ચીં...ચીં...ચીં..કરતી ત્યાં ચકરાવા લઇ રહી છે. એ ચક્કર ખાઇને જમીન પર ઢળી પડ્યાં.
વેદના દિવસોને લાંબા બનાવે છે. પણ એ વીતે તો છેજ. માણસ ઘણું એ ઇચ્છે કે એ વીતેલી કોઇ ક્ષણો કે શબ્દોને પાછા વાળી લે, પણ અફસોસ ધરતીકંપની એ ગોઝારી ઘટનાને ચાર વરસ વીતી ગયાં હતાં. પોતાનાજ શબ્દો જે દીકરા- નીલ ને શાંત પાડતાં બોલાયેલા કે, ચકલી ફટ કરતોકને બીજો માળો બાંધી લેશે. એ કેટલા વ્યર્થ અને સંવેદન હીન હતાં એ આજે નિરજને સમજાતું હતું ! ચાર વરસમાં એણે મકાન તો પાછું ઉભું કરી દીધું પણ એને હજી એ 'માળો' નહોતો બનાવી શક્યો. હજી એ સૂનોજ હતો. પાછળ છૂટેલું વીસારી, નવી શરૂઆત કરવી કેટલી મુશ્કેલ હોય છે ! એને હવે સમજાયું. પછી એ માણસ હોય કે કોઇ પંખી !
નિરજ --હજુ એ બિલ્ડરજ છે. પણ હવે ફક્ત સ્કેવર ફીટમાં ન વિચારતાં એ સ્નેહ ને સંવેદનાથી વિચારે છે !...એના હર એક પ્રોજેક્ટ વૃક્ષો થી છવાયેલા હોય છે. એ દર વરસે હજારો માટીના બનેલા પંખીના માળાઓ બનાવી એનું મફત વીતરણ કરે છે. જેથી કોઇ જીવ માળાની હૂંફથી વંચિત ન રહે !